તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાસ્તાનગોઈ:શાંતિ અને પ્રેમનો રસ્તો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધીરજ હોય તો જ પ્રેમ થાય અને પ્રેમનું સૌંદર્ય સમજી શકાય. નહીંતર એ આકર્ષણ સાબિત થાય, જે ક્યારેય સ્થાયી નથી

- અંકિત દેસાઈ

મહાત્મા બુદ્ધનો એક મજાનો પ્રસંગ છે. એક ગામના લોકોએ તેમના ગામમાં આઠેક દિવસ સુધી બુદ્ધની સભાનું આયોજન કર્યું હતું. ગામના લોકો એ સભાને લઈને અત્યંત ઉત્સાહિત હતા, કારણ કે તથાગત પોતે ત્યાં સભા કરવાના હતા અને તેમને શાંતિ તેમ જ પ્રેમ વિશે કહેવાના હતા. પહેલા દિવસે જ્યારે સભાનો સમય થયો, ત્યારે ચોગાનમાં દોઢસોથી બસો લોકો ભેગા થયા હતા. બુદ્ધને શું સૂઝ્યું તે ખબર નહીં. સભાના સ્થળે તેઓ આવ્યા, થોડો સમય ધ્યાન ધર્યું અને એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.

બુદ્ધે આવું કર્યું એટલે અનેક લોકોને અજુગતંુ લાગ્યું. કેટલાકે તો બુદ્ધ પર નાહકનો સમય બગાડ્યાનો આક્ષેપ પણ મૂક્યો. બીજા દિવસે ફરીથી સભાનો સમય થયો, પરંતુ બીજા દિવસે માત્ર સો જેટલા જ લોકો ભેગા થયા હતા. બુદ્ધ તો તેમના નિયત સમયે સભામાં હાજર થયા અને ફરી આગલા દિવસની ક્રિયાનું જ પુનરાવર્તન કરીને તેઓ જતા રહ્યા. આવું બુદ્ધે લગાતાર ચાર દિવસ સુધી કર્યું. એટલે ગામના લોકોનો મોટો વર્ગ ધુંઆપુંઆ હતો. બુદ્ધને પોતાના ગામમાં નિમંત્રણ આપીને તેમને પસ્તાવો થઈ રહ્યો હતો. પાંચમા દિવસે બુદ્ધ ફરી સભા કરવા આવ્યા તો ચોગાનમાં માત્ર ચૌદ લોકો તેમને સાંભળવા માટે બેઠા હતા. સભામાં બેઠેલા લોકોને તો પાંચમા દિવસેય એવી જ અપેક્ષા હતી કે બુદ્ધ અગાઉના ચાર દિવસોનું જ પુનરાવર્તન કરશે, પરંતુ એ દિવસે બુદ્ધે ભાષણ કર્યું. સભામાં બેઠેલા એ તમામ લોકો બુદ્ધની વાતોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે બધાએ નક્કી કરી લીધું કે તેઓ હવે બુદ્ધના માર્ગે જ ચાલશે. આખરમાં એ ગામના એક શાણા માણસે બુદ્ધને પૂછ્યું કે તમે અગાઉના ચાર દિવસ ભાષણ શું કામ નહોતું કર્યું? જો ત્યારે ભાષણ કર્યું હોત તો આપને ચૌદ કરતાં વધુ લોકો મળ્યાં હોત. તો બુદ્ધે એને જવાબ આપ્યો કે તેમને ભીડ નહીં, પરંતુ કામ કરનારા લોકો જોઈતા હતા. આખરે જેમની પાસે ધૈર્ય હોય એ જ પ્રેમ પણ કરી શકે ને એ જ શાંતિની પણ ઉપાસના કરી શકે. ભીડ ક્યારેય ન તો શાંતિને પોષી શકે કે ન તો પ્રેમનું જતન કરી શકે.

બુદ્ધનો પ્રસંગ તો અહીં પૂરો થઈ જાય છે, પરંતુ બુદ્ધની વાતમાં ઊંડાણ કેટલું બધંુ છે કે પ્રેમ અને શાંતિ આ બંનેને પામવાં હોય તો ધૈર્ય જોઈએ. ધીરજ ન હોય તો મન પણ વિચલિત હોય અને એ વિચલિતતા જ પછી આંતરિક અને બાહ્ય ભાંગફોડનું કારણ બને. પ્રેમ કરવા કે પ્રેમ પામવા પણ છાતીમાં ધીરજનું હોવું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ધીરજ હોય તો જ પ્રેમ થાય અને પ્રેમનું સૌંદર્ય સમજી શકાય. નહીંતર તો એ આકર્ષણ સાબિત થાય અને આકર્ષણ ક્યારેય સ્થાયી નથી હોતું. સ્થાયીત્વનો અભાવ વળી પાછો આપણને શાંતિના અભાવ તરફ જ દોરી જાય છે. ankitdesaivapi@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો