મનનો મોનોલોગ:અયોગ્ય વ્યક્તિના પ્રેમમાં પડવા પાછળનું મનોવિજ્ઞાન

ડો. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હકીકતમાં આપણે એ વ્યક્તિના નહીં, એ વ્યક્તિ વિશેની આપણી કલ્પનાના પ્રેમમાં હતા. મનોવિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને ‘ધ પિગ્મેલિયન ઈફેક્ટ’ કહેવાય છે

ધારો કે તમારી કોલેજ, ઓફિસ કે અન્ય સ્થળ પર તમે કોઈ દેખાવડી, પ્રભાવશાળી કે આકર્ષક વ્યક્તિના સંપર્કમાં આવ્યા. એમનો બાહ્ય દેખાવ, હાવભાવ, મેનરિઝમ અને વાતો કરવાની છટા તમને ઈમ્પ્રેસ કરી ગઈ. ટૂંકમાં, ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ના બેનર હેઠળ તમે એ વ્યક્તિ પ્રત્યેનું તીવ્ર, બેકાબૂ અને બેચેન કરી દેનારું આકર્ષણ અનુભવ્યું. તમે એને ‘કોફી’ માટે પૂછ્યું અને એણે હા પાડી. અહીંયા સુધીનું બધું જ કુદરતી અને નોર્મલ છે. પ્રોબ્લેમ હવે શરૂ થાય છે. ‘કોફી ડેટ’ માટે એ હા પાડે, એ સમયથી લઈને તમારી એક્ચ્યુઅલ મુલાકાત થાય ત્યાં સુધીનો સમય સૌથી ખતરનાક હોય છે. એવું શું કામ? એ સમયગાળા દરમિયાન તો આપણને ગમતું પાત્ર આપણી નજર સામે પણ નથી હોતું? તો એનું કારણ એવું છે કે આપણે જેમનાથી આકર્ષિત થયા છીએ, એ વ્યક્તિને મળતા, જાણતા કે ઓળખતા સુધીમાં આપણે એ વ્યક્તિની એક કાલ્પનિક ઈમેજ આપણા મનમાં બનાવી લઈએ છીએ. એ ઈમેજ બીજું કશું નથી, પણ આપણા તરંગી મને તાત્કાલિક ઘડી કાઢેલું કોઈ કાલ્પનિક પાત્ર છે. ટોમ એન્ડ જેરી કે હેરી-પોટર જેવું જ કોઈ ફિક્શન કેરેક્ટર. સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે ‘એક્ચ્યુઅલ વ્યક્તિ’ને મળતા કે જાણતા પહેલાં જ આપણે, આપણા મનમાં રહેલા પેલા કાલ્પનિક પાત્રના પ્રેમમાં પડીએ છીએ. એ વ્યક્તિની ખાસિયતો, ગુણધર્મો કે લાક્ષણિકતાઓને આપણે પેલા ‘કલ્પિત પાત્ર’માં ધીમે ધીમે ફિટ બેસાડતા જઈએ છીએ. એન્ડ યુ નો વ્હોટ? વાસ્તવિકતામાં રહેલી એ વ્યક્તિ ધીમે ધીમે આપણી કલ્પનામાં બરાબર ફિટ બેસતી પણ જાય છે. આમ થવાનું મુખ્ય કારણ છે, ‘રોઝેન્થાલનો નિયમ’. અમેરિકન સાઇકોલોજિસ્ટ રોબર્ટ રોઝેન્થાલે કરેલા સંખ્યાબંધ પ્રયોગો પછી એવો સિદ્ધાંત આપ્યો કે, ‘સામેવાળી વ્યક્તિ પાસેથી ઈચ્છિત વર્તનની અપેક્ષામાં, એ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર એ રીતે બદલાઈ જાય છે કે એ વ્યક્તિ આપણે ઈચ્છેલું વર્તન કરવા માટે પ્રેરાય છે.’ ટૂંકમાં, એ વ્યક્તિ આપણી ધારણા મુજબનું વર્તન કરે, એ માટે આપણે આપણા મૂળ સ્વભાવ, વાણી કે વર્તનમાં પરિવર્તન લાવીએ છીએ. ઈચ્છિત પરિણામ લાવવા માટે આપણે જાતથી વિપરીત દિશામાં જઈને ‘ઈમોશનલ લેબર’ કરીએ છીએ. વાસ્તવિક પાત્રના અપેક્ષિત રિસ્પોન્સથી આપણી કલ્પનાનું પાત્ર વધારે સ્પષ્ટ અને મજબૂત બનતું જાય છે. એ વ્યક્તિ માટે આપણે કરેલી ધારણાઓ, ભવિષ્યવાણી કે માન્યતાઓ વધારે દૃઢ બનતી જાય છે. આપણા મનમાં રચાયેલો આ આખો ફિક્શન પ્લોટ અમુક તબક્કા સુધી આપણે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલે છે. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે વાસ્તવમાં રહેલું પાત્ર, આપણા કાલ્પનિક પાત્ર કરતાં અલગ ડાયલોગ્સ બોલવા લાગે છે. જે રોલમાં આપણે તેમને જોવા માંગતા’તા, એ કેરેક્ટરમાંથી અચાનક બહાર નીકળી જઈને સામે રહેલું પાત્ર સાવ અલગ અને વિપરીત રીતે વર્તવા લાગે છે. આ એ જ તબક્કો છે, જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને કહેતાં હોઈએ છીએ કે, ‘યુ હેવ ચેન્જ્ડ’. આપણી ધારણાથી વિપરીત, એ વ્યક્તિનું કંઈક જૂદું જ સ્વરૂપ સામે આવતાં આપણે નિરાશ થઈ જઈએ છીએ. આ જ ઘટનાને આપણે ‘હાર્ટ-બ્રેક’ તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં આપણે એ વ્યક્તિના નહીં, એ વ્યક્તિ વિશેની આપણી કલ્પનાના પ્રેમમાં હતા. મનોવિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને ‘ધ પિગ્મેલિયન ઈફેક્ટ’ કહેવાય છે. એક ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે પિગ્મેલિયન નામનો એક શિલ્પી હતો. એ મૂર્તિઓ બનાવતો. એક વખત એવું બન્યું કે પિગ્મેલિયને ઘડેલી એક મૂર્તિ એટલી અદ્્ભુત, વાસ્તવિક અને આકર્ષક બની કે પિગ્મેલિયન એ મૂર્તિના પ્રેમમાં પડી ગયો. આ કથા પરથી આ મનોવૈજ્ઞાનિક ઘટનાને નામ આપવામાં આવ્યું ‘ધ પિગ્મેલિયન ઈફેક્ટ’. સર્જક જ્યારે પોતાની કલ્પના કે કાલ્પનિક પાત્રના પ્રેમમાં પડે છે, ત્યારે એ વાસ્તવિકતાથી પર હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે લેખક પોતાની જ નવલકથામાં રહેલા કોઈ પાત્રના પ્રેમમાં પડી જાય. આપણા દરેકને આપણું ‘બ્રેઈન-ચાઈલ્ડ’ કે આપણી કલ્પનાનું ચિત્ર બહુ વહાલું હોય છે. આપણા મનમાં ઘડાઈ ગયેલા એ કલ્પિત પાત્ર સાથે આપણે અજાણતાંમાં જ ખૂબ ઊંડે સુધી જોડાઈ જઈએ છીએ. પ્રેમના રસ્તે થોડે આગળ સુધી ચાલ્યા પછી સામેવાળી વ્યક્તિ જ્યારે આપણી ધારણા કે કલ્પનાથી વિપરીત અને પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે વર્તે છે, ત્યારે આપણને આઘાત લાગે છે. અઢળક અરમાનોનું અત્તર છાંટીને આપણે જેમની સાથે ડેટ પર જઈએ છીએ, એમાંની કોઈ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ નથી હોવાની. આપણા જીવનમાં પ્રવેશનારી દરેક વ્યક્તિ પોતાનો જૂનો ‘ઈમોશનલ બેગેજ’, ઈજાગ્રસ્ત ભૂતકાળ અને વ્યક્તિગત અસલામતીઓ લઈને આવવાની છે. દરેક વ્યક્તિ ક્યાંકથી તૂટેલી છે, ક્યાંકથી સંધાયેલી છે. આપણી કલ્પનામાં ફીટ બેસે, એવી એક પણ વ્યક્તિ આ જગત પર અવેલેબલ નથી. પિગ્મેલિયન ઈફેક્ટ અટકાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે વાસ્તવિકતાના સંપર્કમાં રહેવું. કોઈ પણ જાતના તારણ, નિષ્કર્ષ, જજમેન્ટ કે પૂર્વધારણા વગર કોરી નોટબુક અને ખુલ્લા દિલ સાથે સામેવાળી વ્યક્તિને મળવું. સારા કે ખરાબ, કોઈ વ્યક્તિ પ્રત્યેના આપણા અભિપ્રાયો માટે આપણે જ્યારે કમિટ થઈ જઈએ છીએ ત્યારે એ સંબંધને પૂરી તટસ્થતાથી મૂલવવાનું ચૂકી જઈએ છીએ. એ વ્યક્તિને કાં તો અનહદ પ્રેમ કરવા લાગીએ છીએ ને કાં તો નફરત. આ બંને પાછળ આપણા મનમાં ઘર કરી ગયેલી નિશ્ચિત માન્યતા હોય છે. આપણા મનમાં રહેલી ફેન્સી ઈમેજનું ખંડન થયા પછી પણ જેની વરવી, અગ્લી કે ખામીયુક્ત બાજુ આપણે સ્વીકારી શકીએ, એની સાથે દૂર સુધી ચાલવાનો થાક નહીં લાગે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...