તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:ઇન્સાનથી જાનવર સુધી સ્વર્ગ-નર્કનો ફર્ક!

સંજય છેલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ કોલમ ચોખાની જેમ જૂની કોલમ વધુ સ્વાદ આપે એ જરૂરી નથી! (છેલવાણી) કોરોનાકાળમાં અમુક પાવરફુલ લોકોને તરત રસી મળે છે, બેડ મળે છે… એવા સમાચાર આવ્યા છે... પણ વેલ, વગદાર માણસ હોવાના આમેય બહુ ફાયદાઓ છે! નોર્મલી, કોઈ ગુજરાતી લેખક ફાઈવ સ્ટાર હોટેલમાં જાય એ માન્યામાં ન આવે, પણ અમે નસીબદાર છીએ કે ફિલ્મ-ટીવીની આવકને કારણે ફાઈવ સ્ટાર હોટેલમાં બી.એમ.ડબલ્યુ કારમાં અવારનવાર જઈ શકીએ છીએ, પણ ત્યાં ફાઈવ સ્ટાર હોટેલમાં એન્ટર થતી વખતે એક વાતની હંમેશ નવાઈ લાગતી હોય છે કે સાત ફીટ ઊંચો શીખ પુરુષ, અમારા જેવા પાંચ ફીટ પાંચ ઈંચના શરીર સામે ઝૂકીને ‘ગુડ ઈવનિંગ’ કહીને સલામી આપે છે! અમે 100ની નોટ આપશું એ આશાએ દરવાન, પોતાના જાજારમાન શરીરને 90 ડિગ્રીએ ઝુકાવીને આવકારે છે! ત્યારે થાય કે માણસ, જો જંગલમાં જીવતો હોત તો પેલો જાયન્ટ દરવાન આ રીતે સલામી આપત? પહેલાં તો મારા જેવું નાનું પ્રાણી જોઇને પેલું વિશાળકાય પ્રાણી એને બે હાથેથી ઊંચકીને સો-બસો ફીટ દૂર ફેંકી દેત! પણ આપણે માણસ છીએ એના બેનિફિટ્સ છે કે આપણાથી તાકાતવર પ્રાણી પણ આપણને આદર આપે છે, કારણ? કારણ છે, પૈસો, પાવર, રૂતબો! 100 રૂ.ની ટિપ્સ માટે સાત ફીટનો માણસ, પાંચ ફીટના માણસ સામે ઝૂકી જાય છે, માત્ર આપણાં ખિસ્સામાં રહેલ કરન્સીને કારણે. લેખકો, કવિઓ કે ચિંતકો હંમેશાં કહેતા હોય છે કે, માણસે પ્રાકૃતિક રીતે જીવવું જોઈએ. લખવા-બોલવા માટે વાત સારી છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે લખનારો પોતાના ફ્લેટમાં પંખા કે એ.સી. નીચે બેસીને લખતો હોય કે બંગલામાં હિંચકા પર ઝૂલતાં ઝૂલતાં સલાહ આપતો હોય! એ જ લેખક જો જંગલમાં સુક્કા પાંદડાંનું સ્કર્ટ પહેરીને, ઝાડ નીચે બેસીને આવું લખવા બેસે તો એને ખબર પડે કે કેટલા ભમરા કે મચ્છર એને ચટકા ભરશે. કદાચ લેખ પૂરો કરીને લેખક જેવો ઊભો થશે ત્યારે સામે ભૂખ્યો વાઘ મોં ફાડીને એને ખાવા માટે તૈયાર જ ઊભો હશે. ‘પ્રાકૃતિક રીતે જીવવું’વાળો લેખ એનો આખરી લેખ બની જશે ને વાઘ, લેખકને જીવતો ખાઈને, પેલા લેખ પર હાથ-પગ લૂછીને ચાલતી પકડશે! ઇન્ટરવલ તમે ઓલા કાગડાને પાળો કે ના પાળો, કાગડો તો પીંછાંથી ચાંચ લગી કાળો. (રમેશ પારેખ) ટૂંકમાં, માણસે કુદરતી રીતે જીવવું એમાં પોએટ્રી ભલે છે પણ પ્રેક્ટિકલ વાત નથી. જંગલમાં ટહુકો કરતી કોયલ કે ફરફર ફરતાં પતંગિયાં સિવાય બીજાં પણ ખતરનાક પ્રાણીઓ વસે છે, જેને માણસને ખાઈ જવામાં જ રસ હોય છે. આપણે આપણાં નગરોમાં સલામત બચ્યાં છીએ. આપણાથી કમજોરને ડરાવી, દબાવી શકીએ છીએ. આપણા કરતાં તાકતવર કે ચાલાક માણસને છેતરી પણ શકીએ છીએ. માણસને સૌથી મોટો બેનિફિટ છે - ચતુરાઈ! કદી તમે વિચાર્યું છે કે જો જંગલમાં આપણા જેવો સમાજ હોત તો અને એક બૂઢા હરણ પાસે માણસની જેમ બંગલો કે બેંક બેલેન્સ હોત તો ‘મેં એ સાહેબમાં મનની બ્યૂટી જોઈ.’ એવું કહીને જુવાન હરણી, કોઇ યંગ હરણને છોડી દેત? કોઇ લંગડાતા ઘોડાના અમીર બાપ પાસે એનું પોતાનું ‘રેસકોર્સ’ હોત, તો જંગલની સૌથી જુવાન ઘોડીને લંગડા ઘોડાનાં મા-બાપ પરાણે પરણાવી દેત કે નહીં? કોઇ ખૂનખાર સિંહને પરણેલી જાડી સિંહણ પતિને પૂછત કે,‘ઓ વનરાજ, હાલો હવે આ છોકરાંવને જંગલામાં ફરવા લઈ જાવ ક્યારેક...’ તો જંગલનો રાજા આવી કચકચ સાંભળી લેત? એક ઉઠાવીને દેત અથવા કોઇક જુવાન સિંહણ સાથે જતો રહેત! એ જ રીતે માણસને યાદશક્તિના પણ ઘણા ફાયદા છે. અમેરિકાથી પાછા ફરીને સોળ વર્ષનો પૌત્ર, એરપોર્ટ પર 86 વર્ષના દાદાને ગળે વળગીને રડે છે. જંગલમાં તો વૃદ્ધ મૃત પ્રાણીને છોડીને જુવાન જાનવરો બેરહેમીથી આગળ નીકળી જતા હોય છે, પણ માણસો, વૃદ્ધત્વને, કુટુંબ વ્યવસ્થાને કે સંબંધોને ઈજ્જત આપે છે. સિનિયર પ્રોફેસર કે મેનેજર રિટાયર થાય છે, ત્યારે સ્ટાફ/સ્ટુડન્ટ્સ બધા રડે છે. જંગલમાં ઘવાયેલા ઘોડાને, લંગડાતા હાથીને મૂકીને જુવાન જાનવરો ચૂપચાપ ચાલતી પકડે! વળી, મનુષ્ય તરીકે આપણને જૂનાં દુ:ખમાં રાચવાની ફેસિલિટી છે. તમે 20-25 વર્ષ જૂની પ્રેમિકાને મળીને ઇમોશનલ થઈ શકો છો. જાનવરો ‘હાય રે મારી પ્રિય સોનલ કે મારો ફર્સ્ટ લવ પંકજ...’ વગેરે કહીને આંસુ વહાવતાં નથી. જાનવરો જૂનાં સંબંધો કે અધૂરા પ્રેમને યાદ રાખીને કવિતા કે ગઝલો લખી શકતાં નથી. જો ખૂનખાર ચિત્તાને ખબર પડે કે એની પ્રેમિકા કોઇ જૂના પ્રેમીને યાદ કરીને રડે છે, તો એ છલાંગ લગાવીને પહેલાં તો પ્રેમિકાને અને પછી એના જૂના પ્રેમીને ફાડી નાખે અને ખાઈ જાય! માણસ, યાદોમાં કે સંબંધોની યાદમાં ઝૂરીઝૂરીને જીવે શકે છે, જાનવરો નહીં. જો બિચારા જાનવરોમાં માણસો જેવા ઈમોશન્સ હોત તો? તો કોઇ માદા ચિત્તા આવો પ્રેમપત્ર લખત કે : ‘પ્રિય ચિત્ત હરનાર ચિત્તા, તને મળ્યાને વર્ષો થયા. તું ક્યાં છે, ખબર નથી! કદાચ તને શેર ખાઈ ગયો હશે. એના પર એક શેર યાદ આવે છે : ‘જો શેર તને ખાવા આવે તો તું રડતો નહીં, મર્યા પછી યાદોમાં કનડતો નહીં!’ હોઈ શકે તું શહેરમાં કોઈ સર્કસ કે ‘ઝૂ’માં હો! આમ તો હું પણ ‘ઝૂ’માં જ જીવું છું. ‘ઝૂ’ - ઝૂરવાનો ‘ઝૂ’....યાદ છે ને? પહેલી વાર જંગલની બહાર નદી કાંઠે તરાપ મારીને તેં સસલાને પકડેલું, એ જોઈને જ હું તારી દીવાની થઈ ગયેલી. જોકે આજે હું જંગલમાં સિનિયર ચિત્તા સાથે પરણીને સુખી છું. મારી પાસે બધું છે, ઝાડ પર રહેવાની ડાળ છે. મારો વર, રોજ નવા શિકાર કરી લાવે છે. વનમાં સૌથી લાંબી છલાંગ લગાવી શકે છે, પણ મેં તો તારા હૃદયમાં છલાંગ લગાવેલી! તું જો પાછો આવીશ તો હું તારી સાથે ભાગી નીકળીશ! મારાં છ-સાત (ખબર નહીં કેટલાં) બાળકોને મૂકીને દોડી આવીશ. મારો વર ભલે તને ફાડી ખાશે તોયે મને ચાલશે!’ જોકે, માણસો, રાજકારણી બનીને સત્તા માટે જાનવરથી બદતર બની શકે છે અને જાનવરો બિચારા કમ સે કમ ઇલેક્શન તો નથી લડતા! એન્ડ ટાઇટલ્સ આદમ: પ્રાણીઓમાં આભડછેટ હોય? ઇવ: મેં તો તારા વિશે એવું વિચાર્યું જ નથી? ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...