તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:ડૂબતા સૂરજનું કોઈ સગું હોતું નથી

માવજી મહેશ્વરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાને તમે ઉપયોગી છો ત્યાં સુધી લોકો તમારી આગળ-પાછળ ફરશે, જયજયકાર કરશે. સ્વજનો પણ જાકારો આપેે ત્યારે આવા બગીચા આશ્રય આપે છે

શ્યામલ સાંજ અંધારી રાત બની ગઈ છે. બગીચામાં આછા અંધારા ઊતરી ચૂક્યા. મારા મિત્રે પૂછ્યું, ‘કેમ મૂંગો થઈ ગયો? પેલા કાકાની કહાની સાંભળીને ઈમોશનલ થઈ ગયો?’ ‘હા યાર, આપણી હાલત પેલા કાકા જેવી નહીં થાય ને?’ ‘આ તો જિંદગી છે દોસ્ત, પણ આપણી સાથે આવું નહીં થાય, કારણ કે આપણી પાસે છે શું? ચિંતા ત્યારે જ હોય જ્યારે આપણી પાસે ઘણુંબધું હોય.’ મિત્ર ગાડી ડ્રાઈવ કરતો રહ્યો. મને રહીરહીને એ કાકાનો હવામાં પછડાતો હાથ અને વારંવાર નિરાશામાં ડૂબી જતી આંખો દેખાતી રહી. આમ તો મારા મિત્રે જ કહ્યું હતું, ‘ચાલ, પેલા કાકાની પાસે બેસીએ. એમને સથવારાની કે કોઈ સહારાની જરૂર લાગે છે.’ મિત્રે જે કહ્યું તે માની અમે એ કાકા પાસે બેઠા. અમને નજીક આવતા જોઈ તેમના નિરાશ ચહેરા પર થોડી શંકાની રેખાઓ અંકાઈ ગઈ, પણ ‘કેમ છો?’ એવું હાથના ઇશારાથી કહ્યું તે સાથે તેમની આંખો પલકારા મારવા લાગી. ન માની શક્યાની શંકા આવીને ચાલી ગઈ. મારો મિત્ર બહિર્મુખ સ્વભાવનો. તેણે બાંકડા પર રૂમાલ પાથરતાં કહ્યું, ‘વડીલ, તમારા એકાંતમાં ખલેલ પાડીએ છીએ. વાંધો નથી ને? ‘બેસો ને ભાઈ. આજે માણસને માણસ આવું પૂછે એ જરા અજૂગતું લાગે છે.’ શુદ્ધ ઉચ્ચારો સાથે બોલાયેલું વાક્ય છાતીસોંસરવું નીકળી જાય એવું હતું. ખાદીનાં કપડાં જોઈ એ કોઈ પક્ષ સાથે જોડાયેલા હશે એવું મેં અનુમાન બાંધ્યું. મારા મિત્રે કહ્યું, ‘સતીશ, આ મહાનુભાવ કોણ છે ખબર છે? એક વખતના ધારાસભ્ય છે. સળંગ ચાર-ચાર વખત ચૂંટાયેલા સિદ્ધાંતનિષ્ઠ રાજનેતા છે. હું ભૂલતો ન હોઉં તો તમે વીરજી પઢિયાર છો ને?’ વૃદ્ધ પર જાદુઈ અસર થઈ હોય તેમ એમની આંખોમાં ચમક આવી. પીઠ સહેજ ટટ્ટાર થઈ, પરંતુ થોડી વાર માટે. ફરી એ જ નિરાશા. તેમણે મારા મિત્રની આંખોમાં જોતાં નિરાશ સ્વરે કહ્યું, ‘તમે મને ઓળખો છો?’ ‘હા, હું અહીંનો જ છું. અહીં રોજ આવું છું અને તમને કાયમ આ જગ્યાએ જ બેઠેલા જોઉં છું. આજે તમારી સાથે વાત કરવાનું મન થયું. તમારા જેવા અનુભવી માણસ પાસેથી કશું જાણવા મળશે એમ માનીને અમે અહીં આવ્યા.’ ‘જવા દો ભાઈ, શા માટે તમારો મોજમજાનો સમય મારા જેવા ફાલતુ સાથે પસાર કરવા માંગો છો? યુવાન છો તો યુવાનની જેમ જીવો. મારા અનુભવને શું કરશો? આજે કોઈ કોઈના અનુભવ પૂછે છે જ ક્યાં?’ ભારોભાર નિરાશા અને વેદના સાથે બોલાયેલા વાક્યોમાં અવગણનાનો પડઘો હતો. મેં પૂછ્યું, ‘સાહેબ, તમે બહુ જ નિરાશ છો. મને નવાઈ લાગે છે કે ચાર ટર્મ ચૂંટાયેલા અનુભવી વ્યક્તિની તમારા પક્ષને કોઈ સેવાની જરૂર રહેતી હશે ને?’ ‘પ્લીઝ સ્ટોપ ધીઝ સબ્જેક્ટ.’ સન્નાટો પથરાઈ ગયો. એ આકાશમાં તાકી રહ્યા. કદાચ એમને એમનો ભવ્ય ભૂતકાળ યાદ આવતો હશે કે પછી દારૂણ વર્તમાન કોરી ખાતો હશે. હું ઝંખવાઇ ગયો. મેં ભૂલથી એમના મર્મસ્થાન પર ભાર આપી દીધો હતો. અમે ત્રણેય મૂંગા બેસી રહ્યા. એ થોડી વાર રહીને બોલ્યા, ‘મિત્ર, ક્ષમા કરશો. મારો ઈરાદો તમારું અપમાન કરવાનો નહોતો. મારા ભૂતકાળની વાત કરવાનું મન થતું નથી. તમે સમજદાર અને લાગણીશીલ યુવાનો લાગો છો. એટલી વિનંતી કરું છું, તમારાં વૃદ્ધ મા-બાપને ક્યારેય એકલાં પડવાં ન દેતાં. દુનિયાને તમે ઉપયોગી છો ત્યાં સુધી લોકો તમારી આગળ-પાછળ ફરશે, જયજયકાર કરશે. સ્વજનો પણ જાકારો આપેે ત્યારે આવા બગીચા આશ્રય આપે છે. મને ખબર નથી કે તમે કયા વ્યવસાયમાં છો, પણ એવું મિત્રવર્તુળ રાખજો જે અંત સુધી સાથ આપે.’ તે પછી છલોછલ ભરેલા તળાવની પાળ તૂટી હોય તેમ એમનો એકધારો વાકપ્રવાહ ચાલતો રહ્યો. આક્રોશ, નિરાશા અને અવગણનાથી ઘેરાયેલા વૃદ્ધની પાંસળીઓમાં છુપાયેલો માણસ ચિત્કારતો હતો. સાંજ અંધકારમાં ફેરવાતી રહી! ⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...