સ્પોર્ટ્સ:ગોલ્ડમેડલના ઝાંઝવા અને જીતની તરસ

2 મહિનો પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સનું સમાપન આવતી કાલે થશે. હંમેશની જેમ ભારતીય એથ્લીટ્સે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ દેશની વસ્તીના અનુપાતમાં મેડલ્સનું પ્રમાણ નગણ્ય કહી શકાય. 2018માં નીતિ આયોગના ચેરમેને 50 મેડલ જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો. ભારત વસ્તીની દૃષ્ટિએ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે, પરંતુ મેડલ્સ પર કેપિટાની દૃષ્ટિએ ભારતનો નંબર સૌથી છેલ્લે છે. આવું થવાનાં ઘણાં કારણો છે. ભારતીય કલ્ચર જ મહાન છે અને પશ્ચિમી સંસ્કૃતિઓ ખરાબ છે એવા બ્યૂગલ વગાડતા એક ચોક્કસ વર્ગને કદાચ ખબર નથી કે ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચર સાવ નજીવું અને પ્રાદેશિક રીતે છૂટુંછવાયું છે. એનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીયોની સમજ પ્રમાણે સ્પોર્ટ્સમાં કોઈ કેરિયર નથી અને સ્પોર્ટ્સ કેરિયર બને તો રિટાયર થયા બાદ નોકરી મેળવી મુશ્કેલ છે. મેડલ્સ સાતત્યપૂર્વક જીતવા માટે વેસ્ટર્ન અને યુરોપિયન દેશોએ ઘણીબધી સ્ટ્રેટેજીસ અપનાવી છે. નીતિ આયોગના પ્લાન મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટીએ એવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવી જોઈએ જેમાં મેડલ્સ જીતવા એ બીજી રમતો કરતાં આસાન હોય, એ રમતો માટે ખેલાડીઓ શોધવા અને તમામ રિસોર્સીસ, મેનપાવર અને મશીનરીને ઓપ્ટિમાઇઝ કરવાનું માળખું બનાવવું અગત્યનું છે. આ સ્ટ્રેટેજી સૌપ્રથમ ઇસ્ટ જર્મનીએ અપનાવી હતી જેમાં તેમની ઓલિમ્પિક કમિટીએ તમામ રમતોને બે ભાગમાં વહેંચી દીધી હતી. સ્પોર્ટ્સ એક વિભાગમાં એવી રમતો અને ખેલાડીઓનો સમાવેશ થયો હતો કે જેને ભૂતકાળમાં મેડલ્સ જીત્યા હતા અને ભવિષ્યમાં જેમાં મેડલ્સ મળવાની આશા હતી. માત્ર એવી રમતો અને એથ્લીટ્સને સરકારી ફન્ડિંગ અને સપોર્ટ મળ્યો હતો. એક રિસર્ચ પ્રમાણે ટોપ 10 મેડલ વિજેતા દેશો પોતાના ગોલ્ડ મેડલ્સ સ્વિમિંગ, એથ્લીટિક્સ અને જીમ્નાસ્ટિક્સમાંથી જીતે છે. કેન્યા અને ઇથિયોપિયા જેવા આર્થિક રીતે પછાત દેશો માત્ર રનિંગમાં જ ગોલ્ડ મેડલ જીતે છે. એક સ્ટેટિસ્ટિક પ્રમાણે યુ. એસ. એ. આ 14,000 મેડલ્સમાંથી ઓછામાં ઓછા 50 ટકા મેડલ્સ સ્વિમિંગ અને એથ્લેટિક્સમાં જીત્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો ઓલિમ્પિકમાં સ્વિમિંગ અને એથ્લીટિક્સમાં જીતવા માટે મેડલ્સની સંખ્યા અન્ય રમતો કરતાં વધુ છે. માત્ર સ્વિમિંગમાં જ બધું મળીને ટોટલ 35 ઈવેન્ટ્સમાં 105 મેડલ્સ જીતવાની શક્યતાઓ હોય છે. આ ઇવેન્ટમાં યુ. એસ. એ.ની મેડલ ટેલી 553 છે. તેના પછીના ક્રમે ઓસ્ટ્રેલિયા છેે. સ્વિમિંગ ઇવેન્ટમાં યુ. એસ. એ.ના એકચક્રી શાસનને પડકારી શકે એવો બીજો કોઈ દેશ નથી. ભારતમાં જેટલો સારો રિસ્પોન્સ ક્રિકેટને મળે છે એવો રિસ્પોન્સ બાકીની રમતોને મળે તો ખેલાડીઓનું પણ મોટિવેશન લેવલ ઉપર આવી શકે. ક્રિકેટની વાત એટલે સુસંગત છે કારણ કે તેની સાથે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અને સ્પોન્સરશિપ પણ જોડાયેલા છે. વિરાટ કોહલીની સેન્ચુરી જોવા જેટલો આનંદ અને બજરંગ પુનિયાને ટી.વી. પર પોતાના પ્રતિસ્પર્ધીઓને મેટ પર પછાડીને મેડલ જીતતા જોવાનો આનંદ એકસરખો છે, કેમ કે ત્યાં દરેક ભારતીય દર્શક એ ખેલાડીઓમાં પોતાનું પ્રતિબિંબ જોતો હોય છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...