રણમાં ખીલ્યું ગુલાબ:તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં, અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

મારું નામ શ્યામલ. આપ જ પ્રો. અનિકેત શાહને? એ આપને જ મળવા ઇચ્છતો હતો. પણ મારી પાસે તમારું સરનામું ન હતું. આજે સરનામાને બદલે તમે જ મળી ગયા. હું અહીં તમારી બાજુની સીટમાં બેસું તો વાંધો નથીને?’ અમદાવાદથી સુરતના હાઇવે પર પૂરપાટ વેગે દોડતી પ્રાઇવેટ લક્ઝરી બસ. બસ ચાલુ થઇ ગયા પછી છેલ્લી મિનિટે બસમાં ચડેલો આ પેસેન્જર. પ્રોફેસરની બાજુની સીટમાં બેઠેલા એક સજ્જન પુરુષને ડરાવવાની શૈલીમાં સમજાવીને સીટની અદલાબદલી કરીને એ છોકરો પ્રોફેસરની બાજુમાં ગોઠવાઇ ગયો હતો. ઉપરથી પૂછતો હતો, ‘તમને વાંધો નથીને?’ સાડી સત્તર વાર વાંધો હતો. આવો જાંગડ માણસ પોતાની બાજુમાં ત્રણ-ચાર કલાક બેસે એ કોને ગમે? ન કોઇ ભાષાનો વિવેક, ન કોઇ વસ્ત્રોની સુઘડતા. જગતભરના કાંસકાઓ ગાયબ થઇ ગયા હોય એવા વાળ. છેલ્લે ક્યારે નાહ્યો હશે એ યાદ કરવા માટે મહેનત કરવી પડે. ઠેકાણા વગરનો ચહેરો અને ઝાડી-ઝાંખરા જેવી ટૂંકી દાઢી. આંખોની લાલાશ જોઇને એણે છેલ્લે પીધેલાં પીણાં વિશે શંકા જાગે. અને ઉપરથી પૂછતો હતો, ‘અહીં બેસું તો તમને વાંધો નથીને?’ પ્રોફેસર કંઇ જવાબ આપે એ પહેલાં પોતાના નામ સાથે જરાય મેળ ન ખાતા શ્યામલે બોલવાનું શરૂ કર્યું, ‘તમે એ જ લેખક છોને જે અમારા જેવા યુવાનો માટે પ્રેમકથાઓ લખો છો. મારે તમારી પાસે મારી લવસ્ટોરી લખાવવી છે.’ પ્રો. અનિકેતને કહેવાનું મન થઇ ગયું, ‘હું તમારા જેવા યુવાનો માટે લવસ્ટોરી લખું છું એ સાચું પણ હું તમારા જેવા યુવાનોની લવસ્ટોરી નથી લખતો.’ પ્રો. અનિકેત ગમ ખાઇને ચૂપ રહ્યા. આવા માણસને આવું મોઢામોઢ ન કહેવાય. ક્યારેક લાલ પીણું અને લાલ આંખ નડી જાય! એમણે મોઢું બંધ રાખ્યું અને કાન ખુલ્લા. શ્યામલે વાત માંડી, ‘હું હિંમતનગર પાસેના એક ગામડામાં રહું છું. થોડુંઘણું ભણ્યો છું. વધુ ભણ્યો હોત જો મારી સાથે રાધા નામની એક રૂપાળી છોકરી ભણતી ન હોત! આમ તો મારું નામ સવજી હતું પણ રાધાની સાથે જોડી જમાવવી હોય તો નામ સારું હોવું જોઇએ.’ પ્રો. અનિકેતના મનમાં સમાંતર સંવાદ ચાલતો હતો, ‘આ ડોબાને ભાન નથી કે રાધાની સાથે જોડી જમાવવી હોય તો દેખાવ પણ સારો હોવો જોઇએ.’ પણ આંખની લાલાશ જોઇને પ્રોફેસર ચૂપ જ રહ્યા. બસની જેમ જ પ્રેમકહાણી પણ પૂરપાટ વેગે દોડતી રહી. એ નાનકડા ગામમાં સવજીની મોટી ધાક હતી. શેરીયુદ્ધોનો એ વિજેતા સેનાપતિ હતો. એના દ્વારા અનેકવાર ગામડાની ધૂળ રક્તરંજિત થઇ હતી. એની ટૂંકી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન સાતેક જેટલા શિક્ષકો સામેથી ટ્રાન્સફર માગીને બીજે ગામ જતા રહ્યા હતા. એ સ્વાભાવિક છે કે રાધા જેવી કોમળ ટીનએનજર છોકરી આવા રુક્ષ યુવાનના પ્રેમ પ્રસ્તાવથી ડરી જાય. એણે ઘરમાં વાત કરી દીધી. એના પિતા સીધાસાદા શાંતિપ્રિય મધ્યમ વર્ગીય ખેડૂત હતા. એ પણ ડરી ગયા. એમણે સવજીના ઘરે જઇને એના બાપને આજીજી કરી, ‘ગોરધનભાઇ, તમારા સવજીને સમજાવો કે મારી ભોળી પારેવડીને હેરાન ન કરે નહીંતર મારે દીકરીને શાળાએથી ઉઠાડી લેવી પડશે.’ સવજીના બાપાએ વિનંતી મંજૂર રાખી. રાત્રે જ્યારે સવજી ઘરે ગયો હશે ત્યારે શું થયું હશે એ ભગવાન જાણે! પણ બીજે દિવસે ગામની ધૂળ રક્તરંજિત થઇ એ બધાંએ જાણ્યું. ખેતરે જવા નીકળેલા રાધાના બાપ પર સવજીએ હુમલો કર્યો. છરીથી હાથ ઘાયલ કરી નાખ્યો. પ્રો. અનિકેતને બગાસાં ઉપર બગાસાં આવી રહ્યાં હતાં. એમને વાતમાં કંઇ દમ લાગતો ન હતો. આવું તો સદીઓથી ચાલ્યું આવે છે. આમાં નવું શું હતું? રૂપાળી છોકરી, એને જોઇને છોકરાના મનમાં જાગતો વાસનાનો ભડકો, એને અપાયેલું રૂપાળું નામ: ‘લવ એટ ફર્સ્ટ સાઇટ.’ કાં છોકરીનો ઇન્કાર, કાં એના માવતરનો ઇન્કાર. પછી છોકરો દેવદાસ બની જાય. ઉદાસીનું અંગરખું પહેરી લે. કામકાજ કર્યા વગર દિવસ આખોે ફર્યા કરે. થોડુંઘણું ભણેલો હોય તો ઉછીની શાયરી ગણગણ્યા કરે. સવજીની વાત પણ આવી જ હતી. આમાં શું લખે? પણ સવજીને આવું કહેવાય શી રીતે? એની લાલ આંખ નડતી હતી. રાધા અઠવાડિયા સુધી શાળામાં ડોકાઇ નહીં. આઠમા દિવસે એ શાળાએ જવા નીકળી. દફતરમાં ચોપડીઓની સાથે હિંમત પણ ભરીને નીકળી હતી. અચાનક જમીનમાંથી ફૂટ્યો હોય એમ સવજી પ્રગટ થયો. પોતાના કૃત્ય બદલ અફસોસ વ્યકત કરતો હોય એવી રીતે એણે પૂછ્યું, ‘કેવું છે તારા બાપને! ઘા રુઝાઇ ગયો?’ રાધાને એવી તો ખીજ ચડી કે વાત ન પૂછો. એણે દાંત ભીંસીને કહી દીધું, ‘તારામાં શરમ જેવું કંઇ છે કે નહીં? તું નીકળ્યો છે મારી સાથે પ્રેમ કરવા અને મારા જ બાપુના હાથમાં તેં છરી મારી? તને એમ છે કે મારા બાપુ ડરી જશે?’ સવજીને આ વાત પસંદ ન આવી. એણે તોપનું નાળચું હવે રાધાની દિશામાં ફેરવ્યું, ‘તારો બાપ તો શું, તું પોતે પણ ડરી જઇશ. મારી સાથે પરણવું છે કે નહીં? જો ના પાડીશ તો તારા કટકા કરીને મોંમાં ભંડારી દઇશ. પછી ભલે મને ફાંસીની સજા થતી. તને જીવતી નહીં મેલું.’ પ્રો. અનિકેત ટટ્ટાર થયા. વાત હવે જામતી જતી હતી. આ સનકી જુવાનનો એકતરફી પ્રેમ હવે કંઇક અલગ રંગ પકડતો જતો હતો. રણમાં ગુલાબ તો ઘણાં ખીલતાં હોય છે, અહીં તો કાંટા પણ દેખાવા લાગ્યા હતા. એમણે પહેલીવાર મોં ખોલ્યું, ‘પછી શું થયું? રાધાએ હા પાડી દીધી?’ વાર્તા આગળ વધી. રાધાના પિતાએ રાતોરાત રાધાને ગાયબ કરી દીધી. પોતે પણ ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા. સવજીને ખબર પડી ત્યારે એ બહુ ધૂંધવાયો. એની પાસે એના જેવા જ બદમાશ મિત્રોની નાની એવી સેના હતી. મિત્રોને એણે જાસૂસીના કામ પર લગાવી દીધા. એક મહિનાની દોડધામ પછી રાધાનો પત્તો જાણવા મળ્યો. ક્યાં હતી રાધા? ‘સાહેબ, મારી રાધાને એના મામાના ઘરમાં સંતાડી દીધી છે. એના મામાનું ઘર છેક ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પાસેના એક ગામમાં આવેલું છે. હું ત્રણ વખત ગુપ્ત રીતે ત્યાં જઇને રેકી કરી આવ્યો છું પણ મારાથી છતા થવાય એવું નથી. રાધાના મામા એ પંથકના બહુ મોટા માથાભારે ગુંડા છે. લાઇસન્સવાળી બંદૂક રાખે છે. જો હું પકડાઇ જાઉં તો મારું આવી બને. એટલે જ હું તમને શોધતો હતો.’ સવજી હવે એની પ્રેમકથામાં વર્તમાન કાળ તરફ આવી રહ્યો હતો. ‘મને? મને શા માટે શોધતો હતો?’ પ્રો. અનિકેત થોડાઘણા ટટ્ટાર હતા એમાંથી પૂરેપૂરાં ટટ્ટાર થઇ ગયા. ‘હું તમને એટલા માટે મળવા માગતો હતો કારણ કે મારી રાધાને મજબૂત કિલ્લેબંધીમાંથી મારા સુધી પાછી લઇ આવે એવું જો કોઇ હોય તો એ ફક્ત તમે જ છો. તમે જાણીતા લેખક છો. એટલે તમારે પોલીસ ખાતા સાથે પણ ઓળખાણ હોય જ. મારા બગલથેલામાં એક ડાયરી છે, જેમાં મેં બધું વિગતવાર લખ્યું છે. મેં નક્કી કર્યું હતું કે હું જ્યારે તમને મળવા આવીશ ત્યારે એ ડાયરી તમારા હાથમાં સોંપી દઇશ. મારે મારી લવસ્ટોરી નથી લખાવવી. મારે તો તમારા હાથે મારા લવમેરેજ કરાવવાં છે.’ સવજીની આંખમાં લેખક પ્રત્યેનો અખૂટ વિશ્વાસ છલકતો હતો. પ્રો. અનિકેત ડાયરી ખોલીને એનાં પૃષ્ઠોમાં ખોવાઇ ગયાં. એમાં અથથીઇતિ સુધીનું વર્ણન હતું. લગભગ 80 જેટલાં પાનાંઓમાં એક અણસમજુ, ગ્રામીણ, હિંસક અને ઝનૂની પ્રેમીની લાગણી પથરાયેલી હતી. છેલ્લાં પાને અમદાવાદથી રાધાના મામાના ગામડા સુધી જવાનો રોડમેપ બનાવેલો હતો. માર્ગમાં આવતાં મોટાં શહેરો, નાનાં ગામડાં, નદી, પુલો, ચા-નાસ્તા માટેના ધાબાં આ બધાંનું નિરૂપણ કરેલું હતું. સૌથી છેલ્લે વિનંતી કરી હતી. અલબત્ત, એ વિનંતી સવજીની શૈલીમાં હતી: ‘સાહેબ, મારી જિંદગી તમારા હાથમાં સોંપી દીધી છે. તમારે મારું કામ કરી જ આપવાનું છે. જો મારી રાધા મને નહીં મળે તો હું બાગી બની જઇશ. આખા સમાજ સામે બંડ પોકારી ઊઠીશ. દેશી કટ્ટો લઇ આવીશ. પછી મારા હાથે કેટલાં લોકોનાં ખૂન થશે એની મને ખબર નથી. કદાચ એમાં પહેલું નામ તમારું પણ હોઇ શકે!’ પ્રો. અનિકેત સાથે બની ગયેલી સત્ય ઘટના. આવો ઝનૂની પ્રેમી એમણે પહેલો અને છેલ્લો જોયો. અલબત્ત, રાધાને શોધી લાવવાનું કામ કરી આપવાનું એમણે સપનામાં પણ ક્યારેય વિચાર્યું નહીં. અનુભવથી એ જાણતા હતા કે ભસતા કૂતરા કરડે નહીં. રાધા જેવી છોકરીઓને ભગવાને એટલી સમજણ તો આપી હોય છે કે હટ્ટાકટ્ટા પ્રેમીઓ સારા પણ પટ્ટાવાળા પ્રેમીઓ સારા નહીં. (શીર્ષકપંક્તિ: નાઝિર દેખૈયા) ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...