આપણી પૃથ્વી પર જીવની ઉત્પત્તિમાં કેટલાય યુગ વીતી ગયા હશે પણે તેનો નાશ થવામાં આટલો સમય નહીં લાગે એટલું નક્કી છે. પૃથ્વીના વાતાવરણમાં ઘણાંબધાં પરિવર્તનો આવે છે અને આગામી અમુક સદીઓ પછી આ પૃથ્વી માણસ માટે રહેવાલાયક નહીં રહી હોય! પૃથ્વી પર એવી કોઇ વિનાશક ઘટના ઘટે તો સમગ્ર માનવજાતિનું નિકંદન નીકળી જાય! આવી તમામ સંભાવનાઓને કારણે માણસે અવકાશમાં વસવાટ કરી શકાય કે કેમ તેનો તાગ મેળવવાના પ્રયત્નો આદર્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના આ પ્રયાસોની સંખ્યા વધવા લાગી છે. જેમ કે એક ખાનગી કંપની નાસા માટે રોબોટિક હેલિકોપ્ટર બનાવી રહી છે. તેનું કામ મંગળ ગ્રહ પર જીવનની શોધ કરવા માટેનું છે. તો કેટલીક કંપનીઓની નજર ચંદ્ર પર પડી છે. નાસાના આર્ટમિસ પ્રોગ્રામનું લક્ષ્ય ચંદ્ર પર એક બેઝ કેમ્પ સ્થાપવાની શરૂઆત કરવાનું અને આ દાયકા દરમિયાન માણસને ત્યાં મોકલાવાનું છે. સ્પેસ ટ્રાવેલ પણ આનો જ એક ભાગ છે. થોડાંક વર્ષોમાં આમાં તેજી પણ આવી છે અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રિયલિસ્ટને અવકાશમાં પ્રવાસ કરવાનો ચસ્કો લાગ્યો છે. સ્પેસ ટ્રાવેલ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો કોઇ શ્રીમંત માણસ અવકાશમાં ફક્ત મોજશોખ માટે ફરવા જાય એને અંતરિક્ષ યાત્રા (સ્પેસ ટ્રાવેલ) કરી કેહવાય. આને સિટિઝન સ્પેસ એક્સપ્લોરેશન, પર્સનલ સ્પેસફ્લાઇટ કે કોમર્શિયલ હ્યુમન સ્પેસફ્લાઇટ પણ કહેવાય છે. સ્પેસ ટ્રાવેલ ઓછી ઊંચાઇ સુધીની (પૃથ્વીની કક્ષા સુધીની) અથવા તો સ્પેસ સ્ટેશન સુધીની હોઇ શકે છે. એક સવાલ એવો પણ થાય કે અંતરિક્ષ કોને કહેવાય? આપણા માથાંની ઉપર લગભગ 60 માઇલ (અંદાજિત 96 કિ. મી.)ની ઊંચાઇએ કરમાન લાઇન(Karman line) હોય છે. ફેડરેશન એરોનોટિક ઇન્ટરનેશનલ આને જ પૃથ્વીના વાતાવારણની અંતિમ રેખા માને છે. તેની ઉપર અંતરિક્ષ શરૂ થઇ જાય છે. પરંતુ નાસા અને બીજી કેટલીક સંસ્થા 50 માઇલ (અંદાજિત 80 કિ. મી.)ની આગળની જગ્યાને અંતરિક્ષ માને છે. રિચર્ડ બ્રેનસનની વર્જિન ગેલેક્ટિક ફ્લાઇટ 53 માઇલ (લગભગ 85 કિ. મી.)ની ઊંચાઇએ ગઇ હતી તો બ્લ્યૂ ઓરિજિનના જેફ બેઝોસ 62 માઇલ (લગભગ 100 કિ. મી.)ની ઊંચાઇ સુધી પહોંચ્યા હતા. હમણાં ચાર પ્રવાસીઓ આઇએસએસ પર પહોંચ્યા એ પૃથ્વી પરથી 260 માઇલ (લગભગ 420 કિ. મી.)ની ઊંચાઇ હતી. અંતરિક્ષ યાત્રા માટે કાર્યરત પાંચ કંપનીઓ : અતિ શ્રીમંત લોકો અવકાશયાત્રી તરીકે થોડાક કલાક માટે અવકાશની યાત્રા કરવાની અથવા તો થોડા દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવાની ઇચ્છા ધરાવે છે. તેમના આ સપનાંઓને આ પાંચ કંપનીઓ પૂરા કરી શકે છે. Â વર્જિન ગેલેક્ટિક: આ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસનનીની વર્જિન ગ્રૂપની કંપની છે. તેની નજર દુનિયાના શોખીન કરોડપતિઓને અંતરિક્ષની યાત્રા કરાવવા પર મંડાયેલી છે. 11 જુલાઇ, 2021ના રોજ બ્રેનસન તેમની કંપનીના પાંચ કર્મચારીઓ સાથે પૃથ્વીની કક્ષા (લગભગ 85 કિ. મી. ઉપર)માં પહોંચ્યા હતા અને તેમણે 4-5 મિનિટ સુધી શૂન્ય ગરુત્વાકર્ષણનો અનુભવ કર્યો હતો. Â સ્પેસ-એક્સ: ઇલો ન મસ્કની આ કંપની એરોસ્પેસ અને કોમ્યુનિકેશનના ક્ષેત્રે કામ કરે છે. તેના એક્સિઓમ મિશન દ્વારા પહેલી વાર ચાર નાગરિક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએએસ) પર પહોંચ્યા. આના માટે દરેક યાત્રીએ 5.5 કરોડ ડોલર ખર્ચ્યા હતા. Â બ્લ્યૂ ઓરિજિન: આ સ્પેસ ટ્રાવેલ કંપની એમેઝોનના જેફ બેઝોસે ઇ. સ. 2000માં સ્થાપી હતી. તેનો હેતુ ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા લોન્ચ વ્હિકલ બનાવીને સ્પેસ ટ્રાવેલને સસ્તી બનાવવાનો છે. 20 જુલાઇ, 2021ના રોજ તેમણે પોતાના ન્યૂ શેપર્ડ રોકેટ દ્વારા પ્રથમ ચાર સભ્યોનું મિશન અવકાશમાં મોકલ્યું હતું. તેમાં જેફ પણ સામેલ હતા. Â ઓરિયન સ્પેસ: ઓરિયન સ્પેસે અંતરિક્ષમાં ‘એફોર્ડેબલ લક્ઝરી હોટલ’ની યોજના બનાવી છે. તેનું નામ ‘ઔરોરા સ્ટેશન (Aurora Station) રાખ્યું છે. આ હોટલ કેટલી ખર્ચાળ હશે, તેનો અંદાજ આ હકીકતને આધારે લગાવી શકાય છે. ત્યાં 12 દિવસ રહેવાનો ખર્ચો વ્યક્તિદીઠ 95 લાખ ડોલર (લગભગ 75 કરોડ રૂપિયા) થશે. Â બોઇંગ: આ કંપનીએ પણ સ્પેસ ટ્રાવેલના ક્ષેત્રે પ્રયાસ શરૂ કરી દીધા છે. બોઇંગએ સ્ટારલાઇનર સ્પેસફ્લાઇટ બનાવી છે. તેની આ વર્ષમાં 400 કિ.મી. સુધી ક્રૂ વગરની ફક્ત કાર્ગો સર્વિસ લોન્ચ કરવાની યોજના છે. આમાં સફળતા મળી તો પછી લગભગ સાત ક્રૂ મેમ્બર્સ સાથે અવકાશ યાત્રા કરી શકશે. Â સૌપ્રથમ અંતરિક્ષ પ્રવાસી: અંતરિક્ષના પ્રથમ પ્રવાસી બનવાનું શ્રેય અમેરિકાના અબજોપતિ ડેનિસ ટીટોનાં નામે છે. તેમણે 2001માં સૌથી પહેલી વાર પોતાના શોખ ખાતર સ્પેસ ટ્રાવેલ કર્યું હતું. તેમણે પોતાના 60મા જન્મદિને રશિયાની એજન્સીને 2 કરોડ ડોલર ચૂકવીને આ અવકાશ યાત્રા કરી હતી. (લેખક ઇસરો ઉપગ્રહ કેન્દ્રના ઇસરોના વૈજ્ઞાનિક અને નિવૃત્ત ગ્રૂપ ડાયરેક્ટર છે) ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.