તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:પડદા પાછળનું સત્ય

એક મહિનો પહેલાલેખક: માવજી મહેશ્વરી
 • કૉપી લિંક
 • એક જણ દોડીને ઈનામદારની પત્ની સરોજના હાથમાં માઈક આપ્યું. સરોજે આખાય હૉલમાં નજર ફેરવી. તેના હોઠ ઉપર ન સમજાય તેવું સ્મિત આવ્યું

શણગારેલો હૉલ ગુલાબની આછી વહેતી સુગંધથી મહેકી રહ્યો હતો. ગુલાબની સુગંધ વહેતી હતી એનું એક કારણ હતું કિરણ ઈનામદાર. જેને સન્માનવા, તેમના મંત્રમુગ્ધ કરી દેતા શબ્દોથી ભીંજાઈ જવા માટે લોકો ખાસ આવ્યા હતા. ઓડિયન્સમાં મોટાભાગના યુવાનો હતા. કિરણ ઈનામદારે યુવાવર્ગને પોતાના લખેલા અને બોલાયેલા શબ્દોનું ઘેલું લગાડ્યું હતું. ઈનામદારને એનો છાનો ગર્વ પણ હતો. સ્ત્રીઓથી વીંંટળાયેલા રહેતા ઈનામદારની તસવીરો અવાર-નવાર ચર્ચામાં રહેતી. અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં અસ્ખલિત વહેતી એમની વાણી જ્યારે સ્પીકરમાંથી મેગ્નિફાય થઈને વહેવા માંડતી. ઈનામદાર યુવાનોમાં બહુ જ પ્રિય હતા, પણ અમુક વર્ગ માનતો કે ઈનામદાર યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. સામાજિક ધારાધોરણો અને પરંપરાઓથી ઉફરા ચાલતા તેમના વિચારોની ટીકા પણ થતી. એમના માટે એવીય વાતો થતી રહેતી તેમણે છૂટાછેડા લઈ લીધાં છે અને કોઈ સ્ત્રી સાથે મૈત્રી કરારથી રહે છે. તેમ છતાં તેમની લોકપ્રિયતા ઘટતી નહોતી. એવા ઈનામદાર આજે તેમનાં પોતાનાં શહેરમાં આવ્યાં હતાં. શહેર પોતાના લેખકને આવકારવા ઉત્સાહિત થઈ ગયું હતું. પત્ની સાથે ભાગ્યે જ મંચ ઉપર દેખાતા ઈનામદાર આજે સજોડે આવ્યા હતાં. આમ તો ઈનામદારે શરૂઆતના સમયમાં સામાન્ય લેખક જ હતા. એમના નસીબે અચાનક પડખું ફેરવ્યું. એક મહત્ત્વના વર્તમાનપત્રમાં એમને એક કોલમ મળી. તે પછી તો બહુ જ ટૂંકા સમયમાં તેમણે ચાહકોની ફોજ ઊભી કરી નાખી. એમને કોલમ આપનાર પૂર્તિની મહિલા સંપાદક એમની ખાસ મિત્ર હતી એવુંય કેટલાક લોકો કહેતા ફરે છે. પણ ઈનામદારે કદી કોઈ વાતનો રદિયો આપ્યો નથી કે ન તો કોઈની નોંધ લીધી છે. એમની પર્સનાલિટી કોઈ એક્ટરથી કમ ન હતી. એટલે જ તેઓ પોડિયમ પાસે આવ્યા ત્યારે કેટલીય વાર સુધી હૉલ તાળીઓના ગડગડાટથી ગાજતો રહ્યો હતો. – આજે હું ખુશ છું. બહુ જ ખુશ છું. એના બે ત્રણ કારણ છે. એક તો હું મારી જન્મભૂમિ ઉપર છું, બીજું મારી ધર્મપત્ની સાથે છું. આપ સૌએ મને વાંચ્યો છે, સાંભળ્યો હશે. હા મને કેટલાય લોકોએ પૂછ્યું છે કે તમે પત્ની સાથે કેમ નીકળતા, કેમ તમારા પત્ની તમારી સાથે જાહેર કાર્યક્રમોમાં નથી આવતા. એટલે મેં આજે નક્કી કર્યું કે મારી જન્મભૂમિ ઉપર મારે એકલા ન જવું જોઈએ. હું આજે મારી પત્ની, મારી સહધર્મચારિણી સરોજ સાથે આવ્યો છું. હું મારી પત્નીને કહીશ કે તે આજે મારી પડખે ઊભી રહે જ્યાં સુધી હું બોલતો રહું. કેમ કે મારો શબ્દ મારી પત્નીની દેન છે. મારી ખરી પ્રેરણા મારી પત્ની સરોજ છે. મારી આજ સુધીની પ્રગતિ અને મારા પ્રભાવનો સ્ત્રોત મારી પાછળ ઊભેલી આ સ્ત્રીનો છે. મારી સાહિત્યિક યાત્રાના દરેક પડાવ ઉપર મને સાથ આપ્યો છે. એ બહુ બોલતી નથી. સરોજ ન મળી હોત તો કદાચ હું માનવા પણ તૈયાર ન હોત કે આવી મીતભાષી સ્ત્રીઓ પણ હોય છે. મારી ઈચ્છા છે કે મારા આજના વક્તવ્યની પૂર્ણાહૂતિ સરોજ કરે. એક જણ દોડીને ઈનામદારની પત્ની સરોજના હાથમાં માઈક આપ્યું. સરોજે આખાય હૉલમાં નજર ફેરવી. તેના હોઠ ઉપર ન સમજાય તેવું સ્મિત આવ્યું. તેણે ગળું ખોંખાર્યું અને કહ્યું, ‘તમે મિસ્ટર ઈનામદારને કેટલું ચાહો છો?’ હૉલમાંથી જાત જાતના ગોકીરો ઊઠ્યો. ‘ઓહ! જેને કેટલા બધા લોકો મિસ્ટર ઈનામદારને ચાહે છે. તમે આજે તમારા પ્રિય લેખક અને વક્તાને મળવા આવ્યા છો બરાબરને? મારી તમને એક વિનંતી છે કે તમે લેખકને દૂર રહીને ચાહો એજ યોગ્ય છે. એની નજીક ન જાઓ, એને રુબરુ ન મળો. નિરાશ થશો. લેખક જેવું લખે છે એવો જ હોય એવું હોતું નથી. લેખકો જ્યારે વક્તા બને છે ત્યારે મોટાભાગે ખોટું બોલતા હોય છે. મારા પતિ પણ એક લેખક છે. એક વાત કહું ? મિસ્ટર ઈનામદાર આજે મને રાજી કરવા ખોટું બોલ્યા છે. એમની પ્રેરણા કોણ છે એની મને ખબર નથી, પણ હું એમની પ્રેરણા નથી એની મને ખબર છે. બસ મારે આટલું જ કહેવું હતું.’ અચાનક જ લાઈટ ગઈ. કોઈકે જનરેટર ચાલુ કર્યું. હૉલ ફરી ઝળહળી ઊઠ્યો. કિરણ ઈનામદાર સ્તબ્ધ થઈ ગયેલા શ્રોતાઓને જોઈ રહ્યા હતા. ટટ્ટાર ઊભેલી સરોજે ઈનામદારની સામે સ્મિત કર્યું અને ધીમેથી માઈક પોડિયમ ઉપર મૂકી દીધું.

mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો