સહજ સંવાદ:લેખક બને તે પહેલાં જ તેની હત્યાનું બદનસીબ?

વિષ્ણુ પંડ્યા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખક બનવા માગતી વ્યક્તિને મારી નાખવી એ સ્વાભાવિક ઘટના નથી. તેના ભવિષ્યના સમગ્ર સર્જન સંસારને પણ ગળે ટૂંપો દેવાનું બીભત્સ કૃત્ય છે. આવાં સમાપ્ત થઈ જતાં સપનાંઓની કેટલી બધી કથાઓ હશે?

વિતેલા સપ્તાહે નવસારીની એક યુવતીએ આત્મહત્યા કરી. તેનું સપનું લેખિકા બનવાનું હતું, પણ તેનાં પર વડોદરાની વેક્સિન ઈન્સ્ટિટ્યૂટના મેદાનમાં બળાત્કાર થયો. તેથી હતાશા અને ક્ષોભમાં સરી પડેલી આ યુવતીએ ટ્રેનમાં આપઘાતનો રસ્તો લીધો. તેની ડાયરીમાં પોતાની વીતક નોંધી તેની સાથે પોતે ઉત્તમ લેખન કરવાની મહત્ત્વાકાંક્ષા રાખતી હતી તે પણ નોંધ્યું છે. પોલીસ તપાસ ચાલે છે એટલે ખરેખર શું બન્યું હતું તેનો અંદાજ આવશે, પણ સવાલ થોડોક અલગ છે. સામાન્ય હત્યાઓ અને આપઘાતો રોજબરોજ થાય તેમાં વ્યક્તિગત અને આર્થિક કારણો આપઘાતનું નિમિત્ત બને છે. પ્રેમમાં નિરાશા મળી હોય, પરીક્ષામાં નિષ્ફળતાથી માંડીને સાંસારિક મૂંઝવણો સુધીની સમસ્યાઓ માણસને જીવન ટૂંકાવવાના રસ્તા તરફ લઈ જાય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે આપઘાત માટેની ક્ષણ જો રોકી શકાય તો તે વ્યક્તિ આપઘાતને માંડી વાળે એવું બને, પણ જેમણે ઘરમાં પંખા પર લટકીને ફાંસો ખાધો છે, જે ધસમસતી ટ્રેનની વચ્ચે ધસી જઈને રેલવેના પાટા પર લોહીલુહાણ બનીને છેલ્લા શ્વાસ લે છે, જે ઊંચા પુલ કે ઇમારતના ઊપલા માળેથી કૂદી પડે છે, જેને ઝેરી દવા કે કેરોસીન પૂરતાં થઈ પડે છે તે બધા એકલી વેરાન પળમાં જીવીને મરે છે. શું આ જીવનનો પડકાર ઝીલવાની ક્ષમતા ન હોવાનું કારણ છે? ભવિષ્યની નિરર્થક જિંદગી તેને જીવવાની લાલસા હોતી નથી. વર્તમાનનાં એવાં દુ:ખોની પોટલી તેના ખભા પર હોય છે, જેમાં ભવિષ્યની એકાદ આશાની લકીર દેખાતી નથી, પોતાને સમાપ્ત કરે છે. ... પણ હત્યા? લેખકની હત્યા? સામ્યવાદી રશિયામાં સ્ટાલિનના સમયે સેંકડો લેખકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. કેટલાકને તોપના ગોળે, કેટલાકને બંદૂકની ગોળીથી, તો કેટલાકને ભૂખ્યા રાખીને, શારીરિક જુલમ સાથે ખતમ કરી દેવાયા તેનો મહત્ત્વનો દસ્તાવેજ એલેક્ઝાંડર સોલ્ઝેનિત્સિનની મહાન કૃતિ ‘ગુલાગ આર્કિપિલેગો’ ઉપલબ્ધ છે. સરોજિની નાયડુના વિદ્વાન ભાઈ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને માત્ર લેનિનની થિયરી સાથે સંમત ન થવાના ‘અપરાધ’ માટે સાઈબિરિયાની જેલમાં ગોળીએ દેવામાં આવ્યો હતો. માર્કસ અને માઓની સમગ્ર પ્રવૃત્તિ લોહિયાળ હત્યાઓ પેદા કરી ચૂકી તેનાં ઉદાહરણો માત્ર ચીન અને રશિયા જ નથી, બીજા ઘણા દેશો-ચેકોસ્લોવેકિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ક્યુબા પણ છે. જ્યાં લેખકોના ઘાત અને આપઘાત દસ્તાવેજોમાં પડેલા છે. રાજનીતિ સિવાય પણ લેખકની હત્યા અને આત્મહત્યા બંને ગંભીર વૈશ્વિક ઘટનાઓ છે. હેમિંગ્વે પોતાની બંદૂકથી જાતે ગોળી ખાઈને મર્યો હતો કે કેમ? તે આજે પણ રહસ્ય રહ્યું છે. જાપાનમાં તો હારાકીરી એક પરંપરા બની ગઈ છે. યુકિયો મિશિમા માંડ પિસ્તાળીસ વર્ષનો ખ્યાત લેખક 1990માં નવેમ્બરના આ દિવસોમાં જાતે સમુરાઈ બનીને આત્મહત્યા કરી લીધી હતી. ઉત્તમ કવિ અને નવલકથાકાર હતો તે. શાલીન અને સૌજન્યશીલ. બાવીસમા વર્ષે તેણે ‘ધ ફ્લાવરિંગ ગ્રોવ’ નવલકથા લખી અને સમગ્ર જાપાનનું ધ્યાન તેના તરફ ગયું. બીજી આઠ નવલકથા લખી. ‘ટેમ્પલ ઓફ ધ ગોલ્ડન પેવેલિયન’ નવલકથા એક દેવાલયની વાત કરે છે. 1950માં ક્યોટોના 500 વર્ષ પૂર્વેના આ દેવાલયનું આગમાં ભસ્મીભૂત થવું આ લેખકના ચિત્તમાં કથાવસ્તુ બન્યું. દેવાલય જેણે બાળી નાખ્યું તે યુવક તોતડો હતો, કદરૂપો હતો. તે આ અત્યંત સુંદર શિલ્પને ખાખ કરી દેશે અને પછી પોતે આપઘાત કરશે એવી કથા છે. અમેરિકી વાયુસેનાએ મહામહેનતે દેવાલયને બચાવી લીધું, પેલો પકડાઈ ગયો અને કહ્યું કે હું મારી જાતને તિરસ્કારું છું, પણ મને કોઈ રંજ નથી! આ બધા પ્રશ્નો નિરંતર છે, પણ વર્તમાનમાં આ એક અલગ સમસ્યા છે તે લેખકની છે. લેખક બનવા માગતી વ્યક્તિને મારી નાખવી એ સ્વાભાવિક ઘટના નથી. તેના ભવિષ્યના સમગ્ર સર્જન સંસારને પણ ગળે ટૂંપો દેવાનું બીભત્સ કૃત્ય છે. પછી તે નવસારીની યુવતીની આત્મહત્યા હોય કે સુમતિ અય્યરની દારુણ હત્યા. તે ડોક્ટર હતી. ઉત્તર પ્રદેશની ખ્યાત વાર્તાકાર હતી. કાનપુરમાં રહેતી હતી. 1993માં તેણે ઘૃણાજનક રીતે મારી નાખવામાં આવી. દિલ્હીના એક પુસ્તક મેળામાં તેને મળવાનું થયું, ત્યારે તેની રચનાઓ વિશે વધુ વાતચીત થઈ. નવી પેઢી હિન્દી સાહિત્યમાં પરંપરિત માળખાથી થોડા અલગ જઈને સાહિત્ય રચી રહી હતી તેનું એક પ્રતિનિધિત્વ સુમતિ પણ રહી. તેણે એક નવલકથા લખી : ‘અસમાપ્ત કથા’ પણ ત્યારે જ તેના પર કોઈ અદૃશ્ય મોતનો ઓળો હતો. 15 ડિસેમ્બર, 1993. કાનપુર, તેના નિવાસસ્થાને અજાણ્યા લોકો ઘૂસી ગયા અને માથા પર ઘાતક હથિયારથી હુમલો કર્યો. તે તરફડીને મૃત્યુ પામી. શું ચોરીના ઇરાદે આવ્યા હતા આ લોકો? ના. ઘરની એક વસ્તુ ચોરાઇ નહોતી. તેનો બાર વર્ષનો પુત્ર અભિનવ અને ભાઈ આવી પહોંચ્યા ત્યારે ભોંય પર સુમતિની લાશ, ટેબલ પર ચાના બે કપ અને નાસ્તો પડ્યા હતા. પોલીસ તપાસ શરૂ થઈ એટલે વિગતો બહાર આવી. પતિ મદ્રાસમાં બેન્ક મેનેજર. સુમતિ તેના પુત્ર સાથે કાનપુરમાં, એ આશાથી કે પતિની બદલી થઈ જશે એટલે ચેનથી કાનપુરમાં રહેવાશે. પ્રોવિડન્ટ ફંડ વિભાગમાં તેણે પ્રામાણિકતાથી નોકરી કરી અને વિભાગમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારી તત્ત્વોને અવરોધ નડ્યો એટલે તેની હત્યા કરવામાં આવી. તેણે પહેલાં કવિતા, વાર્તા, નવલકથા પર હાથ અજમાવ્યો, દિલ્હીમાં મળ્યાં ત્યારે તેણે કહ્યું હતું કે મારે વૈશ્વિક સ્તરની સ્ત્રીને કથાનું પાત્ર બનાવવી છે… એ સપનું રોળાઇ ગયું. આવાં સમાપ્ત થઈ જતાં સપનાંઓની કેટલી બધી કથાઓ હશે?⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...