ડૂબકી:હથેળીમાં ફૂલો ઝીલવાનો આનંદ

એક મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

ક્યારેક કોઈ દૃશ્ય જોતાં જ મન ઝળાંહળાં થઈ ઊઠે છે. હૈદરાબાદમાં અમારા ઘરની કોલોનીમાં બિલ્ડરે દરેક ઘરની આંગણા જેવી ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવ્યાં છે. એ વૃક્ષો વિકસીને ઊંચાં થઈ ગયાં છે. વસંત બેસે પછી એમાં આછા ગુલાબી રંગનાં ઢગલાબંધ ફૂલો ખીલે છે. સુગંધ વિનાનાં ફૂલો આખો દિવસ વૃક્ષ પરથી ખરતાં રહે છે. એ કારણે બધાં ઘરની સામે ફૂલોની બિછાત થઈ જાય. ઘણા મકાનમાલિકોને ફૂલોનો ‘કચરો’ અકળાવે છે. અમારી સામેના ઘરની કામવાળી સવાર-સાંજ આંગણું વાળવા આવે છે. સાવરણાથી વાળવાનું પૂરું કરે તે પહેલાં ફૂલો ફરી ખરવા લાગે. થોડા દિવસ પહેલાં કામવાળીની સાથે એનો પાંચેક વર્ષનો દીકરો આવ્યો. વૃક્ષ પરથી ખરતાં ફૂલ જોઈ એને મજા આવી ગઈ. એ વૃક્ષની ડાળીઓને ધ્યાનથી જોતો હતો. ફૂલ નીચે પડતું દેખાય તે સાથે એને હથેળીમાં ઝીલવા અહીંથી ત્યાં દોડાદોડી કરતો હતો. ઉત્સુકતાથી જોયા કરતો કે કઈ ડાળી પરથી કઈ જગ્યાએ ફૂલ ખરશે. પછી એને હથેળીમાં ઝીલવા સાવધાન થઈ જતો હતો. ફૂલ હથેલીમાં પડે તે સાથે એ પ્રસન્ન થઈ ઊઠતો હતો. એની નિર્દોષ રમત, તન્મયતા, સામાન્ય બાબતમાંથી આનંદ મેળવવાના ઉત્સાહમાંથી મને જગતનાં બધાં બાળકોનું બાળપણ દેખાયું હતું. એણે ઝિલેલાં ફૂલો કપડામાં બાંધી એ પોતાની સાથે લઈ ગયો, જાણે મોટો ખજાનો હાથ લાગ્યો હોય. મોટા થયા પછી એવો નિર્દોષ આનંદ, એવું કુતૂહલ અને નાખી દેવા જેવી બાબતમાંથી મજા શોધવાની સહજતા ક્યાં ખોવાઈ જતી હશે? આપણામાંથી ઘણાંએ નાનપણમાં એવા ‘ખજાના’ ભેગા કર્યા હશે. જાતભાતના રંગ અને આકારના કાંકરા, દરિયાકાંઠે વીણેલાં શંખલા-છીપલાં, ભાઈબંધો પાસેથી રમતમાં જીતેલી લખોટીઓ, દેશ-વિદેશની ટિકિટો, જુદાજુદા કાર્ડઝ, અલગ અલગ છાપની માચિસો, વર્ગખંડમાંથી ભેગા કરેલા ચોકના ટુકડા, ચોપડીની વચ્ચે સૂકવેલાં ફૂલો અને પાંદડાં, જૂના સિક્કા, રક્ષાબંધનમાં બહેને બાંધેલી રાખડીઓ, રંગબેરંગી બંગડીના ટુકડા... આ યાદી જેટલાં બાળક તેટલી લાંબી થતી જશે. થોડાં વર્ષ પહેલાં અમેરિકાની એક યુનિવર્સિટીના ચાઇલ્ડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોમાં જુદીજુદી ચીજો ભેગી કરવાના શોખ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. એ રિસર્ચનો હેતુ બાળકોના આ પ્રકારના શોખ પાછળ રહેલા બાળમાનસને સમજવાનો હતો. જુદીજુદી વયનાં બાળકોની વાતોમાંથી જાણવા મળ્યું કે મોટા ભાગનાં બાળકો નર્યા આનંદ માટે અને કુતૂહલવૃત્તિથી ચીજો ભેગી કરતાં હતાં. માત્ર નવ વરસની એક છોકરીએ અલગ કારણ આપ્યું. એ એના પિતા અને સાવકી માની સાથે રહેતી હતી. દુષ્ટ સ્વભાવની સાવકી મા છોકરી સાથે ખરાબ વર્તન કરે ત્યારે એ ઘરમાંથી બહાર ચાલી જતી અને જુદીજુદી ચીજો ભેગી કરવા લાગતી, જેથી એને રડવું ન આવે. બાળકો આપણને શીખવે છે કે નિર્દોષ આનંદ મેળવવાની આદત દુ:ખની દવા બની શકે. બાળકની આંખમાં જોતાં જ નિર્દોષતાનો અર્થ સમજાય છે. કોઈ બાળકના દૂધિયા દાંત પડે પછી એનું ખિલખિલાટ હાસ્ય વધારે ખીલી ઊઠે છે. પતંગિયાંને જોઈ બાળક વિચારે – ‘મારી પાસે એના જેવી પાંખો કેમ નથી?’ બીજી જ ક્ષણે એ જાતે પતંગિયું બની પતંગિયાંની પાછળ દોડવા લાગે છે. બાળકો કોઈ પણ જાતના અભાવથી પીડાતાં નથી. એમને એમની પાસે શું નથી એની ખબર જ નથી હોતી. એમને મન તો સમગ્ર સૃષ્ટિ એમની માલિકીની છે. એક માતાનાં દીકરો અને દીકરી કૉલેજમાં ભણવા બીજાં શહેરમાં ગયાં. સંતાનોના રૂમમાં સાફસૂફી કરતી વખતે માએ એમનાં બધાં જૂનાં રમકડાં ફેંકી દીધાં. સંતાનો વેકેશનમાં ઘેર આવ્યાં. એમણે નાનપણથી સાચવી રાખેલાં રમકડાં જોયાં નહીં એથી બંને ઉદાસ થઈ ગયાં. માને સમજાયું કે એણે સંતાનોને મોટાં થઈ ગયેલાં માની લેવાની ભૂલ કરી છે. બાળકોની નિર્દોષતા જળવાઈ રહે એ જોવાની જવાબદારી માતાપિતા-વડીલો અને શિક્ષકોની છે. એક બહેને આખી જિંદગી પ્રાથમિક શાળાનાં બાળકોને ભણાવ્યાં. નિવૃત્ત થયાં પછી એમણે એક ઇન્ટરર્વ્યૂમાં કહ્યું: ‘બાળકોની નિર્દોષતાનું રક્ષણ કરવું મોટેરાંઓની જવાબદારી છે. જોકે એ કામ સહેલું નથી. મોટા થયા પછી આપણે બાળસહજ નિર્દોષતા ગુમાવી બેસીએ છીએ અને બાળકને બાળક તરીકે જોતાં નથી. ઘણાં લોકો એમને થયેલા કડવા અનુભવો પરથી માની લે છે કે આ દુનિયામાં કશું જ નિર્દોષ હોઈ શકે નહીં. એમને બાળકોમાં પણ નિર્દોષતા દેખાતી નથી.’ વર્તમાન સમયમાં ટેકનોલોજીની અસરમાં એક સમયનું બાળપણ વધારે પડતું સોફિસ્ટિકેટ થઈ ગયું છે. તેમ છતાં કોઈ પણ સમયનું બાળક એના વિસ્મયલોકમાંથી બાકાત રહી શકતું નથી. કોઈએ સરસ વાત કરી છે: ‘તમે ત્રાજવાના એક પલ્લામાં દુનિયાભરના લોકોનું ડહાપણ મૂકો અને બીજા પલ્લામાં બાળકની નિર્દોષતા મૂકો – બીજું પલ્લું જ ભારી રહેશે.’ રજનીશજીએ કહ્યું છે: ‘આપણે બાળક જેવા નિર્દોષ રહી શકીએ તો આપણો અંતરાત્મા જીવનભર નિર્દોષ રહેશે.’ શાણા માણસો કહે છે તેમ જગતને બાળકની નિર્દોષ નજરે જોઈએ, બાળકની નિર્દોષ હિંમત સાથે પડકારોનો સામનો કરીએ, બાળકની નિર્દોષ તત્પરતા સાથે સૃષ્ટિને પ્રેમ કરીએ અને બાળક જેવી શુદ્ધ મનોવૃત્તિથી દુનિયાનાં જખમોની સારવાર કરીએ. આપણામાં રહેલા બાળકને વયસ્ક થવા ન દઈએ. આપણામાં બાળક જીવતું રહેશે તો કોઈ પણ ઉંમરે વૃક્ષ પરથી ખરતાં ફૂલોને હથેળીમાં ઝીલવાનો આનંદ માણી શકીશું. ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...