માનસ દર્શન:સમજણનો માર્ગ કિરપાણની ધાર જેવો છે

20 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

પણી જે સ્થિતિ છે એમાં બે વસ્તુની જરૂર છે, એક વેદની અને બીજી વિશ્વાસની. તમે તીર્થાટન કરો, બહુ જ દર્શન કરો પરંતુ તમે થોડું ઊંડાણપૂર્વક ચિંતન પણ કરો. પહેલાં જોઈએ સમજ. શંકરાચાર્યએ કહ્યું હતું કે સમજ આવી જાય તો શાસ્ત્ર નિરર્થક છે. શાસ્ત્રમાં સમજ ન પડે તો પણ શાસ્ત્ર નિરર્થક છે. તો પછી કથા શા માટે? નવ દિવસનો ઉપક્રમ શા માટે? આટલો ખર્ચ શા માટે? આ બધું શા માટે? આ જરૂરી છે, કેમ કે એનાથી સમજ આવે છે. પરંતુ સમજ પર્યાપ્ત નથી. કોઈ વિચારતા જ રહે, વિચારતા જ રહે અને વિચારતાં વિચારતાં કર્મ કરવાનું ભૂલી જાય તો એનું પરિણામ શું આવશે? અને કોઈ રાત-દિવસ કર્મ જ કરતા રહે, કર્મ જ કરતા રહે અને ચિંતન ન કરે તો પરિણામ શું આવશે? બંને અધૂરાં છે.

પૂર્ણતા આવે છે સમ્યક્ સમજણથી અને સમ્યક્ કર્મના સ્વીકારથી. કથા મને અને તમને સમજણ આપે છે. હું તો એમ પણ કહું કે સમજણ આવ્યા પછી બીજાં શાસ્ત્રો છૂટી જાય તો છૂટી જવા દેવાં, પણ કથા ન છોડવી. કેમ કે આપણી માનેલી સમજણ ક્યારે ધોખો દે એનું કાંઈ ઠેકાણું નહીં! સમજણનો માર્ગ કિરપાણની ધાર જેવો છે, એને પડતા વાર નથી લાગતી! જો આપણી સમજણ નિરંતર અક્ષુણ્ણ રહે, અભંગ રહે તો આપણામાં અને બ્રહ્મમાં કોઈ અંતર નથી. કોણ બ્રહ્મ? નરસિંહ મહેતા સમજી ગયા કે- બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

અહીં બ્રહ્મ, બ્રહ્મ પાસે નાચી રહ્યું છે. ‘સર્વં ખલ્વિદં બ્રહ્મમ્.’ એક સોનાની લગડીમાંથી વીંટી બનાવી, હાર બનાવ્યો, કંગન બનાવ્યાં. ‘જૂજવે રૂપે અનંત ભાસે.’ પરંતુ એ બધા આકારોને મિટાવી દેવામાં આવે તો નરસિંહ મહેતા કહે છે, ‘અંતે તો હેમનું હેમ હોયે.’ કેમ કે આપણી સમજણ અખંડ નથી. એક મિનિટમાં કેટલી વાર સમજણનું સ્ખલન થાય છે! તમે ધ્યાન કરવા બેસો છો તો ધ્યાનની પાંચ મિનિટમાં કેટલીવાર તમારું સ્ખલન થાય છે! સ્ખલન મીન્સ વિકલ્પ, વિકલ્પ, વિકલ્પ! વચ્ચે કોઈ તરંગ, તરંગ, તરંગ! એક માખી બેસી જશે ને વિકલ્પ પેદા થઈ જશે! માળા ગૌણ થઈ જશે, માખીને ઉડાડવાનું મુખ્ય થઈ જશે! સ્વાભાવિક છે. જોરથી હવા ફૂંકાઈ ને સ્ખલન! હા, અખંડ સમજણ આવી જાય તો વાત જુદી છે. આપણી સમજ અખંડ રહે તો ઈશ્વરમાં અને આપણામાં ક્યાં ભેદ છે? પરંતુ આપણે એ યાદ રાખવાનું છે કે તું સિંધુ છે, હું તરંગ છું. અને તરંગો સાગરમાં વિલીન થઈ જાય છે. તરંગ સમુદ્ર છે. સગુણ લીલાનો મતલબ શું છે? ‘ભાગવતજી’માં એનું મહત્ત્વ એ જ છે કે લોકોને એન્જોય કરાવવા માટે સ્વયં સાગર તરંગ બને છે.

શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય પ્રભુ કહે છે કે પરસ્પર વિરોધી વાતોનો મેળ બ્રહ્મ છે. તમને વલ્લભાચાર્યનો સિદ્ધાંત ‘રુદ્રાષ્ટક’માં ખૂબ જ મળશે, જો તમારી પાસે વૈષ્ણવી આંખ હોય તો. માત્ર વૈષ્ણવી તિલક નહીં ચાલે. સમગ્ર વલ્લભ વિચાર જોઈશે. કયા આચાર્ય નથી ‘રુદ્રાષ્ટક’ના? કોણે નથી ગાયું ‘રુદ્રાષ્ટક?’ મને લાગે છે કે ‘રુદ્રાષ્ટક’ દશેય દિશાઓ ગાઈ રહી છે. અહીં સંપ્રદાયભેદ નથી. અહીં જાતિભેદ નથી. અહીં વર્ણભેદ નથી. અહીં ભાષાભેદ નથી. અહીં મતભેદ નથી. અહીં દેશભેદ નથી. અહીં કાળભેદ નથી. વારંવાર તુલસી ગાઈ રહ્યા છે. એ નિર્ગુણ પણ છે, એ સગુણ પણ છે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને સ્થૂળમાં સ્થૂળ છે. એ ભોગી પણ છે, યોગી પણ છે. નિષ્કામ પણ છે, પરમ સકામ પણ છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જ્યાં આ ‘રુદ્રાષ્ટક’ ગાવામાં આવ્યું છે. ત્યાં શિવ છે અને એ ભુશુંડિના ગુરુ છે. એ બે રૂપ છે, એ ભિન્ન નથી. એ બે નથી. એ એક છે, એમ કહેવું પણ બરાબર નથી, કેમકે એક લખો તો પછી બેની કલ્પના શરૂ થઈ જશે કે એક છે તો બે હશે. એટલા માટે જગદ્ગુરુ શંકરે કહ્યું, અદ્વૈત. એક નથી, બે નથી. શું ચિંતનનું શિખર સ્પર્શ્યું છે ભારતીય મનીષીઓએ! અદ્વૈતનો મતલબ એક છે, બે છે, ત્રણ છે, એમ નહીં. બસ, એ બે નથી, એનો જે અર્થ કરવો હોય એ તમે કરો. તો ભગવાન શિવ અને એ પરમ સાધુ (ભુશુંડિના ગુરુ); શિવ નિરાકાર, એ સાકાર. શિવ અંદર છે, આ બહાર બેઠા છે. તત્ત્વત: બંને એક છે. ફરક કેવળ પરસ્પર વિરોધી ધર્મનો છે. શિવ ક્રોધ કરે છે, સાધુ ‘રુદ્રાષ્ટક’ ગાઈને કૃપા કરે છે. બંને એક છે. બે છે જ નહીં.

મને એ પણ પૂછવામાં આવ્યું હતું કે બધું બ્રહ્મમય છે તો પછી પૂજા કોની કરવી? જ્યાં સુધી આ સમજણ અખંડ ન બની જાય ત્યાં સુધી કોઈ આધાર જોઈએ. જે રૂપ, જે નામ, જે શબ્દ તમને ઠીક લાગે તે. આપણી આખી પરંપરામાં પહેલાં રૂપ આવ્યું જ નથી, પહેલાં શબ્દ આવ્યો છે. રૂપ શબ્દનો નોકર છે. આપણે શબ્દસેવી છીએ. આપણે નાદસેવી છીએ. આપણે બ્રહ્મનાદના ઉપાસક છીએ. ભારતીય મનીષીઓએ શબ્દને બ્રહ્મનો પર્યાય-સગોત્રી કહ્યો છે. તો આ પરસ્પર વિરોધી ધર્મનો આશ્રય છે. એ કરાલ પણ છે, એ કૃપાલુ પણ છે. એ અંદર પણ છે, એ બહાર પણ છે. પરંતુ એ સમજણ જ્યાં સુધી અખંડ ન બને ત્યાં સુધી કંઈક આધાર રાખવો પડશે. અને પૂરી સમજણ આવી જશે ત્યારે પણ મારા અનુભવ મુજબ તો લાગે છે કે તમે એ છોડી પણ નહીં શકો, કેમકે એને કારણે જ તો સમજણ આવી છે. આપણે બ્રહ્મને નથી જાણતા પરંતુ બ્રહ્મ નથી જાણતું કે આ જીવ પણ બ્રહ્મ છે? આપણી મૂઢતા છે. ‘શિવોઽહમ્’ બોલીએ છીએ પરંતુ આપણો અનુભવ તો નથી! પરંતુ પરમાત્મા તો જાણે છે, તું પણ એ છે, છતાં શા માટે આવે છે?

ભારતરત્ન મર્હૂમ બિસ્મિલ્લાખાંસાહેબ શરણાઈ વગાડે. શરણાઈ તો ફૂંકથી વાગે છે. એમ જ ફૂંક મારો. વાગશે? વચ્ચે શરણાઈ જોઈએ, ત્યારે જ સંગીત પ્રગટ થાય છે. કોઈ આધાર જોઈએ અને એ આધાર તમારા માટે સ્વાભાવિક થઈ જશે. લોકો બ્રહ્મની પ્રાપ્તિ પછી ગુરુને કેમ નથી છોડતા? કેમકે લોકોને જાણ થઈ ગઈ છે કે મારું લક્ષ્ય બ્રહ્મ નહોતું, મારું લક્ષ્ય તો મારા ગુરુ હતા. મારે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયો. હું એને કેવી રીતે છોડું? ઉપકરણના રૂપમાં હાર્મોનિયમ જોઈએ. મારે પોથી, પાદુકા જોઈએ. પછી એક આદત થઈ જશે કે પરમનો અનુભવ થયા બાદ પણ તમે એને છોડી નહીં શકો. છોડી શકીએ. છૂટી જાય તો છૂટવા દો. જબરદસ્તી ન કરો.

અન્ય સમાચારો પણ છે...