તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:પ્રેમનો આવેશ અને આવેગ...

અંકિત ત્રિવેદી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગમતી વ્યક્તિનાં રૂપનું વર્ણન કરતાં શબ્દો ઓછા પડે છે અને તોય એનું વર્ણન શબ્દોમાં જ કરવું પડે છે. ગમતી વ્યક્તિ છે જ એટલી ખૂબસુંદર કે એનાં વર્ણનમાં શબ્દો લખાય પછી પણ બાકી રહી જાય છે. એ નજરમાં ચંચળતાનું વાવાઝોડું છે. કવિએ સટ્ટાક સટ્ટાક સટ્ટાક – એમ ત્રણ વાર લખીને પ્રિયતમાની ચાંપતી નજરને ચાબખાની જેમ પોતાની ઊપર જ વિંઝી છે. સંદર્ભો આજના ટાંકીને કાવ્ય લખાયું છે. કાવ્યમાં પણ ભરજુવાનીનો છોળ ઉડે છે. સામે નજર ચાંપતો બંદોબસ્ત રાખતી હોય તો આ તરફ પણ નજર ડ્રોન બનીને ઝીણી ઝીણી ગતિવિધિઓ તપાસે છે. પ્રેમ થાય પછી સ્વરૂપમાં હોવું તદરૂપ થઈ જાય! હૃદયને નવી દુનિયા મળે! હૈયંુ આપણી ભીતર બીજાનાં નામે ધબકવા માંડે! ગમતી વ્યક્તિનો ગુસ્સો પણ વહાલો લાગે! જાણે ગુલકંદ ઊપર તજ જેવો સ્વાદ! વાળની લટ ઊડે તો લાગે હજુ હમણાં જ જન્મેલા જુવાન દેશનો ધ્વજ ફરકી રહ્યો છે. ઉત્સાહનો સંચાર કરીને સંસારમાં પરિણમે તે પ્રેમ! પ્રેમમાં વખાણ કરીએ છીએ, ન ગમતી અવસ્થાઓ પણ મનગમતી બની જાય છે. અરીસામાં જોનારો તો ખરો જ પરંતુ અરીસો સ્વયંમ્ માથા ઉપર કલર કરીને જુવાન બનવા માંડે છે! ગમતી વ્યક્તિ અરીસામાં જુએ ત્યારે અરીસો જુવાન લાગવો જોઈએ ને માટે! આંખો એવી જાણે સફેદ રણમાં ભૂંગાં ઊભાં હોય અને કમર જાણે મુંબઈના માટુંગાનો રસ્તો હોય! નજાકતને આધુનિક ભાષા પહેરાવીને કવિ નિખાલસ પ્રેમના ઓવારણા લે છે. પહેલાં મળ્યા હતાં એના કરતા હવે વધારે ઘનિષ્ટતાથી મળાય છે. એવું લાગે છે જાણે યાદો એક સો એકાવનનું કવર કરે છે! સિંહણ કોઈને પાસે આવવા ન દે! આવવા દે એને દૂર જવા ન દે! એણે સિંહ બને જ છૂટકો! સિંહણ જેમ પૂંછડીનો ઝંડો કરે છે એમ તમારા એક ઘુરકિયામાં ભલભલા ઠંડાં પડી જાય છે. આ ઘુુરકિયું એ ગમતી વ્યક્તિનો જલસો હોઈ શકે છે. જેમ ડોશી બેઠી બેઠી બજર કરે છે! કાઠિયાવાડનો આ શબ્દ ડોશી અને એના આનંદની સાથે પ્રેમને ઊજાગર કરે છે. જેમાંથી આનંદ મળે તે પ્રેમ. જીવનના હકારની આ કવિતામાં પ્રેમનો આવેશ અને આવેગ છે. નિનાદ અધ્યારુ બારીક નક્શીકામના કવિ છે. પ્રિય વ્યક્તિની આંખોથી થયેલી શરૂઆત આંખોથી થતાં ઘુરકિયાં સુધી પહોંચે છે. ભાષા અને રજૂઆત બંનેમાં નવો સંચાર થાય છે. ⬛

તમારી આંખો સટ્ટાક – સટ્ટાક – સટ્ટાક કરતી નજર કરે છે અમારી આંખો ડ્રોન બનીને તમારે ફળિયે સફર કરે છે તમારો ગુસ્સો એવો જાણે ગુલકંદ ઉપર તજ તમારી ઉડતી જુલ્ફો જાણે જુવાન દેશનો ધ્વજ તમને જોઈ, આધેડ અરીસો માથા ઉપર કલર કરે છે તમારી બંને આંખો જાણે સફેદ રણમાં ભૂંગા કમર તમારી જાણે નક્શો મુંબઈથી માટુંગા તમારી યાદો આવી, એક સો એકાવનનું કવર કરે છે જાવ નજીકને સિંહણ કરતી જેમ પૂંછડીનો ઝંડો તમે ઘુરકિયું કરો જરા ત્યાં પડી જાવ હું ઠંડો તમારો જલસો જાણે ડોસી બેઠી બેઠી બજર કરે છે -નિનાદ અધ્યારુ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...