તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:બંધિયાર પાણી સડવા લાગે છે

14 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
 • કૉપી લિંક
 • વૃદ્ધ થયા પછી શારીરિક શક્તિની સાથે માનસિક બળ ઘટે છે

અવિરત વહેતી સમયધારામાં અનેક પડાવ આવે છે, જ્યાં ઊભા રહીને આપણે આસપાસના જગત વિશે નવેસરથી વિચારણા કરવાની જરૂર પડે છે. બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થવા માટે જાતને તૈયાર કરવી પડે છે. એ કોઈ સુંદર સંબંધનો અંત હોય, વર્ષોજૂની મજબૂત મિત્રતામાં ભંગાણ પડ્યું હોય કે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતા ઊભી થઈ હોય. એવી અચાનક કે ક્રમશ: સામે આવેલી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય. જીવનના દરેક તબક્કામાં એનો સામનો કરવો પડે છે. બાળકમાંથી તરુણાવસ્થા, યુવાનીનો સમય, બેતાલાં પછીની ઉંમર અને વૃદ્ધાવસ્થા. દરેક ઉંમરની પોતાની માંગ હોય છે અને બદલાવનો પડકાર હોય છે. દરેક તબક્કે સમાધાન કરવાની આવશ્યકતા રહે છે. સમયની સાથે આપણી અંદર અને બહાર ઘણું બદલાતું જાય છે. એક સમયે આપણે પોતે પણ એવા બદલાવની પ્રક્રિયાના હિસ્સેદાર રહ્યા હોઈએ છીએ, પરંતુ ધીરેધીરે આપણી ગતિ ધીમી પડતી જાય છે અને પાછળ રહી જઈએ છીએ. આ જ સમય હોય છે જાતને ફરી એકઠી કરી સમયની સાથે ચાલવાનો. પરિવારના સભ્યોથી માંડી સહકર્મચારીઓ, મિત્રો, દુશ્મનોના અભિગમમાં ફરક પડવા લાગે છે. આપણે પોષેલાં જીવનમૂલ્ય ઘસાતાં લાગે. કોઈ આપણી સાથે સંમત ન હોય અને આપણે એમની સાથે સંમત ન હોઈએ. કટોકટીના સમયે જેના પર મદાર રાખ્યો હોય એ વ્યક્તિઓ આપણી સાથે રહી ન હોય. અસંતોષ, નકાર, અવહેલના, અસંમતિનો ઓથાર વધતો જાય. વૃદ્ધ થયા પછી શારીરિક શક્તિની સાથે માનસિક બળ ઘટે છે. એકલતાની ભીંસ વધે ત્યારે ભયાનક શૂન્યતાની લાગણી જન્મે છે. આમ પણ બદલાયેલા સમયમાં એકબીજા માટે સમ્માન, અહોભાવ અને કૃતજ્ઞતાનું પ્રમાણ ઘટ્યું છે. અપમાનિત થવું સહજ બની ગયું છે. એવી પરિસ્થિતિમાં અંગત બળ ટકાવી પોતાનો ઝંડો ફરકાવતા રહેવાની ક્ષમતા લગભગ નહીંવત્ બની જાય છે. પોતાનું સત્ત્વ જાળવી રાખીને આગળ વધવા મજબૂત આત્મબળની જરૂર પડે. અગાઉનું બધું સલામત લાગે, પરંતુ એનાથી જુદું આવકારવાની તૈયારી રાખવી પડે. ભૂતકાળની દિશામાંથી મોઢું ફેરવી નવા વર્તમાનમાં જોવું જ પડે. જૂનામાંથી નવા તરફ આગળ વધીએ નહીં તો સૌથી પાછળ રહી જવાય. બધા આગળ નીકળી ગયા હોય અને માત્ર આપણે એકલા પાછળ રહી ગયા હોઈએ. જીવન વહેતો પ્રવાહ છે. એને વહેવા દેવું જોઈએ. બંધિયાર પાણી સડવા લાગે છે. અગાઉ બનેલું સારું હોય, છતાં તે પાછું મળતું નથી. વધારે ઊંચા ઊડવા માટે બિનજરૂરી વજન ફેંકવું પડે. અમેરિકાના લેખક અને વક્તા સ્ટીવ મારાબોલીએ કહ્યું : ‘તમારાં આંસુઓથી ભવિષ્યના છોડનું સિંચન કરો.’ એમનો મુદ્દો છે, વેદના દબાવી આગળ વધવું. જીવનમાં ઘણી વાર જવા દેવાની તૈયારી રાખી આગળ વધવાનો અભિગમ અપનાવવો પડે છે. આ વાત માત્ર અંગત સંબંધો પૂરતી મર્યાદિત નથી. કોઈ પણ ક્ષેત્રને લાગુ પડે છે, પછી તે વ્યવસાય હોય, કલાપ્રવૃત્તિ હોય કે આપણે કરેલાં આર્થિક રોકાણો હોય. ઘણી વાર આપણે જીવનનું આ સત્ય સમજતાં હોઈએ, છતાં એનો અમલ કરવામાં તકલીફ પડે છે. આપણે બીજા લોકોને બધું ભૂલી આગળ વધવાની સલાહ આપી શકીએ, પરંતુ જાતે એનો અમલ કરી શકતા નથી. ક્યારેક શેને અને કોને પાછળ છોડવું તે નક્કી કરી શકાતું નથી. મુક્ત થવું હોય, છતાં છૂટવાની તૈયારી ન હોય. પાંત્રીસેક વર્ષની મહિલા પતિથી અલગ થઈ ગઈ હતી. એમનાં પ્રેમલગ્ન હતાં. એ આઘાતમાંથી બહાર આવી શકતી નહોતી. જૂની યાદો વાગોળ્યા કરતી. ફોટોઆલબમમાં જૂના ફોટા જોઈ એ રડ્યા કરે કે એક સમયનો સભર પ્રેમ ક્યાં ખોવાઈ ગયો. એક દિવસ એણે એક ફોટો જોયો. એમાં એ અને એનો પતિ રણમાં ઊભાં છે. તે પહેલાં એણે ફોટામાં પતિ અને પોતાને જ જોયાં હતાં. પહેલી વાર ફોટાના બેકગ્રાઉન્ડમાં દેખાતા રણ પર નજર સ્થિર કરી. એને સમજાયું કે એમના સંબંધમાં રણ તો પ્રતીકાત્મક રીતે પહેલેથી ઉપસ્થિત હતું. એ જ વખતે એણે આખી જિંદગી રણમાં ફસાઈ રહેવાને બદલે લીલાછમ વિસ્તારમાં આગળ વધવાનો નિર્ણય લીધો. બદલાતા સમય સાથે તાલ મેળવી ન શકેલો એક આધેડ પુરુષ બધાથી કપાઈને વર્ષો સુધી ઘરમાં જ પુરાઈ રહ્યો. એ મૃત્યુ પામ્યો પછી ઉંદરો એનું શબ કોરી ગયા હતા. જીવનનું શબ ઉંદરોને સોંપવું છે કે સાચા અર્થમાં જીવવું છે એટલું જ આપણે નક્કી કરવાનું છે.⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો