બાળલગ્નની પરંપરાએ વિખ્યાત લોકોનેય કેવા પરેશાન મૂક્યા હશે એ વિશે રવીન્દ્રનાથ ટાગોર પોતાના જીવનનો અનુભવ લખે છે: ‘ખબર છે, એકવાર એક પરદેશી એટલે કે બીજા પ્રાંતની કન્યા સાથે મારાં લગ્નની વાત ચાલી હતી. તે એક પૈસાદાર માણસની છોકરી હતી, મોટા જમીનદારની. સાત લાખ રૂપિયાની વારસદાર હતી. અમે બે-ચાર જણા કન્યાને જોવા ગયા હતા. બે નાની ઉંમરની સ્ત્રીઓ આવીને બેઠી. એક તદ્દન સીધીસાદી હતી, તે જડભરતની પેઠે એક ખૂણામાં બેસી રહી અને બીજી જેવી સુંદર તેવી જ ચપળ હતી. તેની સ્માર્ટનેસ ભારે હતી. સહેજ પણ જડતા નહોતી. અંગ્રેજી ઉચ્ચાર વિશુદ્ધ હતા. પિયાનો પણ સારી રીતે વગાડ્યો. ત્યારપછી સંગીત વિશે વાતચીત શરૂ થઈ. મેં વિચાર કર્યો, આમાં કંઈ કહેવા જેવું નથી. હવે તો મળે એટલે ગંગા નાહ્યા!- એવામાં ઘરધણી અંદર આવ્યા. ઉંમર થઈ હતી, પણ માણસ શોખીન હતા. અંદર આવતાવેંત જ તેમણે સ્ત્રીઓનો પરિચય કરાવ્યો. પેલી સુંદર સ્ત્રીને બતાવીને કહે, ‘હીઅર ઈઝ માય વાઈફ (આ મારી પત્ની.) અને પેલી જડભરતને બતાવીને કહે, ‘હીઅર ઈઝ માય ડોટર (આ મારી પુત્રી).’ અમને તો શું કરવું એ જ સૂઝે નહીં. એકબીજાનાં મોઢાં સામે જોતા રહ્યાં. અરે, આમ જ હતું તો નકામા અમને બોલાવીને ફજેત શું કરવા કર્યા? જવા દો.. પણ પછીથી મજાકમાં આ પ્રસંગને યાદ કરતા તેમણે લખ્યું: હવે કોઈ વાર પસ્તાવો થાય છે... ગમે તેમ લગ્ન થયાં હોત તો શું વાંધો હતો? છોકરી ભલેને ગમે તેવી હોય, સાત લાખ રૂપિયા હોત તો વિશ્વભારતી માટે આટલી દોડધામ કરવી ન પડત!’ રવીન્દ્રનાથ ટાગોર (આમ તો ઠાકુર પણ ટાગોર તરીકે વધુ જાણીતા થયા) પરિવારમાં બાલ-વિવાહની પરંપરા હતી. જોકે, રવીન્દ્રનાથ એક જ યોગ્ય ઉંમરે પરણ્યા એમ કહી શકાય પરંતુ તેમનાં લગ્ન માત્ર 10 વર્ષની કન્યા સાથે કરવામાં આવ્યાં હતાં. રવીન્દ્રનાથે પણ પોતાનાં પુત્ર-પુત્રીઓના લગ્ન સગીરવયે કર્યાં હતાં. આમ તો રવીન્દ્ર પોતે બાલ-વિવાહ અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓથી સભાન હતા. પરંતુ તેમના પરિવારની વર્ષોની પરંપરા, પિતાની આજ્ઞાનું ઊલ્લંઘન ન કરવાની પરંપરાથી આ અંગે વિરોધ કરવાનો ટાળ્યો પણ પછીથી એમણે બાલ-વિવાહથી ઊભી થતી મુશ્કેલીઓને લઈને પોતાના વિચારો ‘નષ્ટ-નીડ’ અને ‘ચોખેરબાલી’ જેવી કથાઓમાં વ્યક્ત કર્યા હતા. રવીન્દ્રનાથ એક પ્રેમાળ પતિ અને ખૂબ જ આદર્શ પિતા હતા, પરંતુ સમયાંતરે થયેલાં સંતાનોનાં મૃત્યુ, તેમના આનંદમય લગ્નજીવનના ડરામણાં સ્વપ્ન બની રહ્યાં. 9 ડિસેમ્બર, 1883ના દિને રવિના લગ્ન ભવતારિણીદેવી સાથે થયાં. તેમના પરિવારની એક પ્રથા અનુસાર તેમના પત્ની ભવતારિણીદેવીને સાસરે આવ્યાં પછી ‘મૃણાલિનીદેવી’ એવું નવું નામ આપવામાં આવ્યું. લગ્ન પછી મૃણાલિનીદેવી શિક્ષિત બને તે માટે રવીન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા, પત્નીને ખૂબ જ પ્રોત્સાહિત કર્યાં પણ તેઓ નિષ્ફળ રહ્યા. હા, એ એક સારા ગૃહિણી જરૂર બની રહ્યાં. રવીન્દ્રનાથ પત્નીને લાડથી ‘છૂટી’ કહીને બોલાવતા. દંપતી વચ્ચેનો પ્રેમ પણ અદ્્ભુત હતો. મૃણાલિનીદેવીનાં નાની ઉંમરે થયેલા મૃત્યુએ રવીન્દ્રનાથને ભીતરથી તોડી નાખ્યા. પત્ની ગંભીર બીમારીમાં સપડાયા અને થોડાં સમયમાં જ શરીર છોડી દીધું. પત્નીના મૃત્યુ બાદ થોડા જ સમયમાં જ તેમની ખૂબ વહાલી દીકરી રેણુકાનું મૃત્યુ થયું. રવીન્દ્રનાથના બીજા પુત્ર શમીન્દ્રનાથ કોલેરાની બીમારીમાં મૃત્યુ પામ્યા. તેમની સૌથી મોટી પુત્રી મધુરીલતાનાં લગ્ન એક વકીલ સાથે કરવામાં આવ્યાં હતાં પણ મધુરીલતાનું મૃત્યુ પણ ખૂબ જ નાની વયે થયું હતું. નાની પુત્રી મીરાં તેના લગ્નજીવનમાં દુ:ખી હતી. 15 વર્ષનાં લગ્નજીવન બાદ તેના છૂટાછેડા થયા. આવી અનેક દુ:ખદ ઘટનાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી હતી એ અરસામાં કવિના પિતા દેવેન્દ્રનાથે પણ જીવનથી વિદાય લીધી. વારાફરતી પરિવારના સભ્યોના મોત અને જીવનની આવી મુશ્કેલી? રવીન્દ્રનાથને ભીતરથી હચમચાવી દીધા. એમનું આત્મબળ મજબૂત હતું. તેમણે બાળપણથી જ જીવનમાં મૃત્યુની કરુણતા નજીકથી નિહાળી હતી. સૌથી નાના પુત્રના મોતની પીડાને વર્ણવતા લખ્યું: ‘તેની અંતિમ ઘડી આવી પહોંચી હતી. નિબિડ અંધકારમાં વીંટળાઈને, હું બાજુના ઓરડામાં એકલો બેઠો હતો. અસ્તિત્વના હવે પછીના તબક્કામાં પૂર્ણ શાંતિથી તે પહોંચે. યોગક્ષેમ સાથે આ વિશ્વમાંથી તે વિદાય થાય તે માટે હું પ્રાર્થના કરી રહ્યો હતો.’ ⬛ namaskarkishore@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.