વિચારોના વૃંદાવનમાં:જે માણસ વિચારે છે, તે જ જીવે છે; બાકીના તો જીવે છે તેવા વહેમમાં છે!

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

મહાન વિચારક રેને દેકાર્તે (1556-1650) એક એવું સૂત્ર દુનિયાને આપ્યું, જે ઉપનિષદના મંત્રની ઊંચાઇ ધરાવનારું ગણાય. લેટિન ભાષામાં એ સૂત્ર હતું: ‘કૉજિટો અર્ગોસમ.’ સૂત્રનો અર્થ છે: ‘હું વિચારું છું, માટે હું છું.’ વિચારશૂન્ય મનુષ્ય એટલે એવો માણસ જેની દફનવિધિ નથી થઇ, એવો હાલતો-ચાલતો છતાં નિર્જીવ માણસ, જે સ્મશાનમાં અગ્નિદાહ પામ્યો નથી. સમાજમાં આવા મનુષ્યો ભારે બહુમતીમાં હોય છે. કેટલાય લોકો મશ્કરીમાં કહી શકે કે: ⬛ હું ટીવી જોઉં છું, માટે હું છું. ⬛ હું દુકાને જાઉં છું, માટે હું છું. ⬛ હું અન્યનો દ્વેષ કરું છું, માટે હું છું. ⬛ હું પત્નીને ખખડાવું છું, માટે હું છું. ⬛ હું ગામનો સરપંચ છું, માટે હું છું. ⬛ હું જેઠાણી છું, માટે હું છું. ⬛ હું મૉલમાં જાઉં છું, માટે હું છું. ⬛ હું લોકોને છેતરું છું, માટે હું છું. ⬛ હું પુત્રવધૂને પજવું છું, માટે હું છું. ⬛ હું શેરબજારમાં સક્રિય છું, માટે હું છું. ⬛ હું નોકરી કરું છું, માટે હું છું. ⬛ હું આળસ મરડું છું, માટે હું છું. ⬛ હું અદેખાઇ કરું છું, માટે હું છું. ⬛ હું ગુંડાગીરી કરું છું, માટે હું છું. ⬛ હું આતંકવાદી છું, માટે હું છું. * * * બી. બી. સી. અને સી. એન. એન. જેવી વિશ્વવ્યાપી ચેનલો ધારે તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરાવી શકે. એક વિચારકે તોફાની મિજાજમાં કહ્યું હતું: ‘તમે બૂટની દોરી બાંધો, ત્યાં સુધીમાં તો અસત્ય અડધા વિશ્વમાં પહોંચી ગયું હોય છે!’ માર્શલ મેકલુહાન ઇલેટ્રોનિક સ્વર્ગનો સ્વપ્નદૃષ્ટા હતો. એણે જગતને એક સૂત્ર આપ્યું હતું: ‘મિડિયમ ઇઝ મેસેજ.’ લોકો માધ્યમો દ્વારા જે સંદેશો મળે તેને સાચો જ માની લેતા હોય છે. અખબારોમાં કે ટીવીના પડદા પર આવતી અસંખ્ય જાહેરખબરો લોકોને ઘેલા કરનારી હોય છે. કોકાકોલા પીવું કે ન પીવું એનો નિર્ણય આપણે નથી કરતા, કોઇ ફિલ્મી અભિનેતા કરતો હોય છે. ક્યાં જવું છે, તેનો નિર્ણય ઘોડો કરે કે ઘોડેસવાર કરે? તાલિબાન અને ટેલિબાન વચ્ચે રહેલો તફાવત ધીરે ધીરે ઓગળતો જાય છે. આપણી વિચારશક્તિને આપણે ટીવીમાતાનાં ચરણોમાં ધરી દીધી છે. જ્યારે પણ ટીવીની સ્વિચ ઑન કરવામાં આવે, ત્યારે આપણા મગજની સ્વિચ ઑફ થઇ જાય છે. કાર્લ માક્્ર્સ ધર્મને અફીણ સાથે સરખાવનારો પૃથ્વીનો પ્રથમ વિચારક હતો. જો આજે તે જીવતો હોત, તો એણે ટીવી લોકોને ઘેનમાં રાખનારું અફીણ (ડ્રગ) છે, એવી વાત કરી હોત. હા, ટીવી આપણી વિચારશૂન્યતાને, આપણી પૂરી સંમતિ સાથે પંપાળનારું મૅરીજુઆના છે. ડ્રગની એક ટેબ્લેટનું નામ Ecstacy (અત્યાનંદ) છે! પ્રત્યેક સમાચાર જાણીને માણસે પોતાની જાતને પૂછવું જોઇએ: ‘મારો વિવેક મને શું કહે છે?’ બિલકિસ બાનુ પર જે વીત્યું તે જાણીને મને કદી એવો વિચાર ન આવ્યો કે એ તો મુસ્લિમસ્ત્રી છે. મને એવી લાગણી થઇ કે એ મારી જ દીકરી છે. આ જ મારું સેક્યુલરિઝમ છે, એવું હું સોગંદપૂર્વક લખી રહ્યો છું. હું હજી અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસોદિયાને ભ્રષ્ટ માણસો ગણવા તૈયાર નથી. આટલી ઓબ્જેક્ટિવિટી પણ બચી ન હોય, તો ટીવી આપણને મહંમદ ગઝનીની માફક ખતમ કરતું રહેશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિન યુક્રેનને રગદોળી નાખવા મથે ત્યારે આપણી બધી સહાનુભૂતિ ઝેલેન્સ્કી તરફ જ હોવી જોઇએ. આટલી વિચારશક્તિ પણ માણસ પાસે ન હોય, તો ટીવી અને મહંમદ ઘોરી વચ્ચે કોઇ તફાવત બચવાનો નથી. સલમાન રશ્દી પર હિચકારો હુમલો થયો ત્યારે હાલી ન ઊઠે, તે માણસ જીવતો ગણાય ખરો? મેં સલમાન રશ્દીનું જન્મઘર જોયું છે. યાદ છે? એક ફિલ્મનું ગીત હતું: ગાડી બુલા રહી હૈ। સીટી બજા રહી હૈ।। એ ટ્રેન સિમલાથી ઊપડે અને છેક છેલ્લા સ્ટેશન સમરહિલ પર પહોંચે છે. એ રેલવેમાર્ગ પર એક સ્ટેશન આવે છે, જેનું નામ સોલન છે. મારે હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યૂ લેવા જવાનું બન્યું ત્યારે સિમલાથી ગાડી પકડી. (ઘણુંખરું) સોલન સ્ટેશન ગયું પછી હું ખીણનું સૌંદર્ય નીરખી રહ્યો હતો ત્યારે મારી સાથે ડબ્બામાં પ્રવાસ કરનારા એક ભલા સજ્જને ખીણને પેલે પાર પહાડી પર આવેલું નાનું ઘર બતાવ્યું. ‘સર! આપને પેલું ઘર દેખાય છે? એ ઘરમાં સલમાન રશ્દીનો જન્મ થયેલો.’ મેં સલમાનભાઇન ું પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ વાંચ્યું ન હતું. સ્પેનમાં મેડ્રિડ શહેરમાં ચાર દિવસ રહેવાનું થયું ત્યારે મોરોક્કોથી મેડ્રિડ આવીને સેટલ થયેલા એક મુસ્લિમ યુવાને ‘સેતાનિક વર્સીસ’ પુસ્તક વાંચવા આપ્યું હતું. પુસ્તક મને ગમ્યું ન હતું. એમાં મા-બહેનની ગાળ પણ સમાવેશ પામી છે. એ બાબત ગમે તે હોય, પણ જે રીતે હુમલો થયો તે આઘાતજનક બાબત ગણાય. સમાચાર હતા કે લેખકની એક આંખ નષ્ટ થઇ છે અને લિવરને ઘણું નુકસાન પહોંચ્યું છે. પુસ્તક વિશે મારા અભિપ્રાયનું કોઇ મૂલ્ય નથી, પરંતુ આવા વિખ્યાત લેખક માંડ બચી ગયા તેનું આશ્વાસન ઓછું નથી. માણસની વિચારશૂન્યતાનો ઉલાળિયો થઇ જાય, તો જ આવી દુર્ઘટના બને ને? સલમાનભાઇના મિત્ર અને તવલીન સિંઘ જેવી બહાદુર કટારલેખિકાના સુપુત્રે ટીવી પર જણાવ્યું કે સલમાનભાઇ હવે બોલી શકે છે. થોડીક હાશ થઇ! છેલ્લે એક મહત્ત્વની વાત. વિચારશૂન્યતા ધિક્કાર નામના ઝેરને જન્મ આપી રહી છે. 1946-47નાં વર્ષોમાં જે ધિક્કારભાવે મહાત્માનો ભોગ લીધો તે આજે ફરીથી વકરતો જણાય છે. એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોલગેટ ટૂથપેસ્ટ અને કલોઝઅપ ટૂથપેસ્ટ વાપરનારા બે વર્ગો વચ્ચે પણ ધિક્કાર પેદા કરીને કોઇ ચાલાક રાજકારણી હુલ્લડનું વાતાવરણ સર્જી શકે! ઉપનિષદના ઋષિએ કહ્યું હતું: ‘તે કોઇને ધિક્કારતો નથી.’ (તતો ન વિજુગુપ્સતે). ધિક્કારની ભાવના એક જ કામ કરે છે. એવી ભાવના લોકોને લડાવે છે અને ક્યારેક તો વાત મારામારી અને કાપાકાપી સુધી પહોંચે છે. અગિયારમી-બારમી સદીના ગાળામાં જે ક્રુસેડ થઇ, તે દરમિયાન નાનાં બાળકોને ઊકળતા પાણીમાં નાખીને મારી નાખવામાં આવ્યાં હતાં. ઇ. સ. 1453ના વર્ષમાં કોન્સ્ટંટિનોપલને ઇસ્તંબૂલ કહેવાનું શરૂ થયું. ક્રુસેડ દરમિયાન ખ્રિસ્તી આક્રમણખોરોએ જે ક્રૂરતા બતાવી હતી તેની પ્રતિક્રિયારૂપે ઇસ્લામી ક્રૂરતા સમગ્ર યુરોપમાં ફરી વળી. ઓટોમન સામ્રાજ્ય ધિક્કારમાંથી જન્મેલી વિકરાળ પ્રતિક્રિયાનું પરિણામ ગણાય. ધિક્કારનો ખાળકૂવો કેવળ દુર્ગંધ જ નથી ફેલાવતો, પરંતુ પ્રતિક્રિયાના પ્રાણઘાતક ઉકરડા પણ સર્જે છે. શાણા મનુષ્યે સતત જાગૃતિ કેળવીને ધિક્કારની પજ‌વણીથી બચવાનું છે. એ માટે મથવાનું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ⬛ }}} પાઘડીનો વળ છેડે ખીલેલી જ્યોત્સનામાં કુમુદ વીણવાં પાલવ ભરી; અમાસે તારાઓ વીણી લઇ ઝોળી ભરવી. - કવિ સુન્દરમ્ નોંધ: ધિક્કારનો જથ્થો ઘટાડવાનો ખરો ઉપાય કવિએ બતાવ્યો છે. Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...