વિશેષ:રાજદ્રોહનો કાયદો સમગ્ર લોકશાહી માટે પડકાર!

વિકાસ ગુપ્તા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજદ્રોહનો કાયદો ઇંગ્લેન્ડમાં 2009માં જ નાબૂદ થઇ ગયો, પણ ભારતમાં એ આજેય યથાવત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેની વ્યાખ્યા કરવાનો સમય આવી ગયો છે

મહાત્મા ગાંધીની 150મી ગૌરવશાળી જયંતી પછી હવે રાજદ્રોહના કાયદાએ પણ 150 વર્ષોના વિવાદોની સફર પૂરી કરી લીધી છે. ગાંધીજીએ કહ્યું હતું કે પ્રજામાં રાજદ્રોહ જેવા કાયદાઓને જોરે સરકાર પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરી શકાતો નથી. રાજદ્રોહના આરોપમાં અનેક કેસોની ટ્રાયલ પછી લોકમાન્ય ટિળક સ્વતંત્રતાની લડાઇના ઐતિહાસિક નેતા બન્યા હતા. ટિળક તો અસલી નેતા હતા, પણ સ્વતંત્રતા પછી એવું બન્યું કે રાજદ્રોહના કાયદાના દુરુપયોગથી ગુનેગારો પણ નેતા બની ગયા, જે બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતા જ દર્શાવે છે. એવામાં સવાલ સ્વાભાવિક રીતે જ થાય કે શું રાજદ્રોહ કાયદાને નાબૂદ કરવાનો સમય આવી ગયો છે? જાણીએ આ કાયદાના દાવપેચ : સરકાર વિરુદ્ધ વાત કરવી પણ રાજદ્રોહ છે? ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 124-એ અનુસાર કોઇ વ્યક્તિ દ્વારા બોલાયેલા કે લખાયેલા શબ્દો અથવા સંકેતો દ્વારા અથવા દૃશ્યની રજૂઆત દ્વારા, કાર્ય દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે ઘૃણા કે અવહેલના અને અસંતોષ ઉત્પન્ન કરવામાં આવે અથવા આમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એને આજીવન કેદ અથવા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ અથવા આ તમામ સજા થાય છે. આ કાયદો આજે ભારતીય લોકશાહીમાં કેટલો પ્રાસંગિક છે? આધુનિક સંસદીય લોકશાહીના જન્મદાતા મનાતા ઇંગ્લેન્ડમાં વર્ષ 1275ની આસપાસ વેસ્ટ મિનિસ્ટર કાયદા દ્વારા રાજાને દેવત્વથી બચાવવાની શરૂઆત થઇ, જેને રાજદ્રોહ કાયદાની શરૂઆત પણ માની શકાય. ઇંગ્લેન્ડમાં 1845ના કાયદાના આધારે ભારતમાં 1870માં આઇપીસીમાં રાજદ્રોહના અપરાધનો કાયદો જોડવામાં આવ્યો. ભારતના બંધારણમાં પ્રજાએ પસંદ કરેલ સરકાર દર પાંચ વર્ષે બદલાય છે, તેથી સરકાર વિરુદ્ધ બોલવું કોઇ ગુનો નથી. બ્રિટિશ શાસન દરમિયાન અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર નહોતો, પણ સ્વતંત્ર ભારતમાં એ મૂલ્યવાન બંધારણીય અધિકાર છે. ઇંગ્લેન્ડમાં આ કાયદો વર્ષ 2009માં નાબૂદ થઇ ગયો. તે પછી ભારતીય લોકશાહીમાં રાજદ્રોહના નામે પ્રજાના બંધારણીય અધિકારોનું ખંડન કઇ રીતે કાયદેસર માની શકાય? રાજદ્રોહના કાયદામાં કેવા રહ્યા સત્તાના પેચ? તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ વર્ષ 1951માં પહેલા બંધારણ સંશોધન દ્વારા અનુચ્છેદ 19(2)માં જાહેર આદેશને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અપવાદ બનાવી રાજદ્રોહ કાયદાને બંધારણીય દૃઢતા પ્રદાન કરી. તે પછી બંધારણમાં 16મા સંશોધનથી બંધારણના અનુચ્છેદમાં દેશની એકતા અને અખંડતાની જોગવાઇ અપવાદ રૂપે જોડવામાં આવી. ઇન્દિરા ગાંધીના સમયમાં વર્ષ 1974માં નવા સીઆરપીસીમાં રાજદ્રોહને ગંભીર ગુનો ગણાવી વધારે કડક બનાવવામાં આવ્યો. કોમ્યુનિસ્ટ સંસદસભ્ય ડી રાજાએ વર્ષ 2011માં આને નાબૂદ કરવા માટે રાજ્યસભામાં ખાનગી બિલ રજૂ કર્યું, પણ ત્યારે કોંગ્રેસ સરકારે તેને મહત્ત્વ ન આપ્યું. તે પછી ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારે થોડોઘણો ફેરફાર કરી કોંગ્રેસી સંસદસભ્ય શશિ થરૂરે આમાં પરિવર્તન માટે ખાનગી બિલ રજૂ કરી દીધું. 2019માં સામાન્ય ચૂંટણી પહેલાં આને સત્તાનો મુદ્દો બનાવીને કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં રાજદ્ગોહના કાયદાને નાબૂદ કરવાની વાત કહી. કોંગ્રેસી રાજમાં દમનનો ભોગ બનેલ સંઘ અને ભાજપના નેતાઓએ આ કાયદાનો કાયમ વિરોધ કર્યો, પણ સત્તા પર આવતાં જ ભાજપ સરકારે દેશહિતના નામે રાજદ્રોહ કાયદાને ચાલુ રાખવાનો વિચાર મક્કમ કરી દીધો. રાજદ્રોહ અને દેશદ્રોહ એક જ છે કે તેમાં કંઇ તફાવત છે? કાયદા આયોગે વર્ષ 1971માં રજૂ કરેલ 43મા રિપોર્ટમાં રાજદ્રોહમાં સરકારની સાથોસાથ બંધારણ, કાયદા અને ન્યાયતંત્રને પણ લાવવાની વાત કરી. વાસ્તવિકતા એ છે કે બંધારણ, સંસદ અને ન્યાયાલયની રક્ષા માટે બંધારણ અને આઇપીસીમાં પહેલાંથી જ અનેક પ્રકારના અલગ અલગ કાયદા બનેલા છે. દેશની એકતા અને અખંડિતતાને ખંડિત કરવા અને સુરક્ષા સાથે રમત રમનારને રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી તત્ત્વોને દૂર કરવા માટે યુએપીએ, મકોકા અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો જેવા કડક કાયદાઓની પણ પહેલાંથી જ વ્યવસ્થા છે. ગાંધી, ટિળકથી લઇને શ્યામા પ્રસાદ મુખર્જી સુધી સૌ આના વિરોધમાં હતા ગુલામ ભારતમાં ટિળક અને ગાંધીજી પછી સ્વતંત્ર ભારતમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને રામ મનોહર લોહિયા જેવા વિદ્વાનોએ રાજદ્રોહ જેવા કાયદાનો વિરોધ કર્યો હતો. પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ કહેતા હતા કે માત્ર બાહ્ય વેશભૂષા દ્વારા દેશભક્તિ ઉત્પન્ન કરી શકાતી નથી. કઇ રીતે કાયદો નાબૂદ થઇ શકે? બિહારના કોમ્યુનિસ્ટ નેતા કેદારનાથ સિંહે સીઆઇડીને ગાળો આપી, જે માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે તેમની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કર્યો. કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટના પાંચ જજીસની બેન્ચે 1962માં કાયદાને યોગ્ય ઠેરવવા છતાં તેનો દુરુપયોગ થતો અટકાવવા આદેશ જાહેર કર્યાં. તે અનુસાર, વાંધાજનક લેખ, ભાષણ, ટીવી પર રજૂઆત અથવા સોશિયલ મીડિયા પોસ્ટ સાથે હિંસાને ઉત્તેજના આપવાનો સીધો કિસ્સો હોય, ત્યારે જ રાજદ્રોહનો કેસ બને છે. સુપ્રીમ કોર્ટે એના આધારે અગ્રણી પત્રકાર વિનોદ દુઆ વિરુદ્ધ રાજદ્રોહના કેસને પણ કાઢી નાખ્યો. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો પછી હવે એ જરૂરી બની ગયું છે કે સુપ્રીમ કોર્ટ તેને નાબૂદ કરવા અંગે વિચારે. કેદારનાથના કિસ્સામાં 5 જજીસની બેન્ચ હોવાથી કેસની સુનવણી માટે 7 કે વધારે જજીસની બેન્ચ બનાવવી પડશે. ⬛

અન્ય સમાચારો પણ છે...