માનસ દર્શન:‘રામચરિતમાનસ’નાં સાત સોપાન શિવ-મહિમાનાં સાત કેન્દ્ર છે

2 મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

‘રામચરિતમાનસ’માં ભગવાન રામનો મહિમા તો છે જ. ‘માનસ’માં શિવનો મહિમા છે. ‘માનસ’માં શૈલજાનો મહિમા છે. ‘માનસ’માં ગંગાનો મહિમા છે. ‘માનસ’માં દશરથ અને કૌશલ્યાનો મહિમા છે. ‘માનસ’માં ગોસ્વામીજીએ રાવણનો મહિમા પણ ગાયો છે. ‘માનસ’માં મુનિઓનો મહિમા છે; ચિત્રકૂટનો મહિમા છે; સત્સંગનો મહિમા છે; સાધુનો મહિમા છે; ભરતનો મહિમા છે. કુલ સત્યાવીસ મહિમાનું ગાયન આ કથામાં છે. ‘માનસ’ના સાતેય કાંડમાં શિવનો સાત પ્રકારનો મહિમા છે. ‘માનસ’ના સાતેય કાંડમાં શિવની સાત વસ્તુ દેખાય છે. શિવમાં પહેલી વસ્તુ છે તપ. શિવની તપસ્યા ગજબ છે! ભવાનીની તપસ્યા પણ ગજબ છે! મહિમાનું પહેલું સૂત્ર છે તપ. બીજું તેજ. મહાદેવ જેવું તેજ કોનું? વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્. વન્દે સૂર્યશશાંકવહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયં વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્. સૂર્ય, શશાંક, અગ્નિ જેમનાં નેત્ર છે એમના જેવું તેજ બીજા કોનું હશે? શિવનો બીજો મહિમા છે તેજ. ત્રીજું, શિવ છે તીર્થરૂપ. જેવી રીતે આપણે કહીએ છીએ કે તીર્થોમાં સ્નાન કરો તો બધાં પાપ ધોવાઈ જાય. શિવના મહિમાનું એક કેન્દ્ર છે તીર્થ. તપ, તેજ, તીર્થ અને ચોથું તારુણ્ય. શિવ બૂઢા નથી. એમનામાં તારુણ્ય છે; રોજ નવું જોબન છે. હા, પછી કોઈ કવિતામાં શિવને બૂઢા દર્શાવે એ જુદી વાત છે. તુલસીદાસજી પણ ‘બૂઢો બડો પ્રમાણિક’ કહી દે છે. શિવજીએ જ્યોતિષીનું રૂપ લીધું; એ બહુ બૂઢા હતા. એ તો લાડ લડાવવાની સૌની પોતપોતાની રીત છે. બાકી શિવમાં તારુણ્ય છે. તારુણ્ય એ શિવના મહિમાનું ચોથું કેન્દ્ર છે. પાંચમું છે તત્પરતા, તીવ્રતા. શિવની તત્પરતા ગજબ છે! શિવના મહિમાનું છઠ્ઠું કેન્દ્ર છે ત્યાગ. ‘મહોક્ષ: ખટ્વાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:।’ કેવા ત્યાગમૂર્તિ છે મહાદેવ! ત્યાગ છે મહિમાનું એક કેન્દ્રબિંદુ. મહિમાનું સાતમું કેન્દ્ર છે તૃપ્તિ. જ્યારે હું તલગાજરડાના એ ખૂણાને યાદ કરું છું ત્યારે મને ‘માનસ’નાં બધાં સોપાનમાં આવું દેખાય છે. એમાં ‘બાલકાંડ’ ઉઠાવું છું તો મહાદેવનું તપ દેખાય છે. આખો ‘બાલકાંડ’ તપસ્યાથી ભરેલો છે સાહેબ! એમાં પાર્વતીનું તપ છે; એમાં શિવનું તપ છે; મનુ-શતરૂપાનું તપ છે; દેવર્ષિ નારદનું તપ છે. ગોસ્વામીજી કહે છે- તપબલ રચઇ પ્રપંચુ બિધાતા, તબ બલ બિષ્નુ સકલ જગ ત્રાતા. તપની ભરપૂર ચર્ચા ગોસ્વામીજીએ ‘બાલકાંડ’માં કરી છે. તપ-મહિમાનો કાંડ છે ‘બાલકાંડ.’ શિવના મહિમાનું બીજું કેન્દ્ર છે ત્યાગ. ‘અયોધ્યાકાંડ’ ત્યાગનું કેન્દ્ર છે. ભરતનો ત્યાગ. ત્યાં જોવા મળે છે ત્યાગ, ત્યાગ, ત્યાગ! ત્યાગની એક બહુ જ ખૂબસૂરત સ્પર્ધા ચાલી રહી છે. શિવના મહિમાનું આ તત્ત્વ ‘અયોધ્યાકાંડ’માં મળે છે જ્યાં છે ત્યાગ. ‘અરણ્યકાંડ’માં કેટલા બધા ઋષિમુનિઓ છે! કેટલા બધા આશ્રમો છે! ત્યાં સર્વત્ર તીર્થપણું છે. શિવના મહિમાનું એ ત્રીજું કેન્દ્રબિંદુ તીર્થ, તીર્થપણું ત્યાં છે. શિવના મહિમાનું જે ચોથું તત્ત્વ તારુણ્ય છે એ છે ‘કિષ્કિન્ધાકાંડ.’ સુગ્રીવ તરુણ છે. વાલિ પણ તરુણ છે, યુવાન છે. વાલિ તરુણ છે. વિચારોનું તારુણ્ય છે વાલિમાં. હા, વાલિમાં તારુણ્ય છે. થોડી તારુણ્યની શક્તિ જુદા રસ્તે ચાલી ગઈ હતી પરંતુ કૃપા થઈ અને પછી યોગ્ય માર્ગ પર આવી ગઈ. સુગ્રીવ તરુણ છે. સુગ્રીવ જેવા દોડનારા કોઈ નથી; એનામાં અદ્ ભુત તારુણ્ય છે; એના જેવો કોઈ દોડવીર પેદા નથી થયો. સુગ્રીવના નામે જ દોડસ્પર્ધા થવી જોઈએ. એના જેવો કોઈ દોડવીર નથી, જે ભાગતો જ રહે છે! યુવરાજ અંગદ તરુણ છે. અને સૌથી તરુણ હનુમાનનો પ્રવેશ પણ તુલસીએ ‘કિષ્કિન્ધા’માં જ દર્શાવ્યો છે; એમના સમાન તરુણ બીજું કોણ છે? મહાબીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમિત કે સંગી. સોનું ક્યારેય વૃદ્ધ નથી થતું. હાથ વજ્ર છે. ‘અયં મે હસ્તો ભગવાન.’ એવો જે ભગવતી શ્રુતિનો ઉદ્ઘોષ છે. વેદ કહે છે, મારા હાથ વિશ્વની બધી જ બીમારીઓની ઔષધિ છે. તો શ્રી હનુમાનજી તરુણ છે, યુવાન છે. ‘કિષ્કિન્ધાકાંડ’માં ભગવાન શિવના તારુણ્ય-તત્ત્વનો મહિમા દેખાય છે. તત્પરતા, તડપ એ ‘સુન્દરકાંડ’નો કેન્દ્રીય વિષય છે; જ્યાં જાનકી તડપે છે; સીતાના વિયોગમાં ભગવાન રાઘવેન્દ્ર તડપે છે. ભગવાન સીતાને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ તત્પર છે, તડપી રહ્યા છે. એક પ્રકારની તડપ, તત્પરતા, તીવ્રતા જે મહાદેવના મહિમાનું સૂત્ર છે એ ‘સુન્દરકાંડ’માં જોવા મળે છે. તો તપ, ત્યાગ, તીર્થપણું, તારુણ્ય અને તત્પરતા. ‘લંકાકાંડ’માં ‘શિવમહિમ્ન’નું સૂત્ર તેજસ્વિતા છે. રાવણને ગમે તેટલી ગાળો આપો; દર વર્ષે એને બાળો, એ ઠીક છે, પરંતુ રાવણની તેજસ્વિતાને પ્રણામ કરવાં જ પડશે. તાસુ તેજ સમાન પ્રભુ આનન, હરષે દેખિ સંભુ ચતુરાનન. મારા ગોસ્વામીજી કહે છે કે રાવણને જ્યારે એકત્રીસમું બાણ લાગ્યું અને રાવણ ઢળી પડ્યો ત્યારે રાવણનું તેજ ભગવાન રામના મુખમાં સમાઈ ગયું. ‘ઉત્તરકાંડ’માં શિવ-મહિમાનું બિલકુલ સારસૂત્ર છે તૃપ્તિ. ‘પાયો પરમ વિશ્રામ.’ જાકી કૃપા લવલેસ તે મતિમંદ તુલસીદાસહૂં, પાયો પરમ બિશ્રામુ રામ સમાન પ્રભુ નાહીં કહૂં. તો તૃપ્તિ, એક ડકાર, એક સંતોષ, જે શિવનું મહિમાવંત સૂત્ર છે; ‘ઉત્તરકાંડ’માં એ તૃપ્તિ આપ પામી શકશો. તો ‘માનસ’નાં સાત સોપાન શિવ-મહિમાનાં સાત કેન્દ્ર છે. આ સાત સોપાનોમાં સાત સૂત્રો નિહિત હોય એવું જણાય છે. ગુરુકૃપા થાય, શાસ્રની કૃપા થાય ત્યાંથી સત્ય શોધનારને એ મળે છે. દરવાજો ખુલ્લો હોવો જોઈએ.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...