વિચારોના વૃંદાવનમાં:પ્રકૃતિના વિશાળ ખેતરને બ્રહ્મ કહે છે એ ખેતરનું સૌથી પવિત્ર વિસ્મય SEX છે!

2 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

પૂરા ‌વિસ્મય સાથે તમે કોઈ સાઇકલને જોઈ છે ખરી? માણસે સદીઓ પહેલાં જ્યારે ચક્રની શોધ કરી પછી હજારો વર્ષ બાદ આપણને ‘સાઇકલ’ નામની કવિતા મળી! દુનિયાની ક્રાંતિકારી વિચારક આઈન રૅન્ડ સાવ નવું વિચારવા માટે જાણીતી વિદુષી હતી. એણે લખ્યું છે કે ચક્રની શોધ કરનાર માણસને જીવતો બાળી મૂકવામાં આવેલો. કાકાસાહેબ તો ચક્રની શોધ કરનારા એ મનુષ્યને ‘ચક્રઋષિ’ કહે છે. આજની સાઇકલ પણ ચક્રઋષિ દ્વારા મળેલી મહાન ભેટ ગણાય. જ્યારે પણ સાઇકલ ચલાવો ત્યારે એક સેકન્ડ માટે એ ચક્રઋષિનું સ્મરણ કરશો? જીવનમાંથી પૈડું કાઢી લો પછી શું શું બચે તેનો વિચાર કરવા જેવો છે. કાર ન બચે, ટ્રેન ન બચે અને વિમાની મુસાફરી પણ નહીં બચે. અનાજ દળવાની ઘંટી ન બચે અને તેલ કાઢવાની ઘાણી પણ નહીં બચે. નવરાત્રિમાં ફરતા ગરબા પણ ચક્રઋષિને આપેલી સ્મરણાંજલિ ગણાવી જોઈએ. વિમાન આકાશમાં ઊડે તે પહેલાં રનવે પર દોડે, તે પણ ચક્રઋષિના પ્રતાપે જ ને? કુંભારનો ચાકડો પણ ફ્લાયવ્હીલનો આદ્યપિતા જ ગણાય. કાર ચલાવતી વખતે જે ચાર મૂકસેવકો ગતિભેર ફરતાં રહે છે તેને લોકો વ્હીલ્સ કહે છે અને એ ચાર વ્હીલ્સમાંથી ગતિમાં ચાર ટાયરોનો ફાળો ભૂલવા જેવો નથી. દારેસલામમાં પ્રવચનો ગોઠવાયાં ત્યારે ટાન્ઝાનિયાના જંગલ વિસ્તારોમાં દિવસો સુધી ભ્રમણ કરવાનું બન્યું હતું. અમારી સાથે બે મિત્રો હતા: અશ્વિનભાઈ ગણાત્રા અને જનાર્દન શુક્લ. જનાર્દનભાઈ સુજ્ઞ વાચક અને મારા ચાહક પણ છે. તેઓ મૂળ ધ્રાંગધ્રાના છે. એ મિત્રોએ મને આદિવાસીઓએ બનાવેલી સાઇકલ બતાવી ત્યારે મારા રોમહર્ષનો પાર ન રહ્યો. સાઇકલમાં ક્યાંય લોખંડ ન હતું. બે લાકડાનાં ચકરડાં હતાં. માનશો? એ સાઇકલ દોડતી હતી અને સાવ અપ્રદૂષિત એવો એક આદિવાસી આફ્રિકન એના પર બેઠો પણ હતો. સાઇકલ ધીમી ગતિએ દોડે ત્યારે આચકાભેર દોડે કારણ કે પૈડાં સંપૂર્ણ ગોળાકાર ન હતાં. આવી ગ્રામોદ્યોગી સાઇકલ જોઈ ત્યારે ચક્રઋષિને વંદન થઈ ગયાં અને સાથોસાથ કાકાસાહેબનું પણ સ્મરણ થયું. સાઇકલ સાથે ઊભેલા આફ્રિકન આદિવાસીઓ હસે ત્યારે એક બાબત નવી જડે. દેહ સંપૂર્ણ શ્યામરંગી હોવાને કારણે એમના દાંતની સફેદી વધારે સફેદ જણાય. આવા અપ્રદૂષિત અને શ્યામસુંદર આદિવાસીઓને મળવું એ તો સાક્ષાત્ માનવતાને મળવા બરાબર ગણાય. દિવસ સુધરી ગયેલો! શ્યામસુંદર શ્રીકૃષ્ણનું પીતાંબર ખાદીનું હતું. છે કોઈ શંકા? એમની માખણચોરી પણ કવિતા બનીને ઊજળી થઈ! જગતમાં ક્યાંય ચોરી સાથે કવિતાનો આવો દિવ્ય અનુબંધ રચાયો હશે ખરો? જે ગોપીનું માખણ ચોરાય, તે ધન્ય ધન્ય! જીવનમાં ખરા અધ્યાત્મનો પ્રારંભ વિસ્મયથી થતો હોય છે. જે માણસ સાઇકલને વિસ્મયપૂર્વક ન નીરખે, તે સૂર્ય, ચંદ્ર, નદી, સાગર કે વૃક્ષને વિસ્મયપૂર્વક નીરખે એ શક્ય ખરું? વિખ્યાત ગણિતજ્ઞ, વિજ્ઞાની અને ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલનું એક મહાવિધાન હૈયે વસી ગયું છે: વિજ્ઞાન અને ધર્મ વચ્ચે જે અવાંતર ભૂમિ (No Man’s Land ) આવેલી છે, તેને ફિલસૂફી કહે છે. દુનિયામાં કોઈ પણ દેશની બુકશૉપમાં જવાનું બને તો એક વાતનો ખ્યાલ તરત આવી જશે કે આજે ફિલસૂફીનાં પુસ્તકો સૌથી વધારે વંચાય છે અને વેચાય છે. આજનો છિન્ન-વિચ્છિન્ન મનુષ્ય ફિલસૂફીમાં થોડુંક આશ્વાસન મેળવે છે. જે સાહિત્યકાર પાસે ફિલસૂફીનું જાણપણું નથી તેઓ અધૂરા સાહિત્યકારો ગણાય. એક સૂત્ર પાકું કરી રાખવા જેવું છે: ‘Wonder is the beginning of philosophy and philosophy is the beginning of wisdom.’ (આમ આપણે જેને તત્ત્વજ્ઞાન કહીએ છીએ તે તો શાણપણની શરૂઆત છે.) શાણપણનો ખરો સંબંધ વિસ્મય સાથે છે. હું સાધુ બનવાનો વિચાર ક્યારેય નથી કરતો, પરંતુ ભૂલેચૂકે પણ હું સાધુ બનું, તો મારું નામ ‘સ્વામી વિસ્મયાનંદ’ જ રાખું. સાધુ બનવાની મારી પાત્રતા પણ નથી. મને સંસારમાં રહીને લગભગ સાધુજીવન ગાળનારા મનુષ્યો વધારે ગમે છે. જો ઘર મંદિર જેવું બને તો જીવન સાધુતાથી શોભતું બની શકે. સંસ્કૃત શબ્દકોશમાં તો ઘર એટલે મંદિર. આજના પ્રક્ષિપ્ત માણસને વાનર કરતાં મોટા કદનું મગજ મળ્યું છે, પરંતુ મગજને બદલે મગજમારીને પનારે પડ્યાનો ગમ એને નથી સતાવતો. જીવનભર મગજમારી ચાલતી રહે છે. મગજમારીના પતિનું નામ સ્વાર્થ છે. સ્વાર્થનો નશો સગા ભાઈને પણ છોડવા તૈયાર નથી હોતો. ઘણીખરી ટીવી સિરિયલો મગજમારી પર ચાલે છે. આપણી આસપાસ સતત ખીલતી અને ખૂલતી પ્રકૃતિની સહજમારી કેવી હોય? ખીલવું અને ખૂલવું એ પુષ્પનો સુગંધસિદ્ધ અધિકાર છે. વહેવું અને સતત વહેવું એ નદીનો સાગરસિદ્ધ અધિકાર છે. ટમટમવું અને સતત ટમટમવું એ તારાનો આકાશસિદ્ધ અધિકાર છે. વરસવું અને મન મૂકીને વરસવું એ વાદળનો ધરતીસિદ્ધ અધિકાર છે. જીવવું અને ધરાઈને જીવવું, એ પ્રત્યેક માનવીનો ઉપનિષદસિદ્ધ અધિકાર છે! એક વિદ્વાન પ્રોફેસર ઓચિંતા ઘરે આવી ચઢ્યા અને મને અત્યંત અઘરો પ્રશ્ન પૂછી બેઠા: ‘ગુણવંતભાઈ! આ બ્રહ્માંડનું સૌથી ગહન ગણાય તેવું વિસ્મય કયું?’ એક ક્ષણના વિલંબ વિના મેં આવા મહાપ્રશ્નનો જવાબ આપ્યો: ‘મિત્ર! સેક્સ એ આપણી ચણીબોર જેવડી પૃથ્વી પર પાંગરતું સૌથી ગહન અને આદરણીય વિસ્મય છે. મારે મન તો સેક્સ અત્યંત પવિત્ર એવી પ્રાકૃતિક અને સાર્વત્રિક ઘટના છે. આવી સહજ બીજી કોઈ ઘટના નથી. આવી પવિત્ર ઘટનાને માણસ બળાત્કાર (વિનયભંગ) જેવી નીચ દુર્ઘટના સુધી તાણી ગયો! સેક્સને વિસ્મય સુધી ઊંચી કક્ષાએ લઈ જવામાં માનવજાતને મળેલી નિષ્ફળતા જ યુદ્ધ અને હિંસા માટે જવાબદાર છે. આ વાતને અહીં અટકાવી દેવામાં જ શાણપણ રહેલું છે. ‘બાત નિકલેગી તો બહુત દૂર તક જાએગી.’ વાચકો પ્રત્યે કરુણા રાખવી પડે! સેક્સ અંગેની આવી સમજણ મને કૃષ્ણ તરફથી મળી છે. કૃષ્ણે ગીતામાં પણ સેક્સનો ઉચિત મહિમા કર્યો છે. (અધ્યાય: 7, શ્લોક-11) કૃષ્ણ કહે છે: ‘હે અર્જુન! ધર્મથી વિરોધમાં ન હોય એવો કામ (sex) હું છું.’ (7, 11) ⬛ }}} પાઘડીનો વળ છેડે એક પુરાણા તળાવની શાંતિ ચીરીને દેડકો પાણીમાં કૂદી પડ્યો અને ત્યારે સર્જાયો શાશ્વત શાંતિનો છંદોલય! બાશો (જાપાની કવિ) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...