તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:ઉજ્જવળ ભવિષ્ય દૂર હોતું નથી

વીનેશ અંતાણી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ક્ષણભંગુરતા’ના અહેસાસ પછી ખંડિત ક્ષણોમાંથી નવા યુગનું મંડાણ કરવાનું છે

ગયા વર્ષની દિવાળી ને આ વર્ષની દિવાળી વચ્ચે જાડો પરદો આવી ગયો. મહાભયાનક મહામારીમાં આખી દુનિયા સપડાઈ ગઈ. મૃત્યુના આંકડા ક્રૂર અને બીભત્સ નાચ કરતા રહ્યા. એવી વિભિષિકા વચ્ચે આપણે દિવાળીના દીવા પ્રગટાવ્યા. હવે નવા વર્ષમાં પ્રવેશ્યાં છીએ ત્યારે ઉજ્જવળ ભાવિ માટે દૃઢ સંકલ્પો કરવાનો સમય આવી ગયો છે. હવે પછીના સમયમાં જર્મન નાઝીઓના જુલમોનો ભોગ બનેલા લાખો યહૂદીઓની પ્રતિનિધિ જેવી કન્યા એન ફ્રેન્કના આ પ્રેરક સુવાક્યની જેમ વિચારવાની જરૂર છે. એણે કહ્યું હતું: ‘હું મારા પર આવેલી કોઈ પણ પ્રકારની વિપત્તિને યાદ રાખતી નથી, પરંતુ હજી જે કંઈ બાકી રહ્યું છે એમાં છુપાયેલા સૌંદર્યનો જ વિચાર કરું છું.’ ભયાનક કટોકટીમાંથી બહાર નીકળવા સૌએ સાથે મળી મક્કમતાથી સુંદર ભાવિ તરફ આગળ વધવાનું છે.

માનવજાત કપરા કાળમાંથી ફરી બેઠી થઈ રહી છે. એ આશાવાદી વાસ્તવિકતાને કેન્દ્રમાં રાખી ન્યૂ યોર્કથી પ્રકાશિત થતા ‘ટાઈમ’ સામયિકે ‘ધ ગ્રેટ રિસ્ટાર્ટ’ – ભગીરથ પુન:આરંભ – વિષય પર અંક પ્રકાશિત કર્યો. એમાં કોરોનાકાળ પછીના સમયમાંથી બહાર નીકળવા વિવિધ ક્ષેત્રોમાં થવા લાગેલા શુભ આરંભનું અવલોકન કરવામાં આવ્યું. યોગાનુયોગ એ અંકમાં એક કંપનીની જાહેરાત છપાઈ હતી. એમાં ભવિષ્ય પોતે જ જાણે આપણી સાથે વાત કરતું હોય એવી કલ્પના કરવામાં આવી છે. ભવિષ્ય માનવજાતને સંબોધીને કહે છે: ‘કેટલાક લોકો માટે હું બહુ દૂર હોઉં છું, પરંતુ જે લોકો મને સાચી રીતે ઘડવા માગે છે એમના માટે હું હંમેશાં નજીક હોઉં છું. ઘણા લોકો મારા વિશે શંકાશીલ અભિગમ ધરાવે છે. તેઓ મને આવકારવા તૈયાર હોય તો હું બે હાથ પહોળા કરી એમને ભેટવા તત્પર છું. તમે મને જેવું ઘડશો તેવું જ હું બનીશ. તેમ છતાં તમારે મને ઉજ્જવળ બનાવવા ધીરજ ધરવી પડશે. મને આકાર આપવા માટે યોગ્ય વાતાવરણ રચવું પડશે. હું તમારી નજીક છું એનો અર્થ એમ કે તમારા વર્તમાનમાંથી જ મારો આકાર ઘડાશે. તમારે બીજું કંઈ કરવાનું નથી, માત્ર સુખી જીવનનો તાગ કાઢવા માટે આજે તમારી સામે ઊભી થયેલી શક્યતાઓનો સદુપયોગ કરવાનો છે.’

એ જ અંકમાં ‘ટાઈમ’ના એડિટર-ઇન-ચીફ એડવર્ડ ફેલ્સનથાલે એમના સંપાદકીય લેખમાં લખ્યું કે આ વર્ષ ભયાનક પીડા, તકલીફો, અવ્યવસ્થા અને અકલ્પ્ય ખુવારીનું હતું. તેમ છતાં દુનિયાભરના દેશોએ મહામારીમાંથી ઊભા થઈ પુન:નિર્માણનું કાર્ય આદરી દીધું છે. મહામારીએ માનવજાતને બધું જૂનું બદલી નાખવાની તક આપી છે. આપણે દુનિયાને વધારે સમતોલ, સમાધાનકારી અને લાંબા ગાળા માટે ટકાઉ બનાવીએ. આપણે વીતેલા સમયની મર્યાદાઓમાં ફરીથી સરી પડીએ નહીં એ માટે દરેક વ્યક્તિથી માંડી બધા દેશોની સરકારે તકેદારી રાખવી પડશે. આજના સમયની માગ છે કે આપણે અગાઉની અયોગ્ય જીવનપદ્ધતિમાંથી બહાર નીકળી નવા જીવન તરફ પ્રયાણ કરવાનું છે.

આવો આશાવાદ માનવજાતનો મહત્ત્વનો સંકલ્પ બની શકે. તેમ છતાં સંકલ્પ કરીને બેસી રહેવાથી કશું વળશે નહીં. સમાજના બધા સ્તરના લોકોને સાથે રાખી નવું ભવિષ્ય ઘડવા તૈયાર થવું પડશે. કોવિડ-19ની મહામારીને લીધે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે જે સહન કર્યું તેને દુ:સ્વપ્ન માની નવા ચકચકિત ભવિષ્યનાં સપનાં સાકાર કરવા સાથે મળીને કટિબદ્ધ થવું જોઈએ. આવી ભયાનક કટોકટીમાં પણ માણસો ક્ષુદ્રતાઓમાંથી બહાર નીકળી શક્યા નથી. રાજકારણની અલગ ક્ષુદ્રતા હોય છે, સમૂહમાધ્યમોની અલગ, શિક્ષણસંસ્થાઓની વળી સાવ જુદી, સમાજ અને ધર્મની ક્ષુદ્રતા અલગ અને વ્યક્તિગત ક્ષુદ્રતાઓ અગણિત. સંકુચિત માનસમાંથી બહાર નીકળતાં શીખવું પડશે. ‘હું કશું ન કરું’ પ્રકારની માનસિકતા છોડવી પડે.

‍ગયા વર્ષે જીવન વિશે આપણા ખ્યાલો સમૂળગા બદલી જાય એવું ઘણું બન્યું છે. ‘ક્ષણભંગુરતા’નો અનુભવ બહુ સહન કર્યો, હવે ખંડિત ક્ષણોમાંથી નવા યુગનું મંડાણ કરવાનું છે. કપરા કાળમાં આપણી પાસે બે જ માર્ગ છે – કડવાશથી જીવીએ અથવા કપરા કાળના અનુભવોમાંથી નવું શીખી શ્રેષ્ઠ બનીને બહાર નીકળીએ. મલબામાંથી નવસર્જન થઈ શકે એ તો આપણે પ્રજા તરીકે અનુભવ્યું જ છે. હવે પછીનો સમય નવસર્જનનો છે. vinesh_antani@hotmaill.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser