તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે શોભે સોહામણી ઝૂલ... પહેલું ફૂલ જાણે મારા સસરાજી શોભતા મોંઘેરું મોગરાનું ફૂલ એની સુવાસે મ્હેકે ઘરઘરનો ઓરડો ગંભીર ને સહુમાં અતુલ... બીજું ફૂલ જાણે મારી નણદી પેલી નાનકડી જાણે રૂડું ચંપાનું ફૂલ જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું મસ્તીમાં રહેતું મશગુલ... ત્રીજું ફૂલ જાણે મારાં સાસુજી આકરાં જાણે પેલું સૂર્યમુખી ફૂલ સૂરજ ઊગતાંની સાથ માંડતું એ મ્હેકવા સાંજ સુધી કાઢતું એ ભૂલ... ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું જાણે રૂડું રાતરાણી ફૂલ દિવસે ના બોલે એ મોટાંના માનમાં રાતડિયે બોલે બુલબુલ
-અવિનાશ વ્યાસ
દરતી સૌંદર્ય પહેલેથી જ હોય એવા પાર્ટીપ્લોટમાં લગ્ન થાય છે. ડેસ્ટિનેશન મેરેજનો મહિમા વધ્યો છે. ઘરઆંગણેથી પુત્રીને વિદાય કરવાના કે ઘરને આંગણે પુત્રવધુને આવકારવાના દિવસો ગયા! લગ્નો સાત-આઠ દિવસ ચાલે અને લગ્ન વિધિ સાત-આઠ મિનિટ! દરેક દિવસની થીમ અલગ. ફેશન બદલાય એમ જૂની ફેશન નવીમાં પરિણમે! એક સમય હતો જ્યારે પ્રસન્ન દાંપત્યની થીમ ઊજવાઇ જતી. સહિયારા કુટુંબમાં સહિયારો સ્નેહ હતો. પ્રેમ મઝિયારાની મિલકત જેવો ભાગ પાડી ન શકાય. સુખી વહુની વેણીમાં ઊમળકાની સુગંધ છલકાતી હોય. આ વેણી કોઈ એક ફૂલની નહીં, અલગ અગલ ફૂલોની હોય છતાં ફૂલોને પરોવતી દોરી જેવી પુત્રવધુ પરિવારની આમાન્યા અને પતિની ઈજ્જતનો ખ્યાલ રાખે. વેણી અને પ્રેમ કરમાઈ ન જાય અેનું ધ્યાન રાખે. અવિનાશ વ્યાસના આ ગીતમાં દાંપત્ય અને કુટુંબની સહિયારી સમજ પ્રગટી છે. દરેક ફૂલની સુગંધ જુદી, પણ ઋણાનુબંધ પ્રેમનું! મોગરાના ફૂલ જેવા સસરાજી. તડકામાં મોગરો વધુ સુગંધ આપે બાજુમાં સાસુજી હોય ત્યારે આવું અવશ્ય બને... સસરાજીના કારણે ઘર અને પ્રત્યેક ઓરડો રૂઆબદાર થઈને મહેકે છે. નાનકડી નણંદ ચંપાનું ફૂલ... એ વખતે મિલકતમાં ભાગ માંગવાનો રિવાજ નહોતો! ચંપો એવરગ્રીન હોય. સૂર્યમુખીનું ફૂલ. સૂરજની સામે અને સૂરજ હોય ત્યારે ઊગે. સાસુજી સાથે સરખાવીને અવિનાશ વ્યાસે આમન્યાને આત્મીય કરી છે. ચાલે સાસુજીનું પણ પૂછે તો સસરાને જ! સવારથી સાંજ સુધી ભૂલો કાઢે પણ નવા ફૂલો ઊગાડે! આકરાં પણ અઘરાં નહીં. ચોથું ફૂલ રાતરાણી જેવા હૈયાના હારનું... હૈયાના હારમાં જ હૂંફની જીત સમાયેલી છે. જીવનના હકારની આ કવિતામાં સહિયારા કુટુંબનો પ્રાણ સમાયેલો છે. કુટુંબમાં સાથે રહીને આનંદની છોળો ઊડતી હોય એવા પ્રત્યેક કુટુંબનું આ રાષ્ટ્રગીત છે. જેની વેણીમાં ફૂલોએ મંગલાષ્ટક ગાયું હોય ત્યાં સુગંધ ક્યારેય મુંઝાતી કે મૂરઝાતી નથી.⬛ ghazalsamrat@gmail.com
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.