મસ્તી-અમસ્તી:બહેનોએ કહ્યું, ‘આ IPL તો સિરિયલ કિલર છે ’

એક મહિનો પહેલાલેખક: રઇશ મનીઆર
  • કૉપી લિંક

શાંતિલાલની વહુએ પોતાના પુત્રને ઋતુઓ વિશે ભણાવતાં પૂછ્યું, ‘વિચ સીઝન ડૂ યૂ લાઈક મોસ્ટ?’ પોણા છ વરસના ટેણિયાએ જવાબ આપ્યો, ‘આઈ.પી.એલ સિઝન..’ ધનશંકરના વયોવૃદ્ધ પિતાજી ‘હે ભગવાન હવે તો ઊઠાવી લે’ એમ દિવસમાં દસ વાર બોલે છે. એ હવે એમની અરજ જરા મોડીફાય કરીને ‘હે ભગવાન! હવે આ આઈ.પી.એલ પતે પછી જ ઉઠાવજે…’ એમ બોલતાં થયા છે. અમારી ડીમલાઈટ સોસાયટીમાં આબાલવૃદ્ધ સહુ પર ક્રિકેટમેનિયા સવાર છે. સાંજે ક્રિકેટ સાથે વેફર્સના ખર્ચા.. અને સવારે એની ચર્ચા… તેથી ક્રિકેટત્રસ્ત સ્ત્રીવર્ગને મરચાં લાગે છે. નછૂટકે બપોરે સિરિયલોનું રિ-ટેલિકાસ્ટ જોતી બહેનો બળાપા કાઢતી હોય છે, ‘આ ક્રિકેટ તો સિરિયલ કીલર છે…’ ચાલીસ-ચાલીસ ઓવર સુધી વર-વર નથી રહેતો અને ઓવર એન્ડ અબાવ મેચ પત્યા પછી વર સોફા પર લંબાવી છેલ્લી ઓવરમાં ધોની કઈ રીતે દોડ્યો એની ગાથા ગાય છે. બહેનોને થાય છે કે અમે આખો દિવસ દોડીએ છીએ, એ તમને દેખાતું નથી! એક દિવસ બધી બહેનો વતી અમારી સોસાયટીના કુમારિકા કામિનીએ સોસાયટીના નોટિસ બોર્ડ પર મોટા અક્ષરે ત્રણ સવાલરૂપે પ્રશ્નોપનિષદ વ્યક્ત કર્યુ. 1. ક્રિકેટ રમવાના ફાયદા શું? 2. કોઈ રમતું હોય, એને જોવાનો ફાયદો શું? 3. કોઈ જોતું હોય, એની સાથે રહેવાનો ફાયદો શું? લિખિતંગ: તંગ મહિલાઓ કુમારી કામિની લિફ્ટ પાસે પુરુષોને ઊભા રાખી આ નોટિસ વંચાવતા હતા. મેં ડરતાં ડરતાં એમને પૂછ્યું, ‘લાગે છે સોસાયટીની લેડિઝમાં રોષ પ્રવર્તે છે…’ કુમારી કામિનીએ કહ્યું, ‘રોષ નહીં, આક્રોશ પ્રવર્તે છે.’ પણ સાંજે જોયું, તો એ નોટિસની બાજુમાં બીજી નોટિસ હતી. નીચે ‘લિખિતંગ: એચ’ લખેલું હતું. એનું શીર્ષક હતું, ‘આ ભવમાં સ્વર્ગનો અનુભવ: આઈ. પી. એલ.!’ 1. ક્રિકેટ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને વાંચવામાંથી મુક્તિ આપે છે. 2. ઊનાળાની ગરમીમાં પુરુષો ક્રિકેટના રોમાંચની સાથે ચિયર ગર્લ્સની બર્ફીલી આંચ, જાહેરાતો દ્વારા ઠંડાં પીણાંની શીતળતા અને આફ્ટર શેવ લોશનની ઠંડકને માણે છે. 3. નેતાઓ કંઈ પણ બોલી-બબડી જાય કે લોચા-લબાચા કરે તો લોકો ક્રિકેટના અફીણમાં મસ્ત હોવાથી ધ્યાન પર લેતાં નથી. 4. વિરાટ કે રોહિતના બેટમાંથી રાષ્ટ્રપ્રેમનો ડોઝ મળી જાય તો રાષ્ટ્રવાદીઓ બીજા કોઈ પાસે રાષ્ટ્રપ્રેમનો પુરાવો માગતા નથી. 5. રાજકારણની જેમ ડાબેરી કે જમણેરી એકબીજાને રનઆઉટ કરાવતા નથી. સંપીને રમે છે. બહેનોએ રસોઈમાં વાળ કે કાંકરા આવે એની બહુ ચિંતા કરવી પડતી નથી. મેચ જોતાં પુરુષો ગમે તે ચાવી અને પચાવી જાય છે. ઘરડા જે આખો દિવસ ‘કેટલા વાગ્યા?’ એવો નીરસ સવાલ પૂછતાં હોય છે, એ હવે ‘કેટલા રન થયા?’ એમ પૂછે છે. દરેક ઘરમાં સ્ત્રીઓએ પોતપોતાની હેસિયત પ્રમાણે રડવાનું અને કરડવાનું જ બાકી રાખ્યું. એકાદ ઘરમાં તો ચાલુ મેચે બારણાં પછડાયા અને ફર્નિચર ફેંકાયું. ત્રસ્ત પત્નીઓ ટી.વી ફોડશે કે પતિનું માથું, એવી દહેશત ઊભી થઈ ગઈ. મનસુખ સટોડિયાની પત્ની તો મેચ ન જોવી પડે એ માટે પિયર ચાલી ગઈ. પત્નીઓના પ્રકોપથી બચીને બાકી રહેલ આઈ.પી.એલ કેવી રીતે જોવી એ અમારી સોસાયટીના પુરુષોની ચિંતાનો મુખ્ય વિષય બની ગયો. પત્નીઓના અસહકારથી પુરુષો રડમસ થઈ ગયા. બાબુ બાટલીએ ઉપાય બતાવ્યો, ‘જેમ જંગલમાં ટોલા(ટોળા)માં જઈએ તો વાઘ કે વાઘણ હુમલો ની કરે એમ આપને પન ચાર-પાંચ પુરુસોએ ભેગા થઈ મેચ જોવી, જેથી પટ્નીઓ છેક આટંકી ઉપાયો ન અજમાવે.’ સહુએ આ આઈડિયાને વધાવી લીધો અને ભગુ ભાજપીના ઘરે સમૂહમેચદર્શનનો કાર્યક્રમ રાખ્યો. ત્યાં મેચ સમયે તો કંઈ ન થયું. પણ એ રાતે એની પત્ની, સ્મૃતિ ઈરાનીની સ્મૃતિને ઝાંખી પાડી દે એવી રણચંડી બની, તેથી ભગુ ભાજપીએ રાત મોડે સુધી પાર્કિંગમાં વીતાવવી પડી. આખરે કનુ કોંગ્રેસીએ એને રાતવાસો આપ્યો. હસુભાઈએ કહ્યું, ‘જોયું, ક્રિકેટપ્રેમ એ પ્રેમની એવી ઉચ્ચ અવસ્થા છે જ્યાં પક્ષાપક્ષીને સ્થાન નથી..’ પણ આ સમૂહમેચદર્શનનો પ્લાન ફ્લોપ ગયો એટલે અમારી બિલ્ડિંગના તમામ પુરુષોની સભા મળી. ક્રિકેટ દર્શન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ટેન્શન ન સર્જાય એ માટે કોઈ સુચારુ ઉકેલ કાઢવાનો હતો. સૌ પુરુષો પાર્કિંગ લોટમાં ભેગા મળ્યા. સોરી! સહુ નહીં, ધનશંકર ન આવ્યા. કેમ કે ધનશંકરની ડિક્શનરીમાં ‘ક્રિકેટ’ એટલે ‘ઝિંગુર’ કે ‘ખડમાંકડું’ નામનું જીવડું. પણ પ્રેરણાડી ક્રિકેટની ચાહક હતી. એ આવી અને એણે જ ઉકેલ આપ્યો, ‘અંકલ્સ! બિલિવ મી, લેડિઝોના મનમાં ક્રિકેટનો પ્રેમ જગાડો. આંટીઝને ક્રિકેટનું ઘેલું લગાડો! ધેટ્સ દ ઓન્લી વે…’ અને પછી અંકલ્સોએ શરૂ કર્યો આંટીઝોને ક્રિકેટનું ઘેલું લગાડવાનો ઘેલો કાર્યક્રમ.. બાબુ બોલ્યો, ‘ડરેક ખેલાડી આઈ.પી.એલમાં સું ભાવે વેચાયો એ પટ્નીઓને જણાવવું, અને એ રકમમાંથી એની પટ્ની કે ગર્લફ્રેન્ડને કેટલું શોપિંગ કરવા મયલું હશે, એની રમ્ય કલ્પના પટ્નીઓને સંભળાવવી.’ બધા પુરુષોએ એમ જ કર્યું. પત્નીઓએ રસપૂર્વક સાંભળ્યું. સહુને આશા હતી કે હવે આઈ. પી. એલ. જોવાની છૂટ મળશે. બીજા દિવસે સ્ત્રીઓએ પુરુષોને ક્રિકેટ જોવાની નહીં, પણ રમવાની છૂટ આપી અને એ પહેલાં ફિટનેસ માટે યોયો ટેસ્ટ પસાર કરવા પોતાના પતિને 15-15 કિલો વજન ઉતારવાનો ટાર્ગેટ આપ્યો.⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...