તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:સમજદારીનો શણગાર

4 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
 • કૉપી લિંક

સુખનો એક સળંગ ટુકડો
છટકી ગયો છે હાથમાંથી
વિખેરાઇ ગયા છે એના નાના નાના ટુકડાઓ
અનેક દિશાઓમાં
સુખના અંશને આમ કહેવાય તો
સુખ જ ને?
સુખનું સત્ત્વ હણાઇને શું વેરાઇ ગયું છે
તમામ હિસ્સાઓમાં
સરખે ભાગે!
કે પછી –
આ છુટ્ટા, અલ્પપરિચિત અંશો
વધુ દૈદીપ્યમાન બની ગયા છે,
સુખના પેલા અકબંધ ટુકડા કરતાં?
સુખની સુખમાં વિભાજિત થવાની પ્રક્રિયા
પીડા જન્માવે, એમ બને?
ના, નથી જોઇતી મારે
સુખ સાંધવા માટેની સોય
મને સુખને સીવતાં આવડે છેય ક્યાં?
આંગળીઓ લોહીલુહાણ બની જવાનો
મને ડર છે.
ભલે રહ્યાં એ ટુક઼ડાઓ
વેરવિખેર
શક્ય છે, એ શીર્ણવિશીર્ણતામાંય
મને કોઇ લય દેખાય.
-શિશિર રામાવત

સુખ નંદવાઇ ગયું છે. વસ્તુ અને વ્યક્તિમાં વહેંચાઇ ગયું છે. સુખ સંકોચાઇ ગયું છે. સગવડો અને સંબંધોમાં ગૂંચવાઇ ગયું છે. સુખ ડિપ્રેશનની દવા બની ગયું છે. ગઇ કાલ સુધી ગામડાના ભેરુઓ સાથે મેળામાં મહાલતું હતું, હવે એકાએક એકલતા બની ગયું છે. સુખ પણ મરદનો આવિષ્કાર છે. અરીસો તૂટે પછી તૂટેલી પ્રત્યેક તિરાડ અરીસો બને છે, સુખ એમ ગાંજ્યંુ થોડી જાય? દુ:ખના ભાવમાં તેજી છે પણ સુખ તો સનાતન છે. સુખ બધાંમાં છે. દુ:ખ તરત મળે છે, કારણ કે દુ:ખને તરત મહેફિલમાં છવાઇ જતાં આવડે છે. સુખ મહેફિલમાં પોતાની મસ્તીમાં પોતાનો ખૂણો પાળીને એકાંતને માણવામાં માને છે.
સુખ વિખેરાય પછી પણ સુખ જ રહે, એનું સત્વ સરખે ભાગે તમામ હિસ્સાઓ સાથે ટુકડો થયા પહેલાંના અંશો કરતાં પણ વધું દૈદીપ્યમાન બની ગયા છે. સુખ તૂટ્યું ત્યારથી દુ:ખ મળ્યું એવું આપણને લાગે છે, પણ કવિને તો તૂટેલા સુખમાંથી દુ:ખ મળ્યું જ નથી. વધુ સારું સુખ મળ્યું છે. સુખને જોડવામાં પીડા પણ ખરી. વળી, સાંધવા માટે સોય જોઇએ અને સોયથી ટેરવાંને ટશર પણ ફૂટે. સુખને સીવતાં કોઇને આવડે છે ખરું? સુખના ટુકડાઓ ભલે ટુકડા થઇ ગયા હોય પણ એ શીર્ણવિશીર્ણતામાં પણ જેને દુ:ખ નહીં, લય દેખાય એ જ સાચા જીવનનો મરમી છે.

આપણને ફાવે છે સુખ જોડે અને સહીએ છીએ એના ટુકડાઓ સાથે. આપણું દુ:ખ સંધાતું નથી એટલે સુખ બનતું નથી અને એમાં જ આનંદ મળી જાય છે. જીવનના હકારની આ કવિતા સુખને શોધી લીધા પછી, એને હાથમાંથી છટકી ગયા પછી એની વેરણ હાલતમાં પણ દેખાતા સુખના અનુસંધાનની વાત છે. આ કવિતામાં સમાધાન સાથે સહજતાથી પરોવાઇ જતાં પ્રેમની વાત કરી છે. વિખેરાઇ જાય એ જ ભેગું કરીને વીંટળાઇ પણ જાય. સુખ સિવાય જગતમાં કશું પર્યાપ્ત નથી, સમજદારી સુખ ઉપર શણગાર કરતી હોય છે. ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો