તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rasrang
  • The 'murderer' Of The Search Itself Is His Own And Then The 'murderer', This Is What Ishq Says To The Artist With Bad Luck!

રણમાં ખીલ્યું ગુલાબ:ખુદ તલાશના ‘કાતિલ’ અપના ઔર ફિર ‘કત્લ’ હોના, ઇસી ફનકારી કો બદકિસ્મતી સે ઇશ્ક કહતે હૈં!

ડૉ. શરદ ઠાકર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ગુસપુસ કરતાં હતાં, પણ તેમને ક્યાં ખબર હતી કે આલોક જેવા નિર્વ્યસની સજ્જન પુરુષ સાથે લગ્ન કરીને અપર્ણાએ પોતાના પ્રથમ લગ્ન વખતે કરેલા સમાધાન પર પોતું મારી દીધું છે?!

અપર્ણા કોલેજમાં પ્રાધ્યાપિકા હતી. વિશ્રામ બિઝનેસમેન હતો. વિશ્રામ એના ભત્રીજાના એડમિશન માટે કોલેજમાં આવ્યો હતો. એના કારણે બંને વચ્ચે પરિચય થયો. છ મહિના પછી બંને પરણી ગયાં. આ લગ્નને શું કહેવાય? એને એરેન્જ્ડ મેરેજ તો ન જ કહી શકાય, કારણ કે બંને પાત્રો વડીલોનાં આયોજનથી એકબીજાંને મળ્યાં ન હતાં. તો પછી એને લવમેરેજ કહી શકાય? અપર્ણા અને વિશ્રામ પોતાનાં લગ્નને લવમેરેજમાં ખપાવતાં હતાં, પણ વાસ્તવમાં એમનાં મેરેજમાં લવ જેવું કંઇ ન હતું. જે હતું એ માત્ર સમાધાન જ હતું. ઉંમરનું, બાહ્ય સુંદરતાનું, સામાજિક પ્રતિષ્ઠાનું અને આર્થિક સંપન્નતાનું સમાધાન. બંને યુવાન હતાં, આકર્ષક હતાં. સમાજમાં બંનેનાં માનપાન હતાં. કોઇ પૂછે તો વિશ્રામ આવું કહી શકે, ‘મારી પત્ની પીએચ. ડી. થયેલી છે. કોલેજમાં પ્રોફેસર છે.’ અને અપર્ણા પણ આવું કહી શકે, ‘મારા હસબન્ડ બિઝનેસમેન છે. રિચીરિચ છે. એ તો મને નોકરી કરવાની ના જ પાડે છે, પણ મેં જીદ પકડી એટલે કરવા દે છે. હું આટલું બધું ભણી હોઉં તો બંગલામાં બેસી રહીને શું કરું? બાકી મારા પગાર જેટલું તો અમારા ઘરઘાટી, ડ્રાઇવર અને માળી માટે ખર્ચાઇ જાય છે.’ સમાધાન માત્ર એરેન્જ્ડ મેરેજમાં જ નથી હોતાં, લવમેરેજમાં પણ હોય છે. અપર્ણાને આ સત્યની જાણ સુહાગરાતના સમયે થઇ ગઇ. જ્યારે એનો ઓવનફ્રેશ પતિ એનાં લાલચટાક ઓષ્ઠ ચૂમવા માટે એની નજીક આવ્યો. ચાર હોઠોનું મિલન સર્જાય એની એક ક્ષણ પહેલાં અપર્ણાની નાસિકામાં તમાકુની ગંદી વાસનું તીવ્ર ઝાપટું અથડાયું. અપર્ણાએ ‘વ્યસન અને તેની સમાજજીવન પર પડતી અસરો’ના વિષયમાં ડોક્ટરેટ કર્યું હતું. એના પિયરમાં એક પણ સભ્યને કોઇ પણ જાતનું વ્યસન ન હતું. એના પપ્પા કર્મકાંડી હતા. એમને મન તો ચા પીવી એ પણ શરાબસેવન કરવા જેટલું જ દૂષણ હતું. અપર્ણા સ્વયં તમાકુની ગંધને ધિક્કારતી હતી. બસમાં પ્રવાસ કરતી વખતે જો કોઇ પેસેન્જર ધૂમ્રપાન કરતું જોવા મળે તો તે તરત જ કન્ડક્ટરને ફરિયાદ કરીને બંધ કરાવી દેતી હતી. આવી સંસ્કારી યુવતી પોતાના કુંવારા હોઠો પર ગુટખા ચાવનાર પુરુષનું ચુંબન કેવી રીતે સહી શકે? સુહાગરાત બગડવાના ભયથી અપર્ણા ચૂપ રહી. જે અત્યાચાર થયો તે સહન કરતી રહી. બીજા દિવસે શાંતિથી તેણે પતિ સાથે ચર્ચા કરી, ‘તમારા મોંઢામાંથી તમાકુની વાસ આવે છે. તમને ગુટખા ખાવાનું વ્યસન છે?’ વિશ્રામ પત્નીની મજાક ઉડાવતો હોય એવી રીતે હસ્યો, ‘તને કોલેજમાં પ્રોફેસર કોણે બનાવી? તારા બે વાક્યમાં ત્રણ તો ભૂલો છે. પહેલી ભૂલ એ કે તમાકુની સુગંધ હોય, એને વાસ ન કહેવાય. બીજી ભૂલ એ કે હું જે ખાઉં છું એને ગુટખા ન કહેવાય, અમે સૌરાષ્ટ્રમાં એને માવો કહીએ છીએ. ત્રીજી ભૂલ, અમે માવો ખાવો એને વ્યસન નથી ગણતા, અમે તો એને પુરુષત્વનું એક મહત્ત્વનું લક્ષણ ગણીએ છીએ. જે માવો ખાય એ જ સાચો મરદ!’ અપર્ણા માટે જીવવું દુષ્કર થઇ પડ્યું. દિવસ તો સારો પતિ મળી ગયો એ વાતના અહંકારમાં પસાર થઇ જતો હતો, પરંતુ રાત વેરણ બની જતી હતી. રોજ રાત્રે એ પોતાના શરીર ઉપર જાણે બળાત્કાર થતો હોય એવું અનુભવતી હતી. એ શિક્ષિત હતી એટલે લડવા-ઝઘડવાને બદલે પતિની સાથે કળથી કામ લેવાનું એણે નક્કી કર્યું. સાંજના સમયે કોલેજમાંથી છૂટીને એ સીધી પતિની ઓફિસમાં જઇ પહોંચતી અને વિદેશી મેગેઝિનમાં છપાયેલો આર્ટિકલ બતાવતી, ‘જુઓ, આ આર્ટિકલમાં લખ્યું છે કે તમાકુના નિયમિત સેવનથી માત્ર જીભ કે મોંઢાનું જ નહીં, પરંતુ હોજરી અને આંતરડાંનું કેન્સર પણ થઇ શકે છે. એ ઉપરાંત, માનવદેહનું એવું એક પણ તંત્ર નથી જેના પર તમાકુથી નુકસાન ન થતું હોય.’ વિશ્રામ પોતાનો તર્ક રજૂ કરતો, ‘ડાર્લિંગ, હું આજથી જ માવા ખાવાનું બંધ કરી દઉં. તું એ વાતની ગેરન્ટી આપીશ કે મને ક્યારેય કેન્સર નહીં થાય? ફોર ધેટ મેટર, તું ખાતરીપૂર્વક એવું કહી શકે છે કે તને અથવા તારા પપ્પાને કેન્સર નહીં થાય?’ જવાબમાં અપર્ણા પાસે મૌન સિવાય બીજું કશું જ રહેતું નહીં. એક દિવસ અપર્ણાના મોબાઇલ ફોનમાં એની એક બહેનપણીએ એક ફોરવર્ડેડ મેસેજ મોકલ્યો. એમાં આવું લખેલું હતું : ‘જે પુરુષ ડુંગળી ખાઇને કે તમાકુ ચાવીને શયનખંડમાં પત્ની પાસે જાય છે તે પુરુષ માણસ નથી, પણ શેતાન છે.’ અપર્ણાને આ સુવાક્ય ગમી ગયું. એણે તરત જ પતિના મોબાઇલમાં ફોરવર્ડ કરી દીધું. એ રાત્રે વિશ્રામ બેડરૂમમાં જઇને સૂવાને બદલે ડ્રોઇંગરૂમમાં પડેલા સોફા પર સૂઇ ગયો. બીજા દિવસે સાસુમાએ અપર્ણાને પૂછ્યું, ‘વહુ, બેટા! રાત્રે તારી અને વિશ્રામ વચ્ચે કોઇ ઝઘડો થયો હતો? તું તો આટલું બધું ભણેલી છે. આવું કરવું તને શોભે છે? ઘરમાં બે વાસણ ખખડે પણ ખરાં, પરંતુ એનો અવાજ બહાર સુધી ન પહોંચવો જોઇએ.’ શરમથી પાણીપાણી થઇ ગયેલી અપર્ણાએ હજારો વાર માફી માગીને પતિને મનાવી લીધો. ત્યારે માંડ એ ‘શેતાન’ એના શયનખંડમાં સૂવા માટે સંમત થયો. સમાજની નજરમાં અત્યંત સુખી ગણાતું લગ્નજીવન અપર્ણા માટે નર્ક સમાન બની ગયું. દરેક રાત્રિ એ અણગમાની અગ્નિશૈયા પર પસાર કરતી હતી. તમાકુ, સોપારી, ચૂનો, કાથો અને લવલીની ખાસ પ્રકારની દુર્ગંધ એનાથી સહી જતી ન હતી. લગ્નને એકાદ વર્ષ થવાં આવ્યું ત્યારે તકલીફની શરૂઆત થઇ ગઇ. વિશ્રામનું મોં ખોરાક લેતી વખતે પહોળું થઇ શકતું ન હતું. ડોક્ટરે કહ્યું, ‘સબમ્યુકસ ફાઇબ્રોસિસ થયું છે. તમાકુ ખાવાનું બંધ નહીં કરો તો...’ વિશ્રામે ડોક્ટરની ચેતવણીને હસી કાઢી. જે માણસ પ્રેમાળ પત્નીની સમજાવટથી ન સુધરે તે ડોક્ટરના કહેવાથી માની જવાનો હતો? બીજા છ મહિના પછી હોઠ અને ગાલની અંદરની બાજુએ ચાંદાં પડ્યાં. ડોક્ટરે કેન્સર સર્જન પાસે જવાની સલાહ આપી. બાયોપ્સી પછી નિદાન થયું. વિશ્રામને કેન્સર થયું હતું. ઓપરેશન કરાવવું પડ્યું. ત્યાં સુધીમાં 22 કિ. ગ્રા. જેટલું વજન ઘટી ગયું હતું. જીભનો થોડો ભાગ અને એક બાજુનું જડબું કાઢી નાખવામાં આવ્યું. પહેલાંનો હેન્ડસમ વિશ્રામ હવે પ્રેત જેવો બિહામણો દેખાતો હતો. છ- આઠ મહિના પછી એનું અવસાન થયું. છેલ્લા દિવસોમાં એ રિબાઇ-રિબાઇને મર્યો. વિશ્રામના મૃત્યુને ત્રણેક મહિના માંડ પસાર થયા હશે ત્યારે અપર્ણાની મુલાકાત આલોક ત્રિવેદી નામના એક પુરુષ સાથે થઇ. આલોક એની જ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરીમાં જોડાયો હતો. બી. એ. સુધી ભણ્યો હતો. દેખાવમાં સાવ ખરાબ પણ ન હતો અને બહુ હેન્ડસમ પણ ન હતો. એક દિવસ રિસેસ દરમિયાન બધા સ્ટાફ મેમ્બર્સ ચા પી રહ્યા હતાં, ત્યારે આલોકને ખાલી હાથે બેઠેલો જોઇને અપર્ણાએ પૂછ્યું, ‘તમે આજે ચા નથી પીવાના?’ આલોક સૌમ્યપણે હસીને બોલ્યો, ‘મેડમ, આજની વાત જવા દો, હું ક્યારેય ચા નથી પીતો. મને કંટાળો કે થાક દૂર કરવા માટે ક્યારેય કોઇ જ બાહ્ય નશાની જરૂર નથી પડતી. મારી અંદર જ એક સાત્ત્વિક નશો નિરંતર વહેતો રહે છે.’ આલોકના આ જવાબથી અપર્ણા એના વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરતી થઇ ગઇ. બંને એકબીજાં સાથે વાતો કરવા માંડ્યાં. કોલેજમાં ગુસપુસ થવા લાગી. ક્યાં અપર્ણા મે’મ અને ક્યાં આલોક ત્રિવેદી? પદ, પગાર, દેખાવ અને સ્માર્ટનેસ આ બધી જ રીતે બંને વચ્ચે કેટલું બધું અંતર છે? આ અપર્ણા શું જોઇને એ બબૂચક પાછળ પાગલ થઇ હશે? એને કોઇ સમજાવો! લોકો અપર્ણાને સમજાવવાની કોશિશો કરતા રહ્યા અને અપર્ણા પોતાના નિર્ણયમાં મકક્મતાપૂર્વક આગળ વધતી ગઇ. વિશ્રામના મૃત્યુ બાદ એની તમામ સંપત્તિ અને બિઝનેસ અપર્ણાના ભાગમાં આવ્યાં હતાં. બિઝનેસ સંભાળવા માટે એક સમર્થ પુરુષની જરૂર હતી. બિઝનેસ કરતાં પણ વધુ તો અપર્ણાને ખુદને એક મજબૂત આધારની જરૂર હતી. એક શુભ દિવસે અપર્ણા અને આલોક ફક્ત સો માણસોની ઉપસ્થિતિમાં પરણી ગયાં. આજે એ બંનેનું લગ્નજીવન અત્યંત સુખી છે. અપર્ણાએ એક દીકરાને જન્મ આપ્યો છે. લોકો ગુસપુસ કરે છે કે આ લગ્ન માટે અપર્ણાએ ખૂબ મોટું સમાધાન સ્વીકાર્યું છે. એમને કોણ સમજાવે કે આલોક જેવા તદન નિર્વ્યસની સજ્જન પુરુષ સાથે લગ્ન કરીને અપર્ણાએ પોતાના પ્રથમ લગ્ન વખતે કરેલા સમાધાન ઉપર ભીનું પોતું મારી દીધું છે?!⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...