પ્રશ્ન વિશેષ:દેશ આખો ‘ગોસિપિંગ’ના મહારોગથી પીડાય છે!

ભદ્રાયુ વછરાજાનીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બનાવમાં હિંગ-ફટકડીનો સ્વાદ ન હોય અને તેને બોમ્બ - બ્લાસ્ટનો દરજ્જો આપી દેવાની આવડત તે ગોસિપિંગ

કોરોના કે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કે રથયાત્રા કે ચોથી-પાંચમી લહેરની વાત હોય પણ આખે આખો દેશ અત્યારે મોટી મોટી વાતો કરવામાં ને ગપગોળા ફેલાવવામાં વ્યસ્ત છે. ‘હેં, તમે સાંભળ્યું?’ એટલું બોલો ત્યાં તો આજુબાજુ ટોળું ભેગું થઈ જ જાય. એકસો પાંત્રીસ કરોડની પ્રજાના બે હાથને કામ મળે તેની કોઈને ચિંતા નથી કારણ એ પ્રજાના બે કાન કૂથલી-બિઝનેસમાં રમમાણ છે!! દેશ આખો ગોસિપિંગના મહારોગથી પીડાય છે. ગુજરાતીનાં એક લેખિકા બહુ મોટાં ઉદ્યોગગૃહ સાથે જોડાયેલાં છે, કરોડપતિ પતિનાં પત્ની છે, બહુ મળતાવડા અને ટીખળી છે. વાતો કરવાનો શોખ ધરાવતાં આ અગ્રણી મહિલા ખૂબ જ પ્રામાણિકતાથી કહે છે કે ‘મને ગોસિપિંગ બહુ ગમે. ‘અહીંની ત્યાં ને ત્યાંની અહીંયા’ કરવા મળે એટલે તો હું બે-ત્રણ કીટી ક્લબની મેમ્બર બની છું. મારા માટે ગોસિપિંગ એ બહુ સરસ ટાઈમપાસ છે...’ એ મહાદેવી તમારાં ઘરે આવે અને વાતોએ વળગે તો થાકે નહીં. અસ્ખલિત બોલે. મોદીથી લઈને મલાલા સુધીની ચૂરચૂરી કરે. વચ્ચે વચ્ચે તમને કહેતાં જાય : તમારે મોડું થાય તો કહેજો, હું તો ફ્રી છું એટલે આવી નાની મોટી ખટપટ કર્યા કરીશ...આ વિગત શતશઃ સાચી છે, આમાં લેશમાત્ર ગોસિપ નથી, સોગંદપૂર્વક કહું છું. ખટપટ કરવી એ માનવ સ્વભાવ છે, પણ સતત તેમાં જ રચ્યાંપચ્યાં રહેવું એ રોગ છે. ‘તમે સાંભળ્યું?’, ‘તમને કદાચ નહીં ખબર હોય, પણ ...’, ‘કહે છે કે...’, ‘આઈ એમ નોટ સ્યોર, બટ...’ આવા શબ્દપ્રયોગોથી શરૂ થતું વિધાન ખટપટનાં મંગલાચરણ છે! સમુહમાં બેઠા હોય ત્યારે પડોશીની ખૂબ નજીક જઈને કંઈક બોલવું તે ગોસિપ ગેમનો ટ્રાયલ બોલ છે. સામેથી જો જરાક હોંકારો મળ્યો તો જુઓ મજા, ગોસિપિંગની લાંબી લચક યાત્રા શરૂ. ‘કહેતી’તી...’ અને ‘કહેતો’તો...’વાળી કૂથલી શરૂ થાય પછી તેનો અંત ક્યાં આવશે કંઈ કહેવાય નહીં. કૂથલી એટલે ખટપટ એટલે ગોસિપ એટલે ‘મારી-તારી’ એટલે ચૂરચૂરી એટલે ‘વાતનું વતેસર’ એટલે ‘વા વાયો ને નળિયું ખસ્યું!!’ વાતમાં કંઈ દમ ન હોય પણ તેને દમદાર બનાવી દેવાની બુરી કળા તે કૂથલી. બનાવમાં હિંગ-ફટકડીનો સ્વાદ ન હોય અને તેને બોમ્બ-બ્લાસ્ટનો દરજ્જો આપી દેવાની આવડત તે ગોસિપિંગ...હોય થોડું અને તેને હવા નાખી ભડકો કરવાનો...વર્ષો પહેલાં હેમુ ગઢવી રચિત રેડિયોરૂપક રજૂ થયેલું : ‘કવળા સાસરિયાં’, એમાં ખટપટનું પરિણામ કેવું આવી શકે તે હૃદયસ્પર્શી રીતે વર્ણવ્યું છે. કૂવા કાંઠે પરણેતરને કોઈ મળે છે અને તે વાત કાનથી કાન વહેતી થાય છે ‘ઓરી આવ, તને કાનમાં કહું’ એમ કહીને કૂથલી શરૂ થાય છે અને ઘટનાનો અંત ત્યાં આવે છે કે પેલી પરણેતરે વખ ઘોળવાં પડે છે! કૂવા કાંઠે મળેલો તે પરણેતરનો વીરો હતો અને તે બ્હેનડીને તેડું કરવા આવેલો એવું સૌ જાણે છે ત્યાં સુધીમાં તો અનર્થ થઈ ગયો હોય છે. પરણ્યાને પસ્તાવો થાય છે, પણ તે કસમયનો રહી જાય છે. ખટપટ કે કૂથલી એ રોગ છે અને તેની કોઈ દવા નથી. સ્વભાવમાં જો આ રોગ ઘૂસ્યો તો બરબાદ થાવ અને બરબાદ કરો, એ નક્કી. તમે બચી જ ન શકો. ગોસિપિંગ એ ‘ખરજવાંની ખરજ’ જેવું લલચામણું છે. ખણતા જાવ ને મજા પડતી જાય પણ છેલ્લે નજર નાખો ત્યારે ખબર પડે કે ખરજવું જ્યાં છે ત્યાંથી લોહી નીકળી રહ્યું છે! પ્રત્યેક સ્કૂલનો સ્ટાફરૂમ, કોર્પોરેટ હાઉસનો કેન્ટીન એરિયા કે લિફ્ટની ચડઊતર, સચિવાલયની લોબી, બહુમાળી ભવનનાં પાર્કિંગ, પ્રસંગના મેળાવડાઓ, કોઈ મરી ગયું હોય તેનાં બેસણાં તો ખટપટનાં ઉદભવ કેન્દ્રો છે, મારી - તારી કરવા માટેનાં હોટ-સ્પોટ છે. એકબીજા મળે કે ત્રીજાનું વાટવાની શરૂઆત! મોડર્ન જમાનામાં હવે ખટપટ કરવા માટે રૂબરૂ મળવું જરૂરી નથી, સોશિયલ મીડિયા છે ને! સોશિયલ મીડિયા પર ચોવીસેય કલાક ને સાતેય દિવસ ગોસિપિંગ લાઈવ થઈ શકે. એક ડોશીમાએ એક જુવાનિયાને રોકડું પરખાવ્યું : ‘હવે જોયું તમારું સોશિયલ મીડિયા. અમે ડોશીઓ ઓટલે બેસીને હરૂભરૂ ચોવટ કરીએ, ઈ તમે ખાટલે બેસી હરૂભરૂ થયા વગર કરો, બીજું શું...? અમે ડોસા-ડઘરાં ને તમે જુવાનિયાઓ, કાંઈ આપણામાં ફરક ખરો કે નહીં? અમે તો પરવારી ચૂક્યાં, તમારે ઘણું કરવાનું બાકી છે, તો ય સમય કાં બગાડો?’⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...