રાગ બિન્દાસ:પૉલિટિક્સનું પાગલપન: હાસ્ય ને રોમાંચની ભયંકર ભેળપૂરી!

3 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • નામના લેખક મારધાડ વેરવસૂલીની વાર્તાઓ લખતા. એકવાર એણે એના દીકરાને પૂછ્યું: ‘તેં મારી છેલ્લી નવલકથા વાંચી?’તો દીકરાએ સામે પૂછ્યું: ‘તમે વાંચી?’

રાજનીતિમાં રિયાલિટીથી ક્રૂર કશું જ નથી હોતું! (છેલવાણી) એક હાસ્ય લેખકને કોઇએ પૂછ્યું કે કોઇ પણ હાસ્યવાર્તા કે જૉકની સફળતાનું રહસ્ય શું છે? હાસ્ય લેખકે કહ્યું કે રમૂજની સફળતાના મૂળમાં છે: સરપ્રાઇઝ! આંચકો! જે તમે વિચાર્યું ના હોય એવું બને કે કહેવાય તો આપણને હસવું આવે. જેને જૉકમાં પંચલાઇન કહેવાય કે હાસ્યવાર્તામાં ઘબડકો કે વિચિત્ર આંચકો! એલેકઝાંડર ડૂમા નામના લોકપ્રિય ફ્રેન્ચ લેખક મારધાડ વેરવસૂલીની વાર્તાઓ સતત લખતા. એકવાર એણે એના દીકરાને પૂછ્યું: ‘તેં મારી છેલ્લી નવલકથા વાંચી?’

તો દીકરાએ સામે પૂછ્યું: ‘તમે વાંચી?’

આમાં દીકરાનો ઇન્સલ્ટાત્મક જવાબ એ જૉકનો પંચ છે. હમણાં મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા દસ-બાર દિવસ જે બન્યું એ બધું આવા જ અણધાર્યા રોમાંચકથી ભરપૂર હતું. એમાંયે સુરત અને ગુવાહાટી ભાગી ગયેલા વિદ્રોહી ધારાસભ્યો દ્વારા ઊંઘતી ઝડપાયેલી ત્યારની મહારાષ્ટ્ર સરકારના જાતજાતના દાવાઓ વિશે વિચારું છે ત્યારે એક વાર્તા યાદ આવે છે:

એક જમાનામાં આ દેશમાં ડાકુઓની દાદાગીરી હતી. એક નગરશેઠના દીકરાની જાન જવાની હતી એટલે એમણે પગીનો કોન્ટેક્ટ કર્યો, એ જમાનાના સિક્યોરિટી ગાર્ડઝ.

શેઠે પગીને પૂછ્યું, ‘ડાકુઓ જો હુમલો કરે તો તમે સંભાળી લેશોને?’

પગીએ મૂછે તાવ દઈને કહ્યું, ‘લ્યો! એમાં શું? હવે બહુ જોયા ડાકુ, આપણી સામે આંખ ઊંચી કરીને જોવે નહીં! આપણે એક ડાકુની તલવાર પર એવું ત્રાટક કઈરું’તું કે એની તલવાર ગરમ થઈને હાવ લોંદા જેમ પીગળી ગઈ.’

નગરશેઠે પગીની વાત માની લીધી અને જાન કાઢી પણ રાત પડતાં જ સમાચાર મળ્યા કે ડાકુઓ જાન લૂંટશે! પેલો ફૂલણશી પગી તો ગાડામાં એયને સૂતો હતો. નગરશેઠે એને ઉઠાડીને કહ્યું, ‘પગી, ડાકુઓ આવે છે.’ પગીએ કહ્યું, ‘અરે, ઇ આ બાજુ આવવાની હિંમત નો કરે! હું બેઠો છું ને? અરે, એકવાર મેં ડાકુની હામે એવી ત્રાડ મારી’તી કે એણે બી જઈને ત્યાંને ત્યાં માટીમાં કબર ખોદી અને અંદર પોતે જ જઈને દટાઈ ગ્યો! અને એના ઘોડલાવ ઇ માટીની કબર પર કૂદીકૂદીને જમીન સપાટ કરવા માંડેલા ઊભી પૂંછડીએ!’ ઇન્ટરવલ

કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા! (સાહિર)

થોડી વારે ડાકુઓ ખરેખર આવતા દેખાયા. નગરશેઠે બૂમ પાડી, ‘ડાકુ આવી પહોંચ્યા!’ પગીએ ઠંડકથી કહ્યું, ‘હું બેઠો છુંને? આપણી સામે જીવતો રહે તો ને?’ એવામાં ડાકુઓએ આવીને બંદૂકના ભડાકા કરીને કહ્યું, ‘હાલો સૌ ઘરેણાં ઉતારી દો!’ નગરશેઠે પગી સામે જોયું. પગીએ ફુંગરાઈને કહ્યું, ‘એમાં શું?ઘરેણાં ઉતારવાનું જ કહ્યું છેને? ઉતારી દો. હું બેઠો છું ને? મજાલ છે કે કોઈ હાથ લગાડે?’ નગરશેઠે કિંમતી સામાન ભેગો કરીને સામે મૂક્યો. ડાકુઓએ જાનૈયાનાં લૂગડાં ઉતારીને લગભગ નાગા કરી મૂક્યા પણ તોયે પગી કહેતો રહ્યો, ‘હું બેઠો છું ને!’

પછી ડાકુઓએ કહ્યું, ‘જાનમાં જે કાંઈ ખાવાપીવાનું હોય એ કાઢો. ઘોડા ભૂખ્યા થયા છે!’ નગરશેઠે પગીને કહ્યું, ‘આપણી જાનના લાડવા ગાંઠિયાં, આના ઘોડા ખાશે?’ પગીએ કહ્યું, ‘અરે,ઘોડાવ પણ યાદ કરશે કે તમારે ત્યાં લગ્નમાં શું જલસો કર્યો. પણ ઇ ઘોડાવ આવું ભારી ખાઈને દોડશે કઈ રીતે? હું બેઠો છું ને?’ નગરશેઠે ખાવાપીવાનું પણ આપી દીધું. ડાકુઓએ બંદૂકની અણીએ સૌને લૂંટીને દાગીના, પૈસા બધું લૂંટીને સમાન બાંધવા માંડ્યો. ત્યારે પગીએ કહ્યું, ‘અરે, હજી સામાન બાંધ્યો જ છે ને? લઈ તો નથી ગ્યાં ને? હું બેઠો

છું ને?’

આખરે ડાકુઓ બધું લૂંટીને જતાં રહ્યા. નગરશેઠ ગુસ્સામાં બરાડ્યા, ‘પગી? શું જોયા કરો છો, એ લોકો લૂંટીને હાલ્યા… પીછો તો કરો? તમને કાંઈ થતું નથી?’ ત્યારે પગીએ ઠંડા કલેજે કહ્યું, ‘થાય છે ને! મારા બેટા, ખરા છે હોં! હું બેઠો’તો તોયે ડર્યા વિના બધું લઈ ગ્યા! કહેવું પડે! બાકી ગુસ્સો તો અમનેય એવો આવતો’તો કે પૂછો નહીં. બાકી અમે બેઠાં હોઈએ અને કોઈ આમ લૂંટી જાય ઇ વાતમાં માલ નહીં હો!’

આમ તો આ આપણા એક વિદ્વાન લેખકની લાંબી હાસ્યકથા છે… પણ છેલ્લા 12 દિવસથી શિવસેનાના લીડરો અને પ્રવક્તાઓ પણ વારેવારે પેલા પગીની જેમ સતત જાતજાતના દાવાઓ કરતા રહ્યા કે અમારા 21 વિધાયકો પાછા આવશે, અમારી જ સરકાર રહેશે, નાસી ગયેલાઓને અમે જોઇ લઇશું વગેરે વગેરે… પણ છેવટે સરકાર પડી ગઇ અને કોઇ કશું કરી શક્યું નહીં. વળી, એના પછી નવી સરકારમાં કોણ મુખ્યપ્રધાન બન્યું ને કોણ ઉપ-મુખ્યપ્રધાન બન્યું એ બધું પણ પાછું અલગ જ અણધાર્યા આંચકાવાળું રોચક હતું… સાંસ-બહુની કે નાગ-નાગિનની ટીવી સીરિયલમાં પણ જેટલા આંચકા ના આવે એવો મનોરંજક ડ્રામો પળપળ સતત લાઇવ જોવા મળ્યો.

ઘણી વાર આપણા રાજકારણની વરવી વાસ્તવિકતા ફિલ્મી પટકથા કરતાં પણ વધુ રોમાંચક કે રમૂજી સીરિયલ કરતા પણ વધુ હાસ્યસભર હોય છે! હવે એ બધાંને કેવળ મનોરંજન તરીકે જ આપણે જોવાનું શરૂ કરીશું તો જ આપણે સૌ માનસિક રીતે સ્વસ્થ રહીને બચી શકીશું! ડોન્ટ ટેક ઇટ સિરિયસલી! (લખાયાની તારીખ:2-7-22, એ પછીના કોઇ અણધાર્યા ડ્રામા માટે અમે જવાબદાર નથી!) એન્ડ-ટાઇટલ્સ

અન્ય સમાચારો પણ છે...