સહજ સંવાદ:નજર પાકિસ્તાની લેખકની, વાત ગુજરાતની…

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

ઈલ્લિગલ ઓક્યુપેશન ઓફ જૂનાગઢ: એ પાકિસ્તાની ટેરિટરી’ પુસ્તકનું નામ. સ્વાભાવિક રીતે 1947માં જૂનાગઢથી પાકિસ્તાન ચાલ્યા ગયેલા સિંધી લેખક અબ્દુલ રઝાક થાપલાવાલાએ તે લખ્યું છે. બીજું પુસ્તક છે ‘તારીખે બાંટવા’. યુસુફ અબ્દુલ માંડવિયા તેના લેખક છે. આ જૂનાગઢ, થાપલા, બાંટવા, માણાવદર, સરદારગઢ, કુતિયાણા, સોઢાણા-વડાલા, બાબરિયાવાડ, માંગરોળ... આ સ્થાનો છેક યુનોના નિષ્ણાતોના અહેવાલોમાં નોંધાયેલા છે. 1947માં જૂનાગઢ માણાવદર નવાબોએ પોતાનાં રજવાડાંઓને પાકિસ્તાનની સાથે જોડવાની જાહેરાત કરી ત્યારે ઉત્પાત શરૂ થયો. આરઝી હકૂમત રચવામાં આવી. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને કનૈયાલાલ મુનશી મુંબઈથી સક્રિય થયા. આસપાસના રજવાડાની સેના સાબદી થઈ, સૌરાષ્ટ્રના સ્થાનિક આગેવાનો પણ જૂનાગઢ-મુક્તિના સંઘર્ષમાં જોડાયા. નવાબોના રાજ્યની હિંદુ પ્રજાની હિજરત પાડોશી રાજ્યોમાં થઈ. આરઝી હકૂમતના આગમનથી સ્થિતિ બદલાઈ ત્યારે સ્થાનિક મુસ્લિમોનો એક ભાગ પાકિસ્તાન હિજરત કરી ગયો, સિંધ પાકિસ્તાનથી હિંદુઓએ ઉચાળા ભર્યા. તેમાંના આ બે લેખકોએ આ પુસ્તકોમાં એવી દલીલ કરી છે કે આ પ્રદેશો પાકિસ્તાનની સાથે જોડાયા હતા અને ભારતે તેનો ગેરકાયદેસર કબજો લીધો છે. કરાંચીમાં વારંવાર મળતી સભા કે બેઠકોમાં આ મુદ્દો ચોક્કસ યાદ કરવામાં આવે છે અને જૂનાગઢના વિસ્તારને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરવાની માગણી અને ઠરાવો થાય છે. પાકિસ્તાન સરકાર માત્ર કાશ્મીરના મુદ્દાને સ્થાપિત રાખવા માટે જૂનાગઢ, માણાવદરને ‘વિવાદાસ્પદ પ્રદેશ’ તરીકે ટપાલની ટિકિટ પ્રકાશિત કરે છે, બાકી આ નવાબોને હવે આસાનીથી ભુલાવી દેવાયા છે. આ અંગ્રેજી પુસ્તકનાં 18 પ્રકરણો છે. તેમાં ગેરકાયદે પ્રાપ્તિ, તેની વ્યૂહરચના, પાકિસ્તાનનું બંધારણ, ટપાલ ટિકિટો, પાકિસ્તાની સિક્કા, સરદાર વલ્લભભાઈના વિભાગના સચિવ વી. પી. મેનનના કરાર અને ચર્ચાઓ, આરઝી હકૂમતની રચના, ભારતીય સેનાનો પ્રવેશ, બે વડાપ્રધાનો (ભારત અને પાકિસ્તાન)ની વચ્ચે પત્રવ્યવહાર, લોકમત (રેફરેન્ડમ)નું ફારસ, માણાવદર પર ભારતનો કબજો, બાંટવા અને કુતિયાણા, પાકિસ્તાન આવેલા હિજરાતીઓનું પાકિસ્તાન રચનામાં પ્રદાન અને છેલ્લું પ્રકરણ ‘લાસ્ટ ડેઝ ઓફ જૂનાગઢ’. આટલામાં તેમણે પાકિસ્તાની નજરે 1947ના આ ઈતિહાસને તપાસ્યો છે. 2008માં આ પુસ્તક કરાચીમાં છપાયું હતું. તેની કોઈ કિમત રાખવામાં આવી નહોતી. પ્રકાશન સ્થાન કરાચી છે. જોકે, હવે આ પુસ્તક ડિજિટલમાં મળી રહે છે. એક વધુ પુસ્તક ‘બાંટવા-કલ ઔર આજ’ છે, ત્રીજું ‘તારીખે બાંટવા’. આઈને અકબરીમાં પણ બાંટવા ચોર્યાસીનો ઉલ્લેખ છે. પાકિસ્તાન માટે નવાબને પ્રેરિત કરનાર એક તો જનાબ શાહનવાઝ ખાન ભુટ્ટો હતા, જેના પુત્રે પાકિસ્તાનમાં વડાપ્રધાન પદ તો હાંસલ કર્યું, પણ સેનાએ ઝુલ્ફીકાર અલીને ફાંસીના માચડે ચડાવી દીધો, તેની બેટી બેનઝીર થોડો સમય સત્તા પર રહી પણ તેની હત્યા થઈ, હવે તેની ત્રીજી પેઢી રાજકારણમાં છે. જૂનાગઢ નવાબને ગેરરસ્તે દોરનારો એક સ્થાનિક નેતા ઈસ્માઈલ અબ્રાહની હતો. બાંટવામાં બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાને લઈ જનારો આ અબ્રાહની હતો. બાંટવાના મેમણ શ્રીમંતોએ ઝીણાની અપીલથી મુસ્લિમ લીગને મોટો ફાળો આપ્યો. અબ્રાહનીને પછી જેલમાં રખાયો હતો. તેની આખી જિંદગી, પાકિસ્તાનમાં નહીં, જૂનાગઢમાં ગઈ. પછીનો ઇતિહાસ પણ સોરઠની ભૂમિ પર ખેલાયેલા અંતિમ સ્વાતંત્ર્ય જંગનો રસપ્રદ અધ્યાય છે. નવાબ ક્રિકેટ હોકીના શોખીન છેક 1938થી તેના રમતવીરોની ટીમ વિદેશોમાં જતી. સિડનીમાં તેનો ભારે વિજય થયો હતો. પાકિસ્તાનના ઈતિહાસમાં આની જિકર છે. જૂનાગઢના નવાબને ગીત, સંગીત, નાટકનો શોખ હતો. કરાચી ગુજરાતી ભાષાના અસ્તિત્વ સાથે જોડાયેલુ રહ્યું. જનાબ પોલાણી ટ્રાવેલ્સનો વ્યવસાય કરે, પણ તેનું સામયિક ‘મેમણ ન્યૂઝ’ ગુજરાતીમાં છપાય. તેના પહેલા પાને એક વાક્ય અવશ્ય હોય, ‘ગુજરાતીમાં વાંચો, ગુજરાતીમાં લખો, ગુજરાતીમાં વિચારો!’ 1996માં એક પ્રતિનિધિમંડળ આવ્યું તેમાં પોલાણી હતા અને આ લેખકને મળ્યા હતા. 1947માં જે નગર છોડ્યું હતું તે બાંટવાની મુલાકાત પણ લીધી હતી. કરાંચીના અને સિંધના કવિઓ પોતાના વતનની સાથે ઉપનામથી જોડાયેલા રહ્યા છે. કોઈ બાંટવિયા, કોઈ કુતિયાણવી, કોઈ જેતપુરી, કોઈ માણાવદરી.... હજુ પણ કેટલાંક ગુજરાતી સામયિકો પ્રકાશિત થાય છે, એક જમાનામાં ‘ડોન’ અખબારનો દબદબો હતો. પાકિસ્તાની મુખ્ય બેંક હબીબ બેંક છે, આ જનાબ હબીબનું વતન બાંટવા હતું. મેગેસેસે ઍવોર્ડ મેળવનાર સામાજિક નેતા જનાબ એધી પણ બાંટવાના. જૂનાગઢ 9 નવેમ્બર, 1947 એટલે કે આઝાદીની 15 ઓગસ્ટ પછી ચાર મહિને આઝાદ થયું, ઉપરકોટ પર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરક્યો, સરદારની સભા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં 13 નવેમ્બરે યોજાઇ. ત્યાંથી તેઓ સોમનાથ ગયા. ભગ્ન ખંડિયેર સોમનાથ દેવાલયની પુન: પ્રતિષ્ઠાનો સંકલ્પ લીધો. નવાબ અને શાહનવાઝ પાકિસ્તાન ચાલ્યા ગયા. માણાવદર નવાબે પણ તેમ કર્યું. આદમજી મેમણ જે કપાસના કિંગ કહેવાતા તેની ચોથી પેઢી પણ કારોબાર કરે છે. તેઓ સમુદ્ર માર્ગેથી કરાંચી પહોંચ્યા. પુસ્તકોથી પ્રશ્નો જીવંત રાખવાની કોશિશ થાય. તેમાંના ત્રણની આપણે ચર્ચા કરી. હવે ત્યાં શું પ્રકાશિત થાય છે તેની પૂરી માહિતી મળતી નથી અને નવી પેઢી ભૂતકાળનાં હાડપિંજરો ખોલવા માગતી નથી, તેમની સામે બીજી જ સમસ્યાઓ છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...