તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનનો મોનોલોગ:ભાવનાત્મક લગાવનું ગણિત અને ધ ઈમ્પ્રિન્ટ થિયરી

ડો. નિમિત્ત ઓઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામેવાળી વ્યક્તિ આપણા માટે અયોગ્ય છે, એ જાણવા છતાં શું કામ આપણે વારંવાર એમના તરફ આકર્ષાયા કરીએ છીએ?

માનસિક સ્વાસ્થ્ય માટે અયોગ્ય હોવા છતાં પણ કોઈ એક સંબંધમાંથી આપણે નીકળી કેમ નથી શકતા? સામેવાળી વ્યક્તિ આપણા માટે અયોગ્ય છે, એ જાણવા છતાં પણ શું કામ આપણે વારંવાર એમના તરફ આકર્ષાયા કરીએ છીએ? શું કામ એવું બને છે કે કોઈ રિલેશનશિપમાં વારંવાર પીડા, તકલીફ કે નિરાશા મળવા છતાં પણ એ સંબંધ આપણાથી છૂટતો નથી? સામેવાળી વ્યક્તિ ‘ઈમોશનલી અન-અવેલેબલ’ છે અથવા આપણું ભાવનાત્મક શોષણ થઈ રહ્યું છે એ હકીકત જાણતા હોવા છતાં પણ શું કામ આપણે સંબંધોની પીડાને સ્વીકારી લઈએ છીએ? એનો જવાબ ‘ધ ઈમ્પ્રિન્ટ થિયરી’માં રહેલો છે. બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ, પતિ હોય કે પત્ની, મિત્ર હોય કે સ્વજન, આપણા જીવનમાં પ્રવેશનારી દરેક વ્યક્તિની પેટર્ન લગભગ એકસરખી હોય છે. આ જ કારણ છે કે ઘણી વાર ‘મલ્ટિપલ અફેર્સ’ કે બ્રેક-અપ્સ પછી પણ આપણને એવી વ્યક્તિ નથી મળતી, જેની સાથે આપણે ખુશ રહી શકીએ. ખૂબ બધા મિત્રો સાથે જોડાયેલી વ્યક્તિ પણ નાખુશ, અસંતુષ્ટ કે બેચેન હોય છે, તો ક્યારેક એક જ સ્ટેબલ સંબંધ જીવનને સાર્થક બનાવી દે છે. આ ભાવનાત્મક લગાવનું ગણિત શું છે? ઓસ્ટ્રિયન જીવ-વૈજ્ઞાનિક અને પ્રાણીશાસ્ત્રી કોનરેડ લોરેન્ઝના મત પ્રમાણે, આપણા જીવનમાં પ્રવેશનારી વ્યક્તિઓનાં મૂળ આપણા બાળપણમાં રહેલાં છે. પ્રાણીઓની ‘એટેચમેન્ટ સ્ટાઈલ’ પર ગહન અભ્યાસ કરનારા લોરેન્ઝ કહે છે કે પ્રાણીનાં બચ્ચાંની સતત આસપાસ રહેનારા કોઈ પણ મોટા કદનાં પ્રાણી સાથે તેને લગાવ થઈ જાય છે. આ વાત સાબિત કરવા માટે તેમણે એક ઐતિહાસિક પ્રયોગ કર્યો. એક વાર તેમણે હંસના માળામાંથી કેટલાંક ઈંડાં ચોરી લીધા. થોડાં ઈંડાં હંસ (એટલે કે એમની મમ્મી) પાસે રહેવાં દીધાં અને બાકીનાં ઈંડાં ઈન્ક્યુબેટરમાં મૂકી દીધાં. હંસ પાસે રહેલાં ઈંડાંમાંથી જે બચ્ચાં નીકળ્યાં, એ બચ્ચાંની સતત આસપાસ રહેનારું મોટા કદનું ‘Moving object’ તેમની મમ્મી હતી. ઈન્ક્યુબેટરમાં રાખેલાં ઈંડાંમાંથી જન્મેલાં બચ્ચાંને લોરેન્ઝે પોતાની પાસે રાખ્યાં. લોરેન્ઝે એ વાતની કાળજી લીધી કે બચ્ચાંનાં જીવનમાં પ્રવેશનાર સૌથી પહેલું મોટા કદનું પ્રાણી તેઓ પોતે જ હોય. આ પ્રયોગનાં પરિણામો ચોંકાવનારા હતા. પહેલા ગ્રૂપના બચ્ચા હંસને જ પોતાની મમ્મી માનતાં, જ્યારે બીજા ગ્રૂપમાં રહેલાં બચ્ચાં લોરેન્ઝને પોતાની મમ્મી ગણવાં લાગ્યાં. હંસ પાસે જવાને બદલે, એ બચ્ચાં લોરેન્ઝની આસપાસ ફરતાં. લોરેન્ઝ જે ખવડાવે, એ જ ખાતાં. આ પરિણામોની ખાતરી કરવા માટે લોરેન્ઝે એક વાર આ બંને ગ્રૂપનાં બચ્ચાંને એક મોટા બોક્સમાં પૂરી, અંદરોઅંદર મિક્સ થવાં દીધાં. થોડા સમય પછી જ્યારે તેમણે બોક્સ ખોલ્યું, તો તેમના આશ્ચર્ય વચ્ચે બંને ગ્રૂપનાં બચ્ચાં પોતપોતાની ‘મમ્મી’ પાસે ચાલ્યાં ગયા. અડધા હંસ પાસે, અડધા લોરેન્ઝ પાસે. લોરેન્ઝના આ લેન્ડમાર્ક પ્રયોગ પરથી મનુષ્યોમાં જોવા મળતી ‘એટેચમેન્ટ સ્ટાઈલ’ની ચાવી મળી આવી અને જન્મ થયો ‘ધ ઈમ્પ્રિન્ટ થિયરી’નો. મનુષ્યો અને ખાસ કરીને બાળકો માટે કડવી વાસ્તવિકતા એ છે કે આસપાસ રહેનારી વ્યક્તિ ગમે તેટલી અયોગ્ય હોય, બાળક તેની સાથે ઈમોશનલી એટેચ થશે જ! એટલે કે એ બાળક સાથે મારપીટ કરે, એને ગાળો આપે કે તેની સાથે દુર્વ્યવહાર કરે તો પણ, એ વ્યક્તિ પ્રત્યેનો બાળકનો લગાવ ઓછો નહીં થાય. કોઈ બાળકની સતત નિંદા કરવામાં આવે કે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે, તો એ બાળક એના વાલી કે પેરેન્ટને પ્રેમ કરવાનું બંધ નથી કરતું. એ જાતને પ્રેમ કરવાનું બંધ કરી દે છે. એ પોતાને જ આવા પ્રકારના ગેરવર્તન કે દુર્વ્યવહાર માટે લાયક સમજવા લાગે છે. બાળપણથી એના મનમાં ‘ઈમ્પ્રિન્ટ’ થયેલા આ ઈમોશનલ એબ્યુઝ, એને સૌથી વધારે એની યુવાવસ્થા દરમિયાન નડે છે. આપણા સબ-કોન્શિયસ માઈન્ડમાં રહેલી આ ‘ઈમ્પ્રિન્ટ પેટર્ન’ને કારણે, આપણે યુવાવસ્થા દરમિયાન જે-તે, યોગ્ય કે અયોગ્ય વ્યક્તિ તરફ આકર્ષાઈએ છીએ. પ્રેમના નામે છેતરાતાં રહેવાનું, ભાવનાત્મક શોષણના ભોગ બનવાનું અને એક પછી એક અનેક રિલેશનશિપ્સમાં નિષ્ફળ જતાં રહેવાનું મુખ્ય કારણ આ ‘ઈમોશનલ ઈમ્પ્રિન્ટ’ છે, જેની છાપ આપણા બાળમાનસમાં કોતરાયેલી છે. જો આપણા ઉછેર દરમિયાન આપણી સાથે દુર્વ્યવહાર કે ગેરવર્તન થયું છે, તો એવી પૂરી શક્યતા છે કે આપણે એવી જ વ્યક્તિઓ તરફ આકર્ષણ અનુભવીશું જે આપણી સાથે દુર્વ્યવહાર કરશે. એ વ્યક્તિ આપણને વારંવાર દુઃખ આપતી હોવા છતાં ફક્ત આપણી ખોટી એટેચમેન્ટ પેટર્નને કારણે, આપણે તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં રહીશું અને ઈમોશનલ અત્યાચારનો ભોગ બનતાં રહીશું. આનો એક માત્ર ઉપાય છે, આપણી ‘એટેચમેન્ટ સ્ટાઈલ’ વિશે જાગૃત થવું. બાળપણ કે ભૂતકાળમાં આપણી પાસે વિકલ્પ નહોતો, અત્યારે છે. ક્યારેક ઘટી ગયેલી ‘સેલ્ફ-વર્થ’ને કારણે પણ આપણે એબ્યુઝિવ રિલેશનશિપમાંથી નીકળી નથી શકતાં. ધીમે ધીમે આપણે એવું દૃઢતાથી માનવા લાગીએ છીએ કે આપણે આ જ ડિઝર્વ કરીએ છીએ. એ પ્રેમી હોય કે લાઈફ પાર્ટનર, મિત્ર હોય કે વોટ-એવર, સાથીની પસંદગીનો ઘણોખરો આધાર આપણી ‘સેલ્ફ-વર્થ’ પર છે. પ્રેમના અભાવમાં વીતેલું બાળપણ કે ભૂતકાળમાં નિષ્ફળ રહેલા સંબંધો આપણી લાયકાત નક્કી નથી કરતા. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...