• Gujarati News
  • Magazine
  • Rasrang
  • "The Secret To Success In UPSC Exam Is To Focus On Revision By Studying Limited Books Instead Of Studying Many Books On The Same Subject"

લક્ષ્યવેધ:‘UPSC એક્ઝામની સફળતાનું રહસ્ય એ છે કે, એક જ વિષયનાં અનેક પુસ્તકોનો અભ્યાસ કરવાને બદલે સીમિત પુસ્તકોનો અભ્યાસ કરીને પુનરાવર્તન ઉપર ભાર મૂકવો’

16 દિવસ પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક
  • આઈ. એ. એસ. શિવાની ગોયલે બીજા પ્રયાસે યુ. પી. એસ. સી. એક્ઝામ ક્રેક કરીને નેશનલ લેવલે 15મો રેન્ક મેળવ્યો

ગાંધીનગરમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા)ના નિયામક તરીકે કાર્યરત આઈ. એ. એસ. શિવાની ગોયલે વાણિજ્ય શાખામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી યુ. પી. એસ. સી. પરીક્ષા આપી. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં બીજા પ્રયાસે તેમણે ઓલ ઇન્ડિયા રેન્‍કિંગમાં 15મો ક્રમ મેળવીને આઈ. એ. એસ.બન્યાં છે.

નવી દિલ્હીના બિઝનેસમન રમેશકુમાર ગોયલ અને સંગીતા ગોયલનાં તેજસ્વી સુપુત્રી શિવાનીએ શાળાકીય શિક્ષણ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ નવી દિલ્હીમાં કર્યો. તેમણે દસમા ધોરણમાં 98 ટકા સાથે અને ધોરણ-12માં 97 ટકા માક્્ર્સ મેળવ્યા. બારમા ધોરણમાં તેમણે સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. શિવાનીબહેને કોલેજનો અભ્યાસ નવી દિલ્હીની નામાંકિત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં કર્યો અને બી.કોમ (ઓનર્સ)ની િડગ્રી મેળવી. આ ઊપરાંત તેઓ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં પારંગત છે. તેઓ નૃત્યકલાના વિષયની પદવી પણ ધરાવે છે.

વહીવટી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડનારાં શિવાની ગોયલ પોતાની આ સફર વિશે માંડીને વાત કરે છે, ‘હું કોલેજમાં હતી ત્યાં સુધી મેં નક્કી કર્યું ન હતું કે હું સરકારી નોકરી કરીશ કે ખાનગી ક્ષેત્રમાં ઝંપલાવીશ? કોલેજમાંથી વિવિધ ક્ષેત્રે મને ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવતી. તે દરમિયાન મેં સામાજિક ક્ષેત્રે કામ કર્યું ત્યારે મને એવી અનુભૂતિ થઇ કે, સમાજ માટે કામ કરવાથી સંતોષ મળે છે અને સમાજ માટે કાર્ય કરવા માટે IASથી સારો કોઇ મંચ કે માધ્યમ ના હોઇ શકે. પણ હું ગ્રેજ્યુએટ થઇ ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. યુ. પી. એસ. સી. પરીક્ષા આપવાની લઘુત્તમ ઉંમર ધરાવતી ન હોવાથી મેં એક વર્ષ યુ. પી. એસ. સી.ની તૈયારી કરવામાં વિતાવ્યું. પછી 2016માં યુ. પી. એસ. સી.ની એક્ઝામ પ્રથમ વાર આપી. તેમાં હું તેમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકી હતી.’

યુ. પી. એસ. સી. પરીક્ષામાં વિષયની પસંદગી અને તૈયારી અંગે શિવાની ગોયલ કહે છે, ‘મેં એકાઉન્‍ટન્‍સીના મુખ્ય વિષય સાથે યુ. પી. એસ. સી. પરીક્ષા આપી હતી. શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે કોમર્સનું કોચિંગ લીધું. પરંતુ એકાદ મહિના પછી પસંદગીના વિષયમાં ફાવટ આવતા કોચિંગ છોડી દીધું અને સેલ્ફ સ્ટડીઝ કરી. હું દરરોજ આઠથી દસ કલાકનું વાચન અને લેખન કરતી હતી.મારી દૃષ્ટિએ મુજબ યુ. પી. એસ. સી. પરીક્ષાની તૈયારી મોટા ભાગે સેલ્ફ સ્ટડીથી પાસ કરી શકો છો.’

ઈન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે શિવાનીબહેન કહે છે, ‘ઈન્ટરવ્યૂમાં મને જુદા જુદા વિષયના અનેક પશ્નો પુછાયા હતા. મારા મુખ્ય વિષય વિશેના, મારા હોમ ટાઉન નવી દિલ્હીને સંલગ્ન સ્વાસ્થ્ય સંબંધિત તથા મારા બેક ગ્રાઉન્‍ડ વિશેના પ્રશ્નો પુછાયા હતા. યુ. પી. એસ. સી. એક્ઝામમાં બીજા પ્રયાસે હું નેશનલ લેવલે 15માં રેન્ક સાથે પાસ થઇ અને મને ગુજરાત કેડરમાં પોસ્ટિંગ મળ્યું.’

પ્રથમ પ્રયાસમાં કરેલી ભૂલો વિશે શિવાની ગોયલ કહે છે, ‘મેં જે ભૂલો કરી તેનું મનોમંથન કર્યું અને એ ભૂલો ફરી ન થાય એ માટે મન મક્કમ કર્યું. સૌથી પહેલા મેં પ્રીલિમિનરી અને મેઇન સિલેબસને આધાર બનાવીને અભ્યાસ કર્યો. દરેક વિષય માટે અનેક પુસ્તકોની જગ્યાએ એક કે બે પુસ્તકોને જ સીમિત આધાર બનાવી અભ્યાસ કર્યો. આ પરીક્ષામાં સફળતા મેળવવા માટેનંુ સૌથી મોટું રહસ્ય એ છે કે, એક જ વિષયનાં અનેક પુસ્તકોનો અભ્યાસ કરવાને બદલે સીમિત પુસ્તકોનો અભ્યાસ કરીને મેં પુનરાવર્તન ઉપર ભાર મૂક્યો. તે માટે મેં વૈકલ્પિક, નિબંધ અને નીતિશાસ્ત્રની પરીક્ષા ઉપર ભાર મૂક્યો. મેં નમૂના પેપર દ્વારા પ્રેક્ટિસ કરી હતી. મેં સિલેબસની તૈયારી ઉપરાંત જવાબ લખવાની પ્રેક્ટિસ અને ટેસ્ટ પેપર્સ ઉપર ધ્યાન આપ્યું. ઇન્ટરવ્યૂ માટે દરેક ઉમેદવારે પોતાનું વિગતવાર અરજી ફોર્મ (DAF) ભરે છે અને ઇન્ટરવ્યૂ આપનાર જ આ ફોર્મ ભરે છે. આ ફોર્મમાંથી જ ઇન્ટરવ્યૂના સવાલો પૂછે છે. આથી મેં જે ફોર્મ ભર્યું હતું એ યાદ રાખ્યું અને તે મુજબ પૂરેપૂરી તૈયારી કરી. જે પ્રશ્નોના જવાબ આવડ્યા તેના આત્મવિશ્વાસથી જવાબો આપ્યા. આવી રીતે મેં ફરીથી એક્ઝામ આપી અને તેમાં મને સફળતા મળી.’ શિવાની ગોયલના પતિ સુશીલ અગ્રવાલ ગુજરાત કેડરમાં આઈ. પી. એસ. અધિકારી તરીકે કાર્યરત છે. ⬛
સફળતા માટેની ટિપ્સ
⚫ યુ. પી. એસ. સી.ની પરીક્ષામાં પ્રીલિમિનરીમાં વર્ષે વર્ષે જટિલતા વધી રહી છે, આથી પૂરી પ્રમાણિકતા સાથે મહેનત કરી પોતાની મર્યાદાઓને સમજીને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવો
⚫ પ્રીલિમિનરી પરીક્ષા હોય કે મુખ્ય પરીક્ષા હોય, દરેક પરીક્ષાને પૂરતું મહત્ત્વ આપવું.
⚫ વૈકલ્પિક વિષય પર પણ વધુ ધ્યાન આપવું.
⚫ માત્ર જનરલ સ્ટડીઝ પર જ ફોકસ ન કરવું.
⚫ એક પુસ્તક વાંચતા હો તો એ પુસ્તક પૂરેપૂરું વાંચવું અને એ પુસ્તક શક્ય હોય ત્યાં સુધી ત્રણ વાર વાંચવું કારણ કે, રિવિઝનની ખૂબ જ જરૂરી છે. એક સમયે ત્રણ પુસ્તકો વાંચવાને બદલે એક જ પુસ્તક ત્રણ વાર વાંચવું. આમ કરવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.
⚫ જે ઉમેદવાર અનેકવાર પરીક્ષા આપે છે તે અનેક પુસ્તકો વાંચવાની ભૂલ કરે છે.તેઓ ઘણાંબધાં પુસ્તકોનો અભ્યાસ ચાલુ કરી દે છે. આમ કરવાથી સમય વેડફાય છે. સિલેબસ જોઇને પુસ્તકો અને મટિરિયલ સીમિત રાખવું આવશ્યક અને અનિવાર્ય છે.
⚫ પ્રીલિમિનરી અને મુખ્ય પરીક્ષા ત્રણ કલાકની હોય છે આથી તમે ઘરે બેસીને જ્યારે પરીક્ષાના સેમ્પલ પેપર લખો ત્યારે પણ ત્રણ કલાકમાં પેપર પૂરું લખવું.
⚫ સમય મર્યાદામાં પેપર આપવું, સમયસર પૂરું કરવું.
⚫ બીજા ટોપર્સની જુદી જુદી ઉત્તરવહી પણ જોવી. તેમાં તેમણે જવાબ કઈ રીતે લખ્યા છે તેનો અભ્યાસ કરવો અને તેમાંથી શીખવું.
⚫ યુ. પી. એસ. સી.માં જવાબનું જ્ઞાન હોવું જ પૂરતું નથી, પરંતુ આ જવાબ તમે કેવી રીતે લખી શકો અને કઇ રીતે તેને રજૂ કરી શકો એ પણ અેટલું જ મહત્ત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...