તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:ખત્રીની વાર્તા-બક્ષીની નોવેલ અંતની સમાનતાનો કોયડો

કીર્તિ ખત્રી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાજે સર્જક જયંત ખત્રીની પુણ્યતિથિઅે ‘ખરા બપોર’નો અંતિમ ફકરો અને ‘પડઘા ડૂબી ગયા’નાં અંતિમ વાક્યોની સમીક્ષા

આધુનિક ગુજરાતની નવલિકાના શિલ્પી ડો. જયંત ખત્રીની અાજે 6 જૂનના રોજ પુણ્યતિથિ છે. 1968માં તેમણે અાંખ મીંચી ત્યારે મોટા ભાગના સાક્ષરોઅે અંજલિ અાપતી વખતે તેમના સાહિત્ય સર્જન કરતાંયે વધુ ચર્ચા મૃત્યુ સામેના જંગની કરી હતી. જીવલેણ કેન્સરને સહજતાથી સ્વીકારીને જયંતભાઇઅે જાણે મૃત્યુ ઉત્સવ જ મનાવ્યો હતો અેની સાૈઅે વાત કરી હતી. હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મોહમ્મદ માંકડ, અમૃતલાલ યાજ્ઞિક વગેરેઅે મૃત્યુના સાંનિધ્યમાં બેઠેલા ડો. ખત્રીઅે જાણે કશું થયું જ ન હોય અે રીતે જિંદગીની વાતો કરીને સ્મરણ વાગોળ્યા હતા. અલબત્ત, પાછળથી વાર્તાકલાની સાથે સાથે તેમની બહુમુખી પ્રતિભા વિશેય સતત લખાતું રહ્યું છે. ‘સંસ્મૃતિ’ અને ‘મરુભૂમિના મેઘધનુષ’ નામે બે સ્મૃતિગ્રંથ પ્રકાશિત થયા છે. અેમના જીવનકવન વિશે નાટક ‘ધૂળનો સૂરજ’ લખાયું-ભજવાયું છે, ચારેક વિવેચનગ્રંથ ઉપરાંત, અેમની વાર્તાકલાનાં જુદાં જુદાં પાસાં વિશે પચ્ચીસેક મહાનિબંધ લખાયા છે. અેક મહાનિબંધ અંગ્રેજીમાંયે લખાયો છે. જયંત ખત્રીઅે ‘કૃષ્ણજન્મ’ વાર્તા લખ્યા પછીના વર્ષોમાં અે જ કથા-વિષય સાથે પ્રસિદ્ધ થયેલી સુરેશ જોશીની વાર્તા ‘જન્મોત્સવ’ની ચર્ચા ગુજરાતી વિવેચનમાં જાણીતી છે. સુરેશ જોશીની વાર્તા જયંત ખત્રીની વાર્તાથી પ્રભાવિત હોવાનું સ્પષ્ટ રીતે લખાયું સુધ્ધાં હતું. અાધુનિક ટૂંકી વાર્તાના આ બંને શિલ્પીઅોની હાજરીમાં મુંબઇ ખાતે પણ તેની ચર્ચા થઇ હોવાનું જટુભાઇ પનિયાઅે નોંધ્યું છે, પરંતુ જયંત ખત્રીની ‘ખરા બપોર’નો અંતિમ ફકરો અને ચંદ્રકાંત બક્ષીની પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ના અંતિમ વાક્યો વચ્ચે ગજબનું સામ્ય છે. અેની નોંધ પહેલી વાર છેક 2017માં કિરીટ દૂધાતે લીધી હતી. અા મુદ્દો ગુજરાતી વિવેચકોના ધ્યાને યા તો અાવ્યો નથી અગર તો ચર્ચાયો નથી તેથી અાજે અહીં રજૂ કર્યો છે. પ્રસંગ હતો અંજારના યુવા વાર્તાકાર અજય સોનીના વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’ના વિમોચનનો. 18-11-2017ની અે સાંજે કિરીટ દૂધાતે સાહિત્ય કૃતિઅો પર જે રીતે પ્રદેશનો પરિવેશ પ્રભાવ પાડે છે અેની દાખલા-દલીલ સાથે છણાવટ કરી હતી. ટૂંકમાં અેમનું કહેવું અેમ હતું કે ગુજરાતના બધા પ્રદેશોમાં પ્રકૃતિ અોછાવત્તા પ્રમાણમાં છે અને અેનાં વર્ણન પણ અેનાં સર્જકોની વાર્તા, નવલકથા અને કવિતામાં અાવ્યા છે. પરંતુ જયંત ખત્રી અને બીજા કચ્છી સર્જકોના સાહિત્યમાં અે અાવે છે અે રીતે નહીં. અેટલે ‘સોરઠ તારા વહેતા પાણી’ કે ‘માનવીની ભવાઇ’માં પ્રદેશ વિશેષનાં વર્ણનો અાવે છે, ત્યારે તે કથાને પૂરક થઇને અાવ્યાં છે, પણ અહીંના સર્જકોની કૃતિમાં કચ્છની પ્રકૃતિ અેક માનવીના પાત્ર જેટલું કે પાત્રનું મહત્ત્વ ધારણ કરે છે. અા સંદર્ભે કિરીટભાઇઅે જયંત ખત્રી, વનુભાઇ પાંધી, નાનાલાલ જોશી, માવજી મહેશ્વરી અને અજય સોનીની કૃતિઅો, અેની ઘટનાઅો અને પાત્રોના દાખલા રજૂ કર્યાં. અા વક્તવ્ય વખતે અનાયાસે જ કિરીટભાઇઅે જયંત ખત્રીની ‘ખરા બપોર’ વાર્તાનો અંતિમ ફકરો અને ચંદ્રકાંત બક્ષીની પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ના અંતિમ વાક્યોની સમાનતાનો મુદ્દો છેડીને સાહિત્યપ્રેમીઅોને વિચારતા કરી મૂક્યા હતા.‘ખરા બપોર’ વાર્તાનો છેલ્લો ફકરો નીચે મુજબ છે : ‘મોડી રાતે ઘનઘોર અંધારા વચ્ચે, ઝૂંપડીમાંથી બહાર અાવતું અેક રુદન પવનના અેક ઝપાટા પર સવાર બનીને ઊડવા લાગ્યું. બેફામ થઇ દોડતો અે પવનનો સૂસવાટો ટેકરી પડખે અથડાયો અને ઢોળાવ પર પેલું રુદન વેરાઇ ગયું!’ અા વાર્તા 1955માં લખાઇ છે. 1957માં ખત્રીને ખૂબ જ અાદર અાપતા અેક નવયુવાન લેખક ચંદ્રકાંત બક્ષી પોતાની પ્રથમ નવલકથા લઇને અાવે છે, જેનું શીર્ષક છે ‘પડઘા ડૂબી ગયા’. તેઅો પોતાની નવલકથાનું સમાપન અા રીતે કરે છે, ‘પ્રકાશ જોરથી રડી ઊઠ્યો.... વ્હાઇટવોશ કરેલી દીવાલો રાતનાં અજવાળાંમાં ગમગીન લાગતી હતી. પ્રકાશની આંખો સામે લાલ અંધારું ઝૂલવાં લાગ્યું... સ્થિર હવામાંથી અેક તૂટી ગયેલા મર્દના રુદનના પડઘા ઊઠ્યા... ... અને ધીરે ધીરે પડઘા ડૂબી ગયા...’ અાજે જયંત ખત્રી અને ચંદ્રકાંત બક્ષી બંને સર્જક દિવંગત છે, પણ નવલકથાના અંતનો ફકરો લખતી વખતે બક્ષીના અચેતન મનમાં ‘ખરા બપોર’ના તૂટી ગયેલા, હારી ગયેલા નાયકનું રુદન પણ ક્યાંક પડ્યું હશે. અેક મોટા લેખકે બીજા મોટા લેખકને અાપેલી અા અંજલિ છે અેવી કિરીટભાઇની અંગત માન્યતા છે. બક્ષી જયંત ખત્રીથી પ્રભાવિત હતા. બંને વચ્ચે પુષ્કળ પત્રવ્યવહાર પણ થયેલો. ગુજરાતી વાર્તા સાહિત્યમાં પોતે અેકમાત્ર જયંત ખત્રીને સલામ ભરે છે અેવું નિવેદન પણ બક્ષીઅે માંડવીના કાર્યક્રમમાં કર્યું હતું. કદાચ તેથી જ કિરીટભાઇઅે અંજલિની વાત કરી છે. અહીં નોંધનીય વાત અે છે કે જયંત ખત્રી-સુરેશ જોશી વાર્તા સમાનતા તો લખાતાવેંત પાધરી પડી ગઇ હતી, પણ ‘પડઘા ડૂબી ગયા’ નોવેલ 1957માં પ્રસિદ્ધ થયા પછી છેક 60 વર્ષે 2017માં તેના અંતિમ વાક્યોવાળી ખોજ બહાર અાવી. બક્ષીઅે ક્યારેય તેની કબૂલાત કરી નહોતી. જ્યારે ખત્રી-જોશી વાર્તા સામ્યતાની ચર્ચા તો જાહેર બેઠકમાં બંને લેખકોની હાજરીમાં થઇ હતી. અનુકરણના મુદ્દે જયંત ખત્રી અેમ માનતા કે અેક જ કથાવિષય બે સર્જકોને સૂઝે અે શક્ય છે. જોકે જયંત ખત્રીના સ્વભાવથી પરિચિત લોકોનું માનવું છે કે પોતાનાથી યુવા અેવા પ્રતિભાશાળી સર્જકનું ગાૈરવ જળવાઇ રહે અેવો અભિગમ ખત્રીઅે અપનાવ્યો અે અેમની સજ્જનતા, મહાનતા હતી. અન્યથા છાતી ઠોકીને કહી શકયા હોત કે હા, અા અનુકરણ છે. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...