ડણક:44 વર્ષના એકાંતવાસ બાદ મૃત્યુ પામેલ આલ્બર્ટ વુડફોક્સની અનોખી કહાની

એક મહિનો પહેલાલેખક: શ્યામ પારેખ
  • કૉપી લિંક

શહેરોના કોલાહલથી થાકીને કોઈ શાંત જગ્યાએ થોડા દિવસ માટે ચાલ્યા જવાનું પસંદ કરતા સહુ લોકોને, આમ તો થોડી ક્ષણો પણ સાવ એકલું રહેવું જરા પણ પસંદ નથી હોતું! અને આજકાલ મોબાઇલ ફોનના જમાનામાં તો થોડી પણ શાંતિ કે એકાંતનો અનુભવ થાય કે તરત જ લોકો મોબાઈલ ફોન ખોળી અને સગાંસંબંધીઓ કે મિત્રો જોડે જોરજોરથી વાતચીત કરવાનું શરૂ કરી દે છે! કારણ બહુ સામાન્ય છે. એકલતા લોકોને કોરી ખાય છે અને લાંબો સમય એકલા રહેવાથી માણસના મગજ પર બહુ ખરાબ અસર પડે છે. પરિણામે વિચારધારામાં અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરતા ફેરફાર થાય છે. તો વિચારો કે અગર જીવનના ચાર દાયકા ઉપરાંતનો સમય કોઈએ 9 ફીટ X 3 ફીટની ખોલીમાં વિતાવવો પડે તો કેવી માનસિક અને શારીરિક યાતના વેઠવી પડતી હશે? અને એ પણ એવી પરિસ્થિતિમાં કે જ્યાં રહેવાથી માણસ સામાન્ય રીતે 7 દિવસમાં માનસિક રીતે ભાંગી પડતા હોય છે. આટલા લાંબા સમયની કેદ પૂરી કરતાં પહેલાં જ મોટા ભાગના કેદીઓ માનસિક રીતે બીમાર થઈ જતા હોય છે અથવા આપઘાત કે અન્ય બીમારીથી મૃત્યુ પામતા હોય છે. એટલે અગર કોઈ આવા એકાંતવાસમાંથી સાજું સારું બહાર નીકળે અને તે પણ તેમને કેદમાં મોકલનાર કે કેદમાં ત્રાસ આપનાર વ્યક્તિઓ પ્રત્યે કિન્નાખોરી કે ગુસ્સા વિના! અને બહાર આવ્યા બાદ શાંત ચિત્તે જેલમાં કેદીઓ પર ગુજારવામાં આવતી યાતના અને એકાંતવાસની સજાનો વિરોધ કરવા માટે બાકીની જિંદગી વિતાવે, તો એ જરૂર અજોડ અને આશ્ચર્યજનક તો લાગે જ. ખાસ કરીને કોવિડ લોકડાઉનમાંથી બહાર નીકળીને અને સામાન્ય રીતે પણ સ્ક્રીન સામે ખૂબ સમય વિતાવતી અને વાતે-વાતે ‘થેરપી’ અને ‘કાઉન્સેલિંગ’ની જરૂરિયાત અનુભવતી યુવા પેઢી માટે વિષમ પરિસ્થિતિમાં પોતાની માનસિક હાલત કેમ ટકાવી તે જરૂરથી શીખવા જેવું ખરું. અને આ સમજાવી આપતો એક કિસ્સો તાજેતરમાં જ વિશ્વપ્રસિદ્ધ થયો. 75 વર્ષની ઉંમરે, અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ ખાતે કોવિડની બીમારીથી, 4 ઓગસ્ટ, 2022ના રોજ અવસાન પામેલ આલ્બર્ટ વુડફોક્સનો. અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યની કુખ્યાત ‘અંગોલા’ જેલમાં, વુડફોક્સે કુલ 44 વર્ષ એકાંત-કારાવાસમાં વિતાવ્યા હતા. આ એ જ જેલ છે જ્યાં પહેલાં આફ્રિકાથી પકડી લાવતા ગુલામોને રાખવામાં આવતા. સંભવતઃ વિશ્વના અને જરૂરથી અમેરિકાના ઇતિહાસમાં કોઈ પણ અન્ય કેદીઓ કરતાં વધુ સમય એકાંતવાસમાં વિતાવવાનો કદાચ આ સહુથી લાંબો રેકોર્ડ છે. વુડફોક્સની જેલયાત્રા છેક 1965માં શરૂ થઈ હતી. નાના-નાના ગુનાસર વુડફોક્સને જેલમાં જવું પડતું હતું. અને ત્યાં જેલર દ્વારા ગુજારવામાં આવતા ત્રાસથી તે રીઢો બની રહ્યો હતો. 1972માં જેલમાં સજા કાપી રહેલા વુડફોક્સને એક જેલ અધિકારી બ્રેન્ટ મિલરની હત્યાના આરોપ પછી, એકાંત કેદમાં મૂકવામાં આવ્યો હતો. આ અધિકારીની હત્યાનો કેસ અનેક કાનૂની લડત બાદ પણ વુડફોક્સને હત્યારો અને મુખ્ય ગુનેગાર સાબિત ના કરી શકાયો. કોઈ ફોરેન્સિક પુરાવાઓ પણ વુડફોક્સને આ ગુના સાથે જોડતા ન હતા. અને જે સાક્ષીઓની જુબાનીના આધારે વુડફોક્સને સજા થઇ હતી તેઓ વર્ષો વિતતાં ખોટા અથવા અવિશ્વસનીય સાબિત થયા. પરંતુ ખુનના પુરવાર ના થયેલા ગુના માટે 50 વર્ષના એકાંતવાસની સજા કાયમ રહી. અને માત્ર વુડફોક્સ જ નહીં પરંતુ તેની સાથે અન્ય બે કેદીઓને પણ આજ ગુનામાં સજા થઇ. પરિણામે આ ત્રણ કેદીઓ ‘અંગોલા-3’ તરીકે જાણીતા થયા. ખૂબ લાંબી કાનૂની લડાઈ બાદ આખરે વર્ષ 2016માં વુડફોક્સને છોડી મૂકવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 2019માં તેણે પોતાની આપવીતી ‘સોલિટરી’ નામના પુસ્તક સ્વરૂપે દુનિયા સમક્ષ મૂકી. આ જેલવાસ દરમિયાન અશિક્ષિત અને છેક અભણ જેવા જ કહી શકાય તેવા વુડફોક્સ પર અનેક યાતનાઓ ગુજારવામાં આવી અને અસહ્ય અપમાન પણ થયા. અન્ય કેદીઓ દ્વાર આચરવામાં આવતી હિંસાનો પણ તેઓ શિકાર બન્યા. અને આ ઉપરાંત જેલ અધિકારીઓ દ્વારા તેમના ઉપર ગેસનો ઉપયોગ કરી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતા. અને એટલે જ તેમનું સંસ્મરણ પુસ્તક "સોલિટરી’ આટલી ખરાબ અને લાંબી એવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાની માનસિક હાલત કેવી રીતે જાળવી રાખી તે સમજવા ખૂબ ઉપયોગી છે. દિવસના લગભગ 23 કલાક જેટલો સમય વુડફોક્સ એકલો વિતાવતો. બાકીના એક કલાકમાં તેને નહાવા, કસરત કરવા માટે સાંકળો બાંધીને બહાર લઇ જવામાં આવતો. પરંતુ આવી વિષમ પરિસ્થિતિમાં સાજા-સારા રહેવાનો શ્રેય તે ‘બ્લેક પેન્થર્સ પાર્ટી’ના જેલવાસી કાર્યકર્તાઓને આપે છે. 1969માં વુડફોક્સને સશસ્ત્ર લૂંટ માટે દોષિત ઠેરવવામાં આવ્યો અને 50 વર્ષની સજા ફટકારવામાં આવી. પરંતુ તે કોર્ટમાંથી સજાની સુનાવણી દરમિયાન ભાગી ગયો. થોડા મહિનાઓ પછી તેને ફરીથી કેદ કરી અને ટોમ્બ્સ, મેનહટન જેલમાં મોકલવામાં આવ્યો. અહીં એણે વિતાવેલું દોઢ વર્ષ, ખૂબ પરિવર્તનકારી સાબિત થયું. અહીં તે બ્લેક પેન્થર પાર્ટીના સભ્યોને મળ્યો, અને વાંચતા-લખતા શીખવા ઉપરાંત વિવિધ વિષયો ઉપર તેઓએ ચર્ચાઓ કરી. એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના અને સાથી જેલવાસીઓ અંગે જણાવ્યું હતું, ‘અમે સભાનપણે એક નિર્ણય લીધો કે, અમે ક્યારેય ‘ઇન્સ્ટિટ્યૂશનલાઇસ’ નહીં થઈએ.’ અર્થાત્ આવી પરિસ્થિતિમાં અન્ય કેદીઓ જેવા વર્તાવથી દૂર રહીશું અને જેલરોના ત્રાસથી તૂટી નહીં જઈએ. ‘અને અમે પોતાની જાતને સુધારવા અને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કર્યા,’ તેમણે કહ્યું. વુડફોક્સે કહ્યું કે તેણે પોતાની જાતને જેલના પુસ્તકો હેઠળ ડુબાવી દીધી. તેણે ફ્રેન્ટ્ઝ ફેનન, માલ્કમ એક્સ અને માર્કસ ગાર્વેનો અભ્યાસ કર્યો. તેણે કાળકોટડીમાંથી બૂમો પાડીને અને પાઈપો પર ચડી બૂમ પાડીને પોતાની જેમ એકાંતવાસમાં રહેતા અન્ય કેદીઓ સાથે રમતોનું આયોજન કર્યું! અને એટલું જ નહીં આફ્રિકન વંશીય લોકોના ઇતિહાસની કસોટીઓ અને ક્વિઝ પણ તેણે આ રીતે જ આયોજિત કરી. અને જ્યારે શક્ય હોય ત્યારે તે ઘણા યુવાન કેદીઓને કેવી રીતે વાંચવું તે તેઓ શીખવતા. વુડફોક્સે ગાર્ડિયન અખબારને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "અમારી કેદકોટડી અમારા માટે ‘ડેથ ચેમ્બર’ બનવાની હતી. પરંતુ, અમે તેને શાળાઓમાં અને ડિબેટ હોલમાં ફેરવી દીધી! અમે આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જરૂરી સાધનો વિકસાવવા માટે સમયનો ઉપયોગ કર્યો.’ આવી પરિસ્થિતિમાં અન્ય કેદીઓ જ્યારે સમાજ અને માનવતાથી દૂર જાય છે ત્યારે કડવાશ, આક્રોશ અને ગુસ્સો તથા બદલાની ભાવનાથી ખતમ થઇ જતા હોય છે. વૈજ્ઞાનિકોએ એકાંતવાસ ભોગવી ચૂકેલ અન્ય કેદીઓના મગજ પર કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરેલો છે. પરંતુ વુડફોક્સ જેવો કિસ્સો ઇતિહાસમાં જૂજ છે! જોકે રશિયાની કમ્યુનિસ્ટ સરકાર દ્વારા એલેક્ઝાંડર સૉલ્ઝેનિત્સીન નામના નોબેલ વિજેતા લેખકને ઘણાં વર્ષો સુધી ખૂબ યાતનાઓ વચ્ચે રાખવામાં આવ્યા હતા. અને વર્ષો બાદ તેઓ સાજાસારા બહાર નીકળી શક્યા હતા. અને બહાર નીકળીને તેમણે પોતાની આપવીતી વિશે લખેલાં પુસ્તકો પણ તેમની મનોસ્થિતિનો સારો એવો અંદાજ આપે છે. ⬛ shyam@kakkomedia.com

અન્ય સમાચારો પણ છે...