તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપસ કી બાત:‘મધર ઇન્ડિયા’માં પણ એ જ સુખ્ખી લાલા

રાજકુમાર કેસવાની3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકીનાં બધાં પાત્રો માટે તો કલાકારો મળી ગયાં પણ સુખ્ખી લાલાના પાત્ર માટે એમને બીજો કોઇ કલાકાર એવો જોવા ન મળ્યો. પરિણામે કનૈયાલાલને જ ફરીથી સાઇન કરવા પડ્યા

અભિનેત્રી નરગિસ વિશે વાત કરતાં પહેલાં આપણે નાનકડા સાજિદની વાત જાણી, પણ આ ફિલ્મમાં એટલું જ મહત્ત્વનું પાત્ર અદા કરતા સુખ્ખી લાલા બનતા કનૈયાલાલ વિશે જાણવાનું હજી બાકી છે. કનૈયાલાલ ચતુર્વેદી અદ્ભુત પ્રતિભાશાળી કલાકાર હતા. આ વાતનો ખ્યાલ એના પરથી જ આવી જાય કે મહેબૂબ ખાને જ્યારે પોતાની જૂની ફિલ્મ ‘ઔરત’ (40)ને ફરીથી બનાવવાનો નિર્ણય કર્યો તે સાથે એ પણ નક્કી કરી લીધું કે આની રીમેક ‘મધર ઇન્ડિયા’માં કોઇ કલાકારને રીપિટ નહીં કરે. બાકીનાં બધાં પાત્રો માટે તો કલાકારો મળી ગયાં પણ સુખ્ખી લાલાના પાત્ર માટે એમને બીજો કોઇ કલાકાર એવો જોવા ન મળ્યો. પરિણામે કનૈયાલાલને જ ફરીથી સાઇન કરવા પડ્યા અને બીજી વારમાં તો આ કલાકારે એવો અભિનય કરી બતાવ્યો કે લોકો એમના જેવા કલાકારને શોધતા રહી જાય. ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને વિશ્વસનીય બનાવવામાં કનૈયાલાલના અભિનયનું પણ સારું એવું યોગદાન છે. આથી જ્યારે ફરીથી વાત કરીશું ત્યારે તેમની પણ વધુ વિસ્તૃત વાત કરીશું. અને…. હા, રાહી માસૂમ રઝાની વાતનું મારે મન ખૂબ જ મહત્ત્વ છે. લગભગ ચાલીસેક વર્ષ પહેલાં એમણે પોતાના આર્ટિકલમાં મહેબૂબ ખાન અને ‘મધર ઇન્ડિયા’ની વાત કરતાં લખ્યું હતું જે ખરેખર સમજવાલાયક છે. ‘એમની (મહેબૂબ ખાનની) ફિલ્મ ‘ઔરત’ કે ‘મધર ઇન્ડિયા’માં સામાજિક અન્યાય વિરુદ્ધ એક પ્રકારની અકળામણ અવશ્ય જોવા મળે છે, પણ એ કહેવું મુશ્કેલ છે કે આ ફિલ્મોમાં એમણે સામાજિક અને સત્તાકીય વૃત્તિને ઉઘાડી પાડી છે. મહેબૂબ સાહેબ ફિલ્મોના જોશીલા ફિલ્મમેકર છે, જેમની ફિલ્મ બનાવવાની રીત અત્યંત શક્તિશાળી છે, પણ દરેક શક્તિ હોશિયારીને લીધે નથી આવતી, પણ સામાજિક અન્યાય સામે એક પ્રામાણિક માણસની અકળામણનું પરિણામ છે.’ રાહી આ અકળામણને મહત્ત્વપૂર્ણ તો માને છે, પણ તેને મંજિલ નથી માનતા. હા, પછી આ વાતને આગળ વધારતાં તેઓ ખૂબ જ સુંદર એક વાત કહી જાય છે. ‘સ્વર્ગસ્થ મહેબૂબ ખાનની આ અકળામણથી ભરેલી કામગીરી ઘણા દિવસોના મૌન બાદ હવે સલીમ-જાવેદની લખેલી વાર્તાઓની ફિલ્મોમાં જોવા મળવા લાગી છે.’ આ ઇશારો છે ‘મધર ઇન્ડિયા’ના બિરજુના સલીમ-જાવેદની ફિલ્મોમાં જોવા મળતા અતિપ્રચલિત ‘એંગ્રી યંગ મેન’વાળા અવતાર તરફ. હા, સલીમ-જાવેદની વાર્તાઓમાં પણ સામાજિક શોષણ, અન્યાય અને અત્યાચારનો વિરોધ કરતો હીરો જોવા મળતો અને એ પણ બિરજુની માફક જ પોતાની રીતે આ શોષણ, અન્યાય અને અત્યાચારનો સામનો કરતો. એક રીતે જોતાં વાત સાચી પણ છે અને સારી પણ છે. પ્રખ્યાત શાયર દુષ્યંત કુમાર ત્યાગી પણ એવું જ કહી ગયા છે : મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિએ. ચાલો ત્યારે, એ પછીની વાત હવે આવતા સપ્તાહે કરીશું. સ્થળ અને સમયનો અભાવ સૌની માફક મને પણ નડે છે. મને ખબર છે કે મારા વાચકો સમજદાર છે અને સમજી જશે કે હું શું કહેવા ઇચ્છું છું. ત્યાં સુધી જય-જય!⬛ (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...