રામકથાનો એ પ્રસંગ છે કે સતીએ દક્ષના યજ્ઞમાં દેહ બાળી નાખી હિમાલયને ઘરે કન્યાનું રૂપ લીધું. દીકરી જન્મે તો વધારે ઉત્સવ ઉજવવો, એવું ‘રામચરિતમાનસ’નું પણ સૂચન છે. દીકરીને દૂધ પીતી કરવાનો કાળ આપણા માટે એક આંધળો કાળ હતો. અત્યારે સમય બદલાયો છે. દીકરીનો જન્મ એ ઉત્સવનો પરમ હેતુ છે એવું ‘રામાયણ’ સ્વયં સિદ્ધ કરે છે. દીકરી જ્યારે જન્મે ત્યારે ઋષિમુનિઓ હિમાલયને ત્યાં આવવા લાગ્યા. પાર્વતી એટલે શ્રદ્ધા. આપણા જીવનમાં સાચી શ્રદ્ધા આવશે ત્યારે બુદ્ધપુરુષને બોલાવવા નહીં પડે, એ આપણને શોધતાં શોધતાં આવશે. દીકરી મોટી થવા માંડી. નારદજી પધારે છે. નારદે હિમાલયને કહ્યું, ‘રાજન્! તમારી પુત્રીનાં ઘણાં નામો છે- ઉમા, અંબિકા, ભવાની, શૈલજા, પાર્વતી, દુર્ગા. અને આ તમારી દીકરી એવી પતિવ્રતાધર્મની આચાર્ય બનશે કે જગતમાં તમારા નામને ઉજાગર કરશે.’ હાથની રેખા જોઈને આવું બધું કીધું. આપણે ત્યાં એમ કહેવાય છે કે હાથની રેખા છે ને એ ભવિષ્યનું બતાવે, કપાળની રેખા છે એ કદાચ ભૂતકાળ દેખાડતી હશે. પણ એના કરતાંય વધારે સારી વાત આ લાગી કે આપણા પગની રેખા છે ને એ આપણા વર્તમાનનું દર્શન કરાવે કે પગલાં કઈ બાજુ પડે છે! નારદે ભવિષ્ય કહ્યું. નારદે પાર્વતીને પતિ કેવા મળશે એનું થોડુંક વર્ણન કર્યું છે- અગુન અમાન માતુ પિતુ હીના. ઉદાસીન સબ સંસય છીના. ‘હિમાલય, તમારી કન્યાને એવો પતિ મળશે કે જે અમાન હશે, જેને કોઈ મા-બાપ જ નહીં હોય, ઉદાસીન રહેતો હશે, તમામ સંશયો એના ક્ષીણ થઈ ગયા હશે, વિશ્વાસનું પ્રતીક હશે, જોગી હશે, નિષ્કામ હશે. તમારી દીકરીની હાથની રેખામાં આવું લખ્યું છે.’ માતા-પિતા રડી પડ્યાં! માતા-પિતાની આંખમાં આંસુ આવ્યાં. ઉમાને પ્રસન્નતા હતી કે વરરાજાનાં જે લક્ષણો બતાવ્યાં એ તો શિવ જ ધરાવે છે. મારે શિવને જ પ્રાપ્ત કરવા છે. માતા-પિતા પાસે જઈને પાર્વતીએ તપ કરવા જવાની રજા માગી. પાર્વતી તપનો માર્ગ પકડે છે. ‘રામાયણ’માં લખ્યું છે કે પાર્વતીએ બહુ તપ કર્યું. શરીર સાવ સુકાઈ ગયું. પછી આકાશવાણી થઈ, ‘હે હિમાલયપુત્રી, તમને ભગવાન શંકર પ્રાપ્ત થશે, પરંતુ તમારાં માતા-પિતા બોલાવે ત્યારે તપ છોડીને ઘરે જજો.’ આ તરફ ભગવાન શંકર સતીનાં બળી ગયાં પછી એકલાં એકલાં ફરે છે. બાદમાં ધ્યાનમાં બેસી જાય છે. અહીંયા પાર્વતી કુંવારી છે. ભગવાન રામજી શિવજીની પાસે પ્રગટ થાય છે અને પાર્વતીનો સ્વીકાર કરવા કહે છે. શિવજીએ પોતાના પ્રભુના આદેશ અને માગણીને મસ્તક પર ધારણ કર્યાં. જેના માટે વ્રત કરતા હોઈએ એ તત્ત્વ જ આપણને એમ કહે કે હવે તમે આ કરો તો એમ કરવું. તમે ગુરુને ઘરે જાવ, તમે ઉપવાસ કરતા હો અને ગુરુ કહે કે ભાઈ, પ્રસાદ લઈ લો; તો મારી વ્યક્તિગત સલાહ છે કે તમારે પ્રસાદ લઈ લેવો. ગુરુએ તમને પ્રસાદની ઓફર કરી એ જ તમારા વ્રતનું ફળ છે. વચ્ચે તાડકાસુર નામનો રાક્ષસ થયો. એના ત્રાસમાંથી મુક્ત થવા બધા દેવતાઓએ શિવજીની સમાધિ તોડવાની યોજના બનાવી. કામદેવે પોતાની માયાનો વિસ્તાર કર્યો. કામ બહુ મોટી શક્તિ છે, એનો ઈન્કાર ન થઈ શકે. દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજી, એમણે પોતાના એક ગ્રંથમાં લખ્યું છે કે કામથી મુક્ત થવા માટે ત્રણ પ્રકારના ઉપાયો આપણા ઈતિહાસમાં દેખાયા. એક વર્ગે આપણા સમાજમાં ‘આ પાપ છે, આ અપરાધ છે’, એમ ગણીને કામની ઊર્જાની નિંદા કરી છે. પછી બીજો વર્ગ આવ્યો, એ થોડો સંયમી આવ્યો કે ભાઈ, કામને સ્વીકારવો તો પડે; એક વસ્તુ તમે સમજી લો કે જન્મે એનામાં કામ ઊર્જા હોય જ. એટલે બીજો વર્ગ જે આવ્યો એ ગુરુને સેવતાં સેવતાં સંયમી બનીને કામની ઉપર નિયંત્રણ કરવા લાગ્યો. શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે- રામ ભજન બિનુ મિટહિં કિ કામા. થલ બિહીન તરુ કબહુઁ કિ જામા. મારો તુલસી કહે છે કે રામના ભજન વિના કોઈનો કામ મટ્યો છે? તુલસીદાસજીએ ‘માનસ’માં જે કામદર્શન કર્યું છે એ અદ્્ભુત છે, બહુ જ પ્રેક્ટિકલ છે. આપણે વાતો કરીએ કે કામથી આમ થાય! બાકી બહુ જ કઠિન મામલો છે. રામભજન જેનું વધારે હશે એનેય મુશ્કેલી પડશે, પણ રામભજનની તીવ્રતા પતન નહીં થવા દે. કામ પ્રબળ તો બનશે, પણ પતન ન થવા દે રામનામ. સ્વાર્થી દેવતાઓએ હોશિયારીથી ભગવાન શિવ આગળ ભગવાનને પરણવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. શિવજીએ કહ્યું, મારા હરિએ મને આજ્ઞા કરી છે એટલે હું પરણીશ. શિવવિવાહની તૈયારી ગણોએ શરૂ કરી. જટા, ભસ્મ, સર્પ, મૃગચર્મ આદિનો શણગાર સજ્યો છે. દેવતાઓ સજીને તૈયાર થયા. ભૂત-પ્રેતોને જોઈને સ્વાગત સમિતિના સભ્યો બેહોશ થઈ પડી ગયા! આખરે શિવજી વિવાહ મંડપના દ્વારે આવ્યા. મહારાણી મૈના શિવનાં પોંખણાં કરવા આવે છે. મહાદેવનું રુદ્ર રૂપ જોઈને મહારાણીના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ! નારદજીએ આવી મૈના મહારાણીને કીધું, ‘દેવી, હવે ભ્રાંતિ છોડો. તમે જેને દીકરી કહો છો ને એ તમારી દીકરી નથી, એ તમારી, અખિલ બ્રહ્માંડની મા છે. તમે આંગણે જેનું અપમાન કર્યું, એ મહાદેવ શિવ છે અને આ શક્તિ છે.’ મારે એટલું જ કહેવાનું કે આપણે આંગણે શિવ આવે છે, આપણા ઘરમાં દીકરીના રૂપમાં કોઈ ને કોઈ શક્તિ હોય છે પરંતુ નારદ જેવો કોઈ સદ્્ગુરુ સમજણ આપે ત્યારે જ આ ખબર પડે છે. નવો ભાવ જાગ્યો છે. મંડપના દ્વારે શિવજી પોંખાયા. એક પછી એક આચાર્યો વિવાહનો વિધિ શરૂ કરે છે. આખરે પાર્વતીનું પાણિગ્રહણ મહાદેવે કર્યું. કન્યાવિદાયનો સમય થાય છે. હિમાલય તો સ્થિરતાનું પ્રતીક છે, પણ આજ એ પણ ઢીલા પડ્યા છે. મારા સમાજને મારી પ્રાર્થના કે, જે મા-બાપ આટલા પ્રેમથી અને આટલી મમતાથી તમારા ઘરે પોતાની દીકરી મોકલે ત્યારે એના મા-બાપને લાગણી હોય એના કરતાં સવાઈ લાગણી એ દીકરીને આપીને એની માનસિકતા એવી કરજો કે એને એનો બાપ યાદ ન આવે. તો કન્યા વિદાય થાય છે. મા-બાપે દીકરીને શું શિખામણ આપી છે? કરેહુ સદા સંકર પદ પૂજા. નારિધરમુ પતિ દેઉ ન દૂજા. માતા-પિતાએ કહ્યું, ‘બેટી, શંકરપદની પૂજા કરજે. નારીનો ધર્મ છે કે એનો પતિ જ એનો ઈષ્ટ છે.’ ને આપણો સમાજ બહુ જ રૂડું કામ કરે છે કે જ્યારે કોઈ બાપ પોતાની દીકરીના પીળા હાથ ન કરાવી શકે અથવા તો આજના ખર્ચામાં તૂટી જાય ત્યારે આપણે ત્યાં જે સમૂહ વિવાહની જે પ્રથા થઈ છે, એ પણ એક ઉપકારક ઘટના છે. કોઈ સંપન્ન માણસ બધી જ દીકરીઓને પોતાની દીકરીઓ માનીને એનું કન્યાદાન આપે, એ દેશકાળ પ્રમાણે ઉપકારક ઘટના ગણાય..⬛ (સંકલન : નીતિન વડગામા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.