વિચારોના વૃંદાવનમાં:સંસારનું ખરું નામ છે : ‘બંધન બેંક’ જીવન નામની યુનિવર્સિટીનું કૅમ્પસ : સંસાર

ગુણવંત શાહએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણો સમગ્ર સંસાર વિરાટ બંધન બેંક જેવો નથી? સ્વાર્થની અથડામણ, મિલકતની મોહલીલા, અહંકારના આટાપાટા, તમોગુણી હઠનો હાહાકાર!

અમેરિકાનો મિઆમી બીચ દુનિયામાં વિખ્યાત છે. સાગરના કિનારે સ્ત્રી-પુરુષો સ્નાન કરીને મોજ કરે ત્યારે વસ્ત્રો ગૌણ બની જાય અને નગ્નતા સહજ બની જાય. મિઆમીને સાગરકિનારે નાનકડું નગર આવેલું છે, જ્યાં મજાની વાડીઓમાં ફળ એટલાં લટકે છે કે ડાળીઓ એમના ભારથી લચી પડે છે. સાગરકિનારે આવેલા એ નગરમાં એક રાત રહેવાનું બનેલું. એ નગરમાં એક જૈન પરિવાર સુખેથી રહે છે. આવો અનોખો પરિવાર જીવનમાં બીજો જોયો નથી. એક મોટા બંગલામાં માતાપિતા ઉપરાંત સાત પુત્રો અને સાત પુત્રવધૂઓ બાળબચ્ચાં સાથે આનંદપૂર્વક વર્ષોથી ભેગાં રહેતાં હતાં. બંગલાની ફરતે આવેલી વાડીમાં મોસંબી અને નારંગીનાં વૃક્ષોની સંખ્યા નાની ન હતી. પાણી માગો ત્યાં મોટા ગ્લાસમાં મોસંબીનો રસ મળે તેવી પરિસ્થિતિ! પ્રવચન ભગવાન મહાવીર પર થયું ત્યારે ઘરનાં શ્રોતાઓ જ વીસ જેટલા સામે બેઠેલાં હતાં. ગામમાંથી પણ થોડાક શ્રોતાઓ આવ્યાં હતાં. એક ગુજરાતી ડૉક્ટર હાજર હતા. પ્રવચન પછી એમણે મારા નિબંધસંગ્રહ પર હસ્તાક્ષર કરાવતી વખતે કહ્યું : ‘આ પુસ્તકનાં પાનાં છૂટાં પડી ગયાં છે, તે પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે મેં એ કેટલી વાર વાંચ્યું હશે.’ આવો કોઇ વાચક અન્ય દેશમાં મળી જાય ત્યારે અંદરથી ન હરખાઉં, એવો સ્થિતપ્રજ્ઞ હું નથી. કદાચ મિઆમીમાં આજે પણ એ પરિવાર સુખેથી ભેગો જ રહેતો હોય એમ બને. હજી યાદ છે કે પ્રવચનની શરૂઆત મેં મહાવીર સ્વામી ‘દૃષ્ટિવિષ’ એવા ચંડકૌશિક નાગની સામે નિર્ભયપણે ઊભા રહ્યા તે ઘટનાના રહસ્યથી કરી હતી. પરિવારનાં માતાપિતા તો ભગવાન મહાવીરનો મહિમા સાંભળીને જ ગદ્્ગદ્ થઇ ગયાં હતાં. સંયુક્ત પરિવારનું આવું રૂડું ઉદાહરણ મિઆમી જેવા અમેરિકન નગરમાં જોવા મળ્યું તે ગમી ગયું હતું. વર્ષો પહેલાં ભારતમાં સંયુક્ત પરિવારનો મહિમા થતો તે પોલો હતો. સાસરે દુ:ખી હોય એવી નણંદ પિતાના પિયેરના કુટુંબને પરેશાન કરે અને વિભાજન વધારે એવું ગંદું રાજકારણ તાણવર્ધક બની રહેતું. બ્રિટનના વિખ્યાત મનોવિશ્લેષક (સાઇકીએટ્રિસ્ટ) રોનાલ્ડ લેપિંગે બે પુસ્તકો લખ્યાં, તે 1968-69નાં વર્ષોમાં વાંચવા મળેલાં પુસ્તકોના મથાળાં હતાં : (1) Politics of the Family (2) Politics of Experience બેમાંથી એક પુસ્તકમાં વાંચેલું ઉદાહરણ હજી યાદ છે. પરિવારમાં કેવળ મા અને દીકરી સાથે રહેતાં હોય છે. માતાના છૂટાછેડા થઇ ગયાં છે. માતા પોતાના એક પુરુષમિત્ર સાથે મુક્ત સહવાસ માણતી થાય છે. માતાને મળવા માટે જ્યારે જ્યારે પુરુષમિત્ર ઘરે આવે ત્યારે એનું (મિત્રનું) ધ્યાન પોતાને બદલે દીકરી તરફ વધારે જાય તે માતાને ન ગમે. એ માટે માતા એક યુક્તિ કાયમ કરતી. જ્યારે જ્યારે પ્રિય મિત્ર મળવા આવે, ત્યારે દીકરી ગેરહાજર હોય એવી ગોઠવણ કરીને દીકરીને દૂર જ રાખતી. આવું રાજકારણ મા અને દીકરી વચ્ચે ચાલતું. ભારતમાં પરિવારના અસ્વચ્છ રાજકારણનું કેન્દ્ર સાસુ હોય છે. સાસુના સુખનો બધો આધાર પોતાના વટ પર હોય છે. પતિ-પત્ની પાસે સ્ટીલનો એક કબાટ હોય, તો તેની એક ચાવી પોતાની પાસે હોવી જ જોઇએ એવું માનનારી સાસુ દીકરા અને વહુની પ્રાઇવસી સહન ન કરે ત્યારે દુ:ખની આમંત્રણપત્રિકા તૈયાર થતી હોય છે. કબાટની ચાવી મળે ત્યારે એક ઘટના અચૂક બને છે. વહુ પાસે કેટલાં ઘરેણાં અને કેટલી સાડી છે તેની માહિતી સાસુને મળતી રહે છે. એ માહિતી સાસરેથી આવેલી વહાલી દીકરીને મળી જાય છે. સાસુ પોતાની દીકરીને ઘરેણાં અંગેની માહિતી પણ આપે છે. અત્યંત સંકુચિત કક્ષાનું રાજકારણ રમાતું રહે છે. હવેની શિક્ષિત પુત્રવધૂ આવી બાબતે સાસુ-નણંદને ગાંઠે ખરી? આજે તો જુદી જ ઘટના બને છે. સમજુ સાસુ પોતે જ એક ચાવી રાખવાની ના પાડે છે. આજે સાસુ-વહુના ઝઘડા પ્રમાણમાં ખાસા ઓછા થયા છે. શિક્ષણ વધે તેને થોડોક જશ જરૂર આપવો પડે તેમ છે. સાસુને પોતાની બાઇક પાછળ બેસાડીને સાથે ફિલ્મ જોવા માટે જતી પુત્રવધૂઓની સંખ્યા હવે સાવ ઓછી નથી. કેટલીક સાસુઓ હિટલર જેવી હોય છે. પુત્રવધૂને દબાવી દેવાનો પ્રયત્ન નિષ્ફળ જાય ત્યારે એક ટીવી સિરિયલનો જન્મ થતો હોય છે. ટીવી સિરિયલમાંથી કપટ, બદલો લેવાનો સંકલ્પ અને અહંકાર કાઢી લો પછી શું બચે છે? વિચારવા જેવું છે. અહંકારની અથડામણ રોજ રાતે આપણો મૂલ્યવાન કલાક બગાડતી જ રહે છે. ક્યારેક સિરિયલમાં લલ્લુ જેવો પતિ કે જેઠ કે દિયર સિરિયલને લંબાવવામાં મદદરૂપ થતો હોય છે. ક્યારેક કોઇ નણંદનો મિથ્યા વટ સિરિયલને ખેંચી ખેંચીને લંબાવતો રહે છે. ટીવી પર આજકાલ બંધન બેંકની જાહેરાત વારંવાર જોવા મળે છે. આપણો સમગ્ર સંસાર વિરાટ બંધન બેંક જેવો નથી શું? સ્વાર્થની અથડામણ, મિલકતની મોહલીલા, અહંકારના આટાપાટા અને વટ જાળવવાની તમોગુણી હઠનો હાહાકાર બાદ કરો પછી કઇ સિરિયલના હપ્તા લાંબા ચાલી શકે? આવી બધી બાબતો માણસને દોરડા વિના બાંધતી હોય છે. બધી રીતે બંધાયેલો મનુષ્ય કદી ખૂલી ન શકે અને ખીલી ન શકે. એવો બંધાયેલો માણસ દાદર પર ચઢ-ઊતર કરી શકે, પરંતુ અગાશી પર પહોંચી ન શકે. સંસ્કૃતમાં અગાશી માટે ‘આકાશિકા’ જેવો સુંદર શબ્દ છે. આકાશિકા પર ચાલવું એ તો એક આધ્યાત્મિક ઘટના છે. અનંતને ઓવારે થોડો સમય ગાળવો એ પ્રત્યેક મનુષ્યનો વિશેષાધિકાર છે. આવો વિશેષાધિકાર જતો કરીને માણસ બંધન બેંકમાં ખાતું ખોલાવીને પોતાનો મોહ જમા કરતો રહે છે અને સ્વાર્થની રકમ ઉપાડતો રહે છે. બંધન પણ કેવું ગળચટું! સાક્ષીભાવે સંસારમાં રહેવું શક્ય બને તો સાધુ થવાની શી જરૂર? સંસારમાં આશ્રમનું વાતાવરણ રચાય તેવું બની શકે છે. એથી ઊલટું, કેટલાક આશ્રમમાં ક્યારેક સંસાર પેસી જતો હોય છે. શરૂઆત દાનપેટીથી થતી હોય છે. પછી રસીદબૂકનો વારો આવે છે. છેક છેલ્લે કોઇ વેપારીનાં કાળાં નાણાં સફેદ કરી આપવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. ગુરુજીને કોઇ રૂપવતી શિષ્યા ગમી જાય છે. વાત બળાત્કાર (વિનયભંગ) સુધી પહોંચે છે અને ગુરુજી છેવટે જેલમાં જાય છે. આશ્રમમાં જે સંસાર રચાય, તેની આ કાળી કહાની છે. પોતાની અંદરના અવાજને દબાવીને જીવવાની કુટેવ પડી જાય, એ તો એવું મૃત્યુ છે, જેમાં સ્મશાનયાત્રા નથી હોતી. બંધન બેંક માણસના મૃત્યુને સ્મશાનમુક્ત કરી દેતી હોય છે. રવીન્દ્રનાથ ઠાકુર કહી ગયા કે : ‘પુષ્પ ખીલી ઊઠે એ જ એનો મોક્ષ!’ રોજ ટીવી પર જોવા મળતી ટીવી સિરિયલો તો મનુષ્યને મોક્ષથી પણ મુક્ત કરનારી છે. મિઆમી નગરમાં થોડાક દિવસ પર હોનારત થઇ, તેના સમાચાર ટીવી પર જોયા તેથી આવા વિચારો ઊમટી પડ્યા! અભયસિદ્ધિને કારણે ભગવાન મહાવીર એક ઝેરી નાગ સામે ગયા અને શાંતિપૂર્વક ઊભા રહી ગયા! એ નાગની નજર પડે, તોય જીવ મરી જાય. એ નાગનું નામ હતું : ‘ચંડકૌશિક’. ⬛ }}} પાઘડીનો વળ છેડે કૈકેયીએ દશરથ પાસેથી રામનો વનવાસ નહોતો માગ્યો. કૈકેયીએ તો વનવાસના નામે સૌના હૃદયમાં શ્રીરામનો નિવાસ માગ્યો હતો! પારસ કુમાર મકવાણા નોંધ : ‘કાગળની કુંજગલીમાં’ લેખક : પારસ કુમાર, yuti Publication, અમદાવાદ. જામનગરની પ્રાથમિક શાળામાં શિક્ષક એવા આશાસ્પદ લેખકનો વાંચવાલાયક નિબંધસંગ્રહ. કિંમત રૂ. 175/- Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...