સહજ સંવાદ:આઝાદ હિદ ફોજના એ ગુજરાતી સૈનિકની કહાણી, જેને ચંદ્રવિલાસમાં થાળીઓ ઉપાડવી પડી

વિષ્ણુ પંડ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

1980ના એક દિવસે ટપાલમાં એક પત્ર અને પુસ્તિકા મળી. તેમાં સરનામું હતું : લક્ષ્મીદાસ ડાહ્યાભાઇ દાણી, કેર ઓફ પ્રહલાદભાઈ દરજી, પીરછલ્લા શેરી, ભાવનગર. થોડા સમય પછી એક વૃદ્ધાશ્રમનું ઠેકાણું મળ્યું અને તેની પહેલાં અમદાવાદની ચંદ્રવિલાસ હોટલમાં લક્ષ્મીદાસ કામ કરી રહ્યા હતા તેમ જાણવા મળ્યું. કોણ આ લક્ષ્મીદાસ? અખબારો અને અભ્યાસક્રમોમાં કે રાજકીય પક્ષોની નોંધોમાં તો આ નામ ક્યાંય દેખાતું નથી, પણ આ 96 પાનાંની જર્જરિત અને સામાન્ય ભાષામાં પ્રકાશિત પુસ્તિકામાં એવી આપકહાણી વાંચવા મળે છે કે એક સાવ સામાન્ય અને ગરીબ પરિવારમાં જન્મેલો લક્ષ્મીદાસ તો છેક નેતાજી સુભાષચંદ્ર બોઝને કોલકાતાથી કાબુલ છૂપા વેશે પહોંચાડવામાં મદદગાર બન્યો હતો. આઝાદ હિંદ ફોજમાં સિપાહી બનીને રંગૂનની જેલમાં રાખવામાં આવ્યો હતો! તેની આત્મકથની આ પુસ્તિકામાં કહેવાઈ છે. 1940ના નવેમ્બરમાં સુભાષ કોલકાતાના પોતાના નિવાસસ્થાને નજરકેદમાં હતા, ત્યારે તેમને આ ગુજરાતી દાણી મૌલવીનો વેશ પહેરાવી હાવરાના એક મકાનમાં રાખ્યા પછી બર્દવાન થઈ પેશાવર સુધીની જોખમી મુસાફરીમાં તે ફકીરના પોશાકમાં હતો. પેશાવરમાં ત્રણ દિવસ ગુપ્ત રીતે એક મુસ્લિમ હોટલમાં રહ્યા. 1941ની 17 જાન્યુઆરીએ પેશાવરથી કાચા રસ્તે કાબુલ પહોંચ્યા. કુલ છ સાથીઓ હતા. તેમાંથી ચારને પેશાવર પાછા મોકલી દીધા. દાણી અને એક પંજાબી વ્યક્તિ ભગતરામ બંને લાહોરી દરવાજા પાસેનાં મુસાફરખાનામાં રોકાયા. બ્રિટિશ પોલીસ અને ગુપ્તચરો સુભાષબાબુને જીવતા કે મરેલા પકડવા માટે ચારે તરફ સક્રિય હતા. સુભાષ ઝિયાઉદ્દીન નામે અને ભગતરામ રહેમાનસાનાં છૂપાં નામે હતા, તો દાણીએ મોહમ્મદ રફીક નામ રાખ્યું હતું. પોલીસને એવી ખબર તો નહીં કે આવેલા ત્રણમાં એક ભારતીય સ્વતંત્રતા જંગના મહારથી સુભાષ છેે. સામાન્ય પોલીસ તો પૂછપરછ કરે અને કંઇક ચીજવસ્તુ પડાવે. સુભાષને લાલા ઉત્તમચંદના નિવાસે ફેરવવામાં આવ્યા. લાલા વર્ષોથી અહીં પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે રહેતા હતા. તેમનાં પત્નીને આ અજાણ્યા માણસને ઘરમાં રાખવાનું ગમ્યું નહીં, પણ જ્યારે લાલાએ તેમને સાચું નામ બતાવ્યું તો તેમની આંખમાં આંસુ આવી ગયાં અને સુભાષબાબુની સંપૂર્ણ સારસંભાળ કરી. સુભાષબાબુએ કાબુલમાં રશિયા, ઈટાલી, જર્મન રાજકીય દૂતોને લખેલા પત્રો લક્ષ્મીદાસ દાણીએ પહોંચાડવાનું કામ કર્યું. રશિયન એલચીએ ઘસીને ના પાડી દીધી. સિનોર કોરોનીએ સુભાષને રોમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી. દાણી જણાવે છે કે ભગતરામ અને તે બંને કાબુલથી ગઝની ગયા. પેશાવર થઈને બર્દવાન પહોંચ્યા અને સુભાષબાબુએ આપેલા બે પત્રો સુભાષના મોટા ભાઇ શરદચંદ્રને આપવા માટે દાણી કોલકાતા પહોંચ્યા ને પછી પોતે મુંબઈ પાછા વળ્યા. સુભાષ જેવા મહાન ક્રાંતિકારનાં ચરણોમાં સેવા કરવાનો બીજો અવસર મળે તે પહેલાં મુંબઈના ચર્ચગેટ પર આવેલી બ્રિટિશ કોફી ક્લબમાં તેણે બોમ્બ વિસ્ફોટ કર્યો એટલે દોઢ વર્ષની સજા થઈ. વિસાપુર જેલમાં તેને રાખવામાં આવ્યા. છૂટ્યા પછી વળી પાલવા બંદર પાસે રીગલ સિનેમાની નજીક યુરોપિયન સિપાહીઓ પર બોમ્બ ફેંક્યો, ભૂલેશ્વરમાં પણ ટ્રામ પર વિસ્ફોટ કર્યો. એટલે દાણી દેશમાંથી છટકી અને સિંગાપુર જઈને આઝાદ હિંદ ફોજમાં જોડાયા. ત્યાંથી આઠસો માઈલ ટ્રેનની અને ટ્રકની એસએફઆર કરીને બર્મામાં આઝાદ હિંદ ફોજની એક પાંખ જગન્નાથરાવ ભોંસલેના સિપાહી તરીકે લડાઈમાં ભાગ લીધો. ગુપ્ત વેશે ફોજના સૈનિકો માટે અનાજ પહોંચાડવાનું કામ કર્યું અને છેવટે ઇમ્ફાલ મોરચે પકડાયા. પેગુંની જેલમાં રહ્યા બાદ 1945ના ઓક્ટોબરમાં છૂટ્યા. મુંબઈ પાછા ફર્યા પછી આર્થિક પાયમાલી ભોગવી. અમદાવાદ આવ્યા. ચંદ્રવિલાસ હોટલમાં થાળી ઉપાડવાનું કામ કર્યું. પછી વતન પોરબંદર પહોંચ્યા. પોરબંદર પાસેના ખીરસરા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતા પોરબંદર રાજ્યમાં જકાતી કારકુન હતા. પિતાના મૃત્યુ પછી અસહાય અવસ્થામાં દાણી લોહાણા વિદ્યાર્થી ભવનમાં રહ્યા. છ ધોરણ ભણ્યા પછી અભ્યાસ છોડયો અને રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવા માંડ્યો. 1930માં કાપડ અને શરાબની દુકાનો સામે બહિષ્કારમાં ભાગ લીધો. ગાંધીજી આવ્યા ત્યારે કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ભાગ લીધો, નમક સત્યાગ્રહમાં રાણપુરમાં ભાગ લીધો. ત્રીજી ટુકડીમાં સામેલ થયા. પોલીસની લાઠીઓ પડી ને સાબરમતી જેલની સજા થઈ. રાણાવાવમાં વ્યાયામશાળા સ્થાપી. 1932ની લડતમાં ઢોરમાર ખાધો. વડોદરા જઈને માણેકરાવના અખાડામાં તાલીમ લીધી, રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો ને પછી મુંબઈમાં સુભાષબાબુના ફોરવર્ડ બ્લોકમાં જોડાયા. ભારત સ્વતંત્ર થયું ત્યારે આ માણસને કોળિયો અનાજ માટે નોકરી મેળવવા અપાર સંઘર્ષ વેઠવો પડ્યો. આ નાનકડી પુસ્તિકામાં 1974માં વડાપ્રધાન ઇન્દિરાજીએ સ્વતંત્રતા સૈનિકોને આપવામાં આવેલા તામ્રપત્રમાં તેમનો સમાવેશ થયાની તસવીર તો છે, તત્કાલીન નેતાઓના પ્રમાણપત્ર પણ છે, પણ મામૂલી પેન્શન માટે કેવી રઝળપાટ કરવી પડી તેનો પણ અંદાજ આવે છે. લક્ષ્મીદાસની આ વિગતો પેલી નાનીસરખી પુસ્તિકામાં ખોવાઈ ગઈ છે. ના તેના જન્મસ્થાને, ના પોરબંદરમાં, ના ગુજરાત કે સૌરાષ્ટ્રના સ્વતંત્રતા સૈનિકોનાં પરિચય ચોપડે આ નામ મળતું નથી. આવા કેટકેટલા અનામ દુર્ભાગ્યની દાસ્તાન પડી હશે? કોણ જાણે! ⬛vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...