તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:પરદો પડતાં પહેલાંનું નાટક

એક મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
 • કૉપી લિંક

પોલૅન્ડની સુપ્રસિદ્ધ કવયિત્રી વિસ્લાવા સિમ્બોર્સ્કાનાં કાવ્યોના વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે. એ બિનજરૂરી પ્રસિદ્ધિથી દૂર રહી સુંદર કાવ્યોનું સર્જન કરતાં રહ્યાં હતાં. 1996માં એમને સાહિત્યના નોબલ પુરસ્કારની જાહેરાત થઈ ત્યારે એ પોલૅન્ડના પહાડોના વિશ્રામગૃહમાં હતાં. સમાચાર મળતાં જ પ્રશંસકો અને પત્રકારો એમને ઘેરી વળ્યા. એકાંતપ્રિય કવયિત્રીનો નોબલ પુરસ્કાર અંગે પહેલો પ્રતિભાવ હતો: ‘મારા માટે આ મુશ્કેલ સ્થિતિ છે. સામાન્ય રીતે હું અંગત જીવન પસંદ કરું છું, પરંતુ લાગે છે કે હવે એમાં ખલેલ પડશે.’ એમનાં કેટલાંક કાવ્યોનો વિજય અહલુવાલિયાએ હિન્દીમાં કરેલા અનુવાદનું પુસ્તક ‘બીતતી સદી મેં’ કવિતાપ્રેમી મિત્ર ભગવાન થાવરાણીએ મને ઉપલબ્ધ કરાવ્યું. તે સમયે પોલૅન્ડની રાજકીય પરિસ્થિતિની વચ્ચે વિસ્સાવ શિંબોર્સ્કા સીધીસાદી લાગતી કવિતાઓમાં દાર્શનિક અને સંવેદન વ્યક્તિની અદામાં જીવનના મૂળભૂત પ્રશ્ર્નોને સ્પર્શે છે. એમની કેટલીક કવિતાઓમાં મને વાર્તા લખી શકાય એવું કથાતત્ત્વ દેખાયું. ‘જોઈ રહ્યો છે આતંકવાદી’ કાવ્યનો ઉઘાડ વાર્તાની જેમ થાય છે. એક આતંકવાદી બારમાં બોમ્બ મૂકી ગયો છે. બોમ્બ એક વાગીને વીસ મિનિટે ફાટશે. ચાર મિનિટની વાર છે. તે વચ્ચે ઘણા લોકો બારમાં જશે, બહાર આવશે. આતંકવાદી સલામત જગ્યાએ ઊભો રહી ફિલ્મનાં દૃશ્યોની જેમ બધું જુએ છે. પીળા બ્લાઉઝવાળી એક સ્ત્રી અંદર ગઈ. કાળા ચશ્માં પહેરલો માણસ બહાર આવ્યો. કેટલાંક બાળકો બારની નજીક વાતો કરે છે. એક વાગીને સત્તર મિનિટ અને ચાર સેકંડ. એ છોટુ નસીબદાર છે, સ્કૂટર પર ચાલ્યો ગયો. એક લંબુ અંદર ગયો. વાળમાં લીલી રિબન બાંધી એક યુવતી આવતી દેખાય છે, પણ વચ્ચે બસ આવે છે. બસ જાય છે પછી એ યુવતી દેખાતી નથી. અંદર ગઈ કે બસમાં બેસી ગઈ? કંઈ વાંધો નહીં, વિસ્ફોટ પછી મૃત અને ઘાયલ લોકોને બહાર લાવશે ત્યારે ખબર પડશે. સેકન્ડો પસાર થાય છે. હજી સમય થયો નથી. એક માણસ બહાર આવે છે, કશુંક ભૂલી ગયો લાગે છે. ફરી અંદર ગયો. એક જ મિનિટ બાકી છે. એ બહાર નીકળશે કે ધડાકા વખતે અંદર જ હશે? એક વાગીને વીસ મિનિટ થઈ. સમય થંભી ગયો છે. હવે કોઈ પણ ક્ષણ અંતિમ હોઈ શકે... અને ભયાનક ધમાકા સાથે બોમ્બ ફાટે છે.’ હર ક્ષણે માથે તોળાતા મૃત્યુથી બચી શકવાની અને બચી ન શકવાની ભયાનક અનિશ્ચિતતાનું આ કથારૂપ છે. બીજું કાવ્ય ‘શહીદની મા’. કેટલાક પ્રવાસીઓ શહેરના જ વતની એક શહીદનું ભવ્ય સ્મારક જોવા આવ્યા છે. તેઓ શહીદની માતાને મળવા જાય છે. માતાની કમર સીધી છે, વાળ વ્યવસ્થિત હોળ્યા છે. મુલાકાતીઓ એને પ્રશ્ર્નો પૂછે છે. હા, મા એને ખૂબ પ્રેમ કરતી હતી. એ જન્મથી એવો જ હતો. એને ફાંસી આપવામાં આવતી હતી તે સવારે મા જેલની બહાર ભીંત સાથે દબાઈને ઊભી હતી. એણે ગોળીઓના અવાજ સાંભળ્યા હતા. મુલાકાતીઓને અફસોસ થાય છે કે કેમેરા અને ટેપરેકોર્ડર સાથે લાવ્યા નહીં. હા, માતાએ એના પુત્રનો છેલ્લો પત્ર રેડિયો પર વાંચ્યો હતો અને દીકરાને ગમતાં હાલરડાં ટીવી પર સંભળાવ્યાં હતાં. દીકરો યાદ આવે છે ત્યારે મન ભરાઈ આવે છે. હવે થોડો થાક લાગે છે. મુલાકાતીઓ જાય છે, બીજા મુલાકાતીઓ આવી ગયા છે. ‘દુખાંત’ કાવ્યનો આરંભ: દુખાંત નાટકનો સૌથી માર્મિક ભાગ હોય છે નાટક પૂરું થયા પછી પરદો પડતાં પહેલાંનું દૃશ્ય. એમાં કળાકારો પ્રેક્ષકોનું અભિવાદન કરવા અને મેળવવા સ્ટેજ પર આવે છે. યુદ્ધ પછી રણભૂમિમાં પડેલાં શબો, ટોપા-પોશાકો, સરખાં કરતાં ઊભાં થાય છે. પેટમાં હુલાવેલા છરા ખેંચી લેવાય છે. ફાંસી પર લટકતા શહીદો ડોકમાંથી ગાળિયો કાઢી જીવતા લોકોની સાથે ઊભા રહે છે. કાયરો અને બહાદુરો, નાયક અને ખલનાયક, આત્મહત્યા કરનાર પાત્ર સાથે મળી એકબીજાના હાથ પકડી, જખમી દિલો પર હાથ મૂકી, ઝૂકીઝૂકીને અભિવાદન કરે છે. આગળનાં દૃશ્યોમાં માર્યા ગયેલાં પાત્રો પણ અભિવાદનમાં જોડાય છે. ‘કર્ટન કૉલ’ દરમિયાન મેકઅપ અને વેશભૂષા ઉતાર્યા વિના ઊભેલા કળાકારોનું ‘પાત્રો’માંથી વાસ્તવિક વ્યક્તિઓમાં રૂપાંતર થાય છે. કાવ્યના અંતે કહ્યું છે: ‘ નાટકને નાટક બનાવે છે પરદો પડવાની ઘટના અને પરદા પાછળની વાતો...’ કાવ્યોમાં દેખીતા અર્થ ઉપરાંત બીજા અર્થો પણ હોય છે, સપાટી ખોદી ઊંડા ઊતરીએ તો છૂપા મર્મ સમજાય. vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો