તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:આધુનિક ડિજિટલ વિશ્વના પ્રણેતા!

પરખ ભટ્ટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કિલોમીટરો સુધી લંબાયેલા હાલનાં ઓપ્ટિકલ ફાઇબરનાં દોરડા 1960ના દાયકામાં ફક્ત 20 મીટર (65 ફીટ) જેટલા વિસ્તારની અંદર જ ઉપયોગમાં લઈ શકાતાં હતાં. ટેલિફોન કે ટેલિવિઝન સિગ્નલને ઘેર-ઘેર પહોંચાડવા માટે કાચના ફાઇબર કેબલ સિવાય બીજી ખાસ કોઇ સુવિધા નહોતી. ત્યાર બાદનાં ફક્ત દસ વર્ષની અંદર ઓપ્ટિકલ ફાઇબર પર થયેલા રિસર્ચ-વર્કને લીધે ટીવી-ટેલિફોન સિગ્નલ્સ અડધો માઇલ સુધીનું અંતર કાપી શકે એવા બનવા લાગ્યા. જેનો મુખ્ય શ્રેય ગયો, ડો. ચાર્લ્સ કાઓ અને બ્રિટિશ એન્જિનિયર જ્યોર્જ આલ્ફ્રેડ હોકહામને! બંને ધુરંધર વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા રિસર્ચ પેપરે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે ઘણાં સમીકરણો બદલ્યાં! 1933ની ચોથી નવેમ્બરનાં રોજ સાંઘાઈ (ચીન)ની એક અમીર ફેમિલીમાં જન્મેલા ચાર્લ્સ કાઓના પિતા વ્યવસાયે જજ! એમના દાદાએ 1911માં શરૂ થયેલી ક્રાંતિ-ચળવળમાં મહત્ત્વનો ફાળો આપેલો. ભણવામાં ચાર્લ્સ એવરેજ સ્ટુડન્ટ! આખો દિવસ ટેનિસ કોર્ટમાં તેમની હાજરી વધુ જોવા મળે. એ જમાનામાં ફર્સ્ટ, સેકન્ડ, પાસ અથવા ફેલ એવી ફક્ત 4 કેટેગરીમાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા-પરિણામને વહેંચવામાં આવતાં. ચાર્લ્સ કાઓનું સ્થાન કોલેજકાળ દરમિયાન સેકન્ડ કેટેગરીમાં રહ્યું. ગ્રેજ્યુએશન બાદ ચાર્લ્સ કાઓ બ્રિટિશ સબસીડિયરી ઓફ ઇન્ટરનેશનલ ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ સાથે જોડાઇ ગયા. ત્રણ દાયકા સુધી તેમણે બ્રિટન, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સની કંપની માટે કામ કર્યુ. ફુલફ્લેજ્ડ કરિયર અને સ્થિર થઈ ચૂકેલી ચાર્લ્સ કાઓની જિંદગીમાં ગ્વેન વોંગ નામની સ્ત્રીનો પ્રવેશ થયો. તે ઇંગ્લેન્ડની કંપનીમાં ચાર્લ્સથી એક ફ્લોર ઉપર, એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને થોડાં વર્ષોમાં બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં! 1966માં રજૂ થયેલા એમનાં રિસર્ચ પેપર ‘ડાયઇલેક્ટ્રિક-ફાઇબર સરફેસ વેવગાઇડ્સ ફોર ઓપ્ટિકલ ફ્રિક્વન્સિસ’માં ડો. કાઓ અને ડો. હોકહામે કમ્યુનિકેશનનાં માધ્યમ માટેની અઢળક નવી શક્યતાઓનાં દ્વાર ખોલ્યાં. ગ્લાસી ફાઇબર મટિરિયલ વિશે તેમણે અનેક શક્યતાઓને પોતાનાં રિસર્ચ પેપરમાં જગ્યા આપી, જેનાં ફક્ત ચાર વર્ષ બાદ ટેલિવિઝન-ટેલિફોનનાં સિગ્નલ્સ અડધા માઇલ સુધી ઘેર-ઘેર પહોંચાડવાં શક્ય બન્યાં. માહિતી સંગ્રહી શકવાની કેબલની ક્ષમતાને તેમણે કોપર તથા રેડિયો વાયરની સરખામણીમાં વધુ ઉપયોગી સાબિત કરી. ‘સ્વપ્નદૃષ્ટા’ શબ્દ હવે બહુ ચવાઇ ગયો છે. છતાં ચાર્લ્સ કાઓ માટે વિચારીએ તો, આ શબ્દનું મૂલ્ય ઘણું વધી જાય છે. 1966થી શરૂ કરીને 2018 સુધી એમણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સતત પરિવર્તન જોયું. પાંચ-છ દાયકામાં તેમણે આખી પેઢીઓ બદલાતી જોઈ. નવી પેઢીનાં વૈજ્ઞાનિકો-સંશોધનકર્તાઓની વિચારધારા સાથે તેઓ રૂબરૂ થયા. માછલી પકડવાના તાર જેવા દેખાતા ફાઇબર ઓપ્ટિક કેબલ્સને તેમણે 21મી સદીનાં બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન્સ, બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ તેમ જ અન્ય અસંખ્ય ડિજિટલ એપ્લિકેશન્સ માટે અપડેટ થતાં જોયા! 2009માં ભૌતિકવિજ્ઞાન (ફિઝિક્સ) ક્ષેત્રે તેમને નોબેલ પુરસ્કાર અેનાયત થયો ત્યારે ‘ધ રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાયન્સ’ મુજબ, વિશ્વમાં પથરાયેલા ઓપ્ટિકલ કેબલ્સનાં ગૂંચળાંની કુલ લંબાઈ 600 મિલિયન માઇલ જેટલી હોઇ શકે એ વાત સામે આવી! (આજે તો એ સર્વેને બીજા 11 વર્ષ વીતી ચૂક્યાં છે!) આપણે ભલે અત્યારે ચાર્લ્સ કાઓનાં સંશોધનો અને શોધખોળ વિશે વાત કરી રહ્યા હોઇએ, પરંતુ એક હકીકત એ પણ છે કે એમણે રજૂ કરેલા રિસર્ચ પેપર બાદનાં ચાલીસેક વર્ષ સુધી વિજ્ઞાનજગતને એની ખાસ મહત્તા ન જણાઈ. 2000ની સાલ પછી ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે દુનિયાએ જે હરણફાળ ભરી, ત્યાર બાદ નોબેલ પ્રાઇઝ કમિટીને લાગ્યું કે ડો. ચાર્લ્સ કાઓનાં આ મહત્ત્વનાં સંશોધનને કઈ રીતે અવગણી શકાય!? આથી 2009માં તેમને આ કામ માટે નોબેલ પુરસ્કાર અેનાયત થયો. 2010માં ચાર્લ્સ કાઓને પ્રિન્સ્ટન સહિત વિશ્વનાં ઘણાં એન્જિનિયરિંગ અેસોસિયેશન તરફથી અવોર્ડ્સ આપવામાં આવ્યા. જીવનનાં પાછલાં વર્ષો તેમણે ચાઇનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગના પ્રોફેસર અને વાઇસ-ચાન્સેલર તરીકે વિતાવ્યાં. ચાર્લ્સ કાઓએ 2010ની સાલમાં પોતાની પત્ની ગ્વેન સાથે શરૂ કરેલા ‘ચાર્લ્સ કે. કાઓ ફાઉન્ડેશન’માં અલ્ઝાઇમરપીડિત દર્દીની સારવાર થાય છે. ઇન્ફર્મેશન ક્ષેત્રનાં પાયોનિયર ગણાતા ચાર્લ્સ કાઓનાં મૃત્યુની ખબર અઢી વર્ષ પહેલાં આગની જેમ દેશ-દુનિયામાં ફેલાઇ. મીડિયા તરફથી તેમના અવસાનની વિગતો જાણવાનાં પ્રયાસો થયા, પરંતુ કાઓ ફાઉન્ડેશન તેમ જ ગ્વેન કાઓ પાસેથી કોઇ કારણો જાણી ન શકાયા. વિજ્ઞાનજગત સાથે સંકળાયેલ વ્યક્તિની શોધખોળને ‘યુરેકા’ માનીને ભાગ્યનો ખેલ ગણવામાં આવે છે, પરંતુ ચાર્લ્સના કિસ્સામાં એ વાત ખોટી છે. અસંખ્ય પ્રયોગો અને ઉજાગરા બાદ તેમણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યુ હતું. બગાસું ખાતાં પતાસું આવી પડે એવો ઘાટ સર્જાયો નહોતો. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...