સહજ સંવાદ:ઓક્ટોબરમાં રચાઇ હતી ‘આઝાદ ભારત સરકાર’?

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 ઓક્ટોબર, 1915ના દિવસે અફઘાનિસ્તાનમાં, આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેના રાષ્ટ્રપતિ રાજા મહેન્દ્રપ્રતાપ હતા અને વડાપ્રધાન મૌલાના મોહમ્મદ બરકતુલ્લા. રશિયા અને તુર્કીની મદદ લઈને ભારતમાં ક્રાંતિપ્રવૃત્તિ આ સરકાર, અનેક અવરોધો છતાં સક્રિય

ભારતની પહેલી સરકાર કઈ અને ક્યારે? તેના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન? અભ્યાસક્રમોના ઈતિહાસમાં અને સરકારી પરીક્ષાઓમાં સહેલાઇથી જવાબ લખવામાં આવે કે 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મળી, 1950માં બંધારણ રચાયું અને પ્રથમ વડાપ્રધાન બન્યા જવાહરલાલ નેહરુ અને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ, પણ ઇતિહાસના અંધારે વિસ્મૃત એવા બે ‘આઝાદ સરકારો’ની તવારીખ પડી છે. તેનું બંધારણ હતું, રાષ્ટ્રગીત હતું, રાષ્ટ્રધ્વજ હતો, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હતા, પ્રધાનમંડળ પીએન હતું! 29 ઓક્ટોબર, 1915ના દિવસે અફઘાનિસ્તાનમાં, આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેના રાષ્ટ્રપતિ રાજા મહેન્દ્રપ્રતાપ હતા અને વડાપ્રધાન મૌલાના મોહમ્મદ બરકતુલ્લા. ગૃહપ્રધાન મૌલાના ઓબિદુલ્લા સિંધી, વિદેશમંત્રી ડો. ચંપક રમણ પિલ્લાઇ. 6000 સૈનિકોની ફોજ અને લક્ષ્ય ભારતની મુક્તિનું. રશિયા અને તુર્કીની મદદ લઈને ભારતમાં ક્રાંતિપ્રવૃત્તિ આ સરકાર, અનેક અવરોધો છતાં સક્રિય. તે સરકારનો એક મંત્રી ડો. મથુરા સિંઘ ફાંસીના તખ્તે ચડાવવામાં આવ્યો, ભારતમાં. વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું એટલે નક્શો બદલાયો. મહેન્દ્રપ્રતાપ લેનિનને મળ્યા. લેનિનને તેમનો ‘પ્રેમ-ધર્મ’ રસ્તો પસંદ પડ્યો નહીં, પણ તત્કાલીન રાજનીતિને ન સમજાય તેવા વાયદા કરીને રાજાએ ચાલુ રાખ્યું. તેમની કલ્પના એક ‘આર્યન દેશ’ની હતી. 1946માં તેમનું ભારતમાં આગમન થયું અને અનેક વિદ્યાસંસ્થાઓ ખોલી. એક રસપ્રદ વાત એ પણ છે કે 1957ની લોકસભા ચૂંટણીમાં તેઓ મથુરા બેઠક પર ઊભા રહ્યા. સામે કોંગ્રેસનો ઉમેદવાર હતો, પણ ત્રીજા ઉમેદવાર નવા-સવા જનસંઘના અટલબિહારી વાજપેયી હતા! અટલજીએ નોંધ્યું છે કે, ‘રાજા સાહેબને માટે લોકોમાં પ્રેમ અને આદર હતા. તેમણે સ્વતંત્રતા જંગમાં ભાગ લીધો હતો. તેમના દ્વારા સ્થાપિત પ્રેમ આશ્રમ શિક્ષણમાં સક્રિય સંસ્થા હતી. કોંગ્રેસ-વિરોધી લોકલાગણીનો ભરપૂર લાભ તેમણે ઉઠાવ્યો...’ આ ધૂની ક્રાંતિકારની સાહસિક ઘટનાઓ અનેક રહી. તેમાં આ આઝાદ હિંદ સરકાર મુખ્ય રહી. છેક 1915માં સ્થાપિત આ સરકાર પછી બીજો, વધુ પ્રભાવીસંઘર્ષ રહ્યો નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારનો. 21 ઓક્ટોબર, 1943માં તેની રચના થઈ. તેના રાષ્ટ્રપતિ અને સર સેનાપતિ સુભાષચંદ્ર બોઝ હતા. વિદેશ નીતિનું મંત્રાલય તેમણે સંભાળ્યું. આ પ્રધાન-મંડળમાં પાંચ મંત્રીઓ હતા. આનંદ સહાય, વિદેશ વિભાગ, એસ.એ. અય્યર, પ્રચાર વિભાગ, લક્ષ્મી સહગલ મહિલા વિભાગ, મેજર જનરલ એ.સી. ચેટજી નાણાં મંત્રી. આઝાદ હિંદ સરકારને નવ દેશોએ રાજકીય માન્યતા આપી. તેમાં જાપાન, જર્મની, ઈટાલી, બર્મા, ફિલિપાઇન્સ, થાઈલેંડ, વાંગ ચિંગ વેઇ, મંચુરિયા હતા. 21 ઓક્ટોબર, 1943માં રચવામાં આવી આઝાદ હિંદ ફોજ. 25000 બ્રિટિશ સેનાના પરાજયને લીધે જાપાન હેઠળ આવતા યુદ્ધ કેદી ભારતીય સૈનિકો અને બીજી 25000 ભરતી થઈ. તે દક્ષિણ એશિયામાં ભારત મુક્તિ માટે તત્પર ભારતીયો હતા. કર્નલ જે. કે. ભોંસલે મિલિટરી બ્યૂરોના વડા હતા. આર્મી કમાન્ડ મેજર જર્નલ એમ.ઝેડ. કિયાનીને હસ્તગત હતું. આઝાદ હિંદ સરકાર અને ફોજનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, તે ત્રિરંગો તો હતો, પણ કોંગ્રેસનાં ચરખાને સ્થાને રોયલ બંગાલી ટાઈગર ગરજતો હતો. 60000 સૈનિકોમાં 1500 અફસરો નિયુક્ત થયા. તેનું રાષ્ટ્રગીત રવીન્દ્રનાથના ‘જન ગન મન...’થી થોડું અલગ હતું. ‘શુભ સુખ ચૈન કી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા..’થી તેની શરૂઆત થતી. ‘કદમ કદમ બઢાયે જા…’ બીજું સૈનિકી ગીત હતું. પ્રથમ ફીલ્ડ ફોર્સ રેજિમેન્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ રેજિમેન્ટ, સ્પેશિયલ સર્વિસ ગ્રુપ, ઇન્ટેલિજન્સ ગ્રૂપ, રિએન્ફોર્સમેન્ટ ગ્રુપ વગેરેનું ચુસ્ત માળખું હતું. આમથી 26000 સૈનિકો મોરચા પર લડાઈમાં મરાયા. બીજી આરઝી હકૂમતના આ શહીદ સૈનિકોનું સ્મરણ આપણે ન તો ઈતિહાસમાં કે ન નાગરિક ચિત્તમાં કરીએ છીએ. આ સરકારનું પોતાનું ચલણ હતું. સેના હતી, પહેલી વાર મહિલા રેજિમેન્ટ સ્થાપવામાં આવી હતી, તે ‘ઝાંસી રાણી સેના’ના કેટલાંક નામો જાણવા છે? ડો. લક્ષ્મી સ્વામીનાથન. મિસિસ ચિદમ્બરમ. માનવતી પાંડે. જાનકી નાહપન, ડી. કલ્યાણી, પી. નારાયણ કટ્ટી, બેલા મુખર્જી, રમા મહેતા, નેઉ રોય (વાણી ભાદુરી), અરુણા ગાંગુલી, માયા ગાંગુલી, પ્રતિમા સેન, શકુંતલા ગાંધી, જી. કૃષ્ણવેણી, ડો. ગૌરી ભટ્ટાચાર્ય, મમતા મહેતા, કરુણા ગાંગુલી, શાંતિ અને અંજલિ બહેનો, લાવણ્ય ચટ્ટોપાધ્યાય, ક્ષિપ્રા સેન, પ્રતિમા પાલ, મનોરંજિતમ થેવર, શ્રીમતી ચંદ્રન, જાનકી દાવર, પાર્વતી દાવર, રુક્ષ્મણી દેવી, શાંતિ ભૌમિક, પુનમ્મા, રાસમ્મા, શકુંતલા સેમ્યુઅલ, ગૂરુપદેશ કૌર, સત્યવાન કૌર, અઝીઝા બેગમ.... આ તો મહામહેનતે પ્રાપ્ત થોડાંક જ નામો છે. 26000 સૈનિક શહીદોના પરિવારો ક્યાં છે? સતેન વર્ધન, અબ્દુલ કદીર, એસ. આનંદમ, ફોજસિંઘ, માન કુમાર બાસુબુકુર, એન.કે. ડે, ડી.ડી. રાય ચૌધરી, એસ.કે મુખર્જી, એન. બડૂઆ, પી. ચક્રવર્તી, સી. મુખર્જી, કે.પી. આઇચા, છતર સિંહ, નાઝીર સિંહ, દુર્ગામલ... આ બધાને તો 1944માં ભારત લાવીને ફાંસી, તોપના ગોળાથી ઉડાવી દેવાયા હતા. તેની તારીખો પણ મળે છે. મદ્રાસમાં 27 સપ્ટેમ્બર, 1945. દિલ્હીમાં 26 જુલાઇ, 1944ના દિવસે ફાંસીના માંચડે આ આઝાદ હિંદ સરકારના સૈનિક નાગરિકોને ફાંસી આપવામાં આવી, ત્યારે આપણા નેતાઓ ભારત વિભાજન સાથે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા તલસી રહ્યા હતા! પ્રથમ અને બીજી આઝાદ હિંદ સરકારની આ રક્તરંજિત કહાણી! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...