વિચારોના વૃંદાવનમાં:ધર્મ નામના કોહિનૂરની સૌથી નજીક ઊગેલી બાબત એટલે સંવેદનશીલતા!

21 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

મે એક હજાર વાર મંદિરે જાવ, એક લાખ વાર મસ્જિદે જાવ અને એક કરોડ વાર દેવળે જાવ, પરંતુ જ્યાં સુધી તમને સંવેદનશીલતાથી છલકાતું હૃદય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમને धर्म નામનો કોહિનૂર પ્રાપ્ત નહીં થાય. મંદિર, મસ્જિદ અને ચર્ચના આંટાફેરા ફોગટ છે કારણ કે ભગવાન ઇમારતનો મોહતાજ નથી, મહોબતનો કીમિયાગર છે. ધર્મગુરુઓ આવી વાત તમને કદી નહીં કરે. એમ કરે તો તેઓ જરૂર ભૂખે મરે. સંવેદનશીલ હૃદય મનુષ્યની સૌથી નાજુક અમીરાત છે. કોઇ મીરાં, કોઇ રાબિયા કે કોઇ રેહાના (તૈયબજી)ને જ એવી અમીરાત પ્રાપ્ત થઇ શકે, અન્યને નહીં.

ટીવી પર સમાચાર હતા. અમરીન ભટ્ટ નામની ટીવી કલાકારની હત્યા આતંકવાદીઓએ કરી. એ સુંદર સ્ત્રીની અટક ભટ્ટ નહીં પણ ‘ભટ’ હતી. કદાચ મૂળે એ બ્રાહ્મણકન્યા પણ હોઇ શકે. આ ‘ભટ’ અટક ધરાવનારા કાશ્મીરીઓ ધર્માંતરને કારણે પોતાની અસલી અટક કાયમ રાખીને હરતાં-ફરતાં મુસલમાનો છે. ટીવી પર અમરીનનો શોકગ્રસ્ત પરિવાર બતાવવામાં આવે છે. એમાં સ્ત્રીઓને હૈયાફાટ રુદન કરતી સ્ત્રીઓ વચ્ચે અમરીનની માતા બેઠી છે. એ માતા ઊંચા અવાજે કેટલાક ન સમજી શકાય તેવા શબ્દોમાં દીકરીને યાદ કરીને મોટા અવાજે પોતાનું દુ:ખ ઠાલવી રહી છે. થોડોક સમય વીતે છે અને અમરીનના અબ્બાજાન થોડાક શબ્દો માંડ ઉદ્્ગારે છે: યહ આતંકવાદ હૈ ઔર કુછ નહીં. મુસલમાન મુસલમાન કો માર રહા હૈ’ મારી આંખમાંથી આંસુ વહી રહ્યાં છે. અમરીનમાં મને મારી દીકરી દેખાય છે. કૉફિનમાં કોઇ શહીદ જવાનને વિદાય અપાય ત્યારે પણ બે હાથ જોડીને નમસ્કાર કરવાનું અચૂક બનતું રહે છે. શહાદતના મૂળમાં પણ અકરુણા અને હિંસા રહેલી હોય છે. શહાદત સાબિત કરે છે કે માનવીને જીવનનું મૂલ્ય નથી સમજાયું. જે ધર્મ આવી કતલને સહન કરી શકે એ ‘ધર્મ’ કહેવાય ખરો? અમરીનનો ગુનો શું હતો? એણે પાત્રના અભિનય વખતે નાચવું પડતું હતું. નૃત્ય તો ઇસ્લામવિરોધી ઘટના ગણાય તેથી અમરીનની હત્યા ધર્માનુકૂલ ગણાય ને! એક બાજુ પાયાવિહીન માન્યતા અને બીજી બાજુ રોકડું મૃત્યુ! ઇસ્લામ સ્વસ્થ બને પછી જ કદાચ પૃથ્વી પર શાંતિની શરૂઆત થશે. ‘આરબ સ્પ્રિંગ’ની શરૂઆત થઇ ત્યારે ખાસી આશા જન્મી હતી, પરંતુ એ ક્રાંતિ નિષ્ફળ ગઇ ત્યારે નિરાશા જ નિરાશા! ટ્યુનિશિયામાં ક્રાંતિનો પ્રારંભ થયા પછી એ વાત દુનિયામાં વાઇરલ થઇ પણ કમનસીબે એનું અકાળ મૃત્યુ થયું.

સંવેદનહીન મનુષ્ય કદી પણ ‘ધાર્મિક’ ન હોઇ શકે. આતંકવાદી કદી ધર્મપ્રેમી ન હોઇ શકે. સ્વાત ખીણ પાકિસ્તાનમાં આવેલો એક એવો વિસ્તાર છે, જેનો જોટો દુનિયામાં ક્યાંય જડે તેમ નથી. એ વિસ્તારમાં આવેલા એક ઘરમાં રહેનારી મુસલમાન યુવતી ડેન્સર હતી એટલું જ નહીં પણ એ ડેન્સિંગના વર્ગો દ્વારા અન્ય યુવતીઓને નૃત્યકલા શીખવી રહી હતી આતંકવાદીઓએ એને ચેતવણી પહોંચાડી કે નૃત્ય ઇસ્લામમાં હરામ છે, તેથી વર્ગો ચલાવવાનું બંધ કરો, વરના… એ યુવતીએ વર્ગ ચાલુ રાખ્યા. એક દિવસ એના ઘર પાસે મોટરબાઇક પર બે પુરુષો પહોંચી ગયા અને બોલ્યા: અમે બે મિનિટમાં તારું માથું ધડથી જુદું કરવા માટે આવ્યા છીએ. તરત જ એ સુંદર સ્ત્રીને ઘસડીને ઘરની બહાર રસ્તા પર લઇ જવામાં આવી અને તલવાર દ્વારા એનું ડોકું કપાઇ જાય તેવી ક્ષણ આવી પહોંચી. પેલી કલાકાર સ્ત્રી ગભરાઇ ગઇ અને બે પુરુષોને કાલાવાલા કરવા લાગી: ‘અલ્લાહને ખાતર મારી વિનવણી સાંભળો. તલવારથી મારું ડોકું ઉડાવી દેવાને બદલે મને ગોળી મારીને પૂરી કરો.’ આતંકવાદીઓએ ‘કરુણા’ બતાવી અને એ કલાકારની ઇચ્છા પ્રમાણે બંદૂકની ગોળીથી એ સ્ત્રીને ખતમ કરી નાખી. કોણ કહે છે કે આતંકવાદીઓ પાસે કરુણા નથી હોતી??? આખરે ધર્મનો પાયો ઉચ્ચ કક્ષાના વિચારોનો જ હોઇ શકે. સનાતન ધર્મની સનાતનતામાં સનાતન વિચારો જ હોઇ શકે. પરિણામે એ ધર્મ અનેક આક્રમણો અને આપત્તિઓ સામે ટકી શક્યો છે. હિંદુઓને વિચારમાં શ્રદ્ધા હોવી જોઇએ.

બંદૂકધારી પાસે પણ જો સંવેદનશીલતા હોય, તો તેનો આદર થવો જોઇએ. એની લાઠી પણ ક્યારેક ‘અકરુણાવાન’ હોઇ શકે છે! વિનોબાજીની પદયાત્રા ગુજરાતમાં પ્રવેશી પછી એમના પ્રવચનમાં શબ્દો સંભળાયા હતા: હમકો બેબંદૂક સમાજ કી રચના કરની પડેગી.’ આવો બંદૂકવિહીન સમાજ આપોઆપ સંવેદનશીલ સમાજ બની જાય ખરો? પછી પુત્રવધૂનું લોહી પીનારી સાસુઓનું શું થશે? પિયરમાં ઝઘડાનાં વાવેતર કરનારી નણંદોનું શું થશે? સંવેદનવિહીનતા કેવળ તલવાર કે ખંજરથી જ પ્રગટ નથી થતી. દહેજની પ્રથા સંવેદનશૂન્યતાનો રોકડો નમૂનો છે. દહેજમૃત્યુ માટે તલવાર,ખંજર કે ઝેરની જરૂર નથી પડતી. દહેજમૃત્યુ એટલે દહેજના લોભને કારણે થતું કન્યાનું મૃત્યુ. સતીપ્રથાને કારણે કોઇ પુરુષને તમે ‘સતો’ થનારો જાણ્યો છે? વાત સાવ સાચી કે મનુષ્યને સંવેદનશીલતા પ્રાપ્ત થાય એ જરૂરી છે. ધર્મ વિનાની સંવેદનશીલતા ચાલે, પરંતુ સંવેદનશીલતા વિનાનો धर्म નહીં ચાલે. આ વાત ઝટ નથી સમજાતી. એ સમજાશે પછી ધર્મનું ઇમારતીકરણ બંધ થશે. એવું બને તે જોઇને મરવાનું હવે શક્ય નથી જણાતું. ઘરનાં દ્વાર ખૂલે તે માટે હથોડો ચાલે, પરંતુ હૃદયનાં દ્વારા ખૂલે તે માટે તો મોરપીંછ વધારે ઉપકારક ગણાય. મોરપીંછ તો કોમળતાનું કાવ્ય છે અને કૃષ્ણનું પ્રેમશસ્ત્ર છે. મોરપીંછ સાથે રાધાની સંવેદનશીલતા જોડાયેલી છે. દુર્યોધનને આવી ગાંડીઘેલી વાતોમાં શી સમજ પડે? બ્રિટનના ઇતિહાસમાં એક યુદ્ધનો ઉલ્લેખ જાણીતો છે: ‘ગુલાબોનો વિગ્રહ’ (Battle of Roses). સમગ્ર પૃથ્વી પર વિચારોનું વૃંદાવન રચાય એ શું શક્ય છે? આ કોલમ એવી શક્યતાની શોધમાં જ ચાલતી રહેશે. ગુલાબને કારણે પણ મનુષ્ય લડી શકે?

ધર્મશૂન્ય સમાજ સુખી જ હોય એવા ભ્રમમાં રહેવા જેવું નથી. ચીનમાં ‘કલ્ચરલ રેવોલ્યુશન’ પૂરું થયું પછીનાં વર્ષોમાં એક પછી એક મંદિરોનું નિર્માણ શરૂ થઇ ગયેલું! તાઇવાનના ટાપુ પરથી પાછા ફરેલા ચીની નાગરિકોએ કન્ફ્યુશિયસનાં તૂટેલાં મંદિરોનું નવનિર્માણ શરૂ કરી દીધું હતું. રશિયન ક્રાંતિ પછી ધીમે ધીમે લોકો છાનામાના ચર્ચમાં જતા થયેલા! આજે પણ રશિયામાં orthodox ચર્ચ જીવતાં થયાં છે અને ધમધોકાર ચાલે છે. કદાચ મનુષ્યને પણ ધર્મ વિના નથી સોરવતું! એચ. જી. વેલ્સ સમાજવાદી વિચારધારામાં માનતો હતો અને લગભગ નાસ્તિક હતો. એના યાદગાર શબ્દો બે વાર સાંભળવા જેવા છે.

અન્ય સમાચારો પણ છે...