ડૂબકી:જગત એક વિશાળ અરીસો છે

2 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

દરેક સંવેદનશીલ માણસને જીવનના કોઈને કોઈ તબક્કે એક પ્રશ્ન મૂંઝવે છે – હું શા માટે છું? મારા હોવાનો અર્થ શો છે? હું શું કરું તો જીવનમાં સાચી પ્રસન્નતા મળે? એના જવાબ વ્યક્તિ-વ્યક્તિએ અલગ મળશે. જીવનની સાર્થકતા વિશે ચોક્કસ ફોર્મ્યુલા હોઈ શકે નહીં. જીવનયાત્રાના અંતે બધાંએ શૂન્યમાં ભળી જવાનું છે. તેમ છતાં મૃત્યુથી ડરીને આપણે જીવવાનું છોડી દેતા નથી. દરેક જણ એની સમસ્યાઓ અને જીવન જીવવાનો માર્ગ શોધવા પ્રયત્નશીલ રહે છે. જીવનમાં મૂંઝવતા પ્રશ્નો માટે દિશાસૂચન કરવા અનેક બોધકથાઓ ઉપલબ્ધ છે, સલાહ-સૂચનો કે ભારેખમ શબ્દોમાં આપવામાં આવતું માર્ગદર્શન ક્યારેક માથા પરથી પસાર થઈ જાય, જ્યારે વાર્તારસમાં ઝબોળાઈને મળતો બોધ સહેલાઈથી પચાવી શકાય છે. ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓ એનાં આદર્શ દૃષ્ટાંત છે. આજે કેટલીક અન્ય બોધકથાઓ જોઈએ. મધદરિયે ઊઠેલું નાનકડું મોજું ઊછળતું-કૂદતું કિનારા તરફ આગળ વધતું હતું. શીતળ પવન, ખુલ્લું આકાશ, વિશાળ જળરાશિની વચ્ચે એ ખૂબ ખુશ હતું. ત્યાં જ એણે જોયું કે એનાથી આગળ જતાં બધાં મોજાં દરિયાકાંઠે અથડાઈને વેરવિખેર થઈ જતાં હતાં. એણે વિચાર્યું: ‘ઓહ, ભગવાન આ તો બહુ ભયાનક છે! જુઓ તો, બધાં મોજાં સાથે શું બને છે? મારી સાથે પણ એવું જ બનશે?’ એને મૂંઝાયેલું જોઈ એક મોજું નજીક આવ્યું અને પૂછ્યું: ‘તું આટલું બધું નિરાશ કેમ થઈ ગયું છે?’ નાનું મોજું રડતુંરડતું બોલ્યું: ‘જો તો, કિનારે અથડાયા પછી બધાં મોજાંનું શું થાય છે? કિનારે અફળાઈને તૂટી પડે છે. શું આ જ આપણો અંત છે?’ બીજા મોજાએ કહ્યું: ‘તું સમજતું નથી. વાત અંતની નથી, ખરી મજા તો કિનારા સુધી પહોંચવા આપણે કરેલી યાત્રાનું છે. એક વાત યાદ રાખજે, તું કોઈ ક્ષુલ્લક મોજું નથી, આ વિશાળ મહાસાગરનો એક હિસ્સો છે. એ જ તારા અસ્તિત્વની સાર્થકતા છે.’ પ્રેરણાત્મક વ્યાખ્યાનો માટે જાણીતા એક વક્તા સેમિનારમાં ભાગ લેવા ગયા. એમનો વિષય હતો – જીવનમાં આવતાં દુ:ખોથી મુક્ત રહેવા શું કરવું. વક્તાએ વ્યાખ્યાનનો આરંભ રમૂજી પ્રસંગથી કર્યો. તે સાંભળીને લોકો હસીહસીને બેવડ વળી ગયા. થોડી મિનિટો પછી વક્તાએ એ જ જોક ફરી સંભળાવી. બહુ ઓછા લોકો હસ્યા. વક્તાએ ત્રીજી વાર એ જ જોક ફરી કહી ત્યારે કોઈ હસ્યું નહીં. વક્તા સ્મિત કરીને બોલ્યા: ‘તમે એકની એક જોક પર વારંવાર હસી શકતા નથી. તો પછી તમારા જીવનમાં આવતાં દુ:ખો પર દર વખતે રડો છો કેમ?’ લોકો એમની વાતનો મર્મ પામી ગયા કે દુ:ખ આવે ત્યારે વારંવાર રોદણાં રડ્યા કરવાનો કોઈ અર્થ નથી. ત્રીજી બોધકથા: બહુ જાણીતી યુનિવર્સિટીમાં ભણીને ખૂબ આગળ વધેલા કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમના પ્રોફેસરને મળવા ગયા. વાતચીતમાં તેઓ એમના વ્યવસાયના તનાવપૂર્ણ વાતાવરણની ફરિયાદો કરવા લાગ્યા. બધાને એમને મળેલી સફળતા અધૂરી લાગતી હતી અને તેઓ વધારે પામવા માગતા હતા. પ્રોફેસર સમજી ગયા કે એમના વિદ્યાર્થીઓ સફળતાની આંધળી દોટમાં જીવનનો મૂળ ઉદ્દેશ ચૂકી ગયા છે. એ રસોડામાં ગયા. પોટ ભરીને ગરમ કૉફી લાવ્યા. સાથે વિવિધ રંગો અને આકારના કપ લાવ્યા. કેટલાક કપ પ્લાસ્ટિકના હતા, કેટલાક ક્રિસ્ટલના હતા. કેટલાક બહુ મોંઘા તો કેટલાક સાદા અને સસ્તા હતા. પ્રોફેસરે વિદ્યાર્થીઓને જાતે કૉફી લેવા જણાવ્યું. બધાએ એમને ગમતા કપમાં કૉફી લીધી. પ્રોફેસરે કહ્યું: ‘તમે નોંધ્યું કે બધાએ સૌથી સારા કપ પર પસંદગી ઉતારી અને સાદા-સસ્તા કપ તરફ નજર પણ કરી નથી. દરેક વ્યક્તિએ કપ બહારથી કેવા દેખાય છે તેના પર ધ્યાન આપ્યું. આ વલણ સ્વાભાવિક છે, પરંતુ એ જ આપણા જીવનમાં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સનું કારણ બને છે. તમે કોઈ પણ કપ લો, કૉફીનો સ્વાદ બદલવાનો નથી. તમને બધાને કૉફીની જરૂર હતી, બાહ્ય દેખાવવાળા કપની નહીં. તમારું જીવન કૉફી છે અને તમારાં જૉબ, ઘર, કાર, પૈસા અને તમારું પોઝિશન વગેરે કપ જેવાં છે. તમે બહારથી સુંદર કપને મહત્ત્વ આપ્યું, કૉફીના સ્વાદને નહીં. જરૂરી નથી કે તમારી આસપાસનું બધું જ બાહ્ય ચળકાટ અને ભભકાવાળું હોય. શાંતિ અને પ્રસન્નતા તમારી ભીતર જ હોય છે, તમારી કેરિયર, જૉબ કે તમે વસાવેલી ભૌતિક ચીજોમાંથી તમને જીવનની સાચી શાંતિ મળશે નહીં.’ એક કૂતરો મ્યૂઝિયમના એક રૂમમાં ઘૂસી ગયો. એ રૂમની ચારે દીવાલો, છત, બારણાં, અને ફ્લોર પર મોટામોટા અરીસા લગાવ્યા હતા. કૂતરાએ અરીસાઓમાં ઉપર-નીચે-ચારે બાજુ પોતાનાં અસંખ્ય પ્રતિબિંબો જોયાં, જાણે હજારો કૂતરા એને ઘેરી વળ્યા હોય. એ જોરજોરથી ભસવા લાગ્યો. પ્રતિબિંબો પણ સામે ભસવા લાગ્યાં. કૂતરો વધારે મોટેથી ભસવા લાગ્યો. એના જ પડઘા સંભળાતા હતા. કૂતરો આખી રાત એનાં પ્રતિબિંબો પર હુમલા કરતો રહ્યો. સવારે ચોકીદારે રૂમ ખોલ્યો ત્યારે કૂતરો મરેલી હાલતમાં પડ્યો હતો. આપણે આપણી આસપાસ આપણા વિચારો, લાગણીઓ, અપેક્ષાઓ અને નકારાત્મકતાનાં પ્રતિબિંબ ઊભાં કરી દઈએ છીએ અને જાત સાથે લડતા રહીએ છીએ. કોઈએ કહ્યું છે: ‘એક અર્થમાં આખું જગત જાણે વિશાળ અરીસો છે અને આપણે એમાં પડતાં પોતાનાં પ્રતિબિંબોની સામે લડતા રહીએ છીએ.’ ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...