તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:કેમેરાના કસબીએ કરાવી કચ્છની વૈશ્વિક પહેચાન

22 દિવસ પહેલાલેખક: કીર્તિ ખત્રી
  • કૉપી લિંક
  • અેલ. અેમ. પોમલની ક્લિકે ભાતીગળ લોકસંસ્કૃતિના વૈવિધ્યસભર પાસાં કચકડે મઢીને ઇતિહાસ સર્જ્યો છે, 71’નાં યુદ્ધની તસવીરો દસ્તાવેજ સમાન છે

રણોત્સવે કુદરતના બેમિસાલ કરિશ્મા સમા સફેદ રણને વિશ્વખ્યાતિ અપાવી અે પહેલાંયે કચ્છ પ્રદેશ અેની અાગવી લોક સંસ્કૃતિને લીધે ગુજરાત તેમ દેશ-વિદેશમાં જાણીતો હતો. દુલેરાય કારાણીઅે કચ્છનાં લોક સાહિત્યની પહેચાન ગુજરાતને કરાવી તો રામસિંહજી રાઠોડે ભાતીગળ સંસ્કૃતિનાં વૈવિધ્યસભર પાસાંનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને અેની લાક્ષણિકતાઅો રાષ્ટ્રીય ફલક પર ઉજાગર કરી. જ્યારે અાંતરરાષ્ટ્રીય ખયાતિપ્રાપ્ત અેલ.અેમ. પોમલે તસવીર કલાની સાધના કરતાં કરતાં કચ્છની અસ્મિતાને અેક ઋષિની અદાથી તસવીરરૂપે વિશ્વ સમક્ષ પેશ કરીને અનેક માનચાંદ મેળવ્યા. 18મી અોગસ્ટે, તેમની 103મી જન્મજ્યંતીઅે સહેજે તેમના કેમેરાની ક્લિકે સર્જેલું તસવીર સહિત્ય યાદ અાવી ગયું. ઉત્તરે ક્યાંયે ન હોય અેવું રણ, દક્ષિણે મહેરામણ અને પશ્ચિમમાં ડુંગરોની હારમાળા સહિતની ભાૈગોલિક વિશેષતાઅો ધરાવતા કચ્છમાં વરસાદ, પાણીની સતત ખેંચને પગલે સર્જાયેલી અભાવની સંસ્કૃતિનું કોઇ પાસું અેવું નહિ હોય જે લાલજીભાઇ પોમલની ક્લિકે કચકડે નહીં મઢાયું હોય. બન્નીનાં ઘાસિયા મેદાનો પર ધબકતી માલધારિયત, અેમના ભૂંગા, અેમનું પશુધન, પરંપરાગત વસ્ત્ર-ઘરેણાં સજાવેલી જુદી જુદી જાતિઅોની કન્યાઅો, ઘાસચારાની ખોજમાં બેવતન થતા રબારીઅોના કાફલા, મોટા રણમાં પ્રજનન કરતા સુરખાબ કે નાના રણના પ્રખ્યાત ઘુડખર, રાજાશાહીનાં જમાનાની અૈતિહાસિક ઇમારતો, ધાર્મિક સ્થળો, ભાતીગળ લોકમેળા, મલાખડા અને ઉત્સવોની દાયકાઅો પહેલાં તેમણે ઝડપેલી તસવીરો જોઇઅે છીઅે ત્યારે ખ્યાલ અાવે છે કે કચ્છ કેટલું બધું બદલાયું છે અને કેટલું ટક્યું છે. અાઝાદી પછી ખેલાયેલા બે યુદ્ધ પૈકી 1971ના જંગ વખતે ભારતીય ફોજે સિંધ પ્રાન્તનો મોટો વિસ્તાર કબ્જે કરીને ત્રિરંગો લહેરાવ્યો અે સમયના દૃશ્યો ઝડપવાની તકે પોમલભાઇને મળી હતી. અા તસવીરો અૈતિહાસિક દસ્તાવેજ સમાન છે. તો દુકાળ, અર્ધદુકાળ, 1956નો ધરતીકંપ કે 1979ની અતિવૃષ્ટિ સહિતની કુદરતી અાપત્તિઅો વખતની તસવીરો કચ્છની કાયમી પીડાની સાક્ષી પૂરે છે. લાલજીભાઇનો જન્મ અને મૃત્યુ બન્ને ભુજમાં. 18-8-1919માં જન્મ અને 81 વર્ષની વયે 1-10-2000ના રોજ અંતિમ શ્વાસ લીધા. અાઝાદી વખતે કરાચીમાં હતા પણ તે પછી મુંબઇમાં સ્થાયી થયા અને 1965માં ભુજ અાવ્યા. છ-છ દાયકા સુધી મોટાભાગે બ્લેક અેન્ડ વ્હાઇટ (શ્યામ-શ્વેત) ફોટોગ્રાફી કરી અને અેમાં જ માહિર બન્યા. રાષ્ટ્રીય, અાંતરરાષ્ટ્રીય અનેક અેવોર્ડ, સર્ટિફિકેટ મેળવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાયે શહેરોમાં તેમના પ્રદર્શન યોજાયા. ખાસ કરીને મોટા રણ સ્થિત સુરખાબ-ફ્લેમિંગો વસાહતની જાણીતા પક્ષીવિદ્ ડો. સલીમ અલી સાથેની મુલાકાત અને અે સમયની બ્લેક અેન્ડ વ્હાઇટ તસવીરોઅે લાલજીભાઇને દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ અપાવી. હંજ પક્ષી રણમાં અાવીને પોતાના માળા ચીકણી માટીથી તૈયાર કરવા લાગે ત્યારથી કરીને અાઠ મહિના પછી સુરખાબ બાળબચ્ચાં સાથે પાછા જાય ત્યાં સુધીની જીવનચર્યાની અાશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી તસવીરોએ પોમલભાઇને મૂઠ્ઠી ઉંચેરા કલાકાર તરીકે પ્રસ્થાપિત કરી દીધા. અે સમયે 1970માં તેઅો ચાર દિવસ હંજબેટ પર રોકાયા હતા અને ઇંડાંમાંથી બચ્ચું ડોક બહાર કાઢે ત્યાંથી કરીને ચાલે, દોડે, ઉડવાનું શીખે, કાદવમાં ચાંચ ખુપાવીને ખોરાક મેળવે... બધા બધા પ્રકારની તાલીમ માટે જાણે બાળમંદિરથી માધ્યમિક સુધીનું શિક્ષણ અપાતું હોય અેવી અા તસવીરોનું પ્રદર્શન અાજે પણ યોજાય છે ત્યારે લોકો અેને જોવા ઉમટી પડે છે. મૃદુભાષી પોમલભાઇ અચ્છા ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ હતા. ગુજરાતી દૈનિકો અને સામયિકોમાં તેમનાં છાયાચિત્રો, રેખાચિત્રો નિયમિત છપાતા. બ્લેક અેન્ડ વ્હાઇટ તસવીરોમાં વોટર કલરથી રંગ કરવાની તેમનામાં ગજબની કુનેહ હતી. અે જમાનામાં ધર્મયુગ અને ઇલ્સ્ટ્રેટેડ વિકલી, જેવા રાષ્ટ્રીય કક્ષાના અઠવાડિકો અને જી જેવા ફિલ્મી મેગેઝિનોમાં રંગેલી તસવીરો ધૂમ મચાવતી રહી હતી. અા પ્રકારે વોટર કલરથી રંગીન તસવીર બનાવીને મુખપૃષ્ટ પર છાપવાની પદ્ધતિના લાલજીભાઇ પ્રણેતા હતા. રંગીન તસવીર કલાનો યુગ અાવ્યો તો પોમલભાઇઅે તેમાં પણ નિપુણતા મેળવી. તેઅો હંમેશાં કહેતા કે રંગીન કરતાં શ્યામ-શ્વેત તસવીરમાં જાન પુરવાનું વધુ મુશ્કેલ છે. દા.ત. કુદરતી દૃશ્ય કે પોટ્રેઇટ તસવીર ઝડપતી વખતે સામેનું ચિત્ર-દૃશ્ય બહુરંગી હોય છે પણ તેની છાપ કચકડે તો માત્ર સફેદ અને કાળા રંગમાં જ ઉપસવાની છે. તેથી દૃશ્યની પ્રમાણભૂત ઊંડાઇ કે ચહેરાની રેખાઅોના વળાંક જીવંત લાગે અે રીતે પ્રકાશ અાયોજન સહિતનાં પાસાંમાં કુનેહ કેળવવી પડે. પોમલભાઇની તસવીરોઅે પ્રજાહિતમાં ભાગ ભજવ્યો હોય અેવા બે કિસ્સા જાણવા જેવા છે. 1981માં કચ્છના પત્રકારો દિલ્હીમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળ્યા અે ટીમમાં પોમલભાઇ પણ હતા. ભાતીગળ કચ્છની તસવીરો ઇન્દિરાજીઅે રસપૂર્વક જોઇ. કચ્છના અખાતમાં અાવેલા પિરોટન ટાપુ પરની જીવસૃષ્ટિની તસવીરો જોઇ આફરીન પોકારી ઉઠ્યા ત્યારે અેક પત્રકારે ધ્યાન દોર્યું કે હવે તો સિમેન્ટનાં કારખાનાઅો ત્યાં અાવી જશે તેથી જીવસૃષ્ટિને નુકસાન થશે. માનશો, ઇન્દિરાજીઅે અા વાત મન પર લઇ લીધી અને થોડા મહિનામાં જ અાખો વિસ્તાર ‘મરીન નેશનલ પાર્ક’ જાહેર થયો. બીજો કિસ્સો 1979ની અતિવૃષ્ટિનો છે. અે વખતે મોરબી પર મોટી અાફત મચ્છુડેમ ફાટવાથી અાવી પડી હતી અેટલે અખબારો-સરકારનું ધ્યાન અે તરફ હતું. કચ્છનાં અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનની કોઇને જાણ નહોતી પણ, પોમલભાઇની તસવીરો ગુજરાતના અખબારોમાં પ્રસિધ્ધ થઇ કે તરત જ સરકાર સાબદી થઇ ગયેલી. જાણીતા કવિ-શાયર અમૃત ઘાયલ અને મહેન્દ્ર ‘સમીર’ સાથે મળીને પોમલભાઇઅે ‘રંગ’ નામની સંસ્થા રચી હતી જે અે સમયે કચ્છની સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃતિનું કેન્દ્ર બની ગઇ હતી. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...