તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસ દર્શન:‘ભગવદ્્ ગીતા’: સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી

2 મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
 • કૉપી લિંક
 • સત્યની સાથે ચાલવું. અને પ્રેમની પાછળ ચાલવું. એનું અનુગમન કરવું

‘ભગવદ્્ ગીતા’ એ સ્વયં ત્રિવેણી છે એ કોઈ નવી વાત નથી. જેમાં જ્ઞાનનો પ્રવાહ, ભક્તિનો પ્રવાહ, કર્મનો પ્રવાહ, આ ત્રિવેણી તો છે જ. ‘ભગવદગીતા’ આરંભમાં પ્રશ્નો ઊભા કરે છે. વચ્ચેવચ્ચે પણ છે. મધ્યમાં સમાધાન ઊભાં કરે છે. અને અંતમાં શરણાગતિ સ્વીકારે છે. એટલે એ પણ ત્રિવેણી છે. પ્રશ્નો, સમાધાન અને શરણાગતિ એ પણ ત્રિવેણી છે. પ્રશ્નો હંમેશાં મન ઊભા કરે છે. પ્રશ્નોનું ઉદ્્ભ‌વસ્થાન મન છે. અને જ્યાં સુધી બુદ્ધિ ન સ્વીકારે ત્યાં સુધી આપણને સમાધાન ખપતાં નથી. સમાધાન એ બુદ્ધિનું ક્ષેત્ર છે. અને શરણાગિત ચૈતસિક હોવી જોઈએ, શારીરિક નહીં. ‘મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિઃ’ આપણી શારીરિક શરણાગતિ બહુ છે. શરણાગતિ ચૈતસિક હોવી જોઈએ. પ્રશ્નો મન ઊભા કરે. સમાધાન બુદ્ધિના સ્તરે આવે. શરણાગિત ચૈતસિક હોય. અંતઃકરણનો એક ચોથાઈ ભાગ આમાં હું લેતો નથી કારણ કે આ ત્રિવેણી છે. એ ચોથા ભાગને તો દૂર રાખવો જ સારો. એટલે કૈલાસ બહુ દૂર છે. શંકર સમષ્ટિનો અહંકાર છે. તો એ દૂર રહે તો સારું. અહંકાર શરણાગત થઈ શકે જ નહીં. નહીંતર તો અહંકારનું અસ્તિત્વ જ ન હોય. એટલે ‘ગીતા’માં તો આવી કેટલી સરસ ત્રિવેણી છે! ‘યજ્ઞ દાન તપ શ્રદ્ધા ત્રયો વિભાગ.’ કેટલી ત્રિવેણીઓ! આ ત્રણ પ્રકારનું તપ, ત્રણ પ્રકારની શ્રદ્ધા અને ત્રણ પ્રકારનું દાન. ત્રિવેણી જ છે. આપણે ત્યાં ત્રણ જગદ્્ગુરુ છે. આમ તો આપણા સનાતન ધર્મમાં જગદ્્ગુરુ રામાનુજાચાર્ય પધાર્યા. નિમ્બાર્ક ભગવાન પધાર્યા. માધવાચાર્ય પધાર્યા. અને આપણા જગદગુરુ વલ્લભાધીશ પધાર્યા. મહારાષ્ટ્ર તો તુકારામને પણ જગદગુરુ કહે. જગદગુરુ તુકારામ. પણ શાશ્વત જગદગુરુ કેટલા? શાશ્વત જગદગુરુ ત્રણ. એક રામ, એક કૃષ્ણ અને ત્રીજા શિવ. આ કૃષ્ણ કાળગ્રસ્ત, કાળ પકડે એવા જગદગુરુ નથી, કાલાતીત છે; શાશ્વત જગદગુરુ છે. શિશુપાલ આટલી ગાળો દે તો પણ એ જગદગુરુ છે. એ શાશ્વત જગદ્્ ગુરુ છે.

ભગવાન રામ શાશ્વત જગદ્્ ગુરુ છે. રજોગુણી માણસ એને શાશ્વત જગદગુરુ કહે તો તુરંત સ્વીકારવું મુશ્કેલ બને. સત્ત્વગુણી કહે તો પણ સ્વીકારવું મુશ્કેલ બને. તમોગુણી કહે તો તો સ્વીકારાય જ નહીં. કારણ કે ગુણઆશ્રિત નિવેદનો છે. પણ રામ પણ જગદગુરુ, શાશ્વત જગદગુરુ છે, એવું અત્રિ બોલ્યા છે. અને અત્રિ ગુણાતીત છે. અત્રિ એ ત્રણેય ગુણોથી પર છે. ‘જગદગુરું ચ શાશ્વતં. તુરીયમેવ કેવલં.’ અને આદિ-અનાદિ કાળના પણ કાળ એવા શાશ્વત જગદગુરુ ભગવાન સદાશિવ. આ પણ એક ત્રિવેણી છે. અને આ ત્રણેયના મુખમાંથી ત્રણ પ્રવાહો નીકળ્યા. હું‘ભગવદ્્ ગીતા’ને સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી કહું. ‘સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ.’ પહેલા છ અધ્યાય લઈ લો. સત્ય સિવાય શેનું પ્રતિપાદન છે? આ ત્રિવેણી છ-છ-છની ત્રિવેણી. અને પછી સાતથી બાર સુધી જઈએ તો ભક્તિયોગે જ્યાં પૂરી થાય એ પ્રેમનો પ્રવાહ છે. યદ્યપિ ‘ભગવદ્્ ગીતા’માં આમ વધારે ‘પ્રેમ’ શબ્દ નથી. ‘પ્રિય’ શબ્દ છે. અને પછીના જે છ અધ્યાય છે, એ જે ત્રીજો ભાગ છે એ કોઈએ કરેલી કરુણા છે. એ કર્મનો ભાગ કેહવાય. જે ત્રિવેણી છે જ્ઞાન, ભક્તિ અને કર્મની; પણ કોઈકે આપણા ઉપર કરુણા કરી છે એટલે સત્ય, પ્રેમ અને કરુણા.

કાયમ સત્યની સાથે ચાલજો. આજે લોકો તટસ્થ બને છે અને વધીવધીને મધ્યસ્થ બન્યા છે. કોઈ સત્યસ્થ બનવા તૈયાર નથી. સત્યસ્થ કેટલા? દેશને, રાષ્ટ્રને, વિશ્વને સત્યસ્થની જરૂર છે. એટલે આપણે સત્ય ન પાળી શકીએ તો કોઈ ચિંતા નહીં. આપણું ગજુંય નથી. સત્યની સાથે ચાલવું. અને પ્રેમની પાછળ ચાલવું. જ્યાં પ્રેમ હોય. ‘જે કોઈ પ્રેમ અંશ અવતરે’ એનું અનુગમન કરવું. એની પાછળ પાછળ ચાલવું. અને કરુણાને પાછળ રાખવી; આપણે આગળ ચાલવું. કારણ કે આપણને આનંદ રહે કે મારી પાછળ કોઈકની કરુણા કામ કરે છે. મારી પીઠ ઉપર કોઈની કરુણા હાથ ફેરવે છે. તો આ પણ એક ત્રિવેણી છે. તો ‘ભગવદ્્ ગીતા’ સ્વયં ત્રિવેણી છે. એ હકીકત છે. ‘ભગવદ્્ ગીતા’ સર્જક પણ છે, રક્ષક પણ છે, પાલક પણ છે અને સેવક પણ છે. ‘ભગવદ્્ ગીતા’ સર્જક છે. નવું જીવન સર્જે. ‘ભગવદ્્ ગીતા’ આપણું પોષક તત્ત્વ છે. એણે વચન આપ્યું છે, તારા યોગક્ષેમનું વહન હું કરીશ. એ પોષક છે. અને ‘ભગવદ્્ ગીતા’ સેવક પણ છે. બીજી ત્રિવેણી કહું તો ભગવાન કૃષ્ણ સર્જક છે. ભગવાન કૃષ્ણ રક્ષક પણ છે. ‘પરિત્રાણાય સાધુનાં.’ ભગવાન કૃષ્ણ પાલક પણ છે અને ભગવાન કૃષ્ણ સેવક પણ છે. પાતળ ઉઠાવે; સારથ્ય સ્વીકારે. સેવક પણ છે. વ્યાસ સર્જક છે. વ્યાસ આપણા સર્જક છે. વ્યાસ આપણા રક્ષક છે. વ્યાસ આપણા પાલક છે. વ્યાસ જેવી સેવકાઈ કોણે કરી?

ત્રિવેણીનો ત્રીજો પ્રવાહ હું એમ માનું છું; એક તો કૃષ્ણ ‘ગીતા’માં, બીજા વ્યાસ અને ત્રીજા હનુમાન. આપણે ત્યાં કોઈ પણ કર્મકાંડ, લગ્નવિધિ, વિવાહ આદિ અગ્નિની સાક્ષીએ થાય. ‘ભગવદ્્ ગીતા’ અગ્નિની સાક્ષીએ નથી આવી; વાયુની સાક્ષીએ આવી છે; પવનપુત્રની સાક્ષીએ આવી છે. અહીંયા મોટામાં મોટો સાક્ષ્ય લઈને બેઠો છે શ્રી હનુમાન, વાયુપુત્ર. અને હનુમાન સર્જક અને રક્ષક છે. ‘સાધુ સંત કે તુમ રખવારે.’ હનુમાન સર્જક છે. નવલ ઈતહાસ લંકાનો રચી નાખ્યો આ માણસે. હનુમાનજી પાલક છે. અને હનુમાનજી સેવક છે.
(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો