પ્રેમબ્રહ્મમાં મુક્ત વિહાર કરવાનું પ્રત્યેક માણસને ગમે છે, તેનું ખરું કારણ શું? તેનું ખરું કારણ માણસ સાથે જડાયેલી અને જોડાયેલી અપૂર્ણતા છે. પૃથ્વી પર જ્યાં અને જ્યારે બે ‘મળેલા જીવ’ વચ્ચે પ્રેમનું અંકુરણ થાય ત્યાં અને ત્યારે સર્જનહારની ઇચ્છાપૂર્તિ થતી હોય છે. અપૂર્ણતા અભિશાપ નથી, પરંતુ સર્જનહારની અધૂરી કાવ્યપંક્તિ છે. પ્રેમ ભલે બે અપૂર્ણ પાત્રો વચ્ચે ઊગે, પરંતુ પ્રેમતત્ત્વ પરિતૃપ્ત કરનારું જ છે. સૃષ્ટિનો નિયમ છે કે જે તરસ્યું હોય તે તૃપ્ત થવા ઝંખે, જે ભૂખ્યું હોય તે રોટલો ખાઇને ધરવ થાય તે માટે ઝંખે છે અને જે એકલતાની પીડામાં શેકાય, તે મિલનનું માધુર્ય ઝંખે અને જે અપૂર્ણ હોય તે પૂર્ણતા પામવા ઝંખે. પાર્થ તે છે, જે અપૂર્ણ છે, પરંતુ કૃષ્ણાભિમુખ છે. કૃષ્ણ તે છે, જે અપૂર્ણ પાર્થના સારથિ છે. પાર્થ અને પરમેશ્વરને જોડતો; કબીર અને સાહિબને જોડતો; નરસિંહ અને શ્રીહરિને જોડતો; તુલસીદાસ અને રઘુવરને જોડતો; તથા સૂરદાસ અને શ્યામને જોડતો દિવ્ય સેતુ પ્રેમ છે. પ્રેમની આછી-પાતળી ઝલક પામ્યા વિના મૃત્યુ પામવું, એ તો અધૂરા જીવનની નિશાની છે. પ્રેમ જીવનની જરૂરિયાત નથી, પ્રેમ એ જ જીવન છે. પાણી માછલીની જરૂરિયાત નથી, પાણી તો માછલીનું જીવન છે. માછલી અને પાણી એકમેકમાં ઓતપ્રોત છે. માણસ પ્રેમનો મહિમા કરતાં થાકતો નથી કારણ કે એ પ્રેમ-તૃષાતુર છે. મહિમા તો જે નથી મળ્યું તેનો જ થઇ શકે ને? જે પામ્યાં હોઇએ તેનો તો ઉત્સવ જ હોઇ શકે! પ્રેમ એટલે જ અસ્તિત્વનો ઉત્સવ! જીવનમાં હઠ પકડવા જેટલી કદરૂપી ઘટના જડથી મુશ્કેલ છે, પરંતુ પ્રેમ કરવાની હઠ એમાં અપવાદ છે. અલગ હોવા છતાં લગોલગ હોવાની લાગણી પ્રેમચર્યનો પ્રસાદ છે. જીવનને તો બસ વહી જવાની ટેવ પડી છે! પ્રેમ અને આનંદ પામવાની દિવ્ય ઝંખના વિના મનુષ્યત્વ જામતું નથી. પ્રેમયોગ એટલે જ જીવનયોગ! ભક્ત સૂરદાસ સાવ સાચું કહી ગયા : ‘સબ સે ઊંચી પ્રેમસગાઇ.’ આ એક જ પંક્તિ પર એમને મરણોત્તર પારિતોષિક મળવું જોઇએ. કોયલના ટહુકે ટહુકે વસંતનું ધર્મચક્રપ્રવર્તન થતું જ રહે છે. મારી કોઇ પહોંચ કે પાત્રતા નથી કે કોઇ વિષય પર ઉપનિષદની રચના કરું. જો મારી પાસે જ્ઞાનનું સરોવર હોત, તો જરૂર મેં ‘ટહુકોપનિષદ’ની રચના આજનાં યુવક-યુવતીઓ માટે કરી હોત. પછી વૃક્ષોપનિષદ, પ્રેમોપનિષદ કે પછી કદાચ વિયોગઉપનિષદનો પણ વારો આવ્યો હોત! આજની દુનિયામાં વધી પડેલી તાણ, હિંસા અને અશાંતિની સામે ટહુકામંત્રો જ ટકી શકે એવું મને લાગે છે. આજના યુગમાં સૌથી મોટું પાપ કયું? લવ-અફેર લાંબો ચાલે પછી નિર્દયપણે અને બેશરમ નફટાઇ સાથે પ્રિયજનને દગો દેવો એ મહાપાપ છે. એક વિધવા સ્ત્રીએ પોતાના પ્રિયજનની સાથે ભારે દગાબાજી કરીને પોતાના વૈધવ્યને વૈવિધ્યમાં ફેરવી નાખ્યું અને ચાલુ સ્ત્રી તરીકે જીવવાનું પસંદ કર્યું. પોતાની કારમી એકલતા ટાળવા માટે એ પતિતાએ અનેક પુરુષોને મનોરંજન પૂરું પાડ્યું! કંપની મળે ત્યારે શરાબનું સેવન પણ કર્યું. એ સ્ત્રીનો પતિ અત્યંત વહેમી હતો, પરંતુ એનો વહેમ ખોટો ન હતો. પતિ જીવતો હતો ત્યારે જ એ સ્ત્રીએ ત્રણ-ચાર પુરુષો સાથે સેક્સસંબંધો બાંધ્યા જ હતા. પતિ મૃત્યુ પામ્યો ત્યારે પત્નીએ સ્વરાજ ભોગવવાનો નિર્ણય કરી લીધો. એમાં એ સ્ત્રીનું રૂપ મદદરૂપ થયું. કહેવત સાવ સાચી પડી : ‘રૂપવતી ભાર્યા શત્રુ.’ આ વાત સાવ સાચી લખી છે. એમાં કલ્પનાનો ભેળ નથી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે અનેક સ્ત્રીઓને પ્રેમ કર્યો હતો. પોતાની ભાભી સાથે પ્રેમસંબંધ થયો તેથી મોટાભાઇએ એમને ઘરમાંથી કાઢી મૂકેલા. આ વાત વિસ્તારથી મને સદ્્ગત શિવકુમાર જોશીએ કહી હતી. આ વાત કહેનારા શિવકુમાર જોશી ખાસા રોમેન્ટિક હતા. આજે પણ મારા અને એમના ઘર વચ્ચે માત્ર એક જ ઘરનું અંતર છે. તેઓ ગુરુદેવની વાત કરે તેમાં અસત્યનો અંશ પણ ન હોઇ શકે. તેઓ નિખાલસ હતા તેથી પણ અસત્યથી દૂર રહેનારા હતા. પ્રેમનો મહિમા કરવામાં નારદમુનિને કોઇ ન પહોંચે. એમણે રચેલું પુસ્તક ‘નારદભક્તિસૂત્ર’ એક એવું સર્જન છે, જેમાં પ્રેમધર્મનો મહિમા થયો છે. આજકાલ ‘આઇ લવ યૂ’ બોલનારાં બે જણાંને ભાગ્યે જ ખબર હોય છે કે Love એટલે શું? જેને સમાજ ‘લવ-અફેર’ કહે છે, તે તો ઘણુંખરું ‘સેક્સ-અફેર’ હોય છે. બંને વચ્ચેનો તફાવત ગોકુળની રાસલીલા અને હોટલમાં યોજાતા બૉલડેન્સ વચ્ચે હોય તેવો વિકરાળ હોય છે. પ્રેમસંબંધમાં આત્મભાવની સુગંધ હોય છે, જ્યારે પ્રેમને નામે ચાલતા સેક્સ-અફેરમાં કેવળ દેહભાવના છબછબિયાં હોય છે. નારદ જેવા ઋષિ પોતાના પુસ્તકમાં બે પ્રિયજનોને પ્રેમસરોવરમાં ઊંડી ડૂબકી મારવાની વાત કરે છે. પ્રેમ એટલે શું? પ્રેમસંબંધમાં ભક્તિનું સ્થાન શું? પ્રેમ અને ભક્તિ વચ્ચેના અનુબંધ વિનાનો લવ-અફેર બહુ ટકતો નથી. પ્રેમ વિનાની ભક્તિ અને ભક્તિ વિનાનો પ્રેમ છીછરો અને ટૂંકજીવી હોય છે. ‘ભક્તિ’ની વ્યાખ્યા કરનારા નારદમુનિ ભક્તિની વ્યાખ્યા સાવ મૌલિક રીતે કરે છે અને કહે છે : ‘પરમપ્રેમકૃપા અમૃતસ્વરૂપા ચ’ આમ ભક્તિ અમૃતસ્વરૂપા છે. એ નાશવંત નથી, પણ અમર છે. સેક્સકેન્દ્રી પ્રેમ સ્વભાવે નાશવંત હોય છે. એ તો અર્થશાસ્ત્રના કાયદાને ‘Law of Diminishing Returns’ને અનુસરતો રહે છે. દિવસાનુદિવસ આકર્ષણનું તત્ત્વ ઘટતું જ રહે છે. પરણ્યા પછી પ્રત્યેક દિવસે આકર્ષણ ઘટતું જાય છે અને તકરાર વધતી જાય છે. લગ્નની વિધિ પૂરી થાય પછી પણ સંલગ્ન થવાનું બચતું નથી, તેથી સતત અધૂરપનો અને અપર્યાપ્તતાનો અનુભવ થતો રહે છે. એવી અપર્યાપ્તતાનો અનુભવ લગ્નેતર સંબંધ માટેની ઝંખના પેદા કરે છે. લગ્નસંબંધ વાસી જણાય છે અને લગ્નેતર સંબંધમાં તાજગી જણાય છે! ખરેખર તો લગ્નસંબંધ પણ વાસી થવાની તૈયારી કરતો હોય છે. દુનિયામાં સદીઓથી યયાતિ-દેવયાની-શર્મિષ્ઠાની રમત ચાલતી રહે છે. આવું વાસીપણું કયા પરિબળને કારણે પેદા થયું? એક બાબત સદા યાદ રાખવી રહી. કેવળ સેક્સસંબંધ કે પછી પ્રેમ વિનાનો સેક્સ-સંબંધ સ્ત્રી કે પુરુષને ખરી સંતૃપ્તિ આપી શકતો નથી. સાચો અને સંનિષ્ઠ પ્રેમસંબંધ જ આકર્ષણને છેવટ સુધી ટકાવી રાખે છે. લગ્નેતર સંબંધમાં ગરકાવ થયેલાં બે ‘મળેલા જીવ’ બધા કિસ્સામાં ‘ચારિત્ર્યહીન’ નથી હોતાં. એમની નિંદાકૂથલી કરવાનો અધિકાર તો પ્રેમચર્યનો પરચો પામેલા સંસારીને જ હોઇ શકે. એ બે જીવનો વાંક એટલો જ કે એમણે નારદમુનિની વાત સમજવાનો સંનિષ્ઠ પ્રયત્ન ન કર્યો. કોલેજ કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ‘નારદભક્તિસૂત્ર’ રાખવામાં આવે તો ઘણાં યુગલો પોતાના સંબંધને વાસી થતો અટકાવી શકે. નારદમુનિની જય હો! ⬛ }}} પાઘડીનો વળ છેડે અમદાવાદમાં સારંગપુર ખાતે સ્વામીનારાયણના ભક્તો ભેગા થયા હતા. પ્રમુખસ્વામીની નજર દૂર ઊભેલા બે બાળકો પર પડી. પ્રમુખસ્વામીએ એમને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું : ‘અહીં મારી પાસે આવો અને મારી પાસે જ બેસો. તમારી સાથે વાતો કરવી છે. આવો.’ બેમાંથી એક બાળકે કહ્યું : ‘અમે તો આ મંદિરમાં સફાઇનું કામ કરીએ છીએ અને દલિત છીએ.’ પ્રમુખસ્વામીએ બંનેને કહ્યું : ‘કોઇ વાંધો નથી. આપણે સૌ ભગવાનનાં સંતાનો છીએ.’ બંને બાળકોનાં માથાં પર હાથ મૂકીને કહ્યું : ‘હવે તમારા કુટુંબ વિશે મને વાત કરો. મને કહો કે તમે સૌનાથી દૂર કેમ ઊભા હતા? હવે મને કહો કે તમે શરાબ પીઓ છો અને તમને તમાકુનું વ્યસન ખરું? આપણે સૌ દલિત છીએ. ભગવાનની નજરમાં આપણે સૌ સરખાં છીએ.’ પ્રમુખસ્વામી મહારાજે પાછું કહ્યું : ‘આવો અને અમારા સૌની વચ્ચે અને મારી સાથે જ ઊભાં રહો. તમે એમ નહીં કરો, તો મને દુ:ખ થશે.’ યોગી ત્રિવેદી આ પ્રસંગ યુવાન મિત્ર શ્રી યોગી ત્રિવેદીએ અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘In Love, At Ease’ (Penguin Random House)માંથી ભાવાનુવાદ કરીને લીધો છે. (પાન નંબર : 225) નોંધ : યોગી ત્રિવેદી અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભણ્યા છે અને ત્યાં જ આજે કામ કરે છે. યાદ રહે કે બાબાસાહેબ આંબેડકરજી પણ કોલમ્બિયા યુનિવર્સિટીમાં જ ભણ્યા હતા. જલિયાંવાલા બાગની દુર્ઘટના પછી નીકળેલા સરઘસમાં લાલા લાજપતરાયને માથે લાઠી પડી. લાલાજીનું મૃત્યુ થયેલું. એ જ યુનિવર્સિટીમાં લાલાજી ડો. આંબેડકરને મળ્યા હતા અને યુવાન આંબેડકરની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. Blog:http://gunvantshah.wordpress.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.