આપસ કી બાત:કન્હૈયાલાલના અભિનયની ઊંચાઇ

રાજકુમાર કેસવાની8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્હૈયાલાલના અભિનયની સમીક્ષા કરવી હોય તો એમણે 120 ફિલ્મોમાં અદા કરેલી તમામ ભૂમિકાઓને જોવી પડે

લેખક વજાહત મિર્ઝા કન્હૈયાલાલની ટેલેન્ટથી ખૂબ પ્રભાવિત હતા. જે સમયે એમણે લખેલી ફિલ્મ ‘ઔરત’ (40) માટે સુખ્ખીલાલાના પાત્રની વાત આવી ત્યારે એમણે મહેબૂબ ખાનને સમજાવી દીધા કે માત્ર કન્હૈયાલાલ જ આ પાત્રને જીવંત બનાવવાની પ્રતિભા ધરાવે છે. મહેબૂબ ખાને એમની વાત માની લીધી અને એ પોતે પણ કન્હૈયાલાલના અભિનયથી એવા તો પ્રભાવિત થયા કે જ્યારે ‘મધર ઇન્ડિયા’ બનાવવાનો સમય આવ્યો ત્યારે ‘ઔરત’ની તમામ કાસ્ટ બદલી નાખવા છતાં સુખ્ખીલાલાના પાત્ર માટે તો કન્હૈયાલાલને જ બોલાવવા પડ્યા. કન્હૈયાલાલે બીજી વારની આ ફિલ્મમાં પોતાના અભિનયને અનોખી ઊંચાઇ સુધી પહોંચાડ્યો. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માટે નરગિસ પછી સૌથી વધુ ફી કન્હૈયાલાલને જ મળી હતી. એ રકમ હતી માસિક પાંચ હજાર રૂપિયા, જ્યારે નરગિસને મળ્યા હતા માસિક દસ હજાર રૂપિયા. એક વાત ચોક્કસ કહીશ કે કન્હૈયાલાલના અભિનયની સમીક્ષા કરવી હોય તો એમણે 120 ફિલ્મોમાં અદા કરેલી તમામ ભૂમિકાઓને જોવી પડે. ખાસ કરીને વર્ષ 1969ની ફિલ્મ ‘ધરતી કહે પુકાર કે’. આ ફિલ્મમાં તેઓ ‘મધર ઇન્ડિયા’થી વિરુદ્ધ, દેવાદાર ખેડૂતની ભૂમિકામાં છે. નાના ભાઇ સંજીવકુમારના અભ્યાસ માટે જમીનદાર પાસે જમીન ગીરવે મૂકી દેવું લઇને તેના બોજ હેઠળ કચડાતો ખેડૂત. દિલીપકુમારની ‘ગંગા-જમુના’ (61)ના મુનીમજીની ભૂમિકામાં કૂતરાથી બચવાના પ્રયત્ન રૂપે એમણે કરેલા કરતબ અને તેના કારણે ઉત્પન્ન થતી શુદ્ધ રમૂજ કોઇ ભૂલી શકે? દિલીપકુમારે કહ્યું છે કે કન્હૈયાલાલ સાથે સીન કરવો પડકારરૂપ હતો. એ તો ઠીક, મોતીલાલ જેવા ધુરંધર અભિનેતાનો મત પણ દિલીપકુમાર જેવો જ હતો. વાત છે, વર્ષ 1944ની. ધર્મેન્દ્ર ગૌડે એમને સવાલ કર્યો, ‘કન્હૈયાલાલ અંગે તમારો મત શું છે?’ ત્યારે જવાબ મળ્યો, ‘એમના વિશે પૂછો છો? ફિલ્મમાં મારા છોતરાં કાઢી નાખ્યા…! એમનાથી સારો ચરિત્ર અભિનેતા કોઇ નથી. હું તો એમને ‘ગુરુ’ માનું છું.’ થોડા દિવસ પછી એ જ ગૌડસાહેબે કન્હૈયાલાલને મોતીલાલ અંગે એવો જ સવાલ કર્યો. કન્હૈયાલાલે જવાબ આપ્યો, ‘મોતી તો ‘મોતી’ છે. એ લાજવાબ છે. ‘પગલી દુનિયા’માં એમણે મારી હાલત ખરાબ કરી નાખી હતી. અલબત્ત, ફિલ્મમાં હું એમનો મોટો ભાઇ છું. અભિનયમાં હું એમને મારા ‘ગુરુ’ માનું છું. કન્હૈયાલાલની અભિનયપ્રતિભાથી પણ મોટી બાબત હતી, જીવનમાં એમની સહજતા અને પ્રામણિકતા. એ બને ત્યાં સુધી પબ્લિસિટીથી દૂર રહેતા. ક્યારેક જો કોઇ પત્રકાર સાથે વાત કરે તો એકદમ સાચી. એક વાર એમણે એક પત્રકારને ખખડાવી નાખ્યા હતા કે એમના અવગુણ વિશે કંઇ ન લખી એમની પ્રશંસા જ કરી. અને… ‘મધર ઇન્ડિયા’ 1957ની 27 ઓક્ટોબરે દિવાળી પર રીલિઝ થઇ હતી. ફિલ્મના શો હાઉસફુલ જતાં, પણ મહેબૂબ ખાનની તિજોરી સુખ્ખીલાલા જેવા ફાયનાન્સર્સના દેવાઓના કાગળોથી ભરેલી હતી. જોકે પછી ફિલ્મ ટેક્સ-ફ્રી જાહેર થઇ અને મહેબૂબ ખાનની તિજોરી છલકાઇ ગઇ. આવી હતી મહેબૂબ ખાનની ક્લાસિક ફિલ્મ ‘મધર ઇન્ડિયા’. ⬛

અન્ય સમાચારો પણ છે...