વિચારોના વૃંદાવનમાં:એ માણસ એટલો તો ગરીબ હતો, કે એની પાસે પૈસા સિવાય બીજું કશું જ ન હતું!

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

પૃથ્વી પર ટપકી પડેલા અબજો માણસોમાંથી 99.99 ટકા માણસો જીવનભર કેવળ ચાર જ કામો કરે છે: (1) ખાવું (2) પીવું (3) ઊંઘવું અને ઉત્સર્ગવું- સોક્રેટિસ એથેન્સના લોકોને કહેતો રહ્યો કે: ‘unexamind life is no life.’ (અપરીક્ષિત જીવન એ જીવન નથી.) કોઇ માણસ રેલવે સ્ટેશને જાય, તોય એને ખબર હોય છે કે પોતે શા માટે સ્ટેશને જાય છે. એ ક્યાં તો કોઇ ગાડી પકડવા માટે ત્યાં જાય છે કે પછી કોઇને લેવા માટે જાય છે. કોઇ પ્રશ્ન પૂછે તો એની પાસે જરૂર જવાબ હોય છે. એ કદી એમ નથી કહેતો કે હું સ્ટેશને શા માટે જાઉં છું તેની મને ખબર નથી. માણસો જન્મે છે ઘણા, પરંતુ ભાગ્યે જ કોઇને ખબર હોય છે કે પોતે પોતાના જીવનમાં શું કરવા માગે છે. જે કાંઇ કરે, તે કેરી પણ હોઇ શકે અને અથાણું પણ હોઇ શકે! અથાણું કરવામાં માનનારાઓ ભયંકર બહુમતીમાં છે, એ વાતમાં કોઇ શંકા ખરી? મથાળામાં પ્રયોજેલા શબ્દોમાં પુનરાવર્તન થયું છે તેની ખબર હોવા છતાં એવું કેમ બન્યું? એક જ કારણ છે અને તે એ કે હું આખરે માસ્તર જ છું.

હેન્રી ડેવિડ થોરોએ શું કર્યું? અમેરિકાના કોન્કૉર્ડ નામના શહેરથી થોડે દૂર આ‌વેલા વૉલ્ડન નામના તળાવ પાસે એક ઝૂંપડી બાંધીને એક એકાંતની મૈત્રી માણી. દિવસો સુધી કોઇ માણસ જોવા ન મળે તેવા એકાંતને એણે શ્રેષ્ઠ મિત્ર ગણાવેલું. એણે લખેલા ઐતિહાસિક પુસ્તકનું મથાળું: ‘Walden.’ આ ક્લાસિકલ બની ગયેલા મથાળા પરથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં કામ કરનારા વિખ્યાત મનોવિજ્ઞાની પ્રોફેસર બી. એફ. સ્કિનરે પોતાના પુસ્તકનું નામ ‘Walden-2’ રાખ્યું હતું. આ પુસ્તકનું ગુરુત્વ મધ્યબિંદુ ‘ટેક્નોલોજી ઑફ બીહેવિયર’ હતું. શિક્ષણના ક્ષેત્રે સક્રિય હતો તેથી એ પુસ્તક પણ તે વર્ષોમાં વાંચવાનું બનેલું એટલું જ નહીં, પ્રોફેસર બી. એફ. સ્કિનર સાથે પત્રવ્યવહાર પણ થયેલો. એમનો મારા પર લખેલો પત્ર એક ગ્રંથમાં પ્રગટ પણ થયો છે.

થોરોએ એક મૌલિક વાત ‘Walden’માં કરી છે, તે મારી લુપ્ત થતી યાદદાસ્ત પરથી જણાવું? રેલવે લાઇનના બે પાટાની નીચે લાકડાંના સોલિડ ભારોટિયા આડા પડેલા હોય છે. રેલવે લાઇનનું ચેકિંગ કરવા માટે એક ઇન્સ્પેક્ટર વારંવાર આવે છે અને તપાસી લે છે કે: કોઇ ભારોટિયો ખસીને ઊભો તો થઇ નથી ગયોને? એ ઇન્સ્પેક્ટરને કાયમ એક જ ચિંતા રહેતી હોય છે અને તે એ કે કોઇ ભારોટિયો જાગીને બેઠો થઇ જાય એમ ન બનવું જોઇએ!

સમાજમાં જ્યાં જુઓ ત્યાં લોખંડના બે પાટાની નીચે દબાઇને સૂતેલા ભારોટિયામાંથી કોઇ પણ ‘જાગી ગયેલો’ કોઇ ભારોટિયો બેઠો થઇ જાય એવું બનવું ન જોઇએ! કોઇક ને કોઇક રીતે આવા જાગી ગયેલા ભારોટિયાઓએ જ લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડી છે. સાવધાન!

એક તોફાની માણસે પ્રયોગ કર્યો. એણે પોતે પહેરેલા પાયજામાને ઘૂંટણના ભાગેથી બાંય કાપી નાખી એણે પાયજામાને ટૂંકા પાટલૂન જેવો બનાવી દીધો. એવો પાયજામો પહેરીને એ ફળિયામાં ફરવા નીકળ્યો. લોકોએ એ વાત પર ધ્યાન ન આપ્યું. પછી એ વિચિત્ર માણસે બીજો પ્રયોગ કર્યો. પાયજામાની એક બાંય લાંબી રાખી, પરંતુ બીજી બાંય ઘૂંટણના ભાગેથી કાપી નાખી. પરિણામે એ ફળિયામાં દોઢ બાંયવાળો પાયજામો પહેરીને ફળિયામાં ફરવા નીકળી પડ્યો. લોકોને આવો વિચિત્ર પાયજામો જોઇને હસવું આવ્યું. અરે! આ તે કેવો પાયજામો? એક બાંય આખી અને બીજી બાંય અડધી! પાયજામો પહેરનારની ખૂબ મશ્કરી થઇ. એનું સ્વરાજ્ય નષ્ટ થયું.

થોરો તરફથી દુનિયાને ‘સવિનય કાનૂન ભંગ’ જેવા ત્રણ મહાન શબ્દો મળ્યા. ગાંધીજીને હેન્રી ડેવિડ તરફથી મળેલી મહાન ભેટ હતી. શહેરની મ્યુનિસિપાલિટીએ કરમાં વધારો કર્યો. થોરોએ લોકોને કર ન ભરવાની અને સવિનય કાનૂન ભંગ કરવાની સલાહ આપી. થોરોને જેલમાં જવું પડ્યું. જાણી રાખવા જેવું છે કે થોરો પોતે મહાન ગીતાભક્ત હતો. એ જેલમાં પુરાયો ત્યારે જેલની ઊંચી દીવાલો જોઇને એના મુખમાંથી ઉદ્્ગાર નીકળી પડ્યા, તે માટે કદાચ ભગવદ્ ગીતા જવાબદાર હતી. થોરોના જેવા કેદીએ જેલની ઊંચી દીવાલો જોઇને કહ્યું: અરે! હું તો દીવાલોની આ બાજુએ પણ મુક્ત છું પરંતુ આ દીવાલોની બીજી બાજુએ વસનારાં સૌ લોકો મુક્ત છે ખરા? ગીતાનો અભ્યાસ કે પરિચય ન હોય તેવો માણસ આવો મુક્ત હોઇ શકે ખરો? મારી વિગત ખોટી હોઇ શકે છે. ‘Walden’ પુસ્તકનો અનુવાદ ઘણુંખરું કવિ બોટાદકરે ગુજરાતીમાં કર્યો છે. (સાચી વિગત કોઇ સુજ્ઞ વાચક પોસ્ટકાર્ડ લખીને મને જણાવી શકે તો ગમશે.)

જે પત્ની પતિની એક પણ ભૂલ માફ નથી કરતી, તે ખૂબ દુ:ખી થાય છે. વળી, જે પતિ પત્નીના દોષો જ જોતો રહે છે, તે પતિ પત્નીને અન્ય કોઇ પુરુષ તરફ ધકેલતો હોય છે. તાળું ખોલવા માટે ચાવી જોઇએ, પણ તાળું તોડવા માટે હથોડો જોઇએ. હથોડો કોઇ ટ્રોટ્સ્કીનું માથું જરૂર ફોડી શકે, પરંતુ એના માથામાં રમતા અને થનગનતા વિચારોને બદલી ન શકે.

સ્ટેલિનને આવી નાજુક વાત ક્યાંથી સમજાય? પ્રેમ તો જીવનને સમજવાની માસ્ટર કી છે. સ્ટેલિન ખડક હતો, વૃક્ષ ન હતો. આ વાત સમજાય તે માટે વહાલના દરિયા જેવી એની દીકરી સ્વેતલાનાને સમજવી પડે. સ્વેતલાનાએ એક સુંદર પુસ્તક લખ્યું છે, જેનું મથાળું છે: ‘Twenty Letters To A Friend.’ એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સુભદ્રા ગાંધીએ કર્યો છે. એમાં ખડકતા અને વૃક્ષતા વચ્ચેની ટક્કર પ્રગટ થતી દીસે છે. વૃક્ષ વરસાદ ઝીલે છે, જ્યારે ખડક પર વરસાદ પડે છે. વરસાદ પડે ત્યારે વૃક્ષનું પાંદડે પાંદડું ખીલખીલ ભીનું થાય છે. ખડક નથી તો ભીનો થતો કે નથી તો પલળતો! એના પર વરસતું પાણી ઝાઝું થોભ્યા વિના ભોંયભેગું થાય છે. વૃક્ષની વાત જુદી છે. વૃક્ષ તો ભીનાશદીક્ષા પામીને સદ્યસ્નાતા સ્ત્રીની માફક દીસંતું, કોડીલું, કોડામણું બની રહે છે. સ્ટેલિનની એ વૃક્ષસ્વરૂપા દીકરી સ્વેતલાના એક ભારતીય યુવાનને પરણી હતી અને પતિના અકાળ મૃત્યુ પછી ભારત આવી હતી. એણે ગંગાકિનારે જઇને પતિની દેહભસ્મ ભક્તિપૂર્વક ગંગા નદીમાં પધરાવી હતી. એ ખડક જેવા નિર્દય પિતાની વૃક્ષહૃદયા દીકરી સ્વેતલાના આવી ભીની હતી! અત્યારે જ વરસાદ શરૂ થયો છે. અરે! આ વરસાદ છે કે પ્રેમથી લથપથ એવા પરમેશ્વરની ભીની ભીની કરુણા? હા ભાઇ હા! પ્રેમશૂન્ય મૈથુનમાંથી જ ગણિકાનો જન્મ થયો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...