મનનો મોનોલોગ:કથા એક એવા કર્મવીરની જેઓ જિંદગી સાથેની વ્યસ્તતામાં મૃત્યુ પામવાનું ભૂલી ગયા

એક મહિનો પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

હાય, મારું નામ બોડો વોન બૃમર છે. મારી ઉંમર 105 વર્ષની છે. મેં જીવનના ઘણા ઉતાર-ચડાવ જોયા છે. હું રશિયન ક્રાંતિનો સાક્ષી રહ્યો છું અને મેં વિશ્વ-યુદ્ધો પણ સર્વાઈવ કર્યા છે. હું પશુપાલક રહ્યો છું અને મેં અરેબિક ઘોડા પણ ઉછેર્યા છે. અને હવે, હું વાઈન-મેકર છું. તમને મળીને આનંદ થયો.’ 2015માં લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં, આ હતા તેમના શરૂઆતના શબ્દો. બન્યું એવું કે 1910માં જન્મેલા બોડો વોન બૃમર જ્યારે 65 વર્ષના હતા, ત્યારે તેમને સ્વાદુપિંડનું કેન્સર ડિટેક્ટ થયું. પેન્ક્રિયાટિક કેન્સરના નિદાન પછી ડોક્ટર્સ દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે તેમની પાસે જિંદગીના છેલ્લા થોડા અઠવાડિયા જ હવે બાકી છે. જિંદગીના બચેલા દિવસો કોઈ સુંદર અને રમણીય સ્થળ પર વિતાવવાના ઈરાદા સાથે તેઓ પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પહોંચી ગયા. શહેરની ભીડભાડથી દૂર આવેલા કોઈ સુંદર પ્રાકૃતિક સ્થળ પર કુદરતના સાંનિધ્યમાં તેઓ જીવનના અંતિમ દિવસો વિતાવવા લાગ્યા. એ સ્થળ પર પહોંચીને જ વોન બૃમરને પ્રતીતિ થઈ કે તેઓ ઓલરેડી સ્વર્ગમાં પહોંચી ગયા છે. એ જ જગ્યા પર તેમણે એક ઘર બનાવવાની અને મૃત્યુના આગમન માટે માનસિક રીતે તૈયાર થવાની શરૂઆત કરી દીધી. જિંદગીને સૌથી વધારે અકળામણ ત્યારે થતી હોય છે, જ્યારે એપોઇન્ટમેન્ટ આપી દીધા પછી પણ મૃત્યુ રાહ જોવડાવે. તૈયાર થતી પત્નીની જેમ મૃત્યુ ‘આવું છું, આવું છું’ કહ્યા કરે, તો આપણે ક્યાં સુધી રાહ જોવાની? બે અઠવાડિયાં પસાર થયા પછી પણ તબિયતમાં કોઈ નોંધપાત્ર ખરાબી ન જણાતા, વોન બૃમરે નક્કી કર્યું કે મૃત્યુની રાહ જોઈને આમ બેસી નથી રહેવું. એના કરતાં, મૃત્યુ આવે ત્યાં સુધી કાંઈક ગમતું કામ કરીએ. એવું વિચારીને તેમણે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ તેમના પ્રિય અરેબિક ઘોડા ઉછેરવા લાગ્યા. ઘોડા સાથે રહીને તેમની ઊર્જા, મૂડ અને અભિગમ સુધરતો ગયો. તેઓ ઘોડાદોડમાં ભાગ લેવા લાગ્યા. 1994માં તેમનાં પત્ની અવસાન પામ્યાં. ઉપદ્રવી જીવાતનો ચેપ લાગવાને કારણે તેમના બધા ઘોડા મૃત્યુ પામ્યા. પણ વોન બૃમર હજી પણ જીવિત રહ્યા. એ ઐતિહાસિક ઈન્ટરવ્યૂમાં વોન બૃમરે કહેલું, ‘છેલ્લા શ્વાસ સુધી હિંમત ન હારો. ચાર ડોક્ટર્સે મને કહેલું કે હું મૃત્યુ પામીશ. મારા પેટમાં કેન્સરની ગાંઠ છે. પણ મને લાગે છે કે મેં એની સાથે મિત્રતા કરી લીધી છે. એ કંઈ હવે મને નડતી નથી. આપણે આપણી બીમારીઓ સાથે મિત્રતા કરી લેવી જોઈએ.’ 96 વર્ષની વયે તેમણે મેજર ઓપરેશન્સમાંથી પસાર થવું પડ્યું. ઓપરેશનમાંથી બહાર આવ્યા પછી તેમના પહેલા શબ્દો હતા, ‘હવે મારે દ્રાક્ષ ઉગાડવી છે અને વાઈનયાર્ડ બનાવવું છે.’ સંતાનોની ઈચ્છા વિરુદ્ધ તેમણે 96 વર્ષની વયે વાઈન-પ્રોજેક્ટ શરૂ કર્યો. કર્મચારીઓની ભરતી કરી અને વિપુલ પ્રમાણમાં નાણા રોક્યા. એમણે બનાવેલા ઉત્તમ ક્વોલિટીના વાઈન એક્સ્પોર્ટ થવા લાગ્યા. તેમણે એક વિશાળ વાઈન-એસ્ટેટ ઊભું કર્યું અને ‘વાઈન-મેન’ તરીકે ઓળખાવા લાગ્યા. ‘Casal sta maria’ નામથી ઓળખાતું વિશાળ વાઈન-યાર્ડ, આજે એક જોવાલાયક સ્થળ છે. તેમની વેબસાઈટ પર 105 વર્ષીય બોડો વોન બૃમરનો પોતાના પેટ-ડોગ સાથેનો ફોટો છે. વેબસાઈટના હોમ-પેજ પર વોન બૃમરે લખેલો સંદેશો છે કે, ‘આ વાઈન-યાર્ડ મારું ઘર છે. અને મારું ઘર, એ તમારું પણ ઘર છે. તમે ગમે ત્યારે આવી શકો છો.’ તેમને વાઈન-બિઝનેસ હજુ વધારે વિસ્તારવાની ઈચ્છા હતી, પરંતુ 2016માં 106 વર્ષની ઉંમરે ‘ફાઈનલી’ તેમનું અવસાન થયું. તો ક્યાં ગઈ 65 વર્ષે કરવામાં આવેલી મૃત્યુની ભવિષ્યવાણી? એવું તો શું બન્યું કે શણગાર કરીને, ઢોલ-નગારાં સાથે વોન બૃમરને મળવા આવી રહેલું મૃત્યુ, અચાનક ક્યાંક રોકાઈ ગયું? પેન્ક્રિયાટિક કેન્સર તો હતું જ ! તો આવો ચમત્કાર થવા પાછળનું કારણ શું? મૃત્યુની આવી વિલંબિત લય અને ટાર્ગેટ પૂરો કરવાની આળસ પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? આ જગતમાં જે સવાલોના જવાબો તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી કે સામાન્ય સમજની બહાર છે, એ જવાબો આપવાની સત્તા કાં તો અભિગમ પાસે છે, ને કાં તો અધ્યાત્મ પાસે. એ વ્યક્તિગત સ્તરે હોય કે વૈશ્વિક સ્તરે, ચમત્કારના સુખદ વિસ્ફોટની જવાબદારી ફક્ત બે જ સંગઠનો લઈ શકે છે. અભિગમ અને અધ્યાત્મ. આ બંનેનું મિશ્રણ કરીને વોન બૃમરની ઘટનાનું રહસ્ય જાણવાની કોશિશ કરીએ, તો એનો સૌથી ટૂંકો અને સચોટ જવાબ ‘ડેથ અવેરનેસ’ હોઈ શકે. આપણા પોતાના મૃત્યુ માટે જ્યારે ડરને સ્થાને જાગૃતિ આવે છે ત્યારે જિંદગીની વસંત ખીલી ઊઠે છે. કેન્સરનું નિદાન સાંભળીને પોર્ટુગલની કોઈ રમણીય જગ્યા પર સ્થળાંતર થયેલા વોન બૃમર આપણા માટે એક ગ્રંથ સમાન છે. એમના જીવન-ચરિત્ર પરથી મળતો સ્પષ્ટ અને મુખ્ય સંદેશો એ છે કે ‘It is never too late.’ જિંદગીમાં ગમતી પ્રવૃત્તિ કરવા માટે, કોઈ સકારાત્મક બદલાવ લાવવા માટે કે દટાયેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આપણે ક્યારેય મોડા નથી હોતા. અર્ધજાગૃત અવસ્થામાં જીવી રહેલા આપણે સૌ, મૃત્યુ પ્રત્યેની સભાનતાથી ફક્ત એક ‘કેન્સરના નિદાન’ જેટલા અંતરે હોઈએ છીએ. પ્રત્યેક ક્ષણમાં પૂરી સમગ્રતા અને તીવ્રતા સાથે જીવન જીવી લેવાની પ્રેરણા, એ સભાનતા જ આપે છે. જ્યારે અસ્તિત્વનું સંકટ ઘેરાય છે, ત્યારે જ આપણે જીવનના ઉદેશ્ય તરફ વળીએ છીએ. અને એ જ ઉદેશ્યમાંથી આપણને જીવતા રહેવાની ઊર્જા અને તાકાત મળે છે. અંતરમાં ઓલવાઈ ગયેલી પેશનને ફરીથી પ્રજ્વલિત કરવા માટે દરેક વખતે કેન્સરના નિદાનની જરૂર નથી હોતી. ‘મૃત્યુ એક્સપ્રેસ’ની રાહ જોઈને જિંદગીના પ્લેટફોર્મ પર ઊભા હોઈએ ત્યારે કોઈ અર્થસભર અને ગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવાય, તો રેલવે વિભાગ દ્વારા આપમેળે અને અચૂક એનાઉન્સમેન્ટ થતું જ હોય છે કે પ્લેટફોર્મ નંબર એક પર આવનારી ગાડી એના નિયત સમય કરતા મોડી છે.’ ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...