માનસ દર્શન:રામકથાની પ્રસંગ-યાત્રા જીવનની ગતિ સમજાવે છે

5 મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

ભગવાન શંકરને કુંદવર્ણ કહ્યા છે. તુલસીદાસજી ‘કિષ્કિન્ધાકાંડ’માં લક્ષ્મણજીને કુંદ પુષ્પ સમાન ગૌર કહે છે. લક્ષ્મણજી કુંદ પુષ્પ જેવા ગોરા છે. આમ તો દરેક ઘટનામાં રામ આગળ હોય છે. એકમાત્ર પ્રસંગ એવો છે કે જેમાં લક્ષ્મણ આગળ છે અને રામ પાછળ છે. સાંવરા કમળ જેવા નીલ વર્ણના રામ પાછળ છે અને કુંદ વર્ણના લક્ષ્મણ આગળ છે. જીવને આગળ રહેવું જોઈએ અને બ્રહ્મને પાછળ ચાલવું જોઈએ કે બ્રહ્મને આગળ ચાલવું જોઈએ અને જીવને પાછળ ચાલવું જોઈએ? જરા અટપટી વાતો લાગે છે! જ્યાં જુઓ ત્યાં રામ આગળ ચાલે છે. તો રામની જે યાત્રા છે એમાં સદૈવ રામ આગળ ચાલે છે, લક્ષ્મણજી બિલકુલ પાછળ ચાલે છે અને જાનકીજી મધ્યમાં ચાલે છે. અહીં ક્રમ તૂટી ગયો છે. શા માટે? ‘અરણ્યકાંડ’માં પંચવટીમાં ભગવાન નિવાસ કરે છે ત્યારે એક દિવસ લક્ષ્મણજી ભગવાનને પાંચ પ્રશ્ન પૂછે છે, માયા શું છે? જીવ શું છે? શિવ શું છે? જ્ઞાન શું છે? ભક્તિ શું છે? એમાં ભગવાન રામ લક્ષ્મણને સમજાવે છે. રામ સમજાવે છે, લક્ષ્મણ સમજે છે. સમજાવનારા આગળ છે. લક્ષ્મણજી શ્રવણ કરી રહ્યા છે, પરંતુ એ સમયે સીતાનું અપહરણ થયું ન હતું. ત્યાર બાદ શૂર્પણખા આવી; ખર-દૂષણ નિર્વાણ; રાવણને ઉશ્કેર્યો; જાનકીનું અપહરણ. ત્યાર બાદ જાનકીને શોધવા માટે રડતાં રડતાં રામે નીકળ્યા ત્યારે રામને લક્ષ્મણ સમજાવી રહ્યા છે. ક્યારેક ક્યારેક ઈશ્વર પણ માયા પાછળ દોડવા લાગે છે ત્યારે કોઈ જાગૃત જીવ ઈશ્વરને પણ સમજાવવા માટે અગ્રેસર થાય છે. લક્ષ્મણ છે ગુરુ. લક્ષ્મણ છે રામાનુજ. લક્ષ્મણ છે જીવધર્મના આચાર્ય. જીવ માયાની પાછળ પાછળ ચાલે ત્યાં સુધી ભગવાન જીવને સમજાવે પરંતુ આ લીલામાં, સીતાહરણની લીલામાં શું થયું? રામ સ્વયં માયા પાછળ દોડી રહ્યા છે. અને જ્યારે ઈશ્વર માયા પાછળ દોડશે ત્યારે તો કોઈ બુદ્ધપુરુષે જ ઈશ્વરને સમજાવવા પડશે કે રડો નહીં. લક્ષ્મણ સમજાવી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે. ભગવાન બિલકુલ જીવધર્મમાં આવી ગયા, મારી સીતા ક્યાં છે? લક્ષ્મણ એમને સમજાવે છે એટલે ત્યાં લક્ષ્મણને આગળ કરી દીધા. મોટા માણસ માયાની પાછળ થઈ જાય ત્યારે કોઈ જાગૃત, ભલે એ નાના હોય તો પણ, એ જ એને લીડ કરે છે. ત્યાં નાના-મોટાનો ભેદ રાખવો ન જોઈએ. ભગવાન રામની જે યાત્રા છે એ સમજાઈ જાય તો પણ કથા ધન્ય થઈ જાય. ઉભય બીચ સિય સોહતિ કૈસે બ્રહ્મ જીવ બિચ માયા જૈસે. રામ બ્રહ્મ છે, આગળ ચાલી રહ્યા છે. સીતા માયા છે, વચ્ચે છે અને લક્ષ્મણ પાછળ છે. તો જીવ માયાની પાછળ ચાલી રહ્યો છે. બ્રહ્મ બિલકુલ આગળ છે. રામકથાની પ્રસંગ-યાત્રા જીવનની ગતિ સમજાવે છે. આપણા જીવનની ગતિ કેવી હોવી જોઈએ, એ રામકથાની પ્રસંગ-યાત્રામાંથી સમજીએ. એક અર્થમાં જોઈએ તો રામ જ્ઞાન છે, જાનકી ભક્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય અથવા બ્રહ્મ છે, જીવ છે. સીતાને હંમેશાં વચ્ચે રાખ્યાં છે. હું તો એટલું જ કહીને આગળ વધું કે સીતાને વચ્ચે રાખવાની તુલસીની ચેષ્ટા એ ભક્તિ અને પ્રેમનો મધ્યમ માર્ગ છે. રામ જ્ઞાન છે. આપણા જેવાની ઓકાત નથી કે આપણે જ્ઞાનને આત્મસાત્ કરી શકીએ. વૈરાગની વ્યાખ્યા થઈ શકે છે. બાકી આપણા જેવાને તો એક જ માર્ગ છે. માયા વચ્ચે છે એમ એ માયાની માફક આપણે મધ્યમ માર્ગમાં છીએ. જોકે બુદ્ધનો મધ્યમ માર્ગ છે. વચ્ચે ચાલવાનું શીખી જઈએ તો માયા માયા નહીં રહે. પછી એ જ પંક્તિને તુલસી એક શબ્દ પરિવર્તન કરીને લખે છે, ‘ઉભય બીચ શ્રી સોહતિ કૈસે.’ માયા નહીં રહે, શ્રી થઈ જશે. શ્રીનો એક અર્થ છે ભક્તિ. તો લક્ષ્મણ ભક્તિની પાછળ ચાલી રહ્યા છે. ભક્તિ બ્રહ્મની પાછળ ચાલે છે. એ ક્રમ બિલકુલ ઉચિત છે. ‘અરણ્યકાંડ’ની કથામાં ભગવાન પાછળ ભટકી રહ્યા છે; લક્ષ્મણ સમજાવી રહ્યા છે, મહારાજ, હું શોધી આપું. થોડા સમય પહેલાં માયા શું છે એ રામ સમજાવી રહ્યા હતા, એ રામ આજે માયામાં એટલા ડૂબ્યા છે કે શું? જોકે એ લીલા છે. તો પછી એ જ યાત્રા રહેવી જોઈતી હતી ‘માનસ’માં. પાછો ચાલવાનો ક્રમ બદલી નાખ્યો. જીવનની રીત આપણે ક્યારે બદલી નાખીએ છીએ એ નક્કી નથી! ધ્યાન દેજો, શબરીના આશ્રમ સુધી તો લક્ષ્મણ આગળ ચાલ્યા, પરંતુ શબરીનું મિલન થઈ ગયું, વાત થઈ ગઈ; શબરીને પણ રામે પૂછયું કે સીતા વિશે કંઈક કહો, એ ક્યાં મળશે? તો શબરીએ કહ્યું, આપ પંપા સરોવર જાઓ, ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થશે. ત્યાં શબરીનો આદેશ છે, જાઓ; એટલે કે હવે આપ આગળ ચાલો. માયાની પાછળ ભટકો નહીં. એ સંકેત છે. ત્યાર બાદ રાઘવ આગળ ચાલી રહ્યા છે. પંપા સરોવર પહોંચે છે. હમણાં સુધી ભગવાન રડી રહ્યા હતા, સીતા ક્યાં છે? પરંતુ શબરીને મળ્યા બાદ ભગવાનના બધા વિચારો ખતમ! પંપા સરોવર ગયા તો ઠાકુરજી પ્રસન્ન બેઠા છે. હમણાં સુધી લક્ષ્મણ કહી રહ્યા હતા. હવે ખુદ રામ રસપ્રદ, રસિક કથાઓ સંભળાવવા લાગ્યા. એટલામાં નારદ આવ્યા. ભગવાને વિચાર્યું કે નારદે મને શાપ આપ્યો હતો કે મને વિશ્વમોહિનીના વિયોગમાં આપે તડપાવ્યો એ રીતે નારીના વિરહમાં આપ દુ:ખી થશો. હું પ્રસન્ન છું તો નારદને થશે કે મારા શાપને આ માણસે સફળ ન થવા દીધો. એટલે તરત અભિનય બદલ્યો. ભગવાન પાછા વિરહવ્યાકુળ થઈ જાય છે. નારદને થાય કે મારાં વચન સત્ય છે, એટલે ભગવાન પાછા રડવા લાગ્યા. નારદે એ જોયું અને એને સંતોષ થઈ ગયો. રામ પોતાની જીવનની ગતિને વનયાત્રામાં વિધવિધ રૂપમાં રજૂ કરીને બોધ આપે છે કે પ્રત્યેક વ્યક્તિના જીવનના રંગ બદલતા રહે છે. રામની વનયાત્રા આપણા જીવનની યાત્રાને પ્રબોધિત કરે છે કે ક્યારે રામ આગળ ચાલ્યા, ક્યારે પાછળ ચાલ્યા, કેવી રીતે ચાલ્યા.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...