તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:વક્તા રથી નહીં, સારથિ હોવો જોઈએ

મોરારિબાપુ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘શ્રીમદ ્ભાગવત’માંથી આપણે બોધ ગ્રહણ કરી શકીએ છીએ. શ્રોતા કેવા હોવા જોઈએ?

સાચા શ્રોતા માટે અને સાચા વક્તા માટે કેવાં કેવાં લક્ષણોનું નિરૂપણ કરવું જોઈએ? મેં ઘણીવાર કહ્યું છે કે હું વ્યાસપીઠ પરથી બોલું છું, ગાઉં છું, ગવડાવું છું, રાસ કરાવું છું, નૃત્ય કરાવું છું; હું પણ એમાં ઈન્વોલ્વ થઈને ઝૂમતો રહું છું. એ બધું ચાલે છે પરંતુ મારો આટલાં વર્ષોનો અનુભવ છે કે આ પંચભૌતિક શરીરથી આ બધી ક્રિયા શરૂ થઈ છે છતાં પણ, હું પણ આપની સાથે શ્રોતા જ બની જઉં છું. હું પણ સાંભળી રહ્યો હોઉં છું. હા, સ્થૂળ રૂપે આપની સાથે વાતો કરું છું; કલાકો સુધી બોલી લઉં છું, એ ન્યાયે વક્તા પણ છું. પરંતુ શ્રોતા પણ છું. અને શ્રોતા અને વક્તા બંનેની અનુભૂતિમાંથી વર્ષોથી પસાર થવાને કારણે શ્રોતા અને વક્તાનાં વિશિષ્ટ લક્ષણોનું નિરૂપણ મારા મનમાં ચાલતું રહે છે. ‘રામચરિતમાનસ’માં તો કહ્યું છે, ‘શ્રોતા વક્તા ગ્યાનનિધિ.’ શ્રોતા અને વક્તા બંને જ્ઞાનની નિધિ છે. વક્તાએ ક્યારેય પણ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે મને હજારોની સંખ્યામાં સાંભળી રહ્યાં છે એ અજ્ઞાની છે; એ પણ જ્ઞાનનિધિ છે. કેવળ પરદો હટાવવાની વાત છે. બુદ્ધપુરુષ આપણી જ્ઞાનસંપદા કોઈ કારણસર દબાઈ કે ઢંકાઈ ગઈ છે એનો પરદો પોતાની નજરોથી, પોતાનાં વચનોથી, પોતાના પવિત્ર સ્પર્શથી હટાવે છે. તો ગોસ્વામીજી કહે છે, શ્રોતા અને વક્તા બંને જ્ઞાનનિધિ છે. ‘માનસ’માં તુલસીના ગુરુ નરહરિ ભગવાન વક્તા છે; પરમ વિવેકી યાજ્ઞવલ્ક્ય વક્તા છે; કૈલાસના પરમ શિખર પર ભગવાન ત્રિભુવનગુરુ મહાદેવ વક્તા છે અને નીલગિરિ શિખર પર બાબા કાગ ભુશુંડિ છે. કેટલા વિશાળ પ્રસંગો છે! ભવાનીમાં શ્રોતાનાં ક્યાં ક્યાં મુખ્ય-મુખ્ય લક્ષણો છે? ગરુડમાં શું છે? ગોસ્વામીજીમાં શું છે? ભરદ્વાજમાં શું છે? મહાભારતમાં આપણે જોઈએ તો એક દૃશ્ય આપણી સામે આવે છે. મહાભારત અંતર્ગત ત્યાં ભગવાન કૃષ્ણ રથની વ્યાસપીઠ પર બેઠા છે. અને શ્રોતા રથી બનીને ઉપર બેઠા છે; કૃષ્ણ સારથિ બન્યા છે. મને એ બહુ સારું લાગે છે; વક્તા રથી નહીં, સારથિ હોવો જોઈએ. રથી તો શ્રોતા છે. મહાભારતના સંઘર્ષનો પ્રારંભ થવાનો હતો, જે વાતાવરણનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અર્જુન વિષાદમાં ડૂબી જાય છે અને પ્રભુને શરણે જાય છે અને કહે છે, મને જણાવો, મારે શું કરવું જોઈએ? પછી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નું પ્રાગટ્ય થયું એ શ્રીકૃષ્ણની નાભિવાણીથી, જે અર્જુને સાંભળી હતી. ત્યાંથી આપણે જોઈ શકીએ કે શ્રોતાનાં લક્ષણો કેવાં હોવા જોઈએ અને વક્તાનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ? ‘શ્રીમદ ્ભાગવતજી’માં પણ કેટલા સંવાદ છે! મુખ્યત: શુક અને પરીક્ષિત. ત્યાં પરીક્ષિતને જોઈને આપણે બોધ ગ્રહણ કરી શકીએ છીએ. શ્રોતા કેવા હોવા જોઈએ? કથા કહેતાં કહેતાં શુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, આટલા દિવસોથી નથી આપે કંઈ ખાધું, નથી કંઈ પીધું! થોડું જલપાન કરી લો; કથાને થોડો સમય વિશ્રામ આપીએ. પરીક્ષિત રડી પડે છે! એમણે કહ્યું, મને ભૂખ કે તરસ નથી લાગતી. હું જળ કે અન્ન વિના નહીં મરું. આપ કથા બંધ કરી દેશો તો મરી જઈશ! તક્ષક મને દંશ મારશે એનાથી તો મારું શરીર જશે; હું તો અમર રહીશ. પરંતુ આપ કથા બંધ કરી દેશો તો ખબર નહીં, મારું શું થશે? આપ બોલતાં રહો, બોલતાં રહો. ત્યાંના ગુણાતીત વક્તા; ભગવાન શુકદેવજી અવધૂત વક્તા. જેમની પરિપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં હતી છતાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ જેના ચિત્તને વશ કરી લીધું અને ગાવા લાગ્યા! ત્યાંથી આપણે વક્તાનાં લક્ષણોનો સંદર્ભ પ્રાપ્ત કરી શકીએ છીએ. ‘મહાભારત’માં જઈએ તો યુધિષ્ઠિર કેટલા મહાપુરુષને મળીને શ્રોતા બની જાય છે! અલબત્ત, વિદુર પાસે તો ધૃતરાષ્ટ્ર પણ શ્રોતા બને છે. પરંતુ ક્યારેક સાંભળતી વખતે ધૃતરાષ્ટ્રે હા-હા તો કરી પરંતુ કરવાની વાત આવે ત્યારે ફરી જાય છે. વિદુરને પૂછવામાં આવ્યું કે સ્વર્ગને પામવા માટે શું કરવું જોઈએ અને કોણ સ્વર્ગને પામી શકે? સ્વર્ગ કોને પ્રાપ્ત થાય છે? કેવી રીતે પ્રાપ્ત થાય છે? ક્યારે પ્રાપ્ત થાય છે? બહુ વિશાળતાથી સમજાવવામાં આવ્યું છે. મહાત્મા વિદુર કહે છે, સ્વર્ગ બે વ્યક્તિને પ્રાપ્ત થાય છે; પ્રાપ્ત થાય છે એટલું જ નહીં, એ સ્વર્ગના માલિક બની જાય છે. સ્થૂળ રૂપમાં નહીં. વિદુરે કહ્યું, બે વ્યક્તિને સ્વર્ગ મળે છે; જેનામાં પરિપૂર્ણ સામર્થ્ય હોય છતાં પણ સામેવાળી વ્યક્તિને જે ક્ષમા આપી દે એ સ્વર્ગના માલિક બની શકે છે. યજ્ઞ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરનારનાં પુણ્ય ક્ષીણ થતાં જ એને મર્ત્યલોકમાં મોકલી દેવામાં આવે છે. પરંતુ સામર્થ્ય હોવા છતાં પણ જે ક્ષમા આપે એ સ્વર્ગના અધિકારી છે; એ સ્વર્ગના માલિક બની જાય છે. એક સાધુચરિત વક્તા જ્યારે કથા કહે છે, પ્રભુની ચર્ચા કરે છે ત્યારે કેટલું દાન કરે છે? એક બુદ્ધપુરુષ, એક સાધુપુરુષ, એક સદ્ગુરુ, ગુણાતીત ફકીર, વિશ્વમાનવ જ્યારે બોલવા લાગે છે ત્યારે કેટલું દાન આપે છે? પહેલું તો એ જ્ઞાનદાન આપે છે. આપણને કંઈક સમજ મળવા લાગે છે. બીજું, એ વિદ્યાદાન આપે છે; વક્તા જ્ઞાનદાન કરે છે, ત્રીજું, વક્તા વરદાન આપે છે. ચોથું, વક્તા પોતાના શ્રોતાને ધન્યવાદ પ્રદાન કરે છે. ‘ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી.’ પાંચમું, વક્તા પોતાના શ્રોતાને અભયદાન આપે છે; અભય કરી દે છે. માયાની કેટલીબધી વિષમ પરિસ્થિતિમાં જકડાયેલા આપણે કોઈ બુદ્ધપુરુષનાં વચન સાંભળીએ છીએ તો કેટલા હિંમતવાન થઈને બહાર નીકળીએ છીએ! તો વક્તા અભયદાન આપે છે. અને સૌથી શ્રેષ્ઠ દાન વક્તા પોતાનાં શ્રોતાને પ્રેમદાન કરે છે; મહોબ્બતથી ભીંજવે છે; મહોબ્બતથી ભરી દે છે. વિદુર કહે છે, બધા પ્રકારની શક્તિ હોવા છતાં પણ જે ક્ષમા આપી દે એ સ્વર્ગના અધિકારી છે. અને બીજું, જેમની પાસે કંઈ નથી, આપવાની ઓકાત નથી છતાં પણ દાન કરે છે એ સ્વર્ગના માલિક છે. જેમની પાસે હોય એ તો દાન આપે; આપવું જ જોઈએ. પરંતુ એ એટલું બધું મહત્ત્વનું નથી. ટુકડામાંથી ટુકડો ખાવો; કંઈ નથી છતાં પણ દાન આપવું; એ બાબત મહત્ત્વની છે. કંઈ ન હોવા છતાં પણ જેના અંતરમાં દાનવૃત્તિ હોય કે હું શું આપું, હું શું આપું? તો જેમની પાસે કંઈ નથી છતાં પણ એ આપે છે એ સ્વર્ગના અધિકારી. અને જેમની પાસે બધું જ સામર્થ્ય છે છતાં પણ ક્ષમા આપે છે એ સ્વર્ગના અધિકારી. વક્તા પોતાનાં શ્રોતાઓને કેટલું દાન આપે છે! એમાં એક દાન આ પણ છે, ક્ષમાદાન. તો મહાત્મા વિદુર સાથે જ્યારે જ્યારે આ ચર્ચા થઈ છે ત્યારે ત્યાં પણ શ્રોતા અને વક્તાનાં કેટલાંક લક્ષણોનું નિરૂપણ થઈ જાય છે. ઉપનિષદોની પ્રશ્નોત્તરીમાં સાધક પૂછે છે અને સિદ્ધ જવાબ આપે છે ત્યાં પણ વક્તા-શ્રોતાનાં લક્ષણ ઉજાગર થાય છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...