તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:પ્રેયસી જેન કદી માની હતી, છોકરી એ ખૂબ તોફાની હતી

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિરાલના મનમાં પ્રશ્ન ઘૂમરાતો હતો: ‘મારી વાત થોડી વાર માટે બાજુ પર મૂકી દઉં પરંતુ શૈવાલીની સ્થિતિ અત્યારે કેવી હશે? શું એ ત્રણ વર્ષના પ્રેમસંબંધને ભૂલી શકી હશે?

બધું અચાનક બની ગયું અને ઝડપથી બની ગયું. શિરાલને સમાચાર મળે ત્યાં સુધીમાં તો શૈવાલી કોઇ સંગ્રામ નામના યુવાન જોડે પરણીને હનીમૂન માટે ઊપડી ગઇ હતી. શૈવાલીના પપ્પાને ડર હતો કે દીકરીનાં લગ્ન સમયે શિરાલ કદાચ કંઇક બબાલ કરશે. એમણે એવા કિસ્સાઓ સાંભળ્યા હતા કે પીઠી ચડેલી કન્યા માંડવામાં પધારતાં પહેલાં છેલ્લી ઘડીએ પોતાના પ્રેમી સાથે નાસી ગઇ હોય; એટલે શૈવાલીના પપ્પાએ ગણતરીનાં સગાંવહાલાઓની ઉપસ્થિતિમાં પ્રસંગ આટોપી લીધો હતો. વર પક્ષવાળાને પણ આ વ્યવસ્થા માફક આવી હતી. સંગ્રામ પરદેશમાં રહેતો હતો અને કન્યા પસંદ કરવા માટે જ ઇન્ડિયા આવ્યો હતો. એના નસીબ સારા કે પ્રથમ કન્યા રૂપે શૈવાલીને જોયાં પછી બીજી કન્યા જોવાની જરૂર જ ન રહી. સંઘેડાઉતાર રૂપનો રેલો જોઇ લીધાં પછી છૂટાછવાયા સૌંદર્યના છાંટાઓમાં કોને રસ પડે? કંકોતરી છપાવવા જેટલો પણ સમય રહ્યો ન હતો. ફોન દ્વારા 50-50 સ્વજનોને આમંત્રણ આપીને ‘કન્યા પધરાવો સાવધાન’ ઉજવાઇ ગયું. શિરાલના કાન સુધી સમાચાર પહોંચ્યા ત્યારે અધૂરી માહિતીનાં કારણે હાથ જોડીને બેસી રહેવા સિવાય એની પાસે બીજો કોઇ રસ્તો રહ્યો નહોતો. એ પછી પણ શિરાલે જેટલો શક્ય હતો એટલો સળવળાટ તો કર્યો જ. શૈવાલીની ખાસ બહેનપણી શિખાને પૂછ્યું, ‘સંગ્રામ ક્યાં રહે છે? એ ક્યારે પાછો જવાનો છે? શૈવાલીને પરદેશ જતાં કેટલા મહિના લાગશે? મારે એની સાથે વાત કરવી હોય તો ક્યારે થઇ શકશે?’ શિખાના પ્રત્યેક જવાબમાં સુપ્રીમ કોર્ટ તરફથી મૂકવામાં આવેલો સ્ટે ઓર્ડર સાંભળી શકાતો હતો: ‘શૈવાલીનો મોબાઇલ નંબર ચેન્જ થઇ ગયો છે. તેનો પતિ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં રહે છે. દસ દિવસ પછી એ જતો રહેશે. એના ગયાં પછી પણ શૈવાલી એનાં સાસુ-સસરાની સાથે જ રહેવાની છે. એ લોકો કયા શહેરમાં રહે છે એ મને ખબર નથી.’ શિરાલ સમજી ગયો કે શિખા કોઇની સૂચના અનુસાર જવાબ આપી રહી હતી. આવી કડક સૂચનાઓ શૈવાલીએ તો ન જ આપી હોય; આવા કડક મનાઇ હુકમો તો શૈવાલીના પપ્પાએ જ ફરમાવ્યા હોવા જોઇએ. શિરાલે કોલેજકાળના જેટલા કોમન ફ્રેન્ડ્સ હતા એ બધાંનાં દ્વાર પર ટકોરા મારી જોયા. ક્યાંયથી માહિતી મળી નહીં. એ બધાં પાસે ખરેખર વિશેષ માહિતી હતી જ નહીં. શિરાલ તરફડીને રહી ગયો. શિરાલ માટે આ પરિસ્થિતિ સ્વીકારવી સાચે જ અઘરી હતી. ત્રણ વર્ષનો કોલેજકાળ જિંદગીના કમ્પ્યૂટરમાંથી ડિલિટની કી દબાવીને પળવારમાં ભૂંસી નાખવો લગભગ અશક્ય હતો. તેના મનમાં પ્રશ્ન ઘૂમરાતો હતો: ‘મારી વાત થોડી વાર માટે બાજુ પર મૂકી દઉં પરંતુ શૈવાલીની સ્થિતિ અત્યારે કેવી હશે? શું એ ત્રણ વર્ષના પ્રેમસંબંધને ભૂલી શકી હશે? જે રીતે એણે મને ચાહ્યો છે એ જોતાં લગ્નના માંડવામાં બેસતી વખતે પણ સંગ્રામના ચહેરામાં એણે મને જ જોયો હશે. જો લગ્ન પછી એ મને ભૂલી નહીં શકે તો અવશ્ય એ સામેથી મારો સંપર્ક સાધશે. એનો મોબાઇલ નંબર ભલે બદલાઇ ગયો હોય પણ મારો મોબાઇલ નંબર તો એનો એ જ છે. હું જીવનભર મારું સિમકાર્ડ બદલીશ નહીં. મને વિશ્વાસ છે કે ક્યારેક તો શૈવાલીનો કોલ આવશે જ. ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ.’ સંગ્રામ શૈવાલી સાથે હનીમૂન ઊજવીને પરદેશ ચાલ્યો ગયો. શૈવાલી સાસુ, સસરા અને નણંદની સૃષ્ટિમાં ખોવાઇ ગઇ. આ તરફ શિરાલ ગૂગલ સર્ચ કરતો રહ્યો. સ્કેન્ડિનેવિયન કન્ટ્રી એટલે કયો દેશ એ શોધતો રહ્યો. ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, આઇસલેન્ડ આ બધાંમાંથી સંગ્રામ જ્યાં સેટલ થયો છે એ દેશ કયો હશે? સંગ્રામની પ્રોફાઇલ જાણવા માટે પણ એણે ભરપૂર કોશિશ કરી પરંતુ નિષ્ફળતા મળી. છ એક મહિના પછી શિખા દ્વારા જાણવા મળ્યું, ‘તારી ભૂતપૂર્વ પ્રેમિકા એના વર્તમાન પતિ પાસે પહોંચી ગઇ છે.’ શિરાલે ઘણાં બધાં પ્રશ્નો પૂછ્યાં પણ શિખાએ હોઠ ન ખોલ્યાં તે ન જ ખોલ્યાં. આટલી માહિતી પણ એણે કદાચ એ આશયથી આપી હતી કે શિરાલ હવે શૈવાલીને કાયમ માટે ભૂલી જાય. શિરાલે શિખાને કહી દીધું, ‘શિખા, કોઇ સ્ત્રી માટે પતિ વર્તમાનનો, ભૂતકાળનો કે ભવિષ્યકાળનો હોઇ શકે છે પણ પ્રેમી અને પ્રેમિકા તો સદા કાળ માટે હોય છે. શૈવાલીનાં લગ્ન થઇ ગયાં એટલે એ મારી ભૂતકાળની પ્રેમિકા બની જતી નથી. આવજે. હું આશા રાખું છું કે હવે પછીનો ફોન તારા તરફથી નહીં પણ શૈવાલી તરફથી આવશે.’ પૂરા પાંચ વર્ષ પસાર થઇ ગયાં. શિરાલની શ્રદ્ધા સાચી સાબિત થઇ. એક દિવસ પરદેશના અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામા છેડે એ અવાજ હતો જેને સાંભળવાની શિરાલના દિલમાં પ્રતિ દિન અપેક્ષા હતી અને મનમાં જરા પણ કલ્પના ન હતી. મધનો ઘડો એના કાનમાં ઠલવાઇ રહ્યો, ‘હું શૈવાલી બોલું છું. તને ભૂલવાની બહુ કોશિશ કરી પણ સફળ ન થઇ શકી. છેવટે હારીને આજે ફોન કરું છું. તું મજામાં?’ શિરાલે જરા પણ કડવાશ વગર મધની મીઠાશનો સ્વીકાર કરી લીધો. બંને પ્રેમીઓ વાતે વળગ્યા. પાંચ વર્ષના હિસાબકિતાબ અપાયા અને લેવાયા. શિરાલ હજુ પણ કુંવારો જ રહ્યો હતો. શૈવાલી એક દીકરીની મમ્મી બની ગઇ હતી. સંગ્રામ એને ખૂબ સારી રીતે રાખતો હતો. પછી તો આ નિત્ય ક્રમ બની ગયો. સંગ્રામ ઘરે ન હોય ત્યારે શૈવાલી અને શિરાલ કલાકો સુધી ચેટિંગ કરતા રહેતાં. ક્યારેક વોટ્સ અપ કોલ અથવા વિડીયો કોલ દ્વારા કાનનું અને આંખનું સુખ પણ માણી લેતાં હતાં. પ્રેમ, પાયલ અને ખાંસી છુપાવ્યાં છુપાવી શકાતા નથી. એક દિવસ સંગ્રામના હાથમાં પત્નીના મોબાઇલમાં સચવાયેલો રોમેન્ટિક ચેટનો રસથાળ આવી ગયો. સંગ્રામ સાફ દિલનો પુરુષ હતો. એણે શૈવાલીને કહી દીધું, ‘મને તારા ભૂતકાળ વિશે બધી ખબર પડી ગઇ છે. તેં તારા પ્રેમી સાથે જે ઇન્ટિમેટ રોમેન્ટિક વાતો કરી છે એવી તો મારી સાથે પણ ક્યારેય નથી કરી. તું પહેલી વાર મારા હાથે ઝડપાઇ ગઇ છો એટલે જવા દઉં છું. બીજી વાર આવું થવું ના જોઇએ.’ કોઇ ધાકધમકી નહીં, કોઇ કકળાટ નહીં; સહેજ લાલ આંખ અને ગળામાંથી નીકળતો સિંહ જેવો ઘૂરકાટ. શૈવાલી ડરી ગઇ. એ પછીના એક મહિના સુધી તેણે શિરાલને એક પણ મેસેજ ન કર્યો. એ અંદરથી છટપટાતી રહી. એક તરફ એનો પ્રેમી એને ખેંચતો હતો, બીજી તરફ લગ્નજીવનની મર્યાદા એને રોકતી હતી. આખરે એક દિવસ એણે શિખાને ફોન કર્યો, ‘શિખા, મને સમજાતું નથી કે હું શું કરું? મારા પતિના આદેશનું પાલન કરું? કે એની ગેરહાજરીમાં શિરાલ સાથે પ્રેમાલાપ ચાલુ રાખું? આ વખતે હું સાવધાન રહીને ચેટ ડિલિટ કરી નાખીશ. તારું શું માનવું છે?’ શિખાએ ખૂબ મેચ્યોર સલાહ આપી, ‘મારી પ્રથમ સલાહ એ છે કે તું શિરાલને કાયમ માટે ભૂલી જા. તું ગમે તેટલી સાવચેતી રાખીશ તો પણ પકડાયા વગર નહીં રહે. આ વખતે સંગ્રામ તને માફ નહીં કરે, ડિવોર્સ આપી દેશે. કદાચ તું શિરાલ સાથે લગ્ન કરીને સુખી થઇશ પણ તારી દીકરી વગર રહી શકીશ? માટે કહું છું કે અહીં જ અટકી જા.’ ‘બીજી સલાહ?’ શૈવાલીએ પૂછ્યું. ‘તું સંગ્રામ સાથે નિખાલસતાપૂર્વક ચર્ચા કરી લે. એને બે હાથ જોડીને કહે કે એ તને શિરાલ સાથે કોલ અથવા મેસેજ કરવાની છૂટ આપે. તું એને સમજાવ કે તમે બંને જિંદગીમાં ક્યારેય મળવાનાં નથી. એટલે તમારી વચ્ચે બીજું કશું થવાનું નથી. જીવનભર તું સંગ્રામનું પડખું સેવવાની છે. તો એના બદલામાં આટલું ચપટીક જેટલું સુખ એ તને નહીં આપે? જો તે સમજુ પતિ હશે તો જરૂર માની જશે.’ (સત્યઘટના- શૈવાલી અને સંગ્રામે શું નક્કી કર્યું તે જાણવા મળ્યું નથી.) (શીર્ષકપંક્તિ: હેમેન શાહ) ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...