તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િવચારોના વૃંદાવનમાં:આજના માણસનો ખરો શત્રુ : કંટાળો શત્રુ ગમતો નથી છતાં છૂટતો નથી

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • ટીવી સામે જોનારી દસ-બાર લાચાર આંખો અને ગમાણને ખીલે બંધાયેલી ગાયની લાચાર આંખો વચ્ચે તફાવત ખરો? લાચારીને જોડતા સેતુ પર એક અદૃશ્ય ખલનાયક ઊભો છે

ખાખો પરિવાર ડિનર લીધા પછી ટીવી સામે ગોઠવાઇ જાય છે. સમાચાર જોવામાં ઘરની સ્ત્રીઓને ઝાઝો રસ નથી હોતો. ટીવી સિરિયલ જોવામાં તેઓને રસ પડે છે. ટીવી સિરિયલમાં ત્રણ બાબતોની બોલબાલા હોય છે : કપટ, ખટપટ અને વેરની વસૂલાત. સદીઓથી આ ત્રણ બાબતો સામાન્ય માણસોને ભાવતી વાનગીઓની જેમ ખેંચતી રહી છે. ટીવી સિરિયલો આ ત્રણ બાબતોની તાલીમશાળાનું કામ કરતી રહે છે. નણંદની હઠ ભાભીને પજવતી રહે છે અને સાસુનું અભિમાન વહુની સામે ખાનગીમાં અથડાતું રહે છે. ટીવી સામે જોનારી દસ-બાર લાચાર આંખો અને ગમાણને ખીલે બંધાયેલી ગાયની લાચાર આંખો વચ્ચે કોઇ તફાવત ખરો? ઘરની અને ગમાણની લાચારીને જોડતા સેતુ પર એક અદૃશ્ય ખલનાયક ઊભો હોય છે. એ ખલનાયકનું નામ કંટાળો! સમગ્ર સંસાર કંટાળાથી બચવાનાં ફાંફાં મારવામાં વ્યસ્ત છે. ટીવી સામે બેઠેલી દસ-બાર આંખોમાંથી એકાએક બે-ચાર આંખો જાગી જાય છે અને બોલી ઊઠે છે : ‘બસ, હવે ટીવી બંધ કરો.’ આ શબ્દો કાને પડે ત્યાં તો બાકીની બધી જ આંખો સામે થાય છે અને કહે છે : ‘તમારે ન જોવું હોય, તો ઓટલે બેસો, પરંતુ અમારે તો હવે પછી શરૂ થતી સિરિયલ ‘સસુરાલ કી સફર’ જોવી જ છે.’ લઘુમતીમાં આવી પડેલી બે-ચાર આંખો મૂગી થઇને એ સિરિયલ પણ જોઇ નાખે છે. લોકતંત્રમાં અક્કલવિહોણી બહુમતી કોઇને ગાંઠતી નથી. કંટાળો પણ લોકતંત્ર આગળ લાચાર! રસોડામાંથી એકાએક વટહુકમ કાને પડે છે : ‘આજે ફલાણા ભાઇના બેસણામાં જવાનું છે. પાંચ વાગે તૈયાર રહેજો.’ ભગવાન શિવ સમુદ્રમંથન પછી વિષ પી ગયા, તે જ અદાથી પતિ બેસણામાં જતી વખતે પોતાનો કંટાળો પી જાય છે. પતિ પત્નીનો ઉપકાર કદી ભૂલતો નથી. એ પણ બદલામાં પત્નીને પોતીકો કંટાળો મોકલતો જ રહે છે. પતિની કંટાળાજનક વાતો ખાસી લાંબી ચાલે ત્યારે કંટાળેલી પત્નીને ટીવીમાં પોતાના સગા ભાઇનાં દર્શન થાય છે. કંટાળા પર ઊભેલી સંસારની ઇમારત જીવનભર ટકી જાય છે. આત્મહત્યા કરનાર માણસનો ઇન્ટરવ્યૂ નથી લઇ શકાતો. જો એ શક્ય બને તો કદાચ આત્મહત્યાનું રહસ્ય સમજાય. કંટાળાની ચરમસીમાએ મનુષ્ય આત્મહત્યાનો આખરી ઉપાય અજમાવે છે. જીવન જ્યારે અર્ધશૂન્યતાના અભિશાપથી થાકી મરે ત્યારે આત્મહત્યામાં છુટકારાનો માર્ગ અપનાવે છે. આત્મહત્યામાં એ નાઠાબારી જુએ છે અને મૃત્યુને શરણે જાય છે. જે માણસને જીવનમાં કોઇ મિશન જડી જાય છે, તે ધન્યતાનો પ્રસાદ પામે છે. પૂ્જ્ય રવિશંકર મહારાજ કદી નહીં કંટાળે. મામાસાહેબ ફડકે કદી નહીં કંટાળે. સરદાર વલ્લભભાઇ પટેલ પાસે કંટાળવા માટે સમય જ નથી હોતો. જે મનુષ્ય પાસે કોઇ કલા છે કે કારીગરી છે, તે કદી કંટાળતો નથી. કોઇ કંજૂસ માણસ કંટાળતો નથી. એની નિંદા થતી રહે તોય, એ પૈસા બચાવવાની ધૂનને કારણે કદી પણ કંટાળતો નથી. કંજૂસ ઘણુંખરું લાંબુ જીવે છે કારણ કે એને જીવનનું મિશન (?) જડી ગયું છે. વેરની વસૂલાત માટે રાતદિવસ એક કરનાર માણસ આત્મહત્યા કદી નહીં કરે. એને જીવનનું મિશન (?) જડી ગયું છે. પરોપકારની ભાવના મનુષ્યને જીવવાનું બળ પૂરું પાડે છે. એ ભાવનાની માઇનસ સાઇડ પર પરપીડનની ભાવના પણ ચાલક બળ બનીને જીવનદાયી સાબિત થાય છે. દુર્યોધન લાંબું જીવ્યો કારણ કે એને પરપીડન જેવી ભાવતી વાનગી મળી ગઇ હતી. આ બાબતે ધર્મ અને અધર્મ સામસામે નહીં, સાથોસાથ છે. દુર્યોધન કદી ન કંટાળે. એનું આયખું નકારાત્મક હતું, તોય અર્થશૂન્ય ન હતું. ટીવી સિરિયલમાં ભાભીની પાછળ આદું ખાઇને પડેલી તમોગુણી નણંદ કદી આત્મહત્યા નથી કરતી. એ નણંદને જીવનમાં ક્યારેય અર્થશૂન્યતાનો અભિશાપ નથી નડતો. કંટાળાના અભિશાપથી બચવાનો કોઇ ઉપાય ખરો? કલા, સાહિત્ય કે સંગીત સાથે જોડાયેલી સર્જકતા (Creativity) મનુષ્યના જીવનને અર્થપૂર્ણ બનાવનારી છે. આપણા શિક્ષણમાં સંગીતને યોગ્ય સ્થાન નથી મળ્યું એ એક દુ:ખદ રાષ્ટ્રીય ઘટના છે. પરિણામે યુવાનોમાં એક ખામી રહી જાય છે. તેઓ કોઇ ગીત સાંભળે ત્યારે તાલ અને સૂરની ગેરહાજરી પણ એમને ખૂંચતી નથી. આ ખામી પણ એક પ્રકારની નિરક્ષરતા જ ગણાય. સંગીતના જાદુથી અને આશીર્વાદથી અજાણ એવાં અસંખ્ય યુવક-યુવતીઓથી આપણો દેશ ઊભરાઇ જતો જણાય છે. વિખ્યાત સંગીતકાર અમાનત અલીની પંક્તિઓમાં સંગીતનો મહિમા અત્યંત સુંદર રીતે પ્રગટ થયો છે. સાંભળો : પ્યાર જિસે સૂર સે નહીં, વો મૂરખ ઇન્સાન નહીં. સૂર ઇન્સાન બના દેતા હૈ, સૂર રહેમાન મિલા દેતા હૈ. યહ એહસાન હૈ સાત સ્વરોં કા, કિ યહ દુનિયા વિરાન નહીં. નોંધવા જેવું છે કે ભારતીય ફિલ્મ જગતના શ્રેષ્ઠતમ સર્જક સદ્્ગત સત્યજિત રે ચાલુ વર્ષની બીજી મેને 100 વર્ષના થયા હોત. જાપાનના એવા જ મોટા વિખ્યાત ફિલ્મનિર્માતા અકીરા કુરોસેવાએ સત્યજિત રે માટે જે શબ્દો કહ્યા હતા, તે યાદગાર હતા : જીવનમાં જેણે કદી પણ સત્યજિત રે દ્વારા રચિત ફિલ્મ ન જોઇ હોય, તે તો દુનિયામાં અસ્તિત્વ જાળવીને સૂર્ય અને ચંદ્ર જોયા વિના જ જીવી ગયા બરાબર ગણાય. (‘Outlook’, June-21, 2021, પાન : 8) બોલપુરના સરકિટ હાઉસમાં એમને માત્ર ત્રણ મિનિટ માટે મળવાનું સદ્્ભાગ્ય પ્રાપ્ત થયેલું. પશ્ચિમ બંગાળની સરકારે એ મહાન કલાસર્જકની તબિયતની કાળજી માટે બધી જ સુવિધાવાળી એમ્બ્યુલન્સ કાયમ સાથે રહે એવી સગવડ આપેલી. એ સમયે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હતા. આવા મહાન ફિલ્મસર્જક સાથે લાંબી વાત કરવાની મારી પાત્રતા મર્યાદિત હતી. એમની ફિલ્મ કવિતા બનીને સાર્થક થતી. અર્થપૂર્ણ જીવન એ જ ખરી કવિતા! આદરણીય મોરારિબાપુ કલાકોની કથા પૂરી થાય તોય થાકતા કેમ નથી? સાડાત્રણ જેટલા કલાકો સુધી એકી બેઠકે જે વાણીપ્રવાહ ચાલે તોય થાક ન વર્તાય તે વાતનું રહસ્ય શું? રામકથા જગતને ખૂણેખાંચરે પહોંચાડવી એ એમનું ‘મિશન’ છે. જ્યાં મિશન હોય ત્યાં થાક ન હોય અને કંટાળો નહીં હોય. જ્યાં સ્મિત હોય ત્યાં કંટાળો ટકી જ ન શકે. જ્યાં ક્ષણે ક્ષણે કૃપાનુભૂતિ હોય, ત્યાં જીવનની અર્થપૂર્ણતાનું એવરેસ્ટ હોવાનું! મારી ઇચ્છા જ નહીં, પરંતુ પાકી માન્યતા છે કે બાપુ લાંબુ નિરામય આયુષ્ય પામવાના છે અને જીવનના છેલ્લા વર્ષ સુધી રામકથા કરવાના છે. વળી, રામકથા સાંભળનારા અસંખ્ય લોકો પણ કદી થાકવાના નથી. રામકથા જગ મંગલ કરની!!! ⬛ }}} પાઘડીનો વળ છેડે સમગ્ર જીવન દરમ્યાન જો તમે ફક્ત એક જ વાર પ્રાર્થના કરો અને ઇશ્વરને ‘થેન્ક યૂ’ કહો તો તે પણ પૂરતું છે. મિસ્ટર એકહાર્ટ (વિશ્વવિખ્યાત દાર્શનિક) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...