તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોના વૃંદાવનમાં:તોપના ડાચામાં માળો બાંધીને પંખી પોતાનાં ઈંડાં સેવી રહ્યું છે!

2 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
 • કૉપી લિંક
 • એકવીસમી સદીમાં પેદા થયેલા નવા ધર્મશાસ્ત્રને આપણે ‘ઈકોસૉફી’ કહી શકીએ. એ નવો ધર્મ જ હવે અહિંસાની વ્યૂહરચના બની રહેશે

બ્રહ્માંડ અંગેનું આપણું જ્ઞાન એટલું તો મર્યાદિત છે કે એને અજ્ઞાનની સીમમાં મૂકી શકાય. આપણા શરીરમાં ભ્રમણ કરનારા લોહીનો શ્વેતકોષ આખા શરીરને સમજી જાય એવી આ વાત છે. પ્રખ્યાત બ્રિટિશ ખગોળશાસ્ત્રી બર્નાર્ડ લોવેલે કહેલું: આજની દૃષ્ટિએ જોઈએ તો બ્રહ્માંડ અંગેની આપણી સમજણ એક અબજ વર્ષો જેટલી પછાત (આઉટ ઑફ ડેટ) ગણાય. આઇનસ્ટાઇનના શબ્દો ઉપનિષદના મંત્ર જેવા પવિત્ર છે. તેઓ કહે છે:

જો બ્રહ્માંડમાં કોઈ સંવાદિતા ન હોય તો વિજ્ઞાન સંભવી શકે જ નહીં. કુદરતની રચના અદ્્ભુત છે અને આપણું કામ એ ગાણિતિક માળખાને શોધી કાઢવાનું છે....... ઈશ્વર બ્રહ્માંડ સાથે જુગાર ખેલતો હોય એમ હું માનતો નથી. હિંસાની ખરી શરૂઆત નખ દ્વારા થઇ હશે. પછી ચપ્પુ, ખંજર, તલવાર, બંદૂક અને બૉમ્બ જેવા તબક્કા દ્વારા હિંસાની ઉત્ક્રાંતિ આગળ વધી હશે. હિંસાના ક્ષેત્રમાં વ્યૂહરચના(સ્ટ્રેટેજી)નો વિકાસ થતો જ રહ્યો અને છેવટે પરમાણુબૉમ્બ સર્જાયો ત્યારે હિંસાની ઉત્ક્રાંતિ એની ચરમસીમા પર પહોંચી હશે. હિંસાના ક્ષેત્રમાં જેમ જેમ માનવી આગળ(?) વધ્યો તેમ તેમ અહિંસાના ક્ષેત્રમાં પણ એણે કોઈ વ્યૂહરચનાનો અમલ કર્યો હશે ખરો? ભગવાન મહાવીરના યુગમાં પ્રવચનો યોજાતાં તેમને ‘નિર્ગ્રંથ પ્રવચન’ કહેવાની પરંપરા હતી. ગ્રંથિ માણસને સંકુચિત બનાવે છે. એવી સંકુચિત મનોદશામાંથી મુક્ત થવા માટે મહાવીર સ્વામીએ ‘અનેકાંત’ જેવો શબ્દ પ્રયોજ્યો હતો. આમાં માણસનાં કે શત્રુના પક્ષે રહેલા ચપટીક સત્યનો સ્વીકાર કરવાની વૃત્તિ એટલે અનેકાંતવૃત્તિ. રામનારાયણ વિ. પાઠકે કહ્યું હતું કે આપણા લોકોની એક મર્યાદા પાકી છે. જેનું સારું, તેનું બધું જ સારું અને જેનું નઠારું એનું બધું જ નઠારું! આવી મનોવૃત્તિ એટલે અનેકાંતનો અભાવ. આવી મનોવૃત્તિમાં અનેકાંત ક્યાંથી? એવી મનોવૃત્તિ જ યુદ્ધની જનેતા છે. આજકાલ આર્મેનિયા અને અઝરબૈજાન જેવા બે પડોશી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રોજ હજારો માણસો મૃત્યુ પામે છે અને રાતોરાત ફળિયાં કાટમાળમાં ફેરવાઈ જાય છે. ટીવી પર એવાં દૃશ્યો જોઈજોઈને આપણી પાચનશક્તિ પર વિપરીત અસર વરતાય છે. કામચલાઉ સંધિ (truce) થઇ, પરંતુ એક જ દિવસમાં એ તૂટી પડી.

આલ્બર્ટ શ્વાઈટ્ઝર જ્યારે જીવમાત્ર પ્રત્યે આદર (રેવરન્સ ફૉર લાઈફ)ની વાત કરે છે ત્યારે લગભગ 2600 વર્ષ પર ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાનું સ્મરણ થતું જ રહે છે. મહાવીરસ્વામીએ સૌપ્રથમ માનવેતર જીવસૃષ્ટિ માટે પણ ‘જીવવાના અધિકાર’ની વાત કરી હતી. અત્યાર સુધી માણસને વાઘથી બચાવવાનો હતો, પરંતુ હવે માણસથી વાઘને બચાવવાનો પ્રારંભ થયો છે. આવું કેમ બન્યું? કોઈ પણ પ્રાણી, પક્ષી કે જંતુની સામૂહિક પાયા પર હત્યા થાય ત્યારે નષ્ટ થવાને આરે આવેલી એ પ્રજાતિને કારણે આપણી સૃષ્ટિનું સંતુલન (ઈકોસિસ્ટમ) ખોરવાય છે. એવું ન બને તે માટે સૃષ્ટિની બાયોડાઇવર્સિટી ન ખોરવાય તેમાં આપણો સીધો સ્વાર્થ રહેલો છે. પૃથ્વી ‘વાઘવિહીન’ બની જાય તેમાં આપણો સ્વાર્થ ખોરવાય છે અને ખોટકાય છે. માનવ-ઇતિહાસમાં પહેલી વાર અહિંસા અને સ્વાર્થનો રૂડો અનુબંધ રચાયો ! ‘ઈકોલોજી’ શબ્દ મૂળે ગ્રીક ભાષાના ‘Oikos’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હાઉસહોલ્ડ’ એટલે કે ‘ઘર’. સંસ્કૃતમાં ‘ઘર’ માટે ‘મંદિર’ શબ્દ છે. આમ ‘ઈકોલોજી’ એટલે પરિવારના યોગક્ષેમનું વિજ્ઞાન. ઈકોલોજી કોઈ ધાર્મિક વિભાવના નથી. હવે તો ઈકોલોજી અને ફિલોસૉફી જેવા બે શબ્દોને ભેગા રાખીને ‘ઈકોસૉફી’ જેવો નવો શબ્દ પણ પ્રચલિત થતો જાય છે. આમ એકવીસમી સદીમાં પેદા થયેલા નવા ધર્મશાસ્ત્રને આપણે ‘ઈકોસૉફી’ કહી શકીએ. એ નવો ધર્મ જ હવે અહિંસાની વ્યૂહરચના બની રહેશે. એના મૂળમાં ‘અહિંસક સત્યાગ્રહ’ હશે એ નક્કી! વર્ષો પહેલાં લોર્ડ બર્ટ્રાંડ રસેલે ‘ફ્યુચર ઓફ મેનકાઈન્ડ’ નામે નિબંધ લખેલો, જેમાં માનવજાતના ભવિષ્ય અંગે ત્રણ આગાહી કરવામાં આવી હતી :

1. સમગ્ર જીવસૃષ્ટિ અને માનવજીવન ખતમ થાય. 2. ભારે જીવસંહાર પછી બચી ગયેલી સૃષ્ટિ બર્બરતા તરફ વળે. 3. એક વિશ્વ-સરકાર હેઠળ સમગ્ર માનવજાત ભેગી રહે. પ્રથમ બે શક્યતાઓને હડસેલો મારીને ત્રીજી શક્યતાને તુલસીના છોડની માફક ઉછેરી શકાય એ મારી અંગત આસ્તિકતા છે. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં છાતીમાં તીર વાગવાથી ઢળી પડેલા કોઈના લાડકવાયાની ચીસ અને બૉમ્બ પડવાથી કાટમાળ બની ગયેલા પોતાના જ ઘરનો ભારોટિયો છાતી પર પડવાથી નીકળી પડેલી આખરી ચીસ વચ્ચે કોઈ તફાવત ખરો? શું એકવીસમી સદીમાં આર્મેનિયામાં કોઈ ફળિયામાં રહેતા યુવાનની ચીસને આપણે ‘મોડર્ન ચીસ’ કહીશું? કલિંગમાં, પાણીપતમાં, કોરિયામાં, બોંબદિલામાં, વિયેટનામમાં, હાજી પૂંચમાં, ઢાકામાં અને કંબોડિયામાં (ખેમર રોગ)માં કુરુક્ષેત્રની અસલ ચીસ વારંવાર સંભળાતી જ રહી છે. તીર થકી છાતી વીંધાય કે બંદૂકની ગોળી થકી વીંધાય તેથી ચીસ દ્વારા પ્રગટ થતી પીડામાં શો ફરક પડે? શું કોઈ ચીસ વ્યવહારુ હોઈ શકે? શું મનુષ્ય આવી પીડાને કારણે મરવા સર્જાયો છે?

હજી માનવજાત અહિંસાને અત્યંત વ્યવહારુ બાબત ગણવા તૈયાર નથી. હજી દુકાનદાર વેપારમાં પ્રામાણિકતાને વ્યવહારુ ગણવા તૈયાર નથી. હજી કોઈ વકીલ ગાંધીજીની ‘ખરી વકીલાત’ પછી સત્યનો સ્પર્શ કરવા પણ તૈયાર નથી. હજી કોઈ સમ્રાટ કે સરમુખત્યાર પ્રિયદર્શી અશોકની માફક બુદ્ધની કરુણાને આત્મસાત કરવા તૈયાર નથી. હજી કોઈ ઓફિસનો કર્મચારી દૂર દૂરથી કોઈ ગામેથી લાંબો પંથ કાપીને પોતાના ટેબલની સામે ઊભેલા અભણ માણસને ખુરશી પર બેસવાનું કહેવા તૈયાર નથી. હજી કોઈ બોસની પત્ની પોતાના પતિની હરામની (વધારાની) કમાણીનો અસ્વીકાર કરી ઘરે આવનારી નવી જાજરમાન મોટરગાડીમાં ફરવાનો ઇન્કાર કરવા તૈયાર નથી. હજી કોઈ કલેક્ટર કે મામલતદાર કે પ્રધાન કોઈ ઉપકૃત વેપારી પોતાને ઘરે કેવળ સ્વાર્થને કારણે મળવા આવે ત્યારે જે મીઠાઈનાં પેકેટ લેતો આવે તેને સવિનય પાછા વાળવા તૈયાર નથી. જ્યારે નાના પગારની નોકરી કરનારો કોઈ પોલીસ ટ્રાફિક સિગ્નલ તોડ્યા પછી મોટરબાઈક ચલાવનારા નાગરિકે આપેલી રૂપિયા પચાસની નોટ પાછી વાળશે અથવા એ રકમની રસીદ બનાવશે ત્યારે કદાચ દુનિયાના લોકોને સમજાશે કે પ્રામાણિકતા જેવી વ્યવહારુ બાબત બીજી કોઈ નથી, સત્ય જેવી વ્યવહારુ બાબત બીજી કોઈ નથી અને હિંસા જેવી અવ્યવહારુ બાબત બીજી કોઈ નથી. આવો અનોખો ધર્મોદય ક્યારે થશે? ***

પાઘડીનો વળ છેડે યુદ્ધની ખરી કરુણતા એ નથી કે એમાં માણસો મરે છે, પરંતુ એની ખરેખરી કરુણતા (ટ્રેજડી) તો એ છે કે યુદ્ધ તો મૃત્યુની કરુણતા(ટ્રેજડી)ને જ ખતમ કરે છે. -અમેરિકન કવિ જ્હોન બિશપ Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો